Categories
વાચન સમૃદ્ધિ

બી. જી. વર્ગીસ

જ. ૨૧ જૂન, ૧૯૨૭ અ. ૩૦ ડિસેમ્બર, ૨૦૧૪

ભારતીય પત્રકારત્વને નવી દિશા આપનાર વરિષ્ઠ પત્રકાર બી. જી. વર્ગીસનું પૂરું નામ બૂબલી જ્યૉર્જ વર્ગીસ હતું. પિતા જ્યૉર્જ અને માતા અન્ના. વતન કેરળ રાજ્યનું તિરુવલ્લા ગામ અને જન્મ બર્માના મેમ્યોમાં. ધ દૂન સ્કૂલમાં અભ્યાસ કર્યો. દૂનમાં હતા ત્યારે ‘ધ દૂન સ્કૂલ વીકલી’નું સંપાદન કર્યું. ૧૯૪૮માં દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર સાથે સ્નાતક થયા. પછી કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાંથી અનુસ્નાતકની પદવી મેળવી. તેમણે પત્રકારત્વક્ષેત્રે કારકિર્દીનો આરંભ કર્યો. ૧૯૪૮થી ૧૯૬૬ સુધી ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં કામ કર્યું. ૧૯૬૬થી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના માહિતીસલાહકાર અને ભાષણલેખક હતા. એ સમયે રોટરી ક્લબ ઑવ્ બૉમ્બે નૉર્થે તેમને વર્ષના શ્રેષ્ઠ પત્રકાર તરીકે સન્માનિત કર્યા હતા. ૧૯૬૯થી ૧૯૭૫ સુધી ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના તંત્રી તરીકે કાર્ય કર્યું. કટોકટી દરમિયાન ઇન્દિરા ગાંધીની ટીકા કરવા બદલ તેમને તંત્રીપદ છોડવું પડ્યું. ૧૯૭૭થી ૧૯૮૨ સુધી ગાંધી શાંતિ પ્રતિષ્ઠાનના ફેલો હતા. તેમણે ‘વૉલન્ટરી ઍક્શન’ના તંત્રી તરીકે સફળ કામગીરી બજાવી હતી. ૧૯૮૨થી ૧૯૮૬ સુધી ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના તંત્રી રહ્યા. તેઓ સેન્ટર ફોર પૉલિસી રિસર્ચ, નવી દિલ્હીમાં પ્રાધ્યાપક હતા. તેમણે ૧૯૭૭માં કેરળના માવેલિક્કારાથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. તેઓ કારગીલ સમીક્ષા સમિતિના તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના સભ્ય પણ હતા. ૨૦૦૨માં ગુજરાતમાં રમખાણો થયાં પછી તેઓ એડિટર્સ ગિલ્ડ ઑવ્ ઇન્ડિયા ફેક્ટ ફાઇન્ડિંગ મિશનમાં હતા. દેશની નદીઓના આંતર-જોડાણ માટેના ટાસ્ક ફોર્સના સભ્ય તરીકે અને નર્મદા કંટ્રોલ ઑથૉરિટીના પર્યાવરણીય પેટા જૂથના સભ્ય તરીકે તેમણે કામ કર્યું હતું. ૧૯૭૮થી ૧૯૮૧ સુધી તેઓ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન, અમદાવાદના અધ્યક્ષ હતા. તેમણે રાષ્ટ્રકુળ માનવઅધિકાર પંચના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. ‘વૉટર્સ ઑવ્ હોપ’ (૧૯૯૦), ‘વિનિંગ ધ ફ્યુચર’ (૧૯૯૪), ‘ડિઝાઇન ફોર ટુમોરો’ (૧૯૬૫) વગેરે તેમનાં જાણીતાં પુસ્તકો છે. તેમણે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના માલિક રામનાથ ગોએન્કાનું જીવનચરિત્ર ‘વોરિયર ઑવ્ ધ ફોર્થ એસ્ટેટ’ લખ્યું છે. ‘ફર્સ્ટ ડ્રાફ્ટ : વિટનેસ ટુ મેકિંગ ઑવ્ મૉડર્ન ઇન્ડિયા’ તેમની આત્મકથા છે. ૧૯૭૫માં પત્રકારત્વક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને રેમન મૅગ્સેસે ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

રામપ્રસાદ બક્ષી

જ. ૨૦ જૂન, ૧૮૯૪ અ. ૨૨ માર્ચ, ૧૯૮૭

ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ પરંપરાના વિવેચક, સંપાદક અને અનુવાદક રામપ્રસાદ બક્ષીનો જન્મ જૂનાગઢમાં પ્રેમશંકર બક્ષીને ત્યાં થયો હતો. વતન મોરબી. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં લીધું હતું. ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક થયા. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. થયા. ૧૯૧૫થી તેઓ મુંબઈમાં સ્થિર થયા. ૧૯૨૭થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, શાન્તાક્રૂઝના આચાર્યપદે રહ્યા. નિવૃત્તિ બાદ મીઠીબાઈ કૉલેજ, વિલેપાર્લેમાં ગુજરાતીના અધ્યાપક થયા. એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાં ત્રણ વર્ષ મુલાકાતી અધ્યાપક પણ રહેલા. તેઓ સંસ્કૃત અને અંગ્રેજીના સારા વાચક અને અભ્યાસી હશે તેવું તેમના લેખો પરથી કહી શકાય. બહુશ્રુતતાનો સ્પર્શ, શાસ્ત્રીયતાનો અભિગમ અને વિવરણપ્રધાન શૈલીવાળું તેમનું વિવેચન તેમને સંસ્કૃત પરિપાટીના વિવેચક તરીકે ઉપસાવે છે. ‘વાઙમયવિમર્શ’(૧૯૬૩)માં સાહિત્યના તત્ત્વની મીમાંસા કરતા લેખો છે. ‘નાટ્ય રસ’ અને ‘કરુણ રસ’માં ભારતીય સંગીતનૃત્યનાટ્ય મહાવિદ્યાલય, વડોદરાના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો સંગૃહિત થયાં છે. તેમાં સંસ્કૃત નાટ્યસિદ્ધાંત અને પાશ્ચાત્ય નાટ્યમીમાંસાનો તુલનાત્મક અભ્યાસ છે. ‘ગોવર્ધનરામનું મનોરાજ્ય’(૧૯૭૬)માં ગોવર્ધનરામની તત્ત્વમીમાંસા અને સાહિત્યિક વિશેષતાની ચર્ચા કરતા લેખો છે. તેમની પાસેથી ‘ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીઝ સ્ક્રેપબુક’, ‘નરિંસહરાવની રોજનીશી’, કરસનદાસ માણેક ષષ્ઠિપૂર્તિગ્રંથ ‘અક્ષર આરાધના’ (અન્ય સાથે), ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’ વગેરે અનેક સંપાદનો મળ્યાં છે. અનુવાદક્ષેત્રે પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ‘કથાસરિતા’, ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય’ (નરિંસહરાવનાં વ્યાખ્યાનો, ભાગ ૧-૨), શીખધર્મસ્તોત્ર ‘સુખમની’ વગેરે તેમની અનૂદિત કૃતિઓ છે. ૧૯૭૬-૭૭માં પોરબંદર ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. તેમને ૧૯૬૦-૬૪નો નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

મંજુલાબહેન દવે

જ. ૧૯ જૂન, ૧૯૧૫ અ. ૧૪ નવેમ્બર, ૨૦૦૨

લગભગ ૫૦ વર્ષ સુધી પોતાનું જીવન મહિલાકલ્યાણની પ્રવૃત્તિઓ માટે સમર્પિત કરનાર નિષ્ઠાવાન કાર્યકર મંજુલાબહેનનો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા મણિશંકર રાવલ જામનગરની નવાનગર હાઈસ્કૂલમાં આચાર્ય હતા. ૧૯૩૧માં મૅટ્રિક થયા પછી તેમનાં લગ્ન ધ્રાંગધ્રાના જયંતભાઈ દેવશંકર દવે સાથે થયેલાં શ્વશુરગૃહે આવીને તેમણે સમાજસુધારાની શરૂઆત કરેલી. સૌની સંમતિ મેળવીને તેમણે લાજ કાઢવાની પ્રથા દૂર કરેલી. ૧૯૩૯માં અડ્યાર, ચેન્નાઈ જઈને મૉન્ટેસોરી પદ્ધતિનું શિક્ષણ મેળવેલું. ૧૯૪૭માં જામનગરની આર્યકન્યા વિદ્યાલયનાં પ્રથમ આચાર્ય તરીકે છ માસ રહેલાં. ૧૯૫૪-૫૫માં તેમણે એસએનડીટી યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવેલી. ૧૯૪૮માં સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન ઢેબરભાઈની રાહબરી હેઠળ તેમણે સ્ત્રી-કલ્યાણનાં અનેક કાર્યોમાં આગળ પડતી ભૂમિકા ભજવી હતી. તે જ વર્ષે જામનગરમાં મહિલામંડળની સ્થાપના થઈ. સરકાર અને દાનવીર શેઠ મેઘજી પેથરાજ શાહના દાનથી બીજી ઑક્ટોબર, ૧૯૫૭ના દિવસે જામનગરમાં ‘કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહ’ની સ્થાપના કરવામાં આવી. કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહને નિષ્ઠાવાન, કાર્યદક્ષ અને સેવાભાવી કાર્યકરો મળ્યા જેમાં મંજુલાબહેન દવે સૌથી મોખરે રહ્યાં. તેના મંત્રી અને પ્રમુખસ્થાને રહીને તેમણે ૩૭ વિભાગો વિકસાવેલા. ૧૯૫૭થી ૧૯૬૭ સુધી વિધાનસભાનાં સભ્ય હતાં. તેમણે કેન્દ્રીય સમાજકલ્યાણ બોર્ડની યોજના હેઠળ જામનગર જિલ્લાનાં ગામડાંઓમાં મહિલા તથા બાલકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી તેમને અનેક પુરસ્કારો તથા ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૮૩માં કસ્તૂરબા સ્ત્રી વિકાસગૃહ સંસ્થાને ગુજરાત સરકાર તરફથી બાલકલ્યાણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ સેવા માટેનો પુરસ્કાર આપવામાં આવેલો. તે ઉપરાંત ૧૯૮૯માં તેમને મહિલા સુરક્ષા પુરસ્કાર, ૧૯૯૨માં નારી સમાજસેવાનો યંગમૅન્સ ગાંધિયન ઍસોસિયેશન ઍવૉર્ડ તથા ૨૦૦૦માં ગ્રામસમાજ સેવા ટ્રસ્ટ(પાટડી)ના પુરસ્કારો મળ્યા હતા.