Categories
વાચન સમૃદ્ધિ

હેન્રી કિસિંજર

જ. ૨૭ મે, ૧૯૨૩ અ. ૨૯ નવેમ્બર, ૨૦૨૩

એક અમેરિકન રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જાણીતા હેન્રી કિસિંજરનો જન્મ જર્મનીના બાવેરિયાના ફર્થમાં થયો હતો. તેમનાં માતાનું નામ પૌલા અને પિતાનું નામ લૂઈસ હતું. વૉશિંગ્ટન હાઇટ્સ, મેનહટનમાં જર્મન-અમેરિકન સમુદાયમાં હાઈસ્કૂલનાં વર્ષો પસાર કર્યાં બાદ તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં એકાઉન્ટિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુ.એસ. આર્મીમાં સેવા આપી હતી. યુદ્ધ બાદ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે  શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બાદમાં તેઓ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા અને પરમાણુ શસ્ત્રો તેમજ વિદેશનીતિના નિષ્ણાત તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા. રાષ્ટ્રપતિ નિકસન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને બાદમાં રાજ્યના સચિવ તરીકે નિયુક્ત થયા તે પહેલાં તેમણે સરકારી એજન્સીઓ, થિંક ટૅન્ક, નેલ્સન રોકફેલર અને નિકસનના રાષ્ટ્રીય કક્ષાના વિવિધ અભિયાનોમાં સલાહકાર તરીકે કામ કર્યું હતું. રિયલ પોલિટિક ક્ષેત્રે જાણીતા અને ભૂરાજનીતિ પ્રત્યે વ્યાવહારિક અભિગમના હિમાયતી એવા હેન્રી કિસિંજરે સોવિયેત યુનિયન સાથે અટકાયત નીતિનો પાયો નાખ્યો હતો અને ચીન સાથે સંબંધો શરૂ કર્યા હતા. યોમ કિપ્પુર યુદ્ધનો અંત લાવવા માટે મધ્યપૂર્વમાં ‘શટલ ડિપ્લોમસી’માં વ્યસ્ત રહી તેમણે પૅરિસ શાંતિ કરારો માટે જરૂરી વાટાઘાટો કરી હતી. જેને લીધે વિયેટનામ યુદ્ધમાં અમેરિકન સંડોવણીનો અંત આવ્યો હતો. આથી ઘણા અમેરિકન વિદ્વાનો તેમને એક અસરકારક સેક્રેટરી ઑફ સ્ટેટ માનતા હતા. ૨૦૦૨માં ભારતની મુલાકાત લીધી હતી. સરકાર છોડ્યા પછી કિસિંજરે, કિસિંજર ઍસોશિયેટ્સની સ્થાપના કરી હતી, જે એક આંતરરાષ્ટ્રીય ભૂ-રાજકીય સલાહકાર કંપની છે જે તેમણે ૧૯૮૨થી મૃત્યુપર્યંત ચલાવી હતી. તેમણે રાજદ્વારી ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર એક ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં છે. હેન્રી કિસિંજરને તેમની લશ્કરી સેવાઓ માટે બ્રૉન્ઝ સ્ટાર નામના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૭૩ના નોબેલ શાંતિ પુરસ્કારથી પણ તેઓ વિભૂષિત થયા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ચીનુભાઈ માધવલાલ બૅરોનેટ

જ. ૨૬ મે, ૧૮૬૪ અ. ૩ માર્ચ, ૧૯૧૬

બ્રિટિશ ભારતના પ્રથમ હિંદુ બૅરોનેટ, અમદાવાદના દાનવીર ઉદ્યોગપતિ ચીનુભાઈનો જન્મ અમદાવાદમાં માધવલાલ રણછોડલાલ તથા રેવાબાઈને ત્યાં નાગર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ગુજરાતના મિલઉદ્યોગના પિતા રાવબહાદુર રણછોડલાલ છોટાલાલના તેઓ પૌત્ર થાય. ૧૮૮૨માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં જોડાયા. તેઓ ગુજરાતી, ફારસી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષામાં પારંગત હતા. થોડા સમય બાદ કૉલેજનો અભ્યાસ છોડીને દાદા સાથે શાહપુર મિલમાં જોડાયા અને ધંધાનો અનુભવ મેળવ્યો. ૧૮૯૮માં દાદાનું અને ત્યારબાદ પિતાનું અવસાન થવાથી બધી જવાબદારી પોતે સંભાળી લીધી. તેમણે પોતાના વહીવટ હેઠળની ત્રણ મિલોને પ્રથમ પંક્તિની બનાવી. તેમણે ઇજિપ્શિયન રૂમાંથી ૧૦૦ કાઉન્ટ જેટલું ઊંચી જાતનું સૂતર કાંતવાની રીત શરૂ કરી. તેમને અમદાવાદ મિલમાલિક ઍસોસિયેશનના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવી હતી. ચીનુભાઈ દાનવીર પણ હતા. તેમણે મુખ્યત્વે શિક્ષણક્ષેત્રે દાન કરેલાં છે. તેમણે કરેલી સખાવતો વીસમી સદીના આરંભનાં વરસોમાં કરવામાં આવી હતી, જે તે સમયે ઘણી મોટી રકમો ગણાતી હતી. તેમણે આર. સી. ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, આર. સી. હાઈસ્કૂલ ઉપરાંત અનેક શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, આરોગ્યક્ષેત્રે તેમજ પુસ્તકાલય માટે દાન આપ્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વેદાંતમાં રસ ધરાવનાર ચીનુભાઈએ વારાણસી, હરદ્વાર અને દક્ષિણ ભારતનાં ધાર્મિક સ્થળોમાં પણ સખાવતો કરી હતી. તેમનાં સેવાકાર્યોની કદર કરીને બ્રિટિશ સરકારે ૧૯૦૭માં સી.આઈ.ઈ.(CIE)નો  ખિતાબ આપ્યો હતો. ૧૯૧૧માં તેમને ‘નાઇટ(સર)નો ઇલકાબ આપવામાં આવ્યો હતો. ૧૯૧૩માં તેમને બૅરોનેટનો ખિતાબ મળ્યો હતો.     

Categories
વાચન સમૃદ્ધિ

મકરંદ મહેતા

જ. ૨૫ મે, ૧૯૩૧ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪

ડૉ. મકરંદ જનકલાલ મહેતાનો જન્મ અમદાવાદ મુકામે નાગર પરિવારમાં થયો હતો. તેમણે માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ વડોદરા, અમદાવાદ અને અમેરિકામાં લીધુ હતું. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૨૫માં ઇતિહાસ વિષય સાથે બી.એ.ની અને ૧૯૫૫માં એમ.એ.ની ડિગ્રી મેળવી. ૧૯૬૫માં અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી આર્થિક અને વ્યાપાર-વાણિજ્યના ઇતિહાસમાં ફરીથી એમ.એ.ની ડિગ્રી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાથી ઇતિહાસ વિષયમાં પીએચ.ડી. થયા. તેમના સંશોધનનો વિષય હતો – રણછોડલાલ છોટાલાલ ઍન્ડ અહમદાબાદ કૉટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. આ સંશોધનકાર્ય તેમણે ત્રિપાઠી દ્વિજેન્દ્રનાથના માર્ગદર્શન નીચે કર્યું હતું. શ્રી મકરંદ મહેતાના માર્ગદર્શન નીચે ૧૩ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું હતું. તેમણે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ(અમદાવાદ), શ્રીરામ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ હિસ્ટરી (દિલ્હી), એમ. એસ. યુનિવર્સિટી (વડોદરા) તથા ગુજરાત યુનિવર્સિટીમાં સંશોધક તથા અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. તેમના નોંધપાત્ર ગ્રંથોમાં ‘ઇન્ડિયન મરચન્ટ્સ ઍન્ડ એન્ટર પ્રોન્યોર ઇન હિસ્ટૉરિકલ પર્સ્પેક્ટિવ’, ‘હિસ્ટરી ઑફ  ઇન્ટરનેશનલ ટ્રેડ ઍન્ડ કસ્ટમ્સ ઇન ગુજરાત’, ‘હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજ-પરિવર્તન અને ગુજરાતના દલિતો’, ‘ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત’ને ગણાવી શકાય. વેપાર-વાણિજ્ય, ડાયોસ્પોરા, કચડાયેલા વર્ગો, સંસ્થાઓનો ઇતિહાસ એ તેમનું વિશિષ્ટ સંશોધન છે. આદિવાસીઓના લોકગીતો વિશે પણ તેમણે સંશોધન કર્યું છે. અવસાનના થોડા સમય પહેલાં તેમણે લખેલ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ખૂબ જ રસપ્રદ ગ્રંથ છે. અમદાવાદની અસ્મિતા ઘડવામાં ફાળો આપનાર પોળોની નામાંકિત વ્યક્તિઓ, સંસ્થાઓનો પરિચય કરાવ્યો છે. વિશેષ તો પોળ સંસ્કૃતિનો સુંદર  ચિતાર તેમાં આલેખવામાં આવ્યો છે. ઇતિહાસકાર તરીકેના તેમના ઘડતરમાં શાળાના શિક્ષક એસ. બી. ભટ્ટ, માર્ક્સવાદી ઇતિહાસકાર સતીશચન્દ્ર મિશ્ર તથા બિઝનેસ હિસ્ટૉરિઅન દ્વિજેન્દ્રનાથ ત્રિપાઠીનો ઘણો પ્રભાવ પડ્યો હતો. તેમની દૃષ્ટિએ ઇતિહાસ સાલવારી  તથા બનાવો ગોખવાનો વિષય નથી. સાચા અર્થમાં તો ઇતિહાસ માનવઅનુભવોની એવી દુર્લભ પ્રયોગશાળા છે, જેમાં માનવીની સિદ્ધિઓ તથા તેની ત્રુટિઓનું આલેખન થવું જોઈએ.