Categories
વાચન સમૃદ્ધિ

ઉદયન ચિનુભાઈ બૅરોનેટ

જ. ૨૫ જુલાઈ, ૧૯૨૯ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૦૬

ગુજરાતમાં રમતગમતની આબોહવા સર્જનાર પ્રસિદ્ધ ભારતીય નિશાનબાજ, કામયાબ ક્રિકેટર અને ઉદ્યોગપતિ એવા બૅરોનેટનો ખિતાબ મેળવનારા ઉદયન ચિનુભાઈના પિતાનું નામ ગિરિજાપ્રસાદ અને માતાનું તનુમતી હતું. તેઓ અમદાવાદના સુપ્રસિદ્ધ શ્રી ચિનુભાઈ બૅરોનેટ કુટુંબના નબીરા હતા. યુવાનીમાં ગુજરાતની રણજી ટ્રૉફી ટીમ તરફથી ખેલતાં એમણે ૧૯૫૦ની ૧૮થી ૨૦ ઑક્ટોબર દરમિયાન એચ.એલ. કૉમર્સ કૉલેજના મેદાન પર કૉમનવેલ્થની ટીમ સામે રમ્યા હતા. ૧૯૫૨ના ડિસેમ્બરમાં બૅંગ્લોર(બૅંગાલુરુ)ના સેન્ટ્રલ કૉલેજના મેદાન પર ઇન્ડિયન કમ્બાઇન યુનિવર્સિટી ટીમ અને પ્રવાસી પાકિસ્તાનની ટીમ વચ્ચેની ત્રણ દિવસની મૅચમાં પણ ઉદયન ચિનુભાઈ યુનિવર્સિટી ટીમ તરફથી રમ્યા હતા. ૧૯૫૫માં શૂટિંગ(નિશાનબાજી) તરફ એમની રુચિ જાગી. નિયમિત તાલીમ, આકરી જહેમત અને વાંકાનેરના પ્રખર નિશાનબાજ મહારાજકુમાર ચંદ્રભાનુ સિંહ પાસેથી કોચિંગ મેળવીને એમણે યશસ્વી કારકિર્દીનું સર્જન કર્યું. ૧૯૬૧થી ૧૯૭૪ સુધી નવા વિક્રમો સાથે રાષ્ટ્રીય વિજેતા બન્યા. ૧૯૬૨માં ખ્યાતનામ ખેલાડીની હેસિયતથી કેરો ખાતે વિશ્વ શૂટિંગ સ્પર્ધામાં ભારતીય ટીમનું ઉપસુકાનીપદ મેળવીને તેઓ આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા. ઘણી વાર પરદેશમાં ખેલાતી મૅચોમાં તેમને સ્થાન મળતું. ૧૯૬૯માં સિંગાપુર ખાતે નિશાનબાજીની મૅચમાં રૌપ્ય ચંદ્રક મેળવીને તેમણે ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું. ૧૯૭૧-૭૨માં ગુજરાતના આ રમતવીરને રાષ્ટ્રપતિએ ‘અર્જુન ઍવૉર્ડ’થી નવાજ્યા હતા. ૧૯૭૬ પછી એમણે પિસ્તોલ/રિવૉલ્વરની મૅચોમાંથી નિવૃત્તિ લીધી હતી. છતાં રાજ્ય રાઇફલ ઍસોસિયેશનના પ્રમુખ તરીકે આ રમતને ગુજરાતમાં ધબકતી રાખી છે. ગૃહરક્ષક દળમાં પ્રથમ કમાન્ડન્ટ જનરલ અને નાગરિક સંરક્ષણના નિયામક તરીકે પ્રશંસનીય સેવા બદલ એમને રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો. અમદાવાદમાં રાઇફલ ક્લબ અને શૂટિંગ પ્રવૃત્તિના વિકાસમાં એમનો મહત્ત્વનો ફાળો રહ્યો. જુદી જુદી હૉસ્પિટલાના ટ્રસ્ટી તરીકે તેમજ વન્ય પ્રાણીઓની સુરક્ષા અંગે પણ ઘણી સક્રિયતા દાખવી હતી. ૭૭ વર્ષની વયે એમનું નિધન થયું.

Categories
વાચન સમૃદ્ધિ

પંડિત પન્નાલાલ ઘોષ

જ. ૨૪ જુલાઈ, ૧૯૧૧ અ. ૨૦ એપ્રિલ, ૧૯૬૦

બાંસુરીવાદક, સંગીતનિર્દેશક પન્નાલાલ ઘોષનું મૂળ નામ અમલજ્યોતિ ઘોષ. સંગીતયાત્રા દરમિયાન પન્નાલાલના હુલામણા નામથી પ્રખ્યાત થયા. પિતા અક્ષયકુમાર ઘોષ સિતારવાદક હોવાને કારણે સંગીતશિક્ષણની શરૂઆત સિતારવાદનથી થઈ, પરંતુ બાંસુરી પ્રત્યેના અનોખા આકર્ષણને કારણે તેઓ બાંસુરીવાદન તરફ ઢળ્યા. માતા સુકુમારી પણ શાસ્ત્રીય સંગીતનાં ગાયિકા હતાં. પન્નાલાલ ઘોષને બાંસુરીના પિતા ગણવામાં આવે છે. બાંસુરીને લોકવાદ્યમાંથી શાસ્ત્રીય વાદ્યોમાં તેમણે સ્થાન અપાવ્યું. તેઓ અલ્લાઉદ્દીન ખાનસાહેબના શિષ્ય હતા. પ્રાથમિક સંગીતનું શિક્ષણ ખુશી મહોમદ ખાન તેમજ ગિરિજાશંકર ચક્રવર્તી પાસે પ્રાપ્ત કર્યું હતું. કૉલકાતાના ન્યૂ થિયેટર્સમાં થોડાં વર્ષો સંગીતનિર્દેશક તેમજ સહાયક તરીકે કામ કર્યું. ૧૯૪૦માં તેઓ મુંબઈ સ્થાયી થયા. ‘સ્નેહબંધન’ ફિલ્મમાં સંગીતનિર્દેશન કરીને ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું. પછી અનેક ફિલ્મોમાં બાંસુરીવાદન પણ કર્યું. ‘આંધિયાં’ ફિલ્મમાં પં. રવિશંકર તેમજ અલી અકબર ખાન સાથે સંયુક્ત રીતે સંગીત તૈયાર કર્યું. બાંસુરીની બનાવટમાં ક્રિયાત્મકતા અને કલાત્મકતા સાથે અનેક પ્રયોગો કર્યા, જેમાં વિવિધ ધાતુ તથા વિવિધ લાકડાના ઉપયોગ કર્યા. ૩૨ ઇંચ લાંબી વાંસની બાંસુરી તૈયાર કરી. જેનો કર્ણમધુર નાદ સંગીતપ્રેમીઓ માટે અમૂલ્ય ભેટ બની રહ્યો. એક સંગીતકાર હોવાની સાથે તેઓ નિષ્ઠાવાન દેશપ્રેમી હતા. કિશોર અને યુવાન વયે આઝાદીની અનેક ચળવળોમાં તેઓ સક્રિય રહ્યા હતા. તેમનાં પત્ની પારુલ (બિસ્વાસ) ઘોષ સંગીતકાર અનિલ બિસ્વાસનાં નાનાં બહેન હતાં. પન્નાલાલના દોહિત્ર આનંદ મુરદેશ્વરનું પણ બાંસુરીવાદનક્ષેત્રે ઘણું મોટું યોગદાન છે. નવી દિલ્હીમાં ૪૯ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. ઉત્તર હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પંડિત પન્નાલાલ ઘોષનું નામ સદા અમર ગણાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચંદ્રશેખર આઝાદ

જ. ૨૩ જુલાઈ, ૧૯૦૬ અ. ૨૭ ફેબ્રુઆરી, ૧૯૩૧

ભારતીય ક્રાંતિકારી તરીકે જાણીતા ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના એક નાના ગામમાં થયો હતો. પિતા સીતારામ અત્યંત ગરીબીમાં જીવતા હતા, ચોકીદારની નોકરી કરતા હતા અને વાંસ તથા માટીથી બનાવેલા ઝૂંપડામાં વસતા હતા. માતા જાગરાણી દેવીની ઇચ્છાથી ૧૪ વર્ષની વયે તેઓ વારાણસીની એક સંસ્કૃત પાઠશાળામાં વિદ્યાર્થી તરીકે જોડાયા હતા. આજીવન અપરિણીત રહેનાર ચંદ્રશેખર આઝાદને ગાંધીજી પ્રેરિત રાષ્ટ્રીય આંદોલનનો નાદ લાગતાં તેમણે તેમાં ઝંપલાવ્યું હતું. પોલીસના હાથે તેઓ પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથકડી મોટી પડી હતી ! આથી નિષ્ઠુર પોલીસે તેમને ચાબખાની સજા કરી હતી, જે તેમણે હસતા મોંએ સહન કરી હતી. પોલીસના હાથે પકડાયા ત્યારે પોતાની ઓળખ ‘આઝાદ’, પિતાની ઓળખ ‘સ્વતંત્ર’ અને સરનામું ‘કેદખાનું’ એવી ઓળખ આપી હતી. પછીના દિવસોમાં ચંદ્રશેખર હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન લશ્કરમાં જોડાયા હતા અને ઉપરાઉપરી રચાતાં ક્રાંતિકારીઓનાં ષડયંત્રોમાં સામેલ થયા હતા. કાકોરીનું ષડયંત્ર (૧૯૨૬), વાઇસરૉયની ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ધારાસભામાં બૉમ્બ ફેંકવાનો બનાવ, દિલ્હીનું કાવતરું, લાહોર ખાતે સૉન્ડર્સ ઉપરનો હુમલો વગેરે ષડયંત્રોમાં તેમની સામેલગીરી હતી. ‘હું જીવતો અંગ્રેજોના હાથમાં નહીં પકડાઉં’ તેવી પ્રતિજ્ઞા લેનાર ચંદ્રશેખરને ૧૯૩૧માં અલાહાબાદના આલ્ફ્રેડ પાર્કમાં જ્યારે પોલીસે ઘેરી લીધા ત્યારે તેમણે આત્મહત્યાનો આશરો લીધો હતો. તેમની શહીદીના ૨૪ દિવસ બાદ ભગતસિંહને ફાંસી આપવામાં આવી હતી. તેમના નેતૃત્વથી રાજગુરુ અને સુખદેવ જેવા કેટલાય યુવાનો પ્રભાવિત થયા હતા. ચંદ્રશેખર આઝાદના નામ સાથે ગામેગામ અને શહેર શહેરમાં જાહેર માર્ગ અને ચોકનાં નામ જોવા મળે છે.