Categories
વાચન સમૃદ્ધિ

તાશ્કંદ

મધ્ય એશિયાનાં પહાડી ક્ષેત્રોમાં આવેલું સૌથી પ્રાચીન શહેર અને ઉઝબેકિસ્તાન દેશનું પાટનગર તથા ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર. વિસ્તાર : 335 ચો.કિમી.. તે આશરે 41° 20´ ઉ. અ. અને 69° 18´ પૂ. રે. પર ટિએન શાન પર્વતોની તળેટીના ચિરચિક નદી ઉપરના મોટા રણદ્વીપમાં સમુદ્રસપાટીથી આશરે 478 મીટરની ઊંચાઈએ આવેલું છે. સોવિયેત સંઘના વિઘટન પછી ઉઝબેકિસ્તાને ડિસેમ્બર, 1991માં સ્વાતંત્ર્ય મેળવ્યું. પણ આ પહેલાં સોવિયેત સંઘની સત્તા દરમિયાન તાશ્કંદે ઘણી પ્રગતિ સાધી હતી. આ નગર લાંબા અને સૂકા ઉનાળા તેમજ ટૂંકા શિયાળાવાળી ખંડીય આબોહવા ધરાવે છે. તેનું જાન્યુઆરી તથા જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે લગભગ 2° સે. અને 25° સે. જેટલું રહે છે. તેના વાર્ષિક વરસાદનું પ્રમાણ લગભગ 375 મિમી. જેટલું રહે છે. તે પર્વતીય પ્રદેશો વચ્ચે આવેલું છે, તેના રાજમાર્ગો પર અને ઠેકઠેકાણે આવેલાં ઉદ્યાનોમાં વૃક્ષોની હરિયાળી વિકસાવવામાં આવેલી તેથી તાશ્કંદ દુનિયાનાં અતિ હરિયાળાં નગરો પૈકીનું એક ગણાય છે. જ્યારે હવામાન સ્વચ્છ હોય, ત્યારે અહીંથી ચિત્કલ પર્વતોનાં હિમાચ્છાદિત શિખરો દૃષ્ટિગોચર થાય છે. વળી તેની આસપાસ અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે. ટૂંકમાં, આ શહેરનું વાતાવરણ હંમેશાં શાંત, ઠંડું અને આનંદદાયક રહે છે. આથી આંતરરાષ્ટ્રીય સ્તરના મેળાવડા અથવા તો રાજકીય મંત્રણા માટેની શિખર પરિષદો ભરવા માટે તે અનુકૂળ સ્થળ ગણાય છે. તે માટેની બધી જ સુવિધાઓ આ નગરમાં ઉપલબ્ધ છે.

તાશ્કંદપ્રદેશનાં કપાસ પકવતાં ક્ષેત્રો : એક દૃશ્ય

1966ના ધરતીકંપથી આ નગરનાં લગભગ 75,000 કુટુંબોને અસર થઈ હતી. ધરતીકંપથી થયેલી તારાજી પછી આ શહેરને નવેસરથી અને નવીન સ્થાપત્યશૈલીથી બાંધવામાં આવ્યું છે. તેની લગભગ 15% ઇમારતો બે માળવાળી અને 35% ઇમારતો નવ માળવાળી છે. શહેરની મધ્યમાં સત્તર માળવાળી હોટેલ છે. નગરનાં નવાં રહેઠાણો, કચેરીઓ અને સંકુલો ખૂબ જ મજબૂત છે, ધરતીકંપ સામે ટક્કર ઝીલી શકે તેવી રચના તેઓ ધરાવે છે. તાશ્કંદ ભારે ઇજનેરી ઉદ્યોગો ઉપરાંત રેશમી અને સુતરાઉ કાપડની મિલો પણ ધરાવે છે. આ સિવાય અહીં યંત્રો, મશીનટૂલ્સ, તૈયાર કપડાં, પગરખાં, ચામડાંની બનાવટો, રસાયણો, તમાકુ, ખાદ્ય પદાર્થો વગેરેને લગતા ઉદ્યોગોનો વધુ વિકાસ થયો છે. આ નગર રેલ, સડક અને હવાઈ માર્ગોનું મુખ્ય મથક છે. ઔદ્યોગિક એકમો ઉપરાંત તે શિક્ષણ અને સંશોધનની સંસ્થાઓ ધરાવે છે. વળી અહીં સંસ્કૃતિ અને કળાને લગતી પ્રવૃત્તિઓ પણ થાય છે. સૂર્યશક્તિના ઉપયોગના વિકાસને લગતાં સંશોધનોમાં તે અગ્રેસર રહ્યું છે. અહીનાં પંદરમી-સોળમી સદીનાં સૈનિકાગારોનાં અને સત્તરમી સદીનાં કુકેલ્ડાશની મદરેસાનાં સ્થાપત્યો વિશ્વવિખ્યાત છે. 2025માં શહેરની વસ્તી 31,64,000 (આશરે) હતી.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

હંસ

એક જળચર પક્ષી. હંસને ઠંડી આબોહવા માફક આવે છે. આફ્રિકા અને ઍન્ટાર્ક્ટિકા સિવાય દરેક ખંડમાં જ્યાં ઠંડી આબોહવા હોય ત્યાં તે વસે છે. ચપટી ચાંચ, લાંબી નાજુક ડોક, લાંબી પાંખો, ટૂંકી પૂંછડી તથા પગ ધરાવતા હંસ દેખાવે ખૂબ સુંદર લાગે છે. હંસનાં પીંછાં પાણીમાં ન ભીંજાય તેવાં હોય છે. પગનાં આંગળાં પાતળી ચામડીથી જોડાયેલાં હોવાથી તે હલેસાંની જેમ તરવામાં મદદ કરે છે. જમીન પર પણ હંસ ચાલી, દોડી શકે છે. હંસ બતક કરતાં કદમાં મોટો હોય છે. પાણીમાં છટાદાર રીતે તે તરે છે. મોટા ભાગે હંસ સફેદ પીંછાં ધરાવે છે. ઉત્તર ગોળાર્ધમાં આવા હંસ વસે છે, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં કાળાં પીંછાંવાળા હંસ જોવા મળે છે. તે લાંબું અંતર ઊડી શકે છે. હંસ પાણીમાં ઊગતી વનસ્પતિ અને નાનાં જળચરોને પોતાની લાંબી ડોક વડે તળાવમાંથી મેળવીને ખાય છે. તળાવકાંઠે ઊગતું ઘાસ કે ખેતરમાં ઊગેલા દાણા પણ ખાય છે. ૨થી ૩ વર્ષની વયે તે પોતાના જીવનસાથીને શોધી લે છે. નર અને માદા મોટા અવાજો કરી, પાંખો ફેલાવી એકબીજાની સન્મુખ નાચે છે. હંસની જોડ જીવનપર્યંત સાથે રહે છે.

હંસ ઘાસ તથા અન્ય ઝાડ-પાનથી તળાવના કિનારે માળો બાંધે છે. માદા ૪થી ૬ સફેદ ઈંડાં મૂકે છે. સામાન્ય રીતે ઈંડાં સેવવાની જવાબદારી માદાની હોય છે. જ્યારે માદા ઈંડાં સેવતી હોય ત્યારે આક્રમક થઈ જાય છે. શિયાળ, કૂતરા, માણસ કે અન્ય સજીવ પ્રાણીઓનો તે સામનો કરે છે. બચ્ચાં જન્મે ત્યારે રાખોડી રંગનાં પીંછાં ધરાવે છે. થોડા જ વખતમાં તેમને ઊડવાનાં પીંછાં આવે છે અને ૭ અઠવાડિયાંમાં તેઓ ઊડતાં શીખી જાય છે. હંસમાં કૌટુંબિક ભાવના સારી હોય છે. બચ્ચાંની તે સારી સંભાળ લે છે. બચ્ચાં માની પીઠ પર બેસીને સવારી કરે છે. વિવિધ જાતના હંસો જાતભાતના અવાજો કાઢી શકે છે. પૌરાણિક હિન્દુ માન્યતા પ્રમાણે હંસ સરસ્વતીનું વાહન ગણાય છે. નળ-દમયંતીની વાતમાં હંસ દૂતનું કામ કરી નળ તથા દમયંતીના રૂપનું વર્ણન એકબીજાની સામે કરે છે. કૈલાસ પાસે આવેલ માનસરોવરમાં હંસ વસે છે. આપણે ત્યાં એવી વાયકા છે કે, માનસરોવરના હંસ મોતીનો ચારો ચરે છે. આ વાયકામાં થોડું તથ્ય છે. માનસરોવરના કાંઠે મળી આવતી કેટલીક છીપની જાતોમાં મોતી પાકે છે. આ હંસલા આવી છીપમાંના જીવને ખાઈને મોતીનો મળ વાટે કે ચાંચ દ્વારા ત્યાગ કરે છે અને તેથી આ માત્ર કવિકલ્પના નથી. કેટલીક જાતની મીઠા પાણીની છીપમાં મોતી તૈયાર થતાં હોય છે. હંસ બાળવાર્તાઓમાં પણ આવે છે. ‘અગ્લી ડકલિંગ’ની વાર્તામાં બતકનાં બચ્ચાં અને હંસનાં બચ્ચાંની વાત આવે છે. રશિયન બૅલેમાં ‘સ્વાન લેક’ જાણીતું બૅલે-નૃત્ય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

તારંગા

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગાહિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન થયું છે. તારંગાની મુખ્ય ટેકરીનું શિખર સમુદ્રસપાટીથી 486 મી. અને તારામાતાના મંદિર પાસેની ટેકરીનું શિખર 446 મી.ની ઊંચાઈ ધરાવે છે. તારંગાની ટેકરીઓમાંથી રૂપેણ નદી નીકળે છે. આ સમગ્ર પ્રદેશ આછી વનરાજિથી છવાયેલો છે. વળી આ ટેકરીઓના પૂર્વભાગમાં થઈને સાબરમતી નદી વહે છે અને તેના પરનો ધરોઈ બંધ નજીકમાં આવેલો છે.

તારંગાનું પ્રસિદ્ધ જૈન દેરાસર

‘પ્રભાવકચરિત’માં જૈન તીર્થ તારંગનાગ ગિરિનો ઉલ્લેખ છે. ‘વ્રજસ્વામિ પ્રબંધ’માં તારણગિરિનો ઉલ્લેખ છે, જે તારંગગિરિ હોવાનું જણાય છે. આર્ય ખપુટાચાર્યના સમકાલીન વેણી વત્સરાજ નામે બૌદ્ધ ધર્માનુયાયી રાજાએ ગિરિ (તારંગા) ઉપર તારાઉર (તારાપુર) નામનું નગર વસાવી એમાં બૌદ્ધ દેવી તારાનું મંદિર બંધાવ્યું, આર્ય ખપુટાચાર્યના ઉપદેશથી રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો. ત્યાં એણે મહાવીરની શાસનદેવી સિદ્ધાર્થિકાનું મંદિર બંધાવ્યું. તારંગા ડુંગરની તળેટીની ઉત્તર દિશામાં હાલના અજિતનાથ જૈન મંદિરથી અંદાજે 2.5 કિમી.ના અંતરે તારણ માતાનું સ્થાનક આવેલું છે. આ સ્થાનકની બાજુમાં એક ગુફામાં ધારણદેવીનું સ્થાનક છે. અહીંની એક બીજી ગુફા જોગીડાની ગુફા તરીકે ઓળખાય છે. એમાં તામ્રવર્ણા પાષાણ ઉપર બૌદ્ધિવૃક્ષ નીચે ચાર બૌદ્ધમૂર્તિઓ કંડારેલી છે. તારંગા ડુંગર પર કુમારપાળે અજિતનાથનું મંદિર બંધાવ્યું હોવાના ઉલ્લેખો ‘કુમારપાલપ્રતિબોધ’, ‘પ્રભાવકચરિત’, ‘કુમારપાલપ્રબંધ’, ‘વીરવંશચરિત’ તથા ‘ઉપદેશતરંગિણી’માં મળે છે. વસ્તુપાલે તારંગાના અજિતનાથચૈત્યમાં આદિનાથ અને નેમિનાથનાં બિંબ વિ. સં. 1284 (ઈ. સ. 1228)માં સ્થાપ્યાનો અભિલેખ મળ્યો છે. મંદિરના પ્રાંગણમાં આવેલા એક નાના કીર્તિસ્તંભ પર કુમારપાળના રાજ્યકાળના છેલ્લા વર્ષ વિ. સં. 1230 (ઈ.સ. 1174–75)નો અભિલેખ છે. તીર્થસ્થાનની આજુબાજુનો વિસ્તાર ટેકરીઓથી ઘેરાયેલો હોવાથી પર્યટકો માટે પણ આ તીર્થધામ આકર્ષણનું સ્થાન બન્યું છે. અહીંની વસ્તી 1,687 (2011) હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તારંગા, પૃ. 806 અથવા જુઓ https://gujarativishwakosh.org/તારંગા/)