Categories
વાચન સમૃદ્ધિ

ઝીણાભાઈ દરજી

જ. ૨૪ મે, ૧૯૧૯ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૦૪

દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર. ઝીણાભાઈનું જીવન સાદું અને ખડતલ હતું. તેઓએ દારૂબંધી, ખાદીપ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, દલિતસેવા, ગ્રામોદ્ધાર, ગરીબીનાબૂદી વગેરે ક્ષેત્રોમાં નક્કર કામ કર્યું છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વ્યારામાં લીધું. વાંચવાનો શોખ હોવાથી તેઓ પુસ્તકાલયમાંથી પ્રેરણાદાયી પુસ્તકો લાવીને વાંચતા. હાઈસ્કૂલનું શિક્ષણ સૂરતમાં લીધું અને પુસ્તકાલય મંત્રી બન્યા તે દરમિયાન ગાંધીસાહિત્ય વાંચ્યું. ગાંધીવિચારોની અસર એમના જીવન પર થઈ. તેઓ કાંતતાં શીખ્યા અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. મૅટ્રિક થયા બાદ તેઓએ વ્યારામાં ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કામ કર્યું. નશાબંધી, અસ્પૃશ્યતાનિવારણ, ખાદીફેરી અને ગ્રામસફાઈના કાર્યક્રમોમાં ભાગ લીધો. ૧૯૩૮થી ૧૯૪૨ સુધી ઝીણાભાઈએ વ્યારાની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી. ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો અને બે માસ જેલવાસ ભોગવ્યો. સ્વરાજ પછી સૂરત જિલ્લામાં અનેક સંસ્થાઓ સ્થાપી અને વિકસાવી. તેઓ નગરપાલિકાના પ્રમુખ બન્યા અને સફાઈ-કામદારોની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો. ૧૯૬૩માં ગુજરાતમાં પંચાયતરાજની શરૂઆત કરી અને તેના પ્રમુખ થયા. પછાત વિસ્તારોનો વિકાસ કર્યો. ગુજરાત ખેતવિકાસ ડેવલપમેન્ટ બૅન્ક લિ.ના અધ્યક્ષ બન્યા. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી સૂરત જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા તથા ૧૯૮૭થી ૧૯૮૯ નૅશનલ કમિશન ફોર રૂરલ લેબરના પ્રમુખ તરીકે કામ કર્યું. તેઓએ વેડછીની ગાંધી વિદ્યાપીઠ અને ગુજરાત ખેતવિકાસ પરિષદમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૫માં તેઓ કૉંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રમુખ બન્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ગાયત્રીદેવી

જ. ૨૩ મે, ૧૯૧૯ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૯

જયપુરના મહારાજા સવાઈ માનિંસહ(બીજા)નાં પત્ની, જયપુરનાં રાજમાતા ગાયત્રીદેવીનો જન્મ કૂચબિહારમાં મહારાજા જિતેન્દ્ર નારાયણ તથા વડોદરાનાં રાજકુંવરી ઇન્દિરા રાજેના કુટુંબમાં થયો હતો. કૂચબિહારની ગાદી તેમનાં માતા ઇન્દિરા વિધવા થતાં તેઓએ સંભાળી. ગાયત્રીદેવી સાથે પાંચ સંતાનોનો ઉછેર અત્યંત વૈભવી વાતાવરણમાં થયો હતો. ગાયત્રીદેવી લંડનની ગ્લેનડોવર સ્કૂલમાં ભણ્યાં હતાં. ત્યારબાદ શાંતિનિકેતન તથા સ્વિટ્ઝર્લૅન્ડ અને લંડનમાં ભણતર લીધું હતું. જ્યારે ૧૨ વર્ષનાં હતાં ત્યારે ગાયત્રીદેવી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા યુવાન જયપુરના મહારાજા સવાઈ માનસિંહ(બીજા)ને મળ્યાં હતાં. તેઓ અવારનવાર કૂચબિહારની મુલાકાતે આવતા હતા, તેઓ પોલોના ઉત્તમ ખેલાડી હતા. ઈ. સ. ૧૯૪૦માં ગાયત્રીદેવી સાથે તેમનાં લગ્ન થયાં. બંને જીવનભર એક આદર્શ દંપતી બની રહ્યાં, દરેક કાર્યમાં બંને એકબીજાને સહકાર આપતાં હતાં. તેઓને ૧૯૪૯માં જગત નામે એક પુત્ર જન્મ્યો હતો. ગાયત્રીદેવી અતિ સુંદર, પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. વિશ્વની શ્રેષ્ઠ, સુંદર મહિલાઓમાં તેમની ગણના થતી હતી. જયપુરની પ્રજાના કલ્યાણ માટે તેઓએ રાજ્ય વહીવટમાં ભાગ લીધો. જયપુરમાં સૌપ્રથમ કન્યાશાળા સ્થાપી, સ્ત્રીઓને કેળવણી આપવી શરૂ કરી. ભારત સ્વતંત્ર થયા બાદ તેઓએ રાજકારણમાં ઝંપલાવ્યું, જયપુરમાં વિશાળ બહુમતીથી ચૂંટાઈ આવ્યાં. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં કટોકટીના સમયમાં તેઓએ જેલવાસ વેઠ્યો. તેઓએ પોતાની આત્મકથા ‘અ પ્રિન્સેસ રિમેમ્બર્સ’ લખી છે.

Categories
વાચન સમૃદ્ધિ

રાજા રામમોહનરાય

જ. ૨૨ મે, ૧૭૭૨ અ. ૨૭ સપ્ટેમ્બર, ૧૮૩૩

ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા પ્રયાસ કરનાર રાજા રામમોહનરાય સમાજસુધારક હતા. રામમોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના તથા માતા તારિણીદેવી શૈવ કુટુંબનાં હતાં. રામમોહનરાયનું બાળપણનું શિક્ષણ તેમના ગામની નિશાળમાં થયું હતું. જ્યાં તેઓએ બંગાળી, સંસ્કૃત, ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરવા માટે બનારસ ગયા. ભાષાઓનો અભ્યાસ કર્યા બાદ તેમના પર એકેશ્વરવાદના વિચારનો પ્રભાવ પડ્યો અને તેમણે પોતાનો પહેલો ગ્રંથ આ વિષય પર લખ્યો. રામમોહને સમાજસુધારણા માટે ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ની નોકરી છોડી દીધી. તેમના સમાજસુધારણાના કાર્યથી ખુશ થઈને મુઘલ બાદશાહે સાલ ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપ્યો અને પોતાના વકીલ તરીકે ઇંગ્લૅન્ડ મોકલ્યા. તેમણે બ્રહ્મોસમાજ નામે એક સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ બંગાળમાં સમાજ અને ધર્મસુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી એક ‘સંવાદ કૌમુદી’ નામનું સાપ્તાહિક પ્રગટ કરતા હતા. તેઓએ બાળલગ્નો, બહુપત્નીપ્રથા દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમના ઘરમાં જ તેમનાં ભાભીને બળજબરીથી સતી બનાવ્યાં તે ઘટના તેઓએ બાળપણમાં જોયેલી, જેની ઘેરી અસર તેમના મન પર થયેલી. આથી ‘સતીપ્રથા’ની વિરુદ્ધ તેમણે મોટી ઝુંબેશ ચલાવી. તેમણે બતાવ્યું કે ધર્મશાસ્ત્રમાં ક્યાંય તેનો ઉલ્લેખ નથી. રાજા રામમોહનરાય ભારતના આદ્યસુધારક ગણાય છે. નવા યુગના તેઓ અગ્રદૂત અને જ્યોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મસમાજ સમાજસુધારણા માટે કાર્યરત છે. એમના પ્રયાસો થકી બાળલગ્ન, સતીપ્રથા અને બહુપત્નીપ્રથા વગેરે નાબૂદ થયાં છે. ભારત સરકારે ૧૯૬૪ની સાલમાં તેમના માનમાં ટિકિટ બહાર પાડી છે.