Categories
વાચન સમૃદ્ધિ

કે. એ. નીલકંઠ શાસ્ત્રી

જ. ૧૨ ઑગસ્ટ, ૧૮૯૨ અ. ૧૫ જૂન, ૧૯૭૫

દક્ષિણ ભારતના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર કે. એ. નીલકંઠ શાસ્ત્રીનો જન્મ તેલુગુ નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાંથી સ્નાતક થયા. તેમણે તિરુનેલવેલીમાં શિક્ષણકાર્ય કર્યું. ૧૯૧૩માં હિંદુ કૉલજમાં અધ્યાપક તરીકે જોડાયા પછી ૧૯૧૮માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. તેઓ અન્નામલાઈ યુનિવર્સિટીની આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ બન્યા. ૧૯૫૨માં મૈસૂર યુનિવર્સિટીમાં ઇન્ડૉલૉજીના પ્રોફેસર તરીકે અને ૧૯૫૪માં મૈસૂર રાજ્યના પુરાતત્ત્વ નિયામક તરીકે કાર્ય કર્યું. તેઓ યુનેસ્કોની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટ્રેડિશનલ કલ્ચર્સ ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયાના નિયામક પણ હતા. અગ્નિ એશિયાના ઇતિહાસના અભ્યાસ માટે તેઓ ડચ અને ફ્રેન્ચ ભાષા પણ શીખ્યા હતા. તેમણે અર્ધી સદી જેટલા સમય સુધી ઇતિહાસનાં સંશોધન કર્યાં. તેમણે દેશ-વિદેશમાં અનેક પ્રવચનો આપ્યાં, જે ગ્રંથ સ્વરૂપે પ્રગટ થયાં હતાં. તેમણે ૧૯૨૬માં યુનિવર્સિટી ઑવ્ મદ્રાસમાં ‘ધ પાંડ્યન્ કિંગ્ડમ’ પર આપેલાં વ્યાખ્યાનો ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થયાં હતાં. તેમણે યુનિવર્સિટી ઑવ્ મદ્રાસમાં આપેલાં સર વિલિયમ મેયર વ્યાખ્યાનો ‘હિસ્ટરી ઑવ્ શ્રીવિજય, ‘યુનિવર્સિટી ઑવ્ શિકાગો’માં આપેલાં પ્રવચનો ‘ડેવલપમેન્ટ ઑવ્ રીલિજિયન ઇન સાઉથ ઇન્ડિયા’ અને ‘યુનિવર્સિટી ઑવ્ પટણા’માં આપેલાં પ્રવચનો ‘કલ્ચરલ કૉન્ટેક્ટ્સ બિટવીન આર્યન્સ ઍન્ડ દ્રાવિડિયન્સ’ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થયાં છે. તેમણે ‘ફર્ધર સોર્સિસ ઑવ્ વિજયનગર હિસ્ટરી’ના ત્રણ ગ્રંથોમાં ઇતિહાસને ઉજાગર કર્યો છે. તેઓ પટણામાં યોજાયેલ ઇન્ડિયન હિસ્ટરી કૉંગ્રેસના પ્રમુખ હતા. તેઓ કેન્દ્રીય પુરાતત્ત્વ સલાહકાર બોર્ડના સભ્ય હતા. તેમણે ઇતિહાસમાં કરેલાં સંશોધનો બદલ ભારત સરકારે તેમને ૧૯૫૭માં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

બકુલેશ

જ. ૧૧ ઑગસ્ટ ૧૯૧૦ અ. ૫ નવેમ્બર ૧૯૫૭

કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના કોઠારા ગામમાં જન્મ. ગુજરાતી વાર્તાકાર અને પત્રકાર. મૂળ નામ ગજકંદ રામજી અર્જુન. શાળા સુધીનો અભ્યાસ. બાળપણથી ચિત્રકળામાં રસ.  અભ્યાસકાળ દરમિયાન સાપ્તાહિક પત્રોમાં નોકરી તથા ફિલ્મી જાહેરાતનાં સુશોભનો કરી તેઓ પોતાનો નિર્વાહ કરતા. પત્રકારત્વથી દૂર રહેવાની પિતાની સલાહ અવગણીને તે જ વ્યવસાય સ્વીકારેલો. ‘વીસમી સદી’ના સહતંત્રી તરીકે કારકિર્દીની શરૂઆત. આ સમય દરમિયાન એમણે ‘નવચેતન’માં વાર્તાઓ લખવા માંડી. ‘પ્રજામિત્ર કેસરી’ના તંત્રીમંડળમાં જોડાયા અને ત્યાં ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ના દીપોત્સવી અંકોનું સંપાદન કર્યું. પ્રગતિશીલ લેખક તરીકે જાણીતા. વાર્તાકળા પ્રત્યે સભાન. 1952માં એમણે સરરિયાલિઝમની ચર્ચા કરેલી. ચિત્રમય, કાવ્યમય ગદ્યના કસબી. એમની વાર્તાઓમાં સિનેમેટોગ્રાફીની તકનીક દ્વારા થતાં ચિત્રાંકનો ધ્યાનપાત્ર છે. કથાવસ્તુ, સંવેદન તથા પાત્રસૃષ્ટિના વૈવિધ્ય પર તેઓ ભાર મૂકતા. નિમ્નવર્ગીય સમાજને આલેખતી સામ્યવાદી વલણની વાર્તાસૃષ્ટિ. ફૂટપાથ, ગલીઓ, પીઠાં અને અંધારામાં ફરતાં પાત્રો તથા તેમના પરિવેશવાળી, સમાજના વિશાળ પટને આવરી લેતી વાર્તાસૃષ્ટિ. બિનજરૂરી પ્રસ્તાર એ એમની મર્યાદા. એમનાં મહત્વનાં પુસ્તકો – ‘સુવર્ણના નિ:શ્વાસ’ (1936), ‘ઇશ્કની ખુશ્બૂ’ (1942), ‘કાદવનાં કંકુ’ (1944), ‘અગનફૂલ’, ‘ખારાં પાણી’, ‘કંકુડી’ (1953) વગેરે. મહેશ દવે દ્વારા એમની વાર્તાઓનું ‘બકુલેશની વાર્તાઓ’ (1977) એ નામે સંપાદન થયું છે. ‘નિશિગંધા’, ‘ગોપીનું ઘર’, ‘કિમી-ચાન’ અને ‘ખંડેયિર’ એમની યશસ્વી વાર્તાઓ છે. ગ્રંથસ્થ ન થઈ હોય એવીયે કેટલીક વાર્તાઓ છે. ૪૭ વર્ષની વયે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

પીતાંબર પટેલ

જ. ૧૦ ઑગસ્ટ, ૧૯૧૮ અ. ૨૪ મે, ૧૯૭૭

‘પિનાકપાણિ’, ‘રાજહંસ’ અને ‘સૌજન્ય’ જેવાં તખ્ખલુસ ધરાવતા ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર પીતાંબર પટેલનો જન્મ મહેસાણાના શેલાવી ગામે થયો હતો. પિતાનું નામ નરિંસહભાઈ. તેમણે પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં લીધું હતું. કડીની સર્વ વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષણ પૂરું કરી ૧૯૩૬માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. ૧૯૪૦માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ. થયા અને ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. કર્યું. ૧૯૫૬થી કેટલાંક વર્ષ આકાશવાણી અમદાવાદમાં કામ કર્યું. તે ભવાઈમંડળના પ્રણેતા હતા. તેમણે અમદાવાદ લેખક મિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે પણ કામ કર્યું હતું. ‘સંદેશ’ અખબારના તંત્રીવિભાગ સાથે પણ જોડાયેલા હતા. તેમણે ફિલ્મનિર્માણ પર પણ હાથ અજમાવ્યો હતો. તેમના લેખન ઉપર પન્નાલાલ પટેલ અને પેટલીકરનો ખૂબ પ્રભાવ હતો. તેમની જાણીતી નવલકથાઓમાં ‘રસિયો જીવ’, ‘પરિવર્તન’, ‘ઊગ્યું પ્રભાત’, ‘ખેતરને ખોળે’, ‘તેજરેખા’, ‘આશાભરી’, ‘અંતરનાં અજવાળાં’, ‘ચિરંતન જ્યોત’, ‘ધરતીનાં અમી’, ‘કેવડિયાનો કાંટો’ મુખ્ય છે. પીતાંબર પટેલ મુખ્યત્વે પ્રાદેશિક નવલકથાકાર હતા. તેમની નવલકથાઓમાં ગુજરાતના સમાજજીવનનું વાસ્તવિક ચિત્ર આપવાનો પ્રયાસ થયો છે. તેમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણનો સંદેશ દૃષ્ટિગોચર થાય છે. નવલિકા ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ગુજરાતી ગ્રામજીવન સમાજજીવન, શહેરીજીવન, ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો તેમાં આવરી લેવામાં આવ્યા છે. ‘વગડાનાં ફૂલ’, ‘મિલાપ’, ‘શ્રદ્ધાદીપ’, ‘કલ્પના’, ‘છૂટાછેડા’, ‘શમણાંની રાખ’, ‘સૌભાગ્યનો શણગાર’, ‘નીલ ગગનનાં પંખી’, ‘રૂડા સરોવરિયાની પાળ’, ‘સંતનો દીવો’, ‘ઝૂલતા મિનારા’ તેમની જાણીતી નવલિકાઓ છે. ‘ભારતનાં નવાં યાત્રાધામો’ તેમના દ્વારા લખાયેલ પ્રવાસગ્રંથ છે. એમણે ‘માણસાઈની વાતો’ અને ‘મંગલ વાતો’ જેવાં સંપાદનો પણ આપ્યાં છે. વાર્તામાસિક ‘આરામ’નું સંપાદન તેમણે ઘણાં વર્ષો સુધી સફળતાપૂર્વક કર્યું હતું.