Categories
વાચન સમૃદ્ધિ

શિવરામ લાલા કશ્યપ

જ. ૬ નવેમ્બર, ૧૮૮૨ અ. ૨૬ નવેમ્બર, ૧૯૩૪

પંજાબ રાજ્યમાં ઝેલમ નગરમાં પ્રતિષ્ઠિત સૈનિક પરિવારમાં તેઓનો જન્મ થયો હતો. ભણવામાં તેઓ ખૂબ તેજસ્વી હોવાથી જે વિષય હાથમાં લે તેમાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા હતા. તેઓએ આગ્રા મેડિકલ સ્કૂલની ડિગ્રી મેળવી સાથે સાયન્સની પરીક્ષા આપીને બી.એસસી.ની ડિગ્રી પણ લીધી. ત્યારબાદ વનસ્પતિશાસ્ત્ર વિષય લઈને એમ.એ. તથા એમ.એસસી.ની ડિગ્રીઓ મેળવી. ઈ. સ. ૧૯૧૦માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી નેચરલ સાયન્સ ટ્રાઇપોસની ડિગ્રી પ્રાપ્ત કરી. સ્વદેશ આવીને ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાં વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર થયા તથા સિન્ડિકેટના સભ્ય તરીકે નિમણૂક પામ્યા. વિજ્ઞાન વિભાગના ડીન તરીકે લાંબો સમય સેવા આપી. આગ્રા, લખનઉ તથા બનારસ વિશ્વવિદ્યાલય સાથે તેઓ સંકળાયેલા હતા. વિજ્ઞાનમાં તેમના બહુમૂલ્ય પ્રદાનને લીધે પંજાબ વિશ્વવિદ્યાલયના ફેલો તથા સિન્ડિકેટના સભ્ય પણ થયા. લાંબા સમય સુધી વિજ્ઞાન વિભાગના ડીન રહ્યા. વિજ્ઞાનમાં તેઓના બહુમૂલ્ય પ્રદાનને લીધે પંજાબ વિશ્વવિદ્યાલયે ઈ. સ. ૧૯૩૩માં તેઓને ડૉક્ટર ઑવ્ સાયન્સની માનદ પદવી આપી. ઈ. સ. ૧૯૧૯માં ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસના વનસ્પતિ વિભાગના અધિવેશનમાં તેઓ અધ્યક્ષ રહ્યા. ૧૯૨૦માં ઇન્ડિયન બૉટેનિકલ સોસાયટીમાં સભાપતિ થયા. આ સંસ્થાના જર્નલના મુખ્ય સંપાદક તેમજ હોલૅન્ડના ક્રોનિકા બૉટેનિકા નામના પત્રના સલાહકાર સંપાદક રહ્યા હતા. ડૉ. કશ્યપે વનસ્પતિને લગતા મૌલિક સંશોધન તથા અનેક મૂલ્યવાન લેખો લખ્યા હતા. તેમાં શેવાળ લીવરવોર્ટ અને હોનવર્ટનો સમાવેશ કર્યો. પશ્ચિમ હિમાલય તથા તિબેટના વનસ્પતિસમૂહ પર લખેલા લેખોને લીધે તેઓની ખ્યાતિ દેશ અને વિદેશમાં ફેલાઈ ગઈ. જાણીતી અભિનેત્રી કામિની કૌશલ તેમની પુત્રી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

ચિત્તરંજન દાસ (દેશબંધુ)

જ. ૫ નવેમ્બર, ૧૮૭૦ અ. ૧૬ જૂન, ૧૯૨૫

‘દેશબંધુ’ના નામથી જાણીતા બંગાળના વકીલ અને ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના એક ટોચના કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક. તેમનો જન્મ તેલીરબાગ, ઢાકાના પ્રખ્યાત એવા દાસ પરિવારમાં થયો હતો. આ દાસ પરિવાર બ્રહ્મસમાજ સાથે જોડાયેલો હતો. તેમના પરિવારમાં વકીલોની સંખ્યા વધુ હોવાથી વકીલોનો પરિવાર કહેવાતો હતો. ૧૮૯૦માં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ આઈ.સી.એસ. બનવા માટે ઇંગ્લૅન્ડ ગયા હતા અને ૧૮૯૨માં બૅરિસ્ટર બનીને ભારત પાછા આવ્યા. તેમણે વકીલાત શરૂ કરી. ૧૮૯૪માં વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો હતો અને અસહકાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયા. ૧૯૦૯માં અલીપોર બૉમ્બવિસ્ફોટ પ્રકરણ અંતર્ગત તેમણે અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. શ્રી અરવિંદે તેમના ઉત્તરપાડાના ભાષણમાં ચિત્તરંજન દાસનો જાહેર આભાર માનતાં જણાવ્યું હતું કે અલીપોર પ્રકરણમાં ચિત્તરંજન દાસને તેમને બચાવવા માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેઓ ૧૯૧૯થી ૧૯૨૨ના અસહકાર આંદોલન દરમિયાન બંગાળના અગ્રણી નેતા રહ્યા. અનુશીલન સમિતિની પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિયપણે જોડાયેલા હતા. તેમણે બ્રિટિશ કાપડ પર પ્રતિબંધ મૂકવાની સાથે વિદેશી કપડાંની હોળી કરી ખાદીનાં વસ્ત્રો પહેરવાની શરૂઆત કરી હતી. તેમણે ‘ફૉર્વર્ડ’ નામનું એક દૈનિક ચાલુ કર્યું હતું. જેને પછીથી બ્રિટિશ શાસન વિરુદ્ધની લડત માટે ‘લિબર્ટી’ એવું નામ આપવામાં આવેલું. કલકત્તા નગર નિગમની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ મેયર બન્યા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે તેઓ અિંહસા અને વૈધાનિક પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા હતા અને હિંદુ-મુસ્લિમ એકતા, સહયોગ તેમ જ સાંપ્રદાયિક સદભાવની તરફેણ કરતા હતા. મહાત્મા ગાંધીના જૂથના ‘નો કાઉન્સિલ એન્ટ્રી’ ઠરાવને અનુમોદન ન મળતાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ગયા ખાતે મળેલા અધિવેશનમાં અધ્યક્ષપદેથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. ૧૯૨૩માં તેમણે મોતીલાલ નહેરુ તથા હુસૈન શહીદ સુહરાવર્દીના સહયોગથી સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી. ભારતીય  ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં એક સ્મારકટિકિટ બહાર પાડવામાં આવી છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

શકુન્તલાદેવી

જ. ૪ નવેમ્બર, ૧૯૨૯ અ. ૨૧ એપ્રિલ, ૨૦૧૩

વિશ્વમાં ‘માનવ કમ્પ્યૂટર’ તરીકે જાણીતાં ગણિતશાસ્ત્રી, લેખિકા અને જ્યોતિષી શકુન્તલાદેવીનો જન્મ બૅંગાલુરુમાં કન્નડ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

શકુન્તલાદેવીએ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું. તેઓ બાળપણથી જ પ્રતિભાવાન હતાં. તેમને ત્રણ વર્ષની ઉંમરથી જ આંકડાઓ સાથેનો સંબંધ પ્રદર્શિત થયો હતો. તેમણે પાંચ વર્ષની  ઉંમરે મૈસૂર યુનિવર્સિટીમાં કૉમ્પલેક્સ મેન્ટલ એરિથમૅટિકમાં નિદર્શન આપ્યું હતું. તેઓ વિશ્વના અનેક દેશોમાં ગયાં અને ગાણિતિક ચમત્કૃતિનો પરિચય કરાવ્યો. તેઓ ૧૯૫૨માં વૉશિંગ્ટન ડીસીમાં ગયાં હતાં. ત્યાં તેમણે ઇલેક્ટ્રૉનિક કૅલ્ક્યુલેટર કરતાં છ સેકંડ વહેલો જવાબ આપીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. ૧૯૭૭માં સધર્ન મૅથોડિસ્ટ યુનિવર્સિટીમાં માત્ર ૫૦ સેકંડમાં ૨૦૧ આંકડાની સંખ્યાનું ૨૩મું મૂળ ગણી આપ્યું હતું. UNIVAC-1108 કમ્પ્યૂટરને આ ગણતરી કરતાં વધુ સમય લાગ્યો હતો. એ જ પ્રમાણે ૧૯૮૦માં ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં ૧૩ અંકોની બે સંખ્યાઓના ગુણાકાર માત્ર ૨૮ સેકંડમાં કર્યા હતા. આથી એમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. તેમની સિદ્ધિઓને ગિનિસ બુક ઑવ્ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું. તેમણે ૧૯૮૦માં લોકસભાની ચૂંટણી પણ લડી હતી. તેમણે વૈવિધ્યસભર પુસ્તકો આપ્યાં છે. જેમાં ‘પરફેક્ટ મર્ડર’, ‘રાજુ’, ‘ગોગો ધ ડાન્સિંગ મ્યૂલ ઍન્ડ અધર સ્ટોરીઝ’, ‘અવેકન ધ જિનિયસ ઑવ્ યોર ચાઇલ્ડ’, ‘ફિવરિંગ : ધ જૉય ઑવ્ નંબર્સ’, ‘ધ વર્લ્ડ ઑવ્ હોમોસેક્સ્યુઅલ’ જેવાં પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે ગણિતક્ષેત્રે કરેલાં પ્રદાન બદલ તેમને અનેક સન્માનો મળેલાં. ૪ નવેમ્બર, ૨૦૧૩ના રોજ તેમના ૮૪મા જન્મદિન નિમિત્તે ગૂગલ ડૂડલથી તેમને સન્માનિત કરાયાં હતાં. તેમના જીવન પર  આધારિત ‘શકુન્તલાદેવી’ ફિલ્મ પણ બનાવવામાં આવી છે.

અનિલ રાવલ