Categories
વાચન સમૃદ્ધિ

ટૅક્સાસ

છેક દક્ષિણ સરહદે આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. અલાસ્કા પછી ટૅક્સાસ સૌથી મોટું રાજ્ય છે. ભૌગોલિક સ્થાન : ૨૬° ઉ. અ. થી  ૩૬° ઉ. અ. અને ૯૪° પ. રે. થી ૧૦૬° પ. રે.. મેક્સિકો દેશની સરહદે આવેલું આ રાજ્ય કપાસના ઉત્પાદનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ખનિજતેલ અને કુદરતી ગૅસનાં સૌથી મોટાં ક્ષેત્રો આ રાજ્યમાં આવેલાં છે. ક્ષેત્રફળ ૬,૭૮,૦૫૧ ચોકિમી. તથા વસ્તી ૩,૧૨,૯૦,૦૦૦ (૨૦૨૪, આશરે). આ રાજ્યની પૂર્વમાં લ્યુઇઝિયાના અને ઈશાન તરફ આરકાન્સાસ રાજ્યો આવેલાં છે. તેની દક્ષિણે મેક્સિકોની આંતરરાષ્ટ્રીય સરહદ અને મેક્સિકોના અખાતની જળસીમા આવેલી છે, જ્યારે તેની ઉત્તરે ઓક્લોહોમા અને પશ્ચિમે ન્યૂ મેક્સિકો રાજ્યો આવેલાં છે. નદીઓના મેદાની પ્રદેશમાં આવેલા આ રાજ્યની જમીન કાંપની બનેલી છે. રિઓ-ગ્રાન્ડ નદી ટૅક્સાસ રાજ્ય અને મેક્સિકો દેશની જળસીમા બનાવે છે, જ્યારે ઉત્તરે રેડ નદી ઓક્લોહોમા અને લ્યુઇઝિયાના રાજ્યને ટૅક્સાસથી જુદાં પાડે છે.

કપાસનું ઉત્પાદન

રાજ્યમાં આવેલા સાન ઍન્ટોનિયો, કૉર્પસ ક્રિસ્ટી, હ્યૂસ્ટન, ડલાસ, બિગ સ્પ્રિંગ, એલ્પાસો શહેરો અગત્યનાં ઔદ્યોગિક કેન્દ્રો છે. નિગ્રો લોકોની સવિશેષ વસ્તી ધરાવતું આ રાજ્ય ગુનાઇત પ્રવૃત્તિઓ માટે સમગ્ર યુ.એસ.માં જાણીતું છે. કપાસ, મકાઈ અને ઘઉંનાં ખેતરોથી લીલુંછમ આ રાજ્ય આર્થિક સમૃદ્ધિમાં યુ.એસ.માં અગ્રસ્થાન ધરાવે છે. કૃષિઆવકમાં રાજ્યના પશુધનનો ફાળો અડધોઅડધ હોય છે. રાજ્યમાં યંત્રો, વાહનવ્યવહારનાં ઉપકરણો, વીજળીનાં સાધનો, રસાયણો, ખાદ્ય પ્રક્રમણ તથા ખનિજતેલની પેદાશોના ઔદ્યોગિક એકમો વિકસ્યા છે. ખનિજોમાં (ખનિજ)તેલ તથા કુદરતી વાયુનો જથ્થો સારા પ્રમાણમાં  મળે છે. રિયો-ગ્રાન્ડ એ રાજ્યની સૌથી મોટી નદી છે, જે ઉત્તર અમેરિકાની મોટી નદીઓમાંની એક છે. રાજ્યમાં ઘણાં કૃત્રિમ રીતે તૈયાર કરવામાં આવેલાં સરોવરો છે. પશ્ચિમ તરફના પ્રદેશમાં ઘણાં સરોવરો એવાં છે જેમાં માત્ર તોફાની વરસાદને લીધે જ પાણી હોય છે. કૃત્રિમ સરોવરના પાણીનો ઉપયોગ સિંચાઈ તથા જળવિદ્યુતશક્તિના સર્જન માટે થાય છે. લગભગ દસ વર્ષ સુધી (૧૮૩૫–૪૫) સ્વતંત્ર પ્રજાસત્તાક ઘટક તરીકે રહ્યા બાદ ૧૮૪૫માં તેને અમેરિકાના સંલગ્ન રાજ્ય તરીકે સંઘમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. માર્ચ, ૧૮૬૧માં આ રાજ્ય અમેરિકાના સંઘમાંથી અલગ થઈ ‘કૉન્ફેડરેટ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા’માં સંલગ્ન રાજ્ય તરીકે ફરી સંઘમાં જોડાઈ ગયું. અમેરિકાના અંતરિક્ષ કાર્યક્રમમાં આ રાજ્યનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. ૧૯૬૯માં અંતરિક્ષ યાન ‘ઍપોલો ૧૧’ રાજ્યના હ્યૂસ્ટન નગરની પડખે આવેલા ‘નાસા’ના મુખ્ય મથકથી છોડવામાં આવ્યું હતું તેના દ્વારા માનવે ચંદ્ર પર ઉતરાણ કર્યું હતું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સિદ્ધપુર

ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર સિદ્ધપુર મહેસાણાની ઉત્તરે મુખ્ય રેલમાર્ગ પર સરસ્વતી નદીના કાંઠે વસેલું પ્રાચીન નગર છે. પ્રાચીન કાળમાં તેનું નામ ‘શ્રીસ્થલ’ હતું. સોલંકી-વંશના સ્થાપક મૂલરાજના સમયમાં પણ તે નામ પ્રચલિત હતું. પુરાણો તથા મહાભારતમાં તેનો મહત્ત્વના તીર્થ તરીકે ઉલ્લેખ છે. મૂલરાજ સોલંકીએ અહીં મૂલનારાયણનું મંદિર બંધાવ્યું હતું. સિદ્ધરાજે સરસ્વતીના કિનારે આવેલા રુદ્રમહાલયને મહાપ્રાસાદનું પૂર્ણ સ્વરૂપ આપ્યું અને શ્રીસ્થલ સિદ્ધરાજના નામ પરથી ‘સિદ્ધપુર’ તરીકે જાણીતું થયું. બીજા મંતવ્ય પ્રમાણે અહીં સાંખ્યના આચાર્ય ભગવાન કપિલમુનિનો આશ્રમ હતો. ત્યાં તેમણે માતા દેવહૂતિને ઉપદેશ કરેલો. કપિલમુનિ સિદ્ધોના પરમ પુરુષ ગણાતા હોઈ ૧૩મી-૧૪મી સદીમાં ‘સિદ્ધપુર’ નામ પ્રચલિત થયું. ઈ. સ. ૧૫૩૯માં ઇસ્માઇલી વહોરા પંથના વડા મુલ્લાજીસાહેબ યૂસુફ બિન સુલેમાને અહીં સિદ્ધપુરમાં આવી પોતાના ધર્મની ગાદી સ્થાપી.

સિદ્ધપુરમાં રુદ્રમાળ

હાલનું સિદ્ધપુર શહેર પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાનું મુખ્ય મથક તથા યાત્રાધામ છે. ભારતનાં ચાર પવિત્ર સરોવરો પૈકીનું એક ‘બિંદુ’ સરોવર આ નગરમાં છે. આ સ્થળ માતૃશ્રાદ્ધ માટે પ્રસિદ્ધ છે. આ નગર ભારતભરમાં જીરું, વરિયાળી અને ઇસબગૂલના વેપાર માટે જાણીતું છે. અહીં સુતરાઉ કાપડનાં કારખાનાં, તેલની મિલો તેમ જ ઇજનેરી ઉદ્યોગને લગતા એકમો આવેલા છે. અહીં શિક્ષણસંસ્થાઓ, બૅંકો, આરોગ્ય-કેન્દ્રો અને ચિકિત્સાલયોની સુવિધા પણ છે. સિદ્ધપુરની વહોરવાડમાં બેનમૂન સ્થાપત્ય ધરાવતાં ઘણાં મકાનો આવેલાં છે, જેનો સમાવેશ યુનોએ વિશ્વ-વિરાસત(‘વર્લ્ડ હેરિટેજ’)ની યાદીમાં કર્યો છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં ૧૧મી સદીમાં મૂલરાજે બંધાવેલા રુદ્રમાળ કે રુદ્રમહાલય નામના ભવ્ય શિવાલયના અવશેષો ઉલ્લેખનીય છે. આ રુદ્રમાળને ભારતના પુરાતત્ત્વખાતાએ મહત્ત્વ આપ્યું છે. સિદ્ધરાજે તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. વળી રાજવિહાર નામે જૈનમંદિર, મૂલનારાયણ સ્વામી વૈષ્ણવ મંદિર, ગોવિંદમાધવનું મંદિર, સિદ્ધેશ્વર તથા નીલકંઠ મંદિર, વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજીની બેઠક તથા પ્રાચીન બ્રહ્માણી મંદિર પણ દર્શનીય છે. અહીં અલર્ક ગણેશની યાદ આપતાં ચકલો અને કૂઈ પણ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ટિયનજિન (Tianjin)

હોબાઈ પ્રાંતમાં આવેલું ચીનનું ત્રીજા નંબરનું મોટું શહેર અને પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : ૩૯° ૦૮´ ઉ. અ. અને ૧૧૭° ૧૨´ પૂ. રે. તેનું ચીની ભાષાનું નામ ‘ટીઆનજીન’ છે. તે બેજિંગથી નૈર્ઋત્ય ખૂણે ૧૩૮ કિમી. દૂર હાઈ હો (Hai Ho) નદીની પાંચ શાખાઓના સંગમસ્થાને ગ્રાન્ડ કૅનાલ ઉપર આવેલું છે. તે પીળા સમુદ્રના પો હાઈ (Po Hai) અખાતથી ઉપરવાસમાં ૫૬ કિમી. દૂર છે. ઉત્તર ચીનના વિશાળ મેદાનના છેક ઉત્તર છેડે આવેલું આ શહેર સમુદ્રની સપાટીથી માત્ર ૫ મી. ઊંચું છે. ટિયનજિન  આસપાસનો પ્રદેશ સપાટ અને ખૂબ ફળદ્રૂપ છે. આ શહેરની વસ્તી ૧,૩૮,૬૬,૦૦૦ (આશરે ૨૦૨૦) જેટલી છે. તેનો કુલ વિસ્તાર ૧૧,૯૪૬ ચોકિમી. જેટલો છે. ટિયનજિન સમુદ્રની નજીક હોવા છતાં તેની આબોહવા વિષમ છે. શિયાળાનું જાન્યુઆરી માસનું સરાસરી તાપમાન ૪° સે. છે, જ્યારે ઉનાળાનું જુલાઈ માસનું સરાસરી તાપમાન ૩૯° સે. છે. આમ ઉનાળા અને શિયાળાના તાપમાન વચ્ચે ઘણો ફરક છે. શિયાળામાં સાઇબીરિયાનો સૂકો ઠંડો પવન ઉત્તર દિશામાંથી વાય છે અને હિમની વર્ષા થાય છે. ઉનાળામાં પૅસિફિક મહાસાગર ઉપરથી દક્ષિણ તરફથી વાતો ભેજવાળો પવન વાર્ષિક સરેરાશ ૫૦૦ મિમી. વરસાદ આપે છે. નદીઓ અને બારાને બરફમુક્ત રાખવા ‘આઇસબ્રેકર’નો ઉપયોગ કરવો પડે છે. આસપાસના પ્રદેશમાં ઘઉં, ડાંગર, જવ, સોયાબીન વગેરે મુખ્ય પાક છે.

ટિયનજિન શહેર

બેજિંગમાં પરદેશીઓના પ્રવેશ ઉપર પ્રતિબંધને કારણે ટિયનજિન પરદેશ સાથેના તથા ઉત્તર ચીનના આંતરિક વેપારનું કેન્દ્ર બન્યું છે. ૧૮૬૦માં ગ્રેટ બ્રિટનને અને ત્યારબાદ ક્રમશ: ફ્રાન્સ, બેલ્જિયમ, ઇટાલી, જર્મની, રશિયા, ઑસ્ટ્રિયા-હંગેરી વગેરે દેશોની યુરોપીય પ્રજાઓને વેપાર અર્થે ખાસ છૂટછાટો અપાઈ હતી અને તેમનો પોતાની સ્વતંત્ર હકૂમતવાળો રહેઠાણનો વિસ્તાર હતો. ચીનના કુલ વેપારમાં ટિયનજિનનો ૧૦% હિસ્સો છે. ચુઆન વંશના વખતથી (૧૨૭૪-૧૩૬૮) આ શહેર વેપાર ઉપરાંત ઉદ્યોગો અને વાહનવ્યવહારનું અગ્રગણ્ય કેન્દ્ર છે. ૧૯૪૯માં દેશમાં સામ્યવાદી પક્ષનું શાસન દાખલ થયા બાદ વેપારનું સ્થાન ભારે અને હળવા ઉદ્યોગોએ લીધું છે. ભારે યંત્રો, રસાયણો, પ્લાસ્ટિક, લોખંડ અને પોલાદ, જહાજોનું બાંધકામ અને સમારકામ, ઇલેક્ટ્રૉનિક સાધનો વગેરેના ભારે ઉદ્યોગો છે. કાગળ, ગરમ અને સુતરાઉ કાપડ, ચર્મઉદ્યોગ, રબરની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ વગેરે હળવા ઉદ્યોગો છે. વળી હસ્ત અને લઘુઉદ્યોગો દ્વારા ગાલીચા, ગરમ ધાબળા, માટીની કલાત્મક વસ્તુઓ, છાપકામ માટેનાં બીબાંનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત મત્સ્યઉદ્યોગ અને મીઠું બનાવવાના ઉદ્યોગો પણ વિકસ્યા છે. દરિયાતળમાંથી પેટ્રોલિયમ મળી આવતાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ શરૂ થયો છે. ટિયનજિનને ચીનના અંદરના ભાગ સાથે જોડતો બધી ઋતુઓમાં ઉપયોગી ધોરી માર્ગ અને ૧૨ કિમી.નો ભૂગર્ભ માર્ગ છે. બેજિંગ-શાંઘાઈ તથા બેજિંગ-શેનયાંગ રેલવે ઉપરનું ટિયનજિન મહત્ત્વનું સ્ટેશન છે. હાઈ હો નદીના મુખ ઉપર ટગ્ગુ ખાતે ૧૯૪૦માં જાપાને બાંધેલું ટિયનજિનનું બંદર છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટિયનજિન, પૃ. ૨૬૫)