Categories
વાચન સમૃદ્ધિ

શમશાદ બેગમ

જ. ૧૪ એપ્રિલ, ૧૯૧૯ અ. ૨૩ એપ્રિલ, ૨૦૧૩

ભારતીય ચલચિત્રની પાર્શ્વગાયિકા શામશાદ બેગમે હિંદી ચલચિત્રોનાં અનેક ગીતોને પોતાની વિશિષ્ટ ગાયકીથી લોકપ્રિય બનાવેલાં. મિયા હુસેન બક્ષ તથા ગુલામ ફાતિમાની દીકરી શમશાદને ગ્રામોફોન સાંભળીને સંગીત પ્રત્યે રુચિ જાગી હતી. આ જ તેમની રિયાઝ કરવાની રીત હતી અને આ જ સંગીતસાધના હતી. જોકે ત્યારે લાહોરમાં વસતા આ પરિવારમાં દીકરી સંગીતમાં આટલો બધો રસ લે તે ગમતું નહીં. તે જમાનો એવો હતો કે દીકરી ગાયિકા બને તેવું મા-બાપ ઇચ્છતાં નહીં. આવી વિપરીત સ્થિતિમાં પણ શમશાદે સંગીત તરફનો લગાવ જાળવી રાખ્યો. સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરે જ્યારે શામશાદને ગાતાં સાંભળ્યાં ત્યારે તેમણે તેમની પાસે એક પંજાબી ગીત ગવડાવ્યું. તે ગીતની રેકર્ડ બનાવી અને તે બહાર પડી, પહેલા જ પ્રયાસમાં ખૂબ વેચાઈ. તે પછી તો બીજાં ગીતોની પણ રેકર્ડ બહાર પડતી ગઈ અને શમશાદ રેડિયો કલાકાર બની ગયાં. શમશાદને ચલચિત્રમાં ‘પાર્શ્વગાયન એટલે શું ?’ તે ખબર ન હતી. દલસુખ પંચોલીએ તેમને પહેલી તક આપી. તેમણે ‘યમલાજટ્ટ’ પંજાબી ચલચિત્ર માટે આઠ ગીત ગાયાં અને તે ખૂબ લોકપ્રિય થયાં. ત્યારબાદ લાહોરમાં જ ‘ખજાનચી’ ચલચિત્ર માટે હિંદી ગીતો ગાવાની તક મળી, ચિત્રની સફળતામાં ગીતસંગીતનો ઘણો ફાળો હતો. ત્યારબાદ ૧૯૪૪માં શમશાદ બેગમ મુંબઈ આવ્યાં અને ગાયિકા તરીકે બહુ જલદી સ્થાપિત થઈ ગયાં. એ સમયના તમામ અગ્રણી સંગીતકારોએ તેમની પાસે ગીતો ગવડાવ્યાં. હિંદી ફિલ્મોમાં તેમનો સફળ સમય ૧૯૪૦થી ૧૯૫૫ સુધી હતો. ૯૪ વર્ષની જઈફ વયે તેમનું મૃત્યુ થયું. તેમને ઓ. પી. નૈયર ઍવૉર્ડ અને ૨૦૦૯માં પદ્મભૂષણ મળ્યા હતા. ૨૦૧૬માં ભારત સરકારે તેમની ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ચંદુલાલ શાહ

જ. ૧૩ એપ્રિલ, ૧૮૯૮ અ. ૨૫ નવેમ્બર, ૧૯૭૫

‘સરદાર’ તરીકે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપ્રસિદ્ધ થયેલા ચંદુલાલ શાહનો જન્મ જામનગરમાં થયો હતો. સિડનહેમ કૉલેજમાં અભ્યાસ બાદ તેમણે મુંબઈ સ્ટૉક એક્સચેન્જમાં નોકરી કરી હતી. તેમનો મુખ્ય વ્યવસાય શૅરબજારનો હતો. છતાં ફિલ્મઉદ્યોગમાં તેમણે એવી રીતે પ્રવેશ  કર્યો કે થોડા જ સમયમાં તેઓ જાણીતા, સુપ્રસિદ્ધ દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રીનરાઇટર બની ગયા. લક્ષ્મી ફિલ્મ્સના દિગ્દર્શક મણિલાલ જોશી ‘વિમલા’ ફિલ્મ બનાવતાં અચાનક બીમાર પડી ગયા અને કોઈ અનુભવ વિના તેમના મિત્ર ચંદુલાલને ભાગે ‘વિમલા’નું દિગ્દર્શન કરવાની જવાબદારી આવી પડી. નસીબજોગે ફિલ્મને ખૂબ સફળતા મળી. ચંદુલાલે બીજી બે ફિલ્મોનું દિગ્દર્શન પણ સફળતાપૂર્વક કર્યું. લક્ષ્મી ફિલ્મ્સ છોડીને કોહિનૂર ફિલ્મ્સમાંથી તેમણે ‘ટાઇપિસ્ટ ગર્લ’નું દિગ્દર્શન કર્યું. આમ શૅરબજારમાં શૅરોની ઊથલપાથલ કરતા ચંદુલાલ શાહ ફિલ્મી દુનિયામાં અચાનક આવી ગયા. અલબત્ત શૅરબજાર સાથેનો નાતો તો છેવટ સુધી ચાલુ રહ્યો. ઈ. સ. ૧૯૩૧માં બોલતી ફિલ્મ આવતાં સુધી ચંદુલાલે ત્રીસેક જેટલી મૂંગી ફિલ્મો બનાવી. મૂંગી ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી ગોહરબાનુ સાથે ભાગીદારીમાં તેમણે પહેલાં ‘રણજિત ફિલ્મ કંપની’ અને ત્યારબાદ ‘રણજિત મૂવીટોન’ નામે ફિલ્મ કંપની શરૂ કરી. આ ભાગીદારી ખૂબ વર્ષો સુધી સફળતાપૂર્વક ચાલી.  તે સમયે રણજિત મૂવીટોન કંપનીના સ્ટુડિયોમાં ચાર સાઉન્ડ સ્ટેજ, પોતાની લૅબોરેટરી અને પે રોલ ઉપર ૬૦૦ જેટલા કલાકારો અને ટૅકનિશિયનોનો સ્ટાફ હતો. સ્ટુડિયોમાં ખૂબ જ પદ્ધતિસરનું કામકાજ થતું હતું. રણજિત મૂવીટોને તેના સમકાલીનોની સરખામણીએ સ્થિરતાપૂર્વક ખૂબ જ લાંબા સમય સુધી પ્રજાને સારી ફિલ્મો આપી. ચંદુલાલે પોતાના સ્ટુડિયો અને ફિલ્મનિર્માણ પૂરતી પોતાની જવાબદારી સીમિત ન રાખતાં સમગ્ર સિને ઉદ્યોગના પ્રશ્નો પરત્વે પણ ચિંતા સેવી, જેથી તેઓ સિનેજગતમાં ‘સરદાર’ ચંદુલાલ નામે ઓળખાવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૪૫) દરમિયાન રણજિત મૂવીટોન ઉપર માઠી દશા બેઠી. ચંદુલાલે શૅરબજાર અને જુગારમાં અઢળક રૂપિયા ગુમાવ્યા. અચાનક આગ ફાટી નીકળવાથી સ્ટુડિયો બળીને ખાખ થઈ ગયો. ૧૯૬૩માં આ કંપની સંપૂર્ણ રીતે સમેટી લેવામાં આવી.

Categories
વાચન સમૃદ્ધિ

રખાલદાસ બેનરજી

જ. ૧૨ એપ્રિલ, ૧૮૮૫ અ. ૨૩ મે, ૧૯૩૦

ભારતીય પુરાતત્ત્વવિદ, ઇતિહાસકાર અને સાહિત્યકાર રખાલદાસ બેનરજીનો જન્મ કૉલકાતાના મુર્શિદાબાદ જિલ્લાના બહેરામપુરમાં થયો હતો. પિતા માતીલાલ અને માતા કાલીમતી. પ્રાથમિક શિક્ષણ વતન બહેરામપુરામાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ એમ.એ.ની પદવી મેળવી. પ્રો. હરપ્રસાદ શાસ્ત્રી પાસે રહીને સંસ્કૃત, ભાષાશાસ્ત્ર અને લિપિવિદ્યાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. શરૂઆતમાં કૉલકાતાના ઇન્ડિયન મ્યુઝિયમમાં પુરાતત્ત્વ વિભાગના સહાયક તરીકે જોડાયા. ત્યારબાદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણમાં સહાયક સુપરિન્ટેન્ડન્ટ તરીકે સેવાઓ આપી. ૧૯૧૭માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પશ્ચિમ વિભાગના વડા તરીકે નિયુક્ત થયા. ૧૯૨૨માં મોહેં-જો-દડોના ઉત્ખનનની પ્રશસ્ય કામગીરી સંભાળી. હડપન્ન સંસ્કૃતિ અને મોહેં-જો-દડોની  સંસ્કૃતિ વચ્ચેની સામ્યતા શોધવાનું શ્રેય તેમના ફાળે જાય છે. મોહેં-જો-દડોના ઉત્ખનનમાં તેમણે બૌદ્ધ ધર્મ પૂર્વેના કલાકારીગરીના નમૂના શોધી કાઢ્યા હતા. ૧૯૨૪માં ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણના પૂર્વવિભાગના વડા તરીકે નિમાયા પછી ગુપ્ત અને પાલ રાજવંશોના સંશોધનક્ષેત્રે મહત્ત્વની કામગીરી કરી અગ્રગણ્ય ઇતિહાસકાર તરીકે પંકાયા. ૧૯૨૬માં રાજીનામું આપી સેવાનિવૃત્ત થયા. યુનિવર્સિટી ઑવ્ કૉલકાતામાં અધ્યાપન કર્યા પછી ૧૯૨૮માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગના અધ્યક્ષપદે નિમાયા અને અવસાન સુધી એ હોદ્દા પર રહ્યા. ‘બંગલાર ઇતિહાસ (બે ખંડ), ‘હિસ્ટરી ઑવ્ ઓરિસા (બે ખંડ) ‘એજ ઑવ્ ધ ઇમ્પીરિયલ ગુપ્તાઝ’, જેવા સંશોધનમૂલક ગ્રંથો અને ‘પક્ષાંતર’, ‘વ્યક્તિક્રમ’ તેમજ ‘અનુક્રમ’ જેવી સાહિત્યિક કૃતિઓને કારણે રખાલદાસને ભારે ખ્યાતિ મળી હતી.