Categories
વાચન સમૃદ્ધિ

સિડની

ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું પાટનગર.

ઑસ્ટ્રેલિયાનું તે જૂનામાં જૂનું અને મોટામાં મોટું શહેર તથા દુનિયાનું સૌથી મોટું કુદરતી બારું છે. તે ૩૩° ૫૨´ દ. અ. અને ૧૫૧° ૧૩´ પૂ. રે.ની આજુબાજુનો ૧૨,૧૪૫ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સિડની શહેરની પૂર્વ તરફ પૅસિફિક મહાસાગર, દક્ષિણ તરફ વોરોનોરા ઉચ્ચપ્રદેશ, પશ્ચિમ તરફ બ્લૂ માઉન્ટન્સ તથા ઉત્તર તરફ હોસબરી નદી આવેલાં છે. સિડનીની વસ્તી આશરે ૫૫,૫૭,૨૩૩ (૨૦૨૪) જેટલી છે.

સિડની શહેર

તે ઑસ્ટ્રેલિયાના અગ્નિકાંઠા પર પૉર્ટ જેક્સન બંદરની આજુબાજુ વસેલું છે. તેમાં સિડની હાર્બર-(બારા)નો સમાવેશ થઈ જાય છે, તેથી આ શહેરને ‘હાર્બર સિટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંના લાંબા દરિયાકિનારા પરના ઘણા કંઠાર-રેતપટ અને હાર્બર બ્રિજ તેમ જ સિડની ઑપેરા હાઉસ જેવાં સ્થાપત્યોથી તેની વિશિષ્ટ ઓળખ ઊભી થયેલી છે. ભૌગોલિક દૃષ્ટિએ, શહેર બે મુખ્ય વિભાગોમાં વહેંચાયેલું છે : ૧. કુમ્બરલૅન્ડ મેદાન. તે બારાંની દક્ષિણ અને પશ્ચિમ તરફનો વિસ્તાર આવરી લે છે. ૨. હૉનર્ર્સ્બી ઉચ્ચપ્રદેશ. તે બારાંની ઉત્તર તરફ ખીણોથી ભેદાયેલો અને રેતીખડકથી બનેલો છે. આ શહેરમાં જૂનામાં જૂનું મકાન ‘કૅડમૅન્સ કૉટેજ’ છે. તે ૧૮૧૬માં બાંધવામાં આવ્યું હતું. મૅક્વેરી શેરી નજીક હાઈડ પાર્ક બૅરેક્સ તથા સેન્ટ જેમ્સ ચર્ચ આવેલાં છે. ૧૭૦ મીટર ઊંચો ઑસ્ટ્રેલિયા સ્ક્વેર ટાવર, ૧૯૮ મીટર ઊંચું AMP સેન્ટર, ૨૪૪ મીટર ઊંચું MLC સેન્ટર તથા ૩૦૫ મીટર ઊંચી સેન્ટર પૉઇન્ટ જેવી ગગનચુંબી ઇમારતો પ્રવાસીઓનું ધ્યાન ખેંચે છે. સમગ્ર સિડની વિસ્તારમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. આ પૈકી કેટલાક એકમોમાં હળવી કે ભારે ઇજનેરી યંત્રસામગ્રીનું તથા મોટરગાડીઓનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત કાપડ, ખાદ્યસામગ્રી, પીણાં અને તમાકુની પેદાશો બનાવવાનાં કારખાનાં પણ આવેલાં છે. પારામત્તા નદીમુખ સુધીના ભાગમાં રબરની પેદાશો, રેલવે-વર્કશૉપ, વાહનોના એકમો તથા વીજળીનાં તેમ જ ઇજનેરી કારખાનાં આવેલાં છે. સિડનીમાં પાંચ યુનિવર્સિટીઓ છે. તેમાં યુનિવર્સિટી ઑવ્ સિડની (૧૮૫૦) જૂનામાં જૂની છે. સિડની ખાતે ત્રણ સંગ્રહાલયો તથા કલાવીથિકાઓ આવેલાં છે. મનોરંજન માટે સિડની સિમ્ફની ઑરકેસ્ટ્રા, ઑસ્ટ્રેલિયન ઑપેરા કંપની અને ઑસ્ટ્રેલિયન બૅલે કંપની જાણીતાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિડની, પૃ. ૧૯૪)

Categories
વાચન સમૃદ્ધિ

ટાસ્માનિયા

ઑસ્ટ્રેલિયા ખંડના અગ્નિ છેડા પર આવેલું તેનું અંતર્ગત રાજ્ય. તેનું ક્ષેત્રફળ જળવિસ્તાર સહિત ૯૦,૭૫૮ ચોકિમી. છે, જે ઑસ્ટ્રેલિયાનો ૧% કરતાં પણ ઓછો વિસ્તાર રોકે છે. આ રાજ્યનું જૂનું નામ ‘વાન ડાઇમન્સલૅન્ડ’ હતું. તેની વસ્તી ૫,૭૧,૦૦૦ (૨૦૨૨, આશરે) છે. હોબાર્ટ તેનું પાટનગર છે જે રાજ્યનાં ચાર મોટાં નગરો પૈકીનું એક છે. ટાસ્માનિયાનું ભૌગોલિક સ્થાન ઑસ્ટ્રેલિયા ખંડના વિક્ટોરિયા રાજ્યની દક્ષિણ તરફના એક ટાપુ પ્રકારનું છે; જેમાં કિંગ, ફિલન્ડર્સ અને બ્રુની જેવા ટાપુઓનો પણ સમાવેશ થાય છે. ૪૦°થી ૪૩° દક્ષિણ અક્ષાંશવૃત્તો અને ૧૪૪°થી ૧૪૮° પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે તે આવેલું છે. ટાપુ પ્રકારના તેના સ્થાનને કારણે ટાસ્માનિયાની આબોહવા પશ્ચિમ યુરોપની આબોહવા જેવી છે. આ કારણથી અહીં લગભગ બારેમાસ વધતાઓછા પ્રમાણમાં વરસાદ પડે છે. ઑસ્ટ્રેલિયા દેશનું આ ફક્ત એક જ રાજ્ય એવું છે જ્યાં રણવિસ્તાર નથી. બારેમાસ વરસાદ પડતો હોવાથી સિંચાઈની ખાસ જરૂરિયાત ઊભી થતી નથી.

હોબાર્ટ  શહેર

આ રાજ્યમાં લગભગ બારેમાસ હૂંફાળું હવામાન અનુભવાતું જોવા મળે છે. આથી અહીં ઉનાળાની ઋતુમાં ૧૫°થી ૨૦° સે. અને શિયાળામાં ૧૦° સે. જેટલો તાપમાનનો ગાળો રહે છે. પશ્ચિમિયા પવનો અહીં બારેમાસ વરસાદ આપે છે. રાજ્યના પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગમાં વધુ વરસાદ પડે છે. પશ્ચિમના પહાડી પ્રદેશ અને ઉચ્ચપ્રદેશના ઢોળાવમાં ૨૫૦૦ મિમી. કરતાં વધુ વરસાદ નોંધાય છે. મધ્ય ભાગમાં ૧૦૦૦ મિમી. વરસાદ પડે છે. મૅક્વેરી નદીની ઉપલી ખીણમાં તો ટાસ્માનિયાનો સૌથી ઓછો, ફક્ત ૪૫૦ મિમી. જેટલો જ વરસાદ થાય છે. રાજ્યનો સૌથી વધુ વરસાદ ૩૬૫૦ મિમી. માર્ગરેટ સરોવર પાસે થાય છે. આ રાજ્યમાં થતો વરસાદ વિવિધ પ્રકારના ખેતીપાક માટે ઉત્તમ પ્રકારનો ગણાય છે. પ્રાકૃતિક રચનાની રીતે જોઈએ તો તેના મધ્યમાં ઊંચો પહાડી વિસ્તાર આવેલો છે તે ૭૦૦ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવે છે. દક્ષિણ તરફના ભાગમાં આર્થર પર્વતમાળા છે. મધ્યમાં આવેલા પહાડી પ્રદેશમાંથી નદીઓ ચારે તરફ નીકળીને સમુદ્રને મળે છે. કોર્પ અને સસ્ક નદી ઉત્તરમાં જાય છે, ડરવેન્ટ દક્ષિણ તરફ અને ગૉર્ડન નદી પશ્ચિમમાં વહીને જાય છે. ઉપરાંત મર્સી, મૅક્વેરી, ઍસ્ક, તમાર વગેરે નદીઓ છે. ટાસ્માનિયાના મધ્યભાગમાં ગ્રેટ લેક, સેન્ટ ક્લેર અને ઇકો સરોવરો આવેલાં છે. દરિયાકિનારાના વિસ્તારમાં સાંકડાં મેદાનો તૈયાર થયાં છે જે વિવિધ ખેતીપાક માટે ઉપયોગી છે. ટાસ્માનિયા રાજ્યની ભૂસ્તર રચના, પ્રાકૃતિક રચના, આબોહવા તથા માનવપ્રવૃત્તિઓના આધારે તેને પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે. ૧. વાયવ્ય પ્રદેશ : ૧૨૫૦ મિમી.થી વધુ વાર્ષિક સરેરાશ વરસાદવાળા આ ભાગમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગોનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે. તેમાં લા ટ્રોબ, અલ્વરસ્ટોન, ડેવેનપૉર્ટ અને બર્ની મુખ્ય ઔદ્યોગિક શહેરો છે. તે દરિયાકિનારે આવેલાં છે તથા એકબીજાં જોડે રેલવેથી સંકળાયેલાં છે. ૨. ઈશાન કિનારાનો વિસ્તાર : ઉત્તરમાં ગૉર્ડન નદી, ફ્રેન્કલિન પર્વતમાળા અને છેક દક્ષિણમાં પૂર્વ બાજુએ આર્થર પર્વતમાળાથી બનેલો છે. આ વિસ્તાર ઊંચા પર્વતોવાળો તથા વધુ વરસાદવાળો છે. દરિયાકિનારે મેદાનોનો અભાવ છે. તે ગીચ જંગલોનો વિસ્તાર છે. આર્થિક વિકાસ ખાસ થયો ન હોવાથી વસ્તીનું પ્રમાણ એકદમ ઓછું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટાસ્માનિયા, પૃ. ૨૫૪)

Categories
વાચન સમૃદ્ધિ

સિક્કિમ

ભારતના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય. દેશનાં નાના કદનાં રાજ્યો પૈકી તે બીજા ક્રમે આવે છે. તે ૨૭ ૩૫´ ઉ અ અને ૪૮ ૩૫´ પૂ રે ની આજુબાજુનો ૭,૦૯૬ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે તિબેટ અને ચીન, પૂર્વ તરફ ભુતાન, દક્ષિણે ભારતનું પશ્ચિમ બંગાળ રાજ્ય તથા પશ્ચિમે નેપાળ આવેલાં છે. ગંગટોક તેનું પાટનગર છે. તેની વસ્તી ૬,૯૮,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. સિક્કિમનું સમગ્ર ભૂપૃષ્ઠ પહાડી છે. અહીં હિમાલય વિભાગના પર્વતો, અવરજવર માટેના ઘાટ, ખીણપ્રદેશો તેમ જ કોતરો આવેલાં છે. ભારતનું પ્રથમ ક્રમે આવતું અને દુનિયામાં ત્રીજા ક્રમે ગણાતું ઊંચામાં ઊંચું શિખર કાંચનજંઘા અહીં આવેલું છે. હિમાલયની કેટલીક હિમનદીઓ પણ અહીં જોવા મળે છે. બ્રહ્મપુત્ર નદીની સહાયક તિસ્તા અહીંની મુખ્ય નદી છે. તે ઉપરાંત રંગીત અને રેંગપો અન્ય નદીઓ છે.

રાજ્યનો ૩,૧૨૭ ચોકિમી. જેટલો વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. પાઇન, ફર, ઓક અને હોલી અહીં જોવા મળતાં મુખ્ય વૃક્ષો છે. ઓછી ઊંચાઈવાળા પહાડી ભાગોમાં સાલવૃક્ષોનાં જંગલો આવેલાં છે. અહીં ૪,૦૦૦થી વધુ જાતિનાં ઝાંખરાં અને છોડવા, ૬૬૦ જુદી જુદી જાતિના ઑર્કિડ, રહોડોડેન્ડ્રોન તેમ જ અન્ય ફૂલો થાય છે. ઊંચાઈવાળા પહાડી વિસ્તારમાં સદાહરિત જંગલો તથા વર્ષાજંગલો જોવા મળે છે. સિક્કિમનું વનસ્પતિજીવન ખૂબ જ સમૃદ્ધ છે. ખેતી સિક્કિમની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. ખેડૂતો અહીંના ઊભા પહાડી ઢોળાવોને ખોતરીને સીડીદાર ખેતરો બનાવે છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં ઘઉં, જવ, ડાંગર, મકાઈ, બાજરી અને કઠોળનો સમાવેશ થાય છે. રોકડિયા પાકોમાં ચા, બટાકા, મોટી ઇલાયચી, આદું અને નારંગી મુખ્ય છે. અહીં ફળો પૅક કરવાનો નાના પાયા પરનો ઉદ્યોગ વિકસ્યો છે. પશુપાલનનો વ્યવસાય પણ અહીં ચાલે છે. અહીંનાં મુખ્ય પ્રવાસ-સ્થળોમાં ગંગટોક, બખીમ (નૈસર્ગિક બાગ), યામથાંગ, દુબડી મઠ, તાશ્દિંગ મઠ, રામટેક મઠ, પેમાયાન્ત્સે મઠ, સોમગો મઠ તથા ફોડોંગ મઠનો સમાવેશ થાય છે. અહીંનો ખાન્ગચેન્દઝોન્ગ નૅશનલ પાર્ક દુનિયાભરમાં વધુમાં વધુ ઊંચાઈએ આવેલો છે. યાક અને કસ્તૂરીમૃગ આ રાજ્યમાં જોવા મળે છે. ઘણા લોકો અહીં ટ્રૅકિંગની મોજ માણે છે. ૧૯૭૫ સુધી સિક્કિમ એક અલગ દેશ હતો. ૧૯૭૫માં તે ભારતીય સંઘનું ૨૨મા ક્રમનું રાજ્ય બન્યું. સિક્કિમની રાજધાની ગંગટોકથી ૫૬ કિમી.ના અંતરે નાથુલા ઘાટ ભારત-ચીનની સીમારેખા પર ૪૪૦૪.૪ મીટરની ઊંચાઈએ આવેલો છે. આ માર્ગ ૫૬૩ કિમી. લાંબો છે. નાથુલા ઘાટ પર ભારતીય સીમાનું છેલ્લું ગામ શેરથાંગ અને તિબેટ (ચીન) સીમા પરનું છેલ્લું ગામ ચુમા લહરી છે. ઑર્ગેનિક રીતે ખેતી કરવામાં સફળ થનાર સિક્કિમ ભારતનું સર્વપ્રથમ રાજ્ય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિક્કિમ, પૃ. ૧૯૧)