Categories
વાચન સમૃદ્ધિ

દિનકર મહેતા

જ. ૧૭ ઑક્ટોબર, ૧૯૦૭ અ. ૩૦ ઑગસ્ટ, ૧૯૮૯

દિનકર મહેતા એક ભારતીય રાજકારણી અને ટ્રેડ યુનિયનિસ્ટ હતા. યુવાનીમાં તેઓ મહાત્મા ગાંધીજીના સાબરમતી આશ્રમ સાથે જોડાયેલા હતા. તેમણે ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને ૧૯૩૦ના ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું હતું. સવિનય કાનૂનભંગ ચળવળ માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. દિનકર મહેતાએ ૧૯૨૯માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સામાજિક વિજ્ઞાન સાથે સ્નાતક થયા બાદ ૧૯૩૩ સુધી ત્યાં શિક્ષણકાર્ય પણ કર્યું હતું. ૧૯૩૪માં તેમણે કૉંગ્રેસ સમાજવાદી પક્ષ(CSP)ના ગુજરાત એકમની સ્થાપનામાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ૧૯૩૫માં તેઓ ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા અને ૧૯૩૬માં પાર્ટીએ તેમને ગુજરાતનું નેતૃત્વ સોંપ્યું હતું. તેમણે ૧૯૩૬થી ૧૯૩૮ દરમિયાન સમાજવાદી પાર્ટીના સંયુક્ત સચિવ તરીકે પણ સેવા આપી હતી. તેમણે ટ્રેડ યુનિયનો અને અન્ય  જનસંગઠનોનું આયોજન કર્યું હતું. ૧૯૪૦થી ૧૯૪૨ અને ૧૯૪૮થી ૧૯૫૧ સુધી તેઓ થોડો સમય જેલમાં અને વધુ સમય ભૂગર્ભમાં રહ્યા હતા. ૧૯૫૩ના મદુરાઈ પાર્ટી કૉંગ્રેસમાં દિનકર મહેતા સીપીઆઈની સેન્ટ્રલ કમિટીમાં ચૂંટાયા હતા. ૧૯૫૭થી ૧૯૬૦ દરમિયાન તેઓ મહાગુજરાત જનતા પરિષદના ઉપપ્રમુખ હતા. તેઓ ૧૯૫૮થી ૧૯૬૦ દરમિયાન બૉમ્બે રાજ્યની વિધાન પરિષદના સભ્યપદે પણ હતા. ૧૯૬૪માં સીપીઆઈનું વિભાજન થવાથી તેઓ ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી(માર્કસવાદી)માં જોડાયા. ઑક્ટોબર-નવેમ્બર ૧૯૬૪માં કૉલકાતા ખાતે યોજાયેલી સાતમી પાર્ટી કૉંગ્રેસમાં તેઓ સીપીઆઈ(એમ)ની ગુજરાત રાજ્ય સમિતિના સચિવ બન્યા હતા અને એ પદ તેમણે આજીવન નિભાવ્યું હતું. તેઓ ૧૯૬૬માં અમદાવાદના મેયર તરીકે ચૂંટાયા હતા અને ૧૯૬૭ સુધી મેયરપદે રહ્યા હતા. ૧૯૬૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરિયાપુર કાઝીપુર બેઠક પરથી અપક્ષ તરીકે તેમણે ચૂંટણી પણ લડી હતી. ગુજરાતી ભાષામાં માર્કસવાદી વિચારધારા પર તેમણે માતબર લેખનકાર્ય કર્યું છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

વલ્લથોલ નારાયણ મેનન

જ. ૧૬ ઑક્ટોબર, ૧૮૭૮ અ. ૧૩ માર્ચ, ૧૯૫૮

મલયાળમ ભાષાના ‘મહાકવિ’ વલ્લથોલ નારાયણ મેનનનો જન્મ કેરળના મલપ્પુરમ્ જિલ્લાના ચેન્નારા ગામમાં થયો હતો. પિતા કડુંગોટ્ટે મલ્લિસેરી દામોદરન ઈલાયથુ અને માતા કુટ્ટિપ્પારુ અમ્મા (પાર્વતી). તેમણે ઔપચારિક શિક્ષણ મેળવ્યું નહોતું. તેઓ આરંભમાં સંસ્કૃત વિદ્વાન પાસેથી અને પછી તેમના કાકા પાસેથી સંસ્કૃત શીખ્યા. તેમણે સંસ્કૃત પદ્યસાહિત્યનો પરિચય કરાવ્યો. તેઓ ફિલૉસૉફી અને તર્કશાસ્ત્ર પણ શીખ્યા. તેમણે ત્રિસ્સુરમાં ૧૯૦૫થી ૧૯૧૦ સુધી કલ્પદ્રુમ પ્રેસમાં મૅનેજર તરીકે કામ કર્યું. તેમની શ્રવણશક્તિ બગડતાં ૧૯૧૫થી ‘કેરાલોદયમ્’ છાપામાં કામ શરૂ કર્યું. એ પછી જર્નલ ‘અમૃત રિતેશ’માં કામ કર્યું. તેમણે બાર વર્ષની ઉંમરે કવિતા લખવાનું શરૂ કર્યું. ‘કિરથ સતકમ્’ અને ‘વ્યાસાવતારમ્’ તેમની પહેલી પ્રકાશિત રચનાઓ હતી. તેમની કવિતાઓ ‘ભાષાપોષિણી’, ‘કેરળ સંચારી’ અને ‘વિજ્ઞાન ચિંતામણિ’ જેવાં સામયિકોમાં પ્રકાશિત થઈ. ૧૮૯૪માં ‘ભાષાપોષિણી’ સામયિકનો કવિતા પુરસ્કાર મેળવ્યો. તેમણે વાલ્મીકિ રામાયણનો મલયાળમ ભાષામાં અનુવાદ કરવાનું મહત્ત્વનું કાર્ય કર્યું.  ૧૯૧૩માં તેમનું મહાકાવ્ય ‘ચિત્રયોગમ્’ પ્રકાશિત થયું. એ પછી તેઓ ‘મહાકવિ’ કહેવાયા. તેમણે ‘કેરળ કલામંડલમ્’ની સ્થાપના કરી અને કથકલી નૃત્યને પુનર્જીવિત કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ રાષ્ટ્રવાદી કવિ હતા. ભારતના સ્વતંત્રતાઆંદોલન પર તેમણે બે કવિતાઓની શ્રેણી રચી છે. તેમણે ‘ગંગાપતિ’, ‘બંધનસ્થાનય અનિરુદ્ધન’ તથા ‘સાહિત્યમંજરી’ના ૧૧ ગ્રંથો આપ્યા છે. તેમણે ઘણા કાવ્યગ્રંથો અને અનુવાદો આપી મલયાળમ સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. ૧૯૭૮માં ટપાલખાતાએ તેમની ૨૫ પૈસાની ટપાલટિકિટ બહાર પાડી હતી. તેમની સ્મૃતિમાં વલ્લથોલ સાહિત્ય સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિ દ્વારા મલયાળમ સાહિત્યમાં યોગદાન માટે ૧,૧૧,૧૧૧/-નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. કોચીનના મહારાજા દ્વારા તેમને ‘કવિસર્વભૌમન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે ૧૯૫૪માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા.

અનિલ રાવલ

Categories
વાચન સમૃદ્ધિ

શેખ આદમ આબુવાલા

જ. ૧૫ ઑક્ટોબર, ૧૯૨૯ અ. ૨૦ મે, ૧૯૮૫

કવિ અને નવલકથાકાર તરીકે જાણીતા શેખ આદમ આબુવાલાનું પૂરું નામ આદમ મુલ્લાં શુજાઉદ્દીન શેખ હતું. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ગુજરાતી વિષય સાથે તેઓ એમ.એ. થયા હતા. તેમણે કારકિર્દીની શરૂઆત ‘ગુજરાત સમાચાર’માં પત્રકાર તરીકે કરી હતી. સામ્યવાદી યુવક મહોત્સવ નિમિત્તે તેઓ મૉસ્કો ગયા. ત્યાંથી પોલૅન્ડ થઈને જર્મની ગયા. ૧૯૫૬થી ૧૯૭૪ સુધી તેઓ પશ્ચિમ જર્મનીમાં રહ્યા. ત્યાં ‘વૉઇસ ઑફ જર્મની’માં હિંદુસ્તાન રેડિયો વિભાગમાં હિન્દી-ઉર્દૂ સર્વિસનું સંચાલન કરેલું. ભારત પરત આવ્યા પછી પત્રકાર તરીકે રહ્યા. ‘ચાંદની’ (૧૯૫૩) એમનો પ્રયોગલક્ષી ગઝલોનો સંગ્રહ છે. આ ઉપરાંત ‘અજંપો’, ‘હવાની હવેલી’, ‘સોનેરી લટ’, ‘ખુરશી’, ‘તાજમહાલ’ વગેરે તેમના કાવ્યસંગ્રહો છે. રાજકીય અને સામાજિક વિષયો પર કટાક્ષ કરતાં એમનાં ‘ખુરશી કાવ્યો’ નોંધપાત્ર છે. ગઝલના સ્વરૂપ પરનું તેમનું પ્રભુત્વ પ્રશંસનીય છે. તેમણે પૃથ્વી છંદમાં પણ ગઝલ લખી હતી. તેઓ ભારતઝુરાપો એમની ગઝલોમાં વ્યક્ત કરતા રહ્યા હતા. તેમની પાસેથી ‘તમન્ના તમાશા’, ‘તું એક ગુલાબી સપનું છે’, ‘આયનામાં કોણ છે ?’ વગેરે મળી સાતેક નવલકથાઓ મળી છે. તેમણે ‘શ્રેષ્ઠ જર્મન વાતો’ નામે અનુવાદ આપ્યો છે. ‘હું ભટકતો શાયર છું’ એ તેમનું આત્મકથાત્મક પુસ્તક છે. વળી તેમણે ઉર્દૂમાં પણ ગઝલસંગ્રહો આપ્યા છે. ‘દીવાને આદમ’ (૧૯૯૨) એ તેમની સમગ્ર કવિતાનો સંચય છે. અમદાવાદમાં આંતરડાની બીમારીથી તેમનું અવસાન થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી