Categories
વાચન સમૃદ્ધિ

વાલચંદ હીરાચંદ દોશી

જ. ૨૩ નવેમ્બર, ૧૮૮૨ અ. ૮ એપ્રિલ, ૧૯૫૩

આર્થિક સ્વતંત્રતા એ રાજકીય કે સામાજિક સ્વતંત્રતાના પાયારૂપ છે, આ સિદ્ધાંત ખાતર જેઓ આખી જિંદગી લડતા રહ્યા એવા દેશભક્ત ઉદ્યોગપતિ વાલચંદ દોશીનો જન્મ સોલાપુરમાં થયો હતો. પિતા હીરાચંદ રૂના વેપારી તથા ધીરધારનો ધંધો કરતા હતા. વાલચંદભાઈએ ઔરંગાબાદ, સોલાપુર, મુંબઈ તેમજ પુણે ખાતે અભ્યાસ કર્યો હતો. પિતાની તબિયત અસ્વસ્થ રહેવાથી બી.એ.ની અંતિમ પરીક્ષા આપ્યા વગર કૌટુંબિક ધંધામાં જોડાઈ ગયા. તેઓ બધી જ્ઞાતિઓની વ્યક્તિઓ સાથે ભળતા, ખાતાપીતા અને અસ્પૃશ્યતાના સખત વિરોધી હતા. તે પોતે ઓછું ખર્ચાળ અને સાદું જીવન જીવતા હતા અને ખાદી જ પહેરતા. ભારતે જ સ્વનિર્ભર થઈ, પોતાના ઉદ્યોગો વિકસાવી, ઉત્પાદન વધારવું જરૂરી છે જેથી કરીને લોકોને બ્રિટિશ વસ્તુઓ ખરીદવાની ફરજ ન પડે – એવા દાદાભાઈ નવરોજીએ કરેલા સંવેદનશીલ ભાષણે યુવાન વાલચંદ ઉપર ખૂબ પ્રભાવ પાડ્યો અને તેમણે ભારતમાં જ વિવિધ ઉદ્યોગો સ્થાપી, બ્રિટિશ ઉદ્યોગોની હરીફાઈ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો.

તેમણે વિશાખાપટ્ટનમ્ ખાતે જહાજઉદ્યોગ, બૅંગાલુરુ ખાતે ઍરોપ્લેન બનાવવાનું કારખાનું તથા મુંબઈમાં કુર્લા ખાતે મોટરઉદ્યોગ સ્થાપીને ભારતના ઉદ્યોગવિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેઓ ખાંડઉદ્યોગ અને બાંધકામઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ સાહસિક ઉદ્યોગપતિ તરીકે અગ્રેસર હતા. અંગ્રેજ સરકારની નીતિઓનો જબરો પ્રતિકાર કરતા. ભારત કંઈ પણ હાંસલ કરવાને શક્તિમાન છે તેમ તે ખાતરીપૂર્વક માનતા. તેઓ આંતરરાષ્ટ્રીય વેપારની આંટીઘૂંટીઓને પણ સારી રીતે સમજતા હતા. ભારતમાં તે સમયે એક પણ શિપયાર્ડ ન હોવાને કારણે, તેમણે વિશાખાપટ્ટનમ્ ખાતે જહાજઉદ્યોગ સ્થાપ્યો. મરીન એન્જિનિયરિંગ અને વાયરલેસ કૉમ્યુનિકેશન અને તેવી અન્ય વિદ્યાઓ ભારતવાસીઓએ હસ્તગત કરવી જોઈએ તેવો આગ્રહ પણ તેમણે રાખ્યો હતો. તેમની રચનાત્મક તેમજ સંશોધક કલ્પનાશક્તિએ નૂતન ભારતનો પાયો મજબૂત બનાવવામાં મદદ કરી છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

ઝલકારી બાઈ

જ. ૨૨ નવેમ્બર, ૧૮૩૦ અ. પ એપ્રિલ, ૧૮૫૮

ઇતિહાસનાં પાનાંઓમાં એક મહાન દલિત મહિલા યોદ્ધાની વાત છે, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મહિલાસેના દુર્ગાદલની સેનાપતિ હતી. ઝાંસીના ભોજલા ગામે એક નિર્ધન કોળી પરિવારમાં જન્મેલી ઝલકારી બાઈ પોતાની દૃઢતા અને સાહસથી એક આદરણીય યોદ્ધા બની ગઈ. ઝલકારીના પિતાએ નાનપણથી જ તેમને ઘોડેસવારી અને હથિયાર ચલાવવાની શિક્ષા આપી હતી. જ્યારે તે મોટી થઈ ત્યારે એક સૈનિક અને રાણી લક્ષ્મીબાઈની વિશ્વસનીય સલાહકારોમાંની એક બની ગઈ. તેના પતિ પૂરન કોરીની પાસેથી તીરંદાજી, કુસ્તી અને નિશાનબાજી શીખી હતી. પૂરન કોરી રાણી લક્ષ્મીબાઈના પતિ રાજા ગંગાધરની સેનામાં એક સૈનિક હતા. ઝલકારી બાઈ પોતાના પતિની સાથે શાહી મહેલ જતી હતી. જ્યારે રાણીને તેની બહાદુરીની ખબર પડી ત્યારે તે તેમની સારી બહેનપણી બની ગઈ. ઘણા લોકો એમ માનતા હતા કે ઝલકારી બાઈનાં કદ અને કાઠી રાણી જેવાં જ હતાં.

૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતાસંગ્રામમાં અંગ્રેજ સેનાથી રાણી લક્ષ્મીબાઈ ઘેરાઈ ગયાં ત્યારે ઝલકારી બાઈએ પોતાની સૂઝબૂઝથી સ્વામીભક્તિ અને રાષ્ટ્રીયતાનો પરિચય આપ્યો. તેણે રાણીના વેશમાં યુદ્ધ કર્યું અને અંતિમ સમયે અંગ્રેજોના હાથે પકડાઈ ગઈ અને રાણી લક્ષ્મીબાઈને તેમના પુત્ર સાથે કિલ્લાની બહાર ભાગી જવાનો અવસર મળી ગયો. આ યુદ્ધમાં ઝલકારી વીરતાથી લડી અને વીરગતિ પામી. બુંદેલખંડની લોકકથાઓ અને લોકગીતોમાં ઝલકારી બાઈની ગાથા આજે પણ સંભળાય છે. ૨૦૦૧ની સાલમાં તેઓના સન્માનમાં એક ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

વૉલ્તેર

જ. ૨૧ નવેમ્બર, ૧૬૯૪ અ. ૩૦ મે, ૧૭૭૮

મહાન ફ્રેન્ચ તત્ત્વજ્ઞ વૉલ્તેરનો જન્મ પૅરિસમાં મધ્યમવર્ગના કુટુંબમાં થયો હતો. ૧૭૧૧થી ૧૭૧૩ સુધી તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે પછી થોડો સમય હોલૅન્ડમાં ફ્રેન્ચ એલચીના સચિવ તરીકે કામ કર્યું. તેઓ માનવતાવાદી હતા અને સામાજિક, રાજકીય, ધાર્મિક સહિષ્ણુતા તથા સમભાવમાં માનતા હતા. વૉલ્તેરે ધર્મઝનૂન તથા નિરીશ્વરવાદનો વિરોધ કર્યો હતો. આવા વિચારોને કારણે તેમની ઘણી વાર ધરપકડ કરવામાં આવી હતી. તેમને બેસ્તિલમાં જેલવાસ ભોગવવો પડ્યો હતો અને દેશનિકાલની સજા પણ ભોગવવી પડી હતી. જેલવાસ દરમિયાન તેમણે એક કરુણ અંતવાળા નાટક(Oedipe)ની રચના કરી હતી. ૧૭૨૬માં થયેલ દેશનિકાલની સજા દરમિયાન ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડમાં જઈ રહ્યા હતા. તે સમયે તેમણે ‘એસે-અપોન-એપિક પોએટ્રી’ અને ‘એસે અપોન ધ સિવિલ વૉર ઇન ફ્રાન્સ’ જેવી રચનાઓ કરી હતી. વૉલ્તેરે લેખો, પત્રિકાઓ, નિબંધો, કાવ્યો, નાટકો, સમીક્ષાઓ એમ અનેક પ્રકારનું સાહિત્ય લખ્યું છે. તેમણે સંપૂર્ણ લેખનના ૯૯ ગ્રંથો રચ્યા છે. સમાજનો દંભ ખુલ્લો પાડવા માટે કેટલુંક સુંદર કટાક્ષલેખન કર્યું છે. લગભગ ચૌદ હજાર પત્રો, બે હજાર પત્રિકાઓ, નિબંધો અને પુસ્તિકાઓનું તેમણે સર્જન કર્યું છે. વૉલ્તેર માટે એવું કહેવાય છે કે તેમનું લેખન એટલું સરસ હતું કે તે તત્ત્વજ્ઞાન વિશેનું છે તેવો ખ્યાલ જ ન આવે. વૉલ્તેરે ‘ફિલૉસૉફિકલ ડિક્શનરી’ની રચના કરી. તેમાં તેમણે જણાવ્યું છે કે નૈતિકતા પોષક ધર્મ મતબદ્ધ ધર્મ કરતાં વધુ ઇચ્છનીય છે. પૅરિસ, જિનીવા અને ઍમસ્ટરડૅમમાં તેમની આ ડિક્શનરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેઓ ફ્રેન્ચ પ્રબોધન-આંદોલનના મુખ્ય ચિંતકોમાંના એક હતા.

૧૭૬૭માં તેમણે ભારતનો પ્રવાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘આપણી ચેસની રમત, આપણા ભૂમિતિના મૂળભૂત સિદ્ધાંતો તથા આપણી બની ગયેલી બોધકથાઓ માટે આપણે ભારતીયોના ઋણી છીએ.’ તેમણે ભારતને ‘જગતની સભ્યતાનું પારણું’ તરીકેની ઓળખ આપી હતી. જાણીતી ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં ૧૭૭૮માં તેમનું અવસાન થયું.

શુભ્રા દેસાઈ