Categories
વાચન સમૃદ્ધિ

સરગવો

ઔષધીય ગુણો ધરાવતી દ્વિદળી વર્ગમાંની એક વનસ્પતિ.

સરગવાનાં વૃક્ષો મયમ કદનાં હોય છે. તેની ઊંચાઈ ૪.૫થી ૧૦ મીટર સુધીની હોય છે. તેનું થડ ૩૦થી ૬૦ સેમી.નો વ્યાસ ધરાવે છે. સરગવાની છાલનો રંગ ભૂખરો હોય છે. પાન આમલી જેવાં પણ ઘણાં મોટાં હોય છે. લાકડું ખૂબ જ પોચું હોવાથી ઇમારતી કામમાં આવતું નથી. સરગવો સફેદ, કાળા અને લાલ રંગનાં ફૂલોવાળો —એમ ત્રણ જાતનો થાય છે. તેનાં ફૂલોમાંથી મધના જેવી સુગંધ આવે છે. સરગવાની શિંગોની લંબાઈ ૨૨.૫થી ૫૦ સેમી. સુધીની હોય છે. તેનો રંગ લીલો અને ત્રિકોણાકાર હોય છે. શિંગોની ઉપરની છાલ કઠણ હોય છે અને તેમની અંદર સફેદ રંગનો ગર્ભ હોય છે. તેમાં ત્રિકોણાકાર પાંખોવાળાં બીજ હોય છે. સરગવાને મહા-ફાગણ માસમાં ફૂલો અને ચૈત્ર-વૈશાખમાં શિંગો આવે છે. સરગવાનાં વૃક્ષો ભારતભરમાં સર્વત્ર થાય છે. તેનાં વૃક્ષો બાગ-બગીચા, ખેતરો અને વાડીઓમાં તેમ જ ઠેર ઠેર જોવા મળે છે. સફેદ ફૂલોનો સરગવો લગભગ સર્વત્ર થાય છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના જૂનાગઢના વિસ્તારના સમુદ્ર-કિનારાના પ્રદેશમાં સરગવો સારો થાય છે. તે કઠણ માટી (clay) સિવાયની બધા પ્રકારની જમીનમાં થાય છે. તેને દક્ષિણ ભારતની ઉષ્ણકટિબંધીય દ્વીપીય (insular) આબોહવા સૌથી અનુકૂળ છે. આ વૃક્ષનું પ્રસર્જન બીજ અને કલમો દ્વારા થાય છે. સરગવાની વધુ જાણીતી જાતોમાં જાફના, ચવકચેરી, ચેમુંરુંગાઈ, કટુમુરુંગાઈ, કોડીકાલ મુરુંગાઈ, યઝપાનામ સરગવો તથા પીકેએમ. ૧નો સમાવેશ થાય છે.

સરગવાના વૃક્ષના બધા જ ભાગ ઉપયોગમાં લેવામાં આવે છે. શાક અને સૂપ બનાવવા માટે શિંગો ઉપયોગમાં આવે છે. તેના ઝાડનો ગુંદર શરૂઆતમાં સફેદ રંગનો પણ પછી તે ઘટ્ટ લાલ રંગનો કાળાશ પડતો થાય છે. આ ગુંદર કાપડ છાપવાના રંગમાં વપરાય છે; તે ખાવામાં વપરાતો નથી. સરગવાનાં બીજમાંથી કાગળ ચોંટાડવાનો ગુંદર બને છે. તે ખૂબ સ્વચ્છ અને સફેદ હોય છે. નાના વૃક્ષનાં મૂળ અને તેની છાલથી ચામડી લાલ થઈ જાય છે અને ફોડલા પડે છે. પર્ણો વિટામિન ‘A’ અને ‘C’ ધરાવે છે. તેનો મલમ ઘા ઉપર લગાડવામાં આવે છે. તેનાં પુષ્પો શક્તિદાયક, મૂત્રલ (diuretic) અને પિત્તરેચક તરીકે વપરાય છે. તેનાં બીજનું તેલ સંધિવા અને ગાંઠિયા વા પર લગાડવામાં આવે છે. સરગવાનાં સૂકાં બીજોમાંથી ૩૫થી ૪૦ ટકા તેલ મળે છે, જે સ્વચ્છ અને પાતળું હોય છે. તેનો સુગંધી તેલો બનાવવામાં ખૂબ જ ઉપયોગ થાય છે. સરગવો ભૂખ લગાડે છે અને પચવામાં હલકો હોય છે. તે સ્કર્વી અને શરદીના રોગોમાં ઉપયોગી છે. તેનાં બીજ કડવાં હોય છે અને તાવ મટાડે છે. તે ઝાડાને રોકે છે. તે વીર્યવર્ધક અને હૃદય માટે લાભદાયી છે, પણ લોહી બગાડે છે. તે આંખ માટે હિતકારી અને કફ, વાયુ, જખમ, કૃમિ, ચળ, સોજો, મોંની જડતા, ચરબી, બરોળ, કોઢ અને ક્ષયના રોગોમાં ફાયદાકારક છે. આમ સરગવાના બધા જ ભાગો ઔષધીય ગણાય છે અને અનેક રોગો મટાડવામાં તેનો ઉપયોગ કરાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જૂનાગઢ

ગુજરાતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સાતમો ક્રમ ધરાવતો અને એશિયામાં સિંહોની વસ્તી ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો. ૨૦° ૪૪´ અને ૨૧° ૪´ ઉ.અ. તથા ૬૯° ૪૦´ અને ૭૧° ૦૫´ પૂ.રે. વચ્ચે આવેલો છે. વિસ્તાર : ૮૮૪૬ ચોકિમી. તેની પૂર્વ બાજુએ અમરેલી જિલ્લો, ઉત્તરે રાજકોટ અને વાયવ્યમાં પોરબંદર જિલ્લો અને પશ્ચિમે તથા દક્ષિણે અરબી સમુદ્ર આવેલા છે.

પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ જિલ્લાના બે વિભાગો છે : ડુંગરાળ વનવિસ્તાર અને સપાટ મેદાન. પ્રથમ ભાગમાં ગિરનાર, ગીર અને બરડાનો ડુંગરાળ પ્રદેશ છે. બીજો ભાગ દરિયાકાંઠાનાં મેદાનો છે. આ મેદાનો પૈકી માંગરોળથી ઊના સુધીનો ભાગ વનરાજિને લીધે ‘લીલી નાઘેર’ તરીકે ઓળખાય છે.

સિંહોનું અભયારણ્ય, ગીર

આ જિલ્લામાં ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર આવેલો છે. તેની સૌથી વધુ ઊંચાઈ ગોરખનાથના શિખરની ૧૧૧૭.૪૦ મી. છે. તેનાં અંબામાતા, ઓઘડ, ગુરુદત્ત, કાળકા વગેરે શિખરો ૧૦૦૦ મી.થી વધુ ઊંચાં છે. ગીરના ડુંગરાળ પ્રદેશની નાંદીવેલા અને તુલસીશ્યામની ડુંગરમાળાઓ જાણીતી છે. ગીરનું સૌથી ઊંચું શિખર સાકરલા ૬૪૧.૬૦ મી. છે. ગીરની લંબાઈ ૪૮.૨૮ કિમી. છે. જૂનાગઢ જિલ્લામાં મે અને જૂન માસમાં સૌથી વધુ તાપમાન રહે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રની અસરને લીધે સરેરાશ દૈનિક ગુરુતમ તાપમાન ૩૦.૩° સે. રહે છે, જ્યારે તેનું સરેરાશ દૈનિક લઘુતમ તાપમાન ૨૭.૫° સે. રહે છે. જિલ્લામાં સરેરાશ ૬૨૯.૧ મિમી. વરસાદ પડે છે. જિલ્લામાં થતાં જંગલી પ્રાણીઓ પૈકી વાંદરાં, દીપડા, સિંહ, શિયાળ, વરુ, લોંકડી, રોઝ (નીલગાય), જંગલી ભુંડ, છીંકારાં, હરણ વગેરે છે. છેલ્લી(૨૦૨૦)ની ગણતરી મુજબ ગીરમાં સિંહની વસ્તી ૬૭૪ છે. સિંહોનું અભયારણ્ય આ જિલ્લામાં ગીરમાં આવેલું છે. જિલ્લાની ગીર ઓલાદની ગાય અને બળદ પ્રસિદ્ધ છે. જૂનાગઢમાં ઘોડાનું ઉછેરકેન્દ્ર છે. જૂનાગઢ જિલ્લાની કુલ વસ્તી ૩૦,૯૦,૦૦૦ (૨૦૨૪) છે. શહેરી વસ્તીનું પ્રમાણ ૩૩% છે. જિલ્લાના ૭૦% લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. ખેતી સાથે પશુપાલનનો ગૌણ ઉદ્યોગ છે. પુરાતત્ત્વની તથા તીર્થધામોની દૃષ્ટિએ જૂનાગઢ, ગિરનાર, સતાધાર, સોમનાથ, પ્રભાસ, તુલસીશ્યામ વગેરે જોવાલાયક છે. ગિરનાર અને જૂનાગઢ ખાતે અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખો એક જ પથ્થર ઉપર બ્રાહ્મી લિપિમાં કોતરાયેલા જોવા મળે છે. ઉપરકોટ ખાતે બાવા પ્યારા તથા ખાપરાકોડિયાની ગુફાઓ, બોરિયા સ્તૂપ, વિલિંગ્ડન બંધ, જૈન મંદિરો, હવેલી, નરસિંહ મહેતાનો ચોરો, ભવનાથ, દામોદર કુંડ, અડીકડી વાવ, જૂનો રાજમહેલ વગેરે પ્રાચીન સ્થળો છે. મહાશિવરાત્રિના પવિત્ર પર્વમાં ગિરનાર ઉપર ભવનાથનો મેળો ભરાય છે. સોમનાથ, સૂત્રાપાડા વગેરે સ્થળોએ પ્રાચીન સ્થાપત્યો જોવા મળે છે. નવાબનો મહેલ તથા સંગ્રહસ્થાન, મુસ્લિમકાલીન મસ્જિદ, મકબરા વગેરે પ્રેક્ષણીય છે. ગીરમાં સાસણ ખાતેના અભયારણ્યમાં સિંહદર્શનની સગવડ છે. અહમદપુર માંડવી અને ચોરવાડ પ્રવાસધામો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જૂનાગઢ, પૃ. ૮૮૧)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શંભુપ્રસાદ દેસાઈ, શિવપ્રસાદ રાજગોર

Categories
વાચન સમૃદ્ધિ

સરકસ (સર્કસ)

સામાન્ય રીતે વિશાળ ગોળાકાર તંબુમાં  પ્રેક્ષાગારમાં બેઠેલા લોકોના મનોરંજન માટે તેમની વચ્ચેના વર્તુલાકાર પટાંગણમાં હેરતભર્યા જોખમી અંગકસરત તેમ જ અંગસંતુલનના તથા પ્રાણીઓ સાથેના ખેલપ્રયોગો રજૂ કરનારા ખેલબાજો અને હાસ્યજનક ચેષ્ટાઓ તથા પ્રયોગોથી લોકોને રમૂજ કરાવનારા જોકરો વગેરેનું મનોરંજક મંડળ. ખેલપ્રયોગોનું મંચનસ્થળ ગોળાકાર હોવાથી આનું નામ (circle પરથી circus) ‘સરકસ’ પડ્યું. ૧૮મી સદીમાં લંડનમાં ઘોડેસવારી તથા અંગકસરતના ખેલથી સરકસની શરૂઆત થઈ. ત્યારબાદ અમેરિકામાં તેનો ખૂબ વિકાસ થયો અને પ્રેક્ષકો તરફથી તેને સારો પ્રતિસાદ મળતો ગયો. સરકસ માટે મોટા મેદાનમાં કે નદીના પટમાં તંબુ તાણવામાં આવતા. તંબુની વચ્ચે ગોળાકાર મંચ પર સરકસના ખેલ ભજવાતા, જે ગોળાકાર પટાંગણની ફરતે બેઠેલા પ્રેક્ષકો માણતા. સૌપ્રથમ પરેડ થતી. તેમાં કલાકારો મેદાનમાં આવી ચપળતા, સરળતા તથા ઝડપથી અંગસરતના ખેલો બતાવતા. પરેડમાં સરકસનાં બધાં પ્રાણીઓ અને વિદૂષકો પણ જોડાતાં. સમય જતાં સરકસમાં બૅન્ડ ઉમેરાયું. સરકસમાં ઊંચે બાંધેલા ઝૂલાના ખેલ શરૂ થયા. કલાકારો તાલ સાથે પોતાની અંગકલાનો આકર્ષક સુમેળ સાચવી શકતા થયા.

વિદૂષકો(જોકરો)નું વૃંદ પણ સરકસનું એક અનિવાર્ય આકર્ષક અંગ હોય છે. બાળકોને ગમે તેવી વેશભૂષા સાથે વિદૂષકો આવતા હોય છે. મોટા ગોળ નાકવાળો તેમનો ચહેરો પણ બાળકોને રમૂજ પ્રેરે છે. આ વિદૂષકો આડાઅવળા ફરે, હાલતાંચાલતાં પડી જાય, દીવાલ રંગવાને બદલે એકબીજાને રંગી દે, એકબીજાની પાછળ દોડી ધમાચકડી મચાવી જાતભાતની હાસ્યાસ્પદ ચેષ્ટાઓથી આબાલવૃદ્ધ સૌને હસાવતા રહે. વિદૂષકોના ખેલ સરકસમાં સામાન્ય રીતે અંગકસરતના ખેલોમાં વચ્ચે વચ્ચે આવતા હોય છે. દરમિયાન બીજા મહત્ત્વના –મોટા ખેલોની સાજસજાવટ આદિની પૂર્વતૈયારી પણ કરી દેવામાં આવતી હોય છે. વળી વિદૂષક પ્રેક્ષકોને મઝા કરાવવા સાથે પોતાના સાથી ખેલબાજોને મદદ કરવાનું કામ પણ કરતા હોય છે. કોઈ ખેલબાજ જ્યારે ખેલ બતાવે ત્યારે તેને સુરક્ષા આપવાનું કામ પણ વિદૂષક કરતા હોય છે. ૧૮૮૦માં ભારતમાં વિષ્ણુપંત ચાત્રેએ પ્રથમ સરકસ શરૂ કર્યું હતું. તેનું નામ ‘ધ ગ્રેટ ઇન્ડિયન સરકસ’ રાખ્યું હતું. ભારતમાં જૈમિની સરકસ, જંબો સરકસ, પ્રભાત સરકસ, કમલા સરકસ, ગ્રેટ ગોલ્ડન સરકસ વગેરેનાં નામ મોખરે રહ્યાં છે. દક્ષિણ ભારતમાંથી સરકસમાં કામ કરવા માટે ઘણા ખેલકારો આવતા રહ્યા છે. ચીન, રશિયા, પૂર્વ યુરોપ અને અમેરિકામાં પણ સરકસના ખેલ સારી રીતે પ્રચલિત થયેલા છે. સરકસ ઉપર ‘મેરા નામ જોકર’ જેવી કેટલીક ફિલ્મો પણ બની છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સરકસ (સર્કસ), પૃ. 33)

અંજના ભગવતી