Categories
વાચન સમૃદ્ધિ

નીતિન બોઝ

જ. ૨૬ એપ્રિલ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૮૬

ફિલ્મદિગ્દર્શક, સિનેમેટોગ્રાફર અને પટકથાલેખક નીતિન બોઝને બાળપણથી જ ફોટોગ્રાફીમાં રસ હતો. પિતા હેમેન્દ્રમોહન બોઝ ઉદ્યોગપતિ હતા, જે સત્યજિત રેના ભત્રીજા હતા અને માતા મૃણાલિની લેખક ઉપેન્દ્રકિશોર રે ચૌધરીનાં બહેન હતાં. નીતિન બોઝે બેલ્જિયમના સમ્રાટની ભારત મુલાકાત આધારિત બનાવેલી દસ્તાવેજી ફિલ્મનું સૌપ્રથમ વાર દિગ્દર્શન કર્યું હતું. તેમણે જયગોપાલ પિલ્લઈની ‘પુનર્જન્મ’ ફિલ્મથી સિનેમેટોગ્રાફર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તેઓ ન્યૂ થિયેટર્સમાં મુખ્ય ટૅકનિકલ સલાહકાર અને કૅમેરા વિભાગના વડા તરીકે જોડાયા. એમણે બંગાળી અને હિન્દી બંનેમાં દ્વિભાષી ફિલ્મો બનાવી. ત્યારબાદ મુંબઈ ગયા અને બૉમ્બે ટૉકીઝ અને ફિલ્મિસ્તાનના બૅનર હેઠળ દિગ્દર્શન કાર્ય કર્યું. ૧૯૩૫માં તેમણે ફિલ્મ ‘ભાગ્યચક્ર’માં સૌપ્રથમ વખત પાર્શ્વગાયનનો પ્રયોગ કર્યો, જે અત્યંત સફળ નીવડ્યો. આ ફિલ્મ હિન્દીમાં ‘ધૂપછાંવ’ નામે બનાવવામાં આવી, જે પાર્શ્વગાયનવાળી પ્રથમ હિન્દી ફિલ્મ હતી. તેમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગા-જમના’ આજે પણ ભારતીય સિનેમાની સર્વકાલીન બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ગણાય છે. તેમની ‘દુશ્મન’, ‘મિલન’, ‘દીદાર’, ‘કઠપૂતલી’ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી હતી. નીતિન બોઝને ૧૯૬૧માં ‘ગંગા-જમના’ માટે દ્વિતીય શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે મેરિટ પ્રમાણપત્ર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થયો હતો.  તેમને ૧૯૭૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

હેમવતી નંદન બહુગુણા

જ. ૨૫ એપ્રિલ, ૧૯૧૯ અ. ૧૭ માર્ચ, ૧૯૮૯

ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના નેતા અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી હેમવતી નંદન બહુગુણાનો જન્મ ઉત્તરાખંડના પૌરી ગઢવાલના બુઘાનીમાં એક ગઢવાલી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પૌરીથી ૧૦મું ધોરણ પાસ કરીને ૧૯૩૭માં અલાહાબાદની સરકારી ઇન્ટરમીડિયેટ કૉલેજમાં બી.એસસી.માં પ્રવેશ મેળવ્યો હતો. ૧૯૪૬માં તેમણે બી.એ.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી. ૧૯૪૨થી ૧૯૪૬ સુધીની ‘ભારત છોડો’ ચળવળના ભાગ રૂપે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. હેમવતી નંદન બહુગુણાને ૧૯૭૧માં કેન્દ્રીય મંત્રીમંડળમાં સંચાર રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. ૧૯૭૩માં તેમને ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ઑગસ્ટથી ડિસેમ્બર, ૧૯૭૯ દરમિયાન ચૌધરી ચરણિંસહના વહીવટ હેઠળ નાણામંત્રી બન્યા હતા. જાન્યુઆરી, ૧૯૮૦ની સંસદીય ચૂંટણીમાં તેઓ ઇન્દિરા ગાંધીના કૉંગ્રેસ(આઈ) પક્ષના ઉમેદવાર તરીકે ગઢવાલથી જીત્યા હતા. ત્યારબાદ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ૧૯૮૪ની સંસદીય ચૂંટણીમાં તેમણે અલાહાબાદ મતવિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર અમિતાભ બચ્ચન સામે ચૂંટણી લડી હતી. જેમાં અભિતાભ બચ્ચન ચૂંટણી જીત્યા હતા. હેમવતી નંદન બહુગુણા ૧૯૮૮માં બીમાર પડ્યા અને કોરોનરી બાયપાસ સર્જરી માટે યુનાઇટેડ સ્ટેટ્સ ગયા. સર્જરી નિષ્ફળ જવાથી ૧૭ માર્ચ, ૧૯૮૯ના રોજ ક્લેવલૅન્ડની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. તેમની કાયમી સ્મૃતિ રહે તે માટે તેમનું નામ હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી સાથે જોડવામાં આવ્યું છે. જે ઉત્તરાખંડના શ્રીનગરની સૌથી મોટી યુનિવર્સિટી છે. આ ઉપરાંત હેમવતી નંદન બહુગુણા ઉત્તરાખંડ મેડિકલ એજ્યુકેશન યુનિવર્સિટી દહેરાદૂન સાથે પણ તેમનું નામ સુવર્ણઅક્ષરે જોડાયેલું છે.

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. રાજકુમાર

જ. ૨૪ એપ્રિલ, ૧૯૨૯ અ. ૧૨ એપ્રિલ, ૨૦૦૬

કન્નડ ચિત્રોના અભિનેતા મુથુરાજનો જન્મ કર્ણાટકના કોઈમ્બતૂર જિલ્લાના ગજનૂરમાં થયો હતો. પિતા પુત્તાસ્વામય્યા અને માતા લક્ષમ્મા નાટકોમાં નાનાં પાત્રો ભજવતાં હતાં. ૮ વર્ષની વયે ભણતર છોડી મુથુરાજ પણ નાટકોમાં અભિનય કરવા લાગ્યા. આમ ડૉ. રાજકુમારે અભિનય કારકિર્દીનો પ્રારંભ રંગમંચથી કર્યો હતો. ચિત્રોમાં તેમણે ૧૯૫૪માં પ્રવેશ કર્યો હતો. તેમને નાટકોમાં કામ આપનાર નિર્માતા દિગ્દર્શક ગુબ્બી વીરણ્ણાએ જ્યારે પ્રથમ ચિત્ર ‘બેડર કણપ્પા’નું નિર્માણ કર્યું ત્યારે તેમને જ મુખ્ય ભૂમિકા માટે પસંદ કર્યા હતા. ત્યારે પહેલી વાર તેમનું નામ મુથુરાજમાંથી બદલીને રાજકુમાર રખાયું હતું. તેઓ પૌરાણિક તથા ઐતિહાસિક પાત્રોની ભૂમિકા ભજવવામાં માહેર હતા. ભાગ્યે જ કોઈ એવા સંત હશે જેમની ભૂમિકા રાજકુમારે નહિ ભજવી હોય. એક અભિનેતા તરીકે તેમણે અભિનયની ખૂબીઓ અને બારીકીઓનો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. કર્ણાટકમાં સાવ સામાન્ય સ્તરના પ્રેક્ષકોમાં રાજકુમાર એક ભગવાન જેટલો આદર ધરાવે છે. કન્નડ ચિત્રઉદ્યોગ જ્યારે ભયાનક મંદીમાંથી પસાર થતો હતો ત્યારે તેમણે પોતે ચિત્રો બનાવ્યાં, તેનું વિતરણ કર્યું અને પ્રદર્શન પણ કર્યું હતું. ‘કનકદાસ’, ‘ભક્ત કુંબારા’, ‘રાઘવેન્દ્ર સ્વામી’ જેવાં ચિત્રો ઉપરાંત તુકારામ, કબીર, પુરંદરદાસ, નવકોટિ નારાયણ, તેનાલીરામ જેવા સંતોની ભૂમિકાઓ તેમણે સફળતાપૂર્વક ભજવી છે. ફિલ્મ ‘જેડારા બાલે’માં તેમણે દેશી જેમ્સ બૉન્ડની ભૂમિકા ભજવી હતી. એક અભિનેતા ઉપરાંત તેઓ એક પારંગત શાસ્ત્રીય સંગીત કલાકાર અને સાથે પાર્શ્વગાયક પણ હતા. તેમણે લગભગ ૨૦૫થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ૨૦૦૦ના ઑગસ્ટમાં કર્ણાટકનાં જંગલોમાં ચંદનચોર નામે કુખ્યાત અપરાધી વીરપ્પને તેમનું અપહરણ કર્યું હતું અને કેટલોક સમય પોતાને ત્યાં બંદી રાખીને તેમને સલામત મુક્ત કર્યા હતા. મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને માનદ ડૉક્ટરેટની ઉપાધિ આપી હતી. તેમનાં પત્ની પર્વતમ્મા પણ નિર્માત્રી છે. તેમના પુત્રો પણ કન્નડ ચિત્રોના અભિનેતાઓ છે. કન્નડ ચિત્રોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપવા બદલ તેમને ૧૯૯૫માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ, ૧૯૮૩માં પદ્મભૂષણ તેમજ ‘કર્ણાટકરત્ન’ ખિતાબ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા હતા.