Categories
વાચન સમૃદ્ધિ

સાન ફ્રાન્સિસ્કો

યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યનું મોટું શહેર.

તે ૩૭  ૪૬´ ઉ. અ. અને ૧૨૨  ૨૫´ પ. રે.ની વચ્ચે આવેલું છે. તે યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં, પ્રશાંત મહાસાગરના કાંઠા પર વસેલું છે. સાન ફ્રાન્સિસ્કો શહેર લગભગ ૪૦થી વધુ ટેકરીઓ પર કે ટેકરીઓની આજુબાજુ વિસ્તરેલું છે. સાન ફ્રાન્સિસ્કોની પશ્ચિમે પ્રશાંત મહાસાગર અને પૂર્વે સાન ફ્રાન્સિસ્કોનો ઉપસાગર આવેલો છે. ઉત્તર તરફ આવેલી ગોલ્ડન ગેટ નામની ૧.૫ કિમી. પહોળી સામુદ્રધુની આ બંને જળરાશિઓને સાંકળે છે. ઉત્તરે ખૂબ પ્રખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ આવેલો છે. મોટાં વહાણો તેની નીચેથી પસાર થઈ શકે તેટલો તે ઊંચો છે. પૂર્વમાં સાન ફ્રાન્સિસ્કો–ઓકલૅન્ડ બ્રિજ છે. બે માળ ધરાવતો આ બ્રિજ ૧૩ કિમી. લાંબો છે. આ બ્રિજની જમણી બાજુએ ટેકરી પર અગાઉ કારાવાસ ઊભો કરાયેલો. તેનો બૃહદ મહાનગરીય વિસ્તાર લગભગ ૨૦,૬૧૬ ચોકિમી. જેટલો છે. સાન ફ્રાન્સિસ્કોમાં પ્રશાંત મહાસાગર તેમ જ અખાતમાં આવેલા ટાપુઓનો પણ સમાવેશ થઈ જાય છે. શહેરનો વિસ્તાર ૨૧૫ ચોકિમી. જળવિસ્તાર સહિત લગભગ ૩૩૪ ચોકિમી જેટલો છે. તેની વસ્તી (નગરની) ૮,૭૩,૯૬૫ (૨૦૨૦) અને બૃહદ મહાનગરની ૪૫,૬૬,૯૬૧ (૨૦૨૦) જેટલી છે.

એક પણ થાંભલા વિનાનો સાન ફ્રાન્સિસ્કોનો ગોલ્ડન ગેટ બ્રિજ

સાન ફ્રાન્સિસ્કો શહેરની સ્થાપના સ્પૅનિશ વસાહતીઓએ ૧૭૭૬માં કરેલી. ૧૮૪૮માં આ સ્થળે સુવર્ણનિક્ષેપો શોધી કાઢવામાં આવ્યા, પરિણામે ૧૮૪૯માં ત્યાં ‘ગોલ્ડ રશ’ થયેલો. ત્યારપછી ત્યાં બીજા લોકો આવીને વસ્યા. ૧૯મી સદીના ઉત્તરાર્ધ કાળમાં તે પશ્ચિમ યુ.એસ.નું નાણાકીય તેમ જ ઔદ્યોગિક પાટનગર ગણાતું રહ્યું. ૧૯૦૬માં ભૂકંપમાં અને તેને લીધે લાગેલી આગમાં આ શહેરને ખૂબ જ નુક્સાન થયેલું; પરંતુ  અહીંના નિવાસીઓએ શહેરનું પુનર્નિર્માણ કર્યું. ૧૯૪૫માં સાન ફ્રાન્સિસ્કો ખાતે યુનાઇટેડ નૅશન્સ (UN) સંસ્થાએ આકાર લીધો. શહેરનો મધ્ય વિસ્તાર નૉબ હિલ તેમ જ રશિયન હિલ પર આવેલો છે. નૉબ હિલ સિવિક સેન્ટરથી ઈશાનમાં આવેલી છે. તેની પૂર્વમાં ચાઇના ટાઉનનો ધંધાકીય વિભાગ છે. ચાઇના ટાઉનના ગીચ વિસ્તારમાં ચીની વંશના આશરે ૩૦,૦૦૦ લોકો વસે છે. અહીં રંગબેરંગી દુકાનો, રેસ્ટોરાં તેમ જ ચીની શૈલીની ઇમારતો આવેલી છે. મધ્ય સાન ફ્રાન્સિસ્કોના ઉત્તર ભાગમાં રશિયન હિલ આવેલી છે. દુનિયાના વધુમાં વધુ ઢાળ ધરાવતા માર્ગો અહીં આવેલા છે. દુનિયાભરની વધુમાં વધુ વાંકીચૂકી શેરીવાળો લોમ્બાર્ડ શેરીનો એક ભાગ છે. તેના એક વિભાગમાં આઠ જેટલા ઉગ્ર વળાંકો છે. એમ્બારકૅડેરો માર્ગના ઉત્તર છેડે માછીમારોનો વિભાગ છે. અહીં મુખ્યત્વે દરિયાઈ ખોરાકનાં રેસ્ટોરાં જોવા મળે છે. અખાતની ધાર પર સાન ફ્રાન્સિસ્કોનું બંદર આવેલું છે. તે દુનિયાનાં મોટાં ગણાતાં કુદરતી બારાં ધરાવતાં બંદરો પૈકીનું એક છે. કાંઠાની ધારે સમાંતર પહોળો એમ્બારકૅડેરો માર્ગ ચાલ્યો જાય છે. સાન ફ્રાન્સિસ્કો યુ.એસ.નું આગળ પડતું નાણાકીય મથક રહ્યું છે. વળી તે વાણિજ્ય, ઉદ્યોગ તેમ જ પ્રવાસનનું પણ મુખ્ય કેન્દ્ર છે. દેશનાં ૧૦૦થી વધુ મોટાં નિગમોનાં મુખ્ય કાર્યાલયો આ શહેરમાં કે તેની આજુબાજુ આવેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાન ફ્રાન્સિસ્કો, પૃ. 101)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ઝાંઝીબાર

આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે 40 કિમી. દૂર છે. તેનું ક્ષેત્રફળ 984 કિમી. છે. વસ્તી 18,89,000 (2022 આશરે). પરવાળાંના આ ટાપુઓ સમુદ્રમાંથી ઊપસી આવેલા છે. તેની ફરતો સમુદ્ર છીછરો અને બાધક ખડકોની શૃંખલાવાળો હોઈ વહાણવટા માટે ભયજનક છે. માત્ર ઝાંઝીબાર ટાપુના પશ્ચિમ કિનારે આવેલ બારા નજીકનો સમુદ્ર ઊંડો છે. આ કુદરતી બારું છે. આ ટાપુઓ વિષુવવૃત્ત નજીક હોવાથી તેની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ચારે તરફ સમુદ્રને કારણે ગરમીનું પ્રમાણ ઓછું રહે છે અને ઉનાળા અને શિયાળાના તથા રાત્રિ અને દિવસના તાપમાન વચ્ચે ભાગ્યે જ 5થી 6 અંશનો તફાવત રહે છે. સરેરાશ તાપમાન 24° થી 30° સે. રહે છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન અહીં ગરમી પડે છે અને હવામાન પ્રમાણમાં સૂકું રહે છે. એપ્રિલ અને મે માસમાં નૈર્ઋત્યના મોસમી પવનોને લીધે ભારે વરસાદ પડે છે, જ્યારે જૂનથી ઑક્ટોબરમાં શીતળ અને સૂકું હવામાન રહે છે. આ પ્રદેશ દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ઉત્તર ગોળાર્ધ કરતાં ઋતુઓનો ક્રમ ઊલટો રહે છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં હળવો વરસાદ પડે છે. ઝાંઝીબારમાં સરેરાશ 1470 મિમી. અને પેમ્બામાં 1850 મિમી. વરસાદ પડે છે.

લવિંગ

ઝાંઝીબાર ટાપુનો પૂર્વ તરફનો ભાગ ખડકાળ તથા જંગલ અને કળણવાળો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓની મોટા ભાગની જમીન ફળદ્રૂપ છે અને વિવિધતા ધરાવે છે. આ ટાપુનો મુખ્ય પાક લવિંગ છે. લવિંગના વિશ્વ-ઉત્પાદનમાં તેનો 80% હિસ્સો અને પ્રથમ સ્થાન છે. ઇન્ડોનેશિયા અને ભારતમાં તેની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. 1964 પૂર્વે તેનો વેપાર ભારતીયોના હાથમાં હતો. આ વેપાર ખૂંચવવા યુરોપિયન વેપારીઓ દ્વારા પ્રયત્ન કરાતાં ભારતે 1938માં તેની આયાત બંધ કરી તેનો બહિષ્કાર કર્યો હતો. બીજો મહત્વનો પાક નારિયેળનો છે. આ બે પાકની નિકાસ ઉપર સમગ્ર પ્રદેશના અર્થતંત્રનો આધાર છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. તે સિવાય મચ્છીમારી અન્ય વ્યવસાય છે. ખેતીની પેદાશ પર આધારિત ઉદ્યોગો ઉપરાંત પગરખાં બનાવવાના; છીપ, હાથીદાંત અને અબનૂસનાં ઘરેણાં, ધાતુકામ, કાથી, દોરડાં તેમજ સાબુ બનાવવાના ગૃહઉદ્યોગો છે. ઇતિહાસ : 1964 સુધી આરબો જમીનમાલિકો હતા અને ભારતીયો વેપાર ખેડતા હતા, જ્યારે યુરોપિયનો સરકારી નોકરીમાં હતા. ઝાંઝીબાર સ્વતંત્ર થતાં યુરોપિયનો આ દેશ છોડી ગયા હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝાંઝીબાર, પૃ. 139)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાગરસૃષ્ટિ

સાગરમાં રહેતા અનેક સૂક્ષ્મ તથા મોટા જીવોની દુનિયા.

પૃથ્વીની સપાટી પરનો ૭૧% ભાગ સાગરોથી રોકાયેલો છે. પૃથ્વી પરના અતિસૂક્ષ્મ જીવોથી માંડીને વિશાળકાય જીવોનું અસ્તિત્વ સાગરમાં હોવાને કારણે તે જીવો માટેનું સૌથી મોટું રહેઠાણ મનાય છે. જીવસૃષ્ટિની ઉત્પત્તિ અને તેનો પ્રારંભિક વિકાસ પાણીમાં – સાગરમાં થયો હોવાનું મનાય છે. કરોડો વર્ષોના ગાળા દરમિયાન જીવો સાગરમાંથી ધરતી પર આવી પ્રસર્યા અને સ્થાયી થયા. સમુદ્રનું પાણી ખારું હોય છે. તેમાં ભરતી-ઓટ જોવા મળે છે. તેમાં સતત પ્રવાહો વહેતા હોય છે. સાગરમાં અઢળક જળરાશિનું દબાણ હોય છે. તાપમાનની દૃષ્ટિએ તે પ્રકાશીય ઊર્જાનો સૌથી મોટો ભંડાર છે. સાગરના પાણીમાં પ્રવેશતા પ્રકાશને લીધે દરિયાઈ વનસ્પતિ પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક ઉત્પન્ન કરે છે. વળી તે ઊર્જાસ્તર અને પ્રાણીઓની દૃષ્ટિએ પણ મહત્ત્વનો છે. પાણીના સૌથી ઉપરના આ ક્ષેત્રને સુપ્રકાશિત ક્ષેત્ર કહે છે. સુપ્રકાશિત ક્ષેત્રની નીચેનો પાણીનો જથ્થો અપ્રકાશિત હોય છે. તેથી ત્યાં પ્રકાશસંશ્લેષણ થઈ શકતું નથી. આથી અહીં વનસ્પતિ જોવામાં આવતી નથી.

(૧) વહેલ માછલી, (૨) શાર્ક માછલી, (૩) જેલીફિશ, (૪) ડૉલ્ફિન, (૫) ઓક્ટોપસ

સાગરના છીછરા પાણીના ક્ષેત્રમાં પ્રકાશ, પ્રાણવાયુ અને અંગારવાયુ વિશાળ માત્રામાં મળી રહેતા હોવાથી અહીં વનસ્પતિની વૃદ્ધિ મોટા પાયે થાય છે. વનસ્પતિને કારણે પ્રાણીઓને ખોરાક મળી રહે છે. ખડકાળ તટમાં ખડકોની વચ્ચેની જગ્યામાં વાદળી, સમુદ્રફૂલ, સ્નેલ, કોપેપૉડ વગેરે જોવા મળે છે. ખડકો પર લીલ, સેવાળ મોટી માત્રામાં મળી આવે છે. વળી કરચલા, જેલીફિશ, બહુલોમી કીડા, પોલિપ, રેતીકીડા, કોડી, અષ્ટપાદ, સમુદ્રતારા, સમુદકાકડી, સાઇકોન, બેલેનસ, લેપસ વગેરે અનેક પ્રાણીઓ મળી આવે છે. ગુજરાતમાં ઓખાના ખડકાળ તટ પરથી તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અનેક પ્રકારની લીલ જોવા મળે છે. અહીં કૃમિઓ, કરચલા, મૃદુકાય તથા કેટલાંક શૂળત્વચી પ્રાણીઓ મળી આવે છે. કાદવીય તટ પર ઝૉસ્ટેરા અને અલ્વા વનસ્પતિ મુખ્યત્વે હોય છે, જે પ્રાણીઓને સુરક્ષાકવચ પૂરું પાડે છે. અહીંનાં મુખ્ય પ્રાણીઓમાં સૂત્રકૃમિ, પ્રજીવો, કેટલીક વાદળીઓ, સેરિયસ જેવા કોષ્ઠાંત્રીઓ, કેટલાક કૃમિઓ, હર્મિટ કરચલા, લૉબસ્ટર જેવા સંધિપાદો તથા મૃદુકાય અને શૂળત્વચી પ્રાણીઓ સામાન્ય રીતે જોવા મળે છે. કાદવીય તટમાં રહેતાં પ્રાણીઓ કાદવ જેવા રંગનાં, મુલાયમ અને પાતળા શરીરવાળાં હોય છે. ઊંડા સમુદ્રના આવાસમાં અનેક પ્રતિકૂળતાઓ હોવા છતાં પણ અહીં દરેક સમુદાયનાં પ્રાણીઓ વસેલાં જોવા મળે છે. અહીં અનેક પ્રકારની માછલીઓ – વહેલ, ડૉલ્ફિન, સીલ વગેરે જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાગરસૃષ્ટિ, પૃ. 98)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી