Categories
વાચન સમૃદ્ધિ

અયોધ્યાનાથ (એ.એન.)

ખોસલા ———-

જ. ૧૮ ડિસેમ્બર, ૧૮૯૨ અ. ૨૯ મે, ૧૯૮૪

સિંચાઈ ઇજનેરીના પ્રખર તજજ્ઞ અને ઉચ્ચકોટિના સિવિલ ઇજનેર અયોધ્યાનાથ ખોસલાનો જન્મ જલંધરમાં થયો હતો. ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ તેમણે રૂરકીની ધ થૉમ્સન કૉલેજ ઑવ્ સિવિલ એન્જિનિયરિંગમાંથી કર્યો હતો. ૧૯૫૩માં તેમણે ભારત સરકારના સિંચાઈ અને વીજળી મંત્રાલયના ખાસ સચિવ તરીકે સેવા આપી હતી. બંધો અંગે તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો. સિંચાઈ સંબંધી અનેક ટૅકનિકલ પ્રશ્નો ઉકેલવામાં તેમની સલાહ લેવામાં આવતી. તેમના અનેક સંશોધનલેખો પ્રસિદ્ધ થયા હતા. જલપ્રવાહ અને કાંપથી બંધના પાયા ઉપર પરિણમતા ઊર્ધ્વ દબાણ અંગે તેમણે વિશિષ્ટ સિદ્ધાંતો સ્થાપિત કરીને મહત્ત્વનું યોગદાન કર્યું હતું. ભાખરા બંધ યોજના, બિયાસ, શબરીગિરિ, રામગંગા, યમુના નહેર જેવી વિવિધ સિંચાઈ યોજનાઓની સલાહકાર સમિતિઓમાં ખોસલાએ અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી હતી. ૧૯૫૧-૫૪ના સમયગાળામાં તેઓ આંતરરાષ્ટ્રીય સિંચાઈ અને નહેર કૉર્પોરેશનના અધ્યક્ષપદે  હતા. ૧૯૫૪-૫૯ના સમય દરમિયાન રૂરકી યુનિવર્સિટીનું કુલપતિપદ શોભાવ્યું હતું. ૧૯૬૦-૬૨માં તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સના અધ્યક્ષ તથા ૧૯૫૯-૬૨ સુધી ભારત સરકારના આયોજન પંચના સભ્ય હતા. ૧૯૬૨-૬૭ના સમયગાળામાં  ઓડિશા રાજ્યના રાજ્યપાલ નિયુક્ત થયા હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી હતી. ભારતની પંચવર્ષીય યોજના હેઠળ સિંચાઈ કાર્યક્રમોની સમીક્ષા કરવા નિમાયેલ તજજ્ઞ સમિતિના તેઓ અધ્યક્ષ રહ્યા હતા. આ સમિતિની ભલામણો પછીથી ‘ખોસલા સમિતિની ભલામણો’ તરીકે ખૂબ જાણીતી થઈ હતી. તેમની યશસ્વી કામગીરી અને તેમના બહુમૂલ્ય યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને ૧૯૫૫માં ‘પદ્મભૂષણ’ અને ૧૯૭૭માં ‘પદ્મવિભૂષણ’ના ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૧૯૭૪માં તેમને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ હિદાયતુલ્લાહ

જ. ૧૭ ડિસેમ્બર, ૧૯૦૫ અ. ૧૮ સપ્ટેમ્બર, ૧૯૯૨

ભારતના વિદ્વાન ન્યાયશાસ્ત્રી, શિક્ષણવિદ અને ભાષાશાસ્ત્રી મોહમ્મદ હિદાયતુલ્લાહે ઉપરાષ્ટ્રપતિ, કાર્યકારી રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કામગીરી બજાવી હતી. તેઓ ભારતનામુસ્લિમ સમાજના સૌપ્રથમ મુખ્ય ન્યાયાધીશ હતા. ભારતમાં અનુસ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ મેળવી ઇંગ્લૅન્ડમાં કેમ્બ્રિજમાંથી તેઓ બૅરિસ્ટર એટ લૉ થયા હતા. ભારત આવીને તેમણે ઍડ્વોકેટ તરીકે નાગપુર વડી અદાલતમાં કામગીરી બજાવી હતી. ૧૯૩૦-૧૯૪૬ના દોઢ દાયકા દરમિયાન યુનિવર્સિટી કૉલેજ ઑવ્ લૉમાં વ્યાખ્યાતા તરીકે કામ કર્યું હતું. ૧૯૩૪-૧૯૪૩ દરમિયાન તેઓએ સરકારી વકીલ તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ સ્વાતંત્ર્ય પૂર્વેના મુંબઈ ઇલાકાના ઍડ્વોકેટ જનરલ તરીકે સેવાઓ આપી. ૧૯૪૩-૧૯૪૬ દરમિયાન નાગપુરની વડી અદાલતના ન્યાયમૂર્તિ અને ૧૯૪૬-૧૯૫૪ દરમિયાન ત્યાંના જ મુખ્ય ન્યાયાધીશ નિમાયા હતા. ૧૯૪૬માં તેમને ‘ઑર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. ૧૯૫૪-૧૯૫૬ દરમિયાન મધ્યપ્રદેશની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ રહ્યા. ૧૯૫૬-૧૯૫૮ દરમિયાન ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને ફેબ્રુઆરી ૧૯૬૮-૧૯૭૦ દરમિયાન મુખ્ય ન્યાયાધીશ રહ્યા હતા. ૧૯૭૯-૧૯૮૪ દરમિયાન તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ રહ્યા હતા. આ ઉપરાંત તેઓએ વિવિધ વ્યવસાયલક્ષી સંગઠનોમાં વિવિધ સ્થાનો ગ્રહણ કરેલાં, જેવાં કે નાગપુર ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પેસ લૉ (પૅરિસ), એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ ઍસોસિયેશન ઑવ્ જજીઝમાં નાગપુર, અલીગઢ અને વિક્રમ યુનિવર્સિટી જેવી વિવિધ સંસ્થાઓમાંની કાયદાશાખાના તેઓ સભ્ય પણ રહી ચૂક્યા હતા. આંતરરાષ્ટ્રીય પરિષદોમાં તેઓએ સક્રિય કામગીરી બજાવી હતી. તેમની સ્મૃતિમાં તેમના વતન રાયપુર, છત્તીસગઢ ખાતે ૨૦૦૩માં હિન્દુ નૅશનલ લૉ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

આર્થર સી. ક્લાર્ક

જ. ૧૬ ડિસેમ્બર, ૧૯૧૭ અ. ૧૯ માર્ચ, ૨૦૦૮

સર આર્થર ચાર્લ્સ ક્લાર્ક એક બ્રિટિશ લેખક, દરિયાઈ જીવનના સંશોધક અને ટેલિવિઝન શ્રેણીના હોસ્ટ હતા. તેમનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો. ખેતરમાં રખડવાની સાથે તેમને આકાશદર્શન, અશ્મિ એકત્ર કરવાનો અને અમેરિકન સાયન્સ ફિક્શન ‘પલ્પ’ મૅગેઝિન વાંચવાનો શોખ હતો. કિશોરાવસ્થામાં તેઓ જુનિયર ઍસ્ટ્રૉનોમિકલ ઍસોસિયેશનમાં જોડાયા અને યુરેનિયા સોસાયટીના જર્નલમાં સેવાઓ  આપી હતી. તેઓ ૧૯૩૬માં લંડન ગયા અને ત્યાંના શિક્ષણ બોર્ડમાં પેન્શન ઑડિટર તરીકે જોડાયા હતા. ક્લાર્ક આજીવન અવકાશયાત્રાના સમર્થક હતા. ૧૯૫૦માં તેમણે ‘ઇન્ટરપ્લેનેટરી ફ્લાઇટ’ નામનું અવકાશ ઉડાનની મૂળભૂત બાબતોની રૂપરેખા આપતું પુસ્તક લખ્યું હતું. ક્લાર્ક એક ઉત્સાહી સ્કૂબા ડાઇવર હતા અને અંડરવૉટર એક્સપ્લોરર્સ ક્લબના સભ્ય પણ હતા. તેમની પાસેથી ૨૬ નવલકથાઓ, ૧૭ વાર્તાસંગ્રહો અને ૧૮ જેટલાં અન્ય પુસ્તકો પ્રાપ્ત થયાં છે. ક્લાર્કે વિજ્ઞાનસાહિત્યનાં ખાસ પ્રકારનાં કાર્યો માટે ડઝનથી વધુ વાર્ષિક સાહિત્યિક પુરસ્કારો જીત્યા હતા. ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટ તરફથી સેટેલાઇટ કૉમ્યુનિકેશન્સ અને  અન્ય સન્માનો માટે  ૧૯૬૩નો સ્ટુઅર્ટ બેલેન્ટાઈન મેડલ પ્રાપ્ત કર્યો હતો. ૧૯૫૬માં તેમની ટૂંકી વાર્તા ‘ધ સ્ટાર’ને હ્યુગો ઍવૉર્ડ મળ્યો હતો. ૧૯૬૧માં તેમણે વિજ્ઞાનની લોકપ્રિયતા માટે યુનેસ્કો-કલિંગ પુરસ્કાર જીત્યો હતો. ક્લાર્કને તેમની ‘અ મિટિંગ વિથ મેડુસા’, ‘રેન્ડેઝ્વસ વિથ રામા’ અને ‘ધ ફાઉન્ટેન્સ ઑફ પેરેડાઇઝ’ જેવી નવલકથાઓને નેબ્યુલા અને હ્યુગો જેવા ઍવૉર્ડથી નવાજવામાં આવી હતી. ૧૯૮૮માં તેમને યુનિવર્સિટી ઑફ બાથ દ્વારા ડૉક્ટર ઑફ લેટર્સની માનદ પદવીથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૪માં તેમણે વિજ્ઞાનસાહિત્યમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે હેનલેઇન ઍવૉર્ડ જીત્યો હતો. ૧૪ નવેમ્બર, ૨૦૦૫ના રોજ શ્રીલંકાએ ક્લાર્કને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શ્રીલંકાભિમાન્ય (શ્રીલંકાનું ગૌરવ) એનાયત કર્યો હતો. આજે યુનાઇટેડ કિંગ્ડમમાં વિજ્ઞાન સાહિત્યલેખન માટે આર્થર સી. ક્લાર્ક પુરસ્કાર વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે.

અશ્વિન આણદાણી