Categories
વાચન સમૃદ્ધિ

મકરંદ મહેતા

જ. ૨૫ મે, ૧૯૩૧ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪

ડૉ. મકરંદ જનકલાલ મહેતાનો જન્મ અમદાવાદ મુકામે નાગર પરિવારમાં થયો હતો. તેમણે માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ વડોદરા, અમદાવાદ અને અમેરિકામાં લીધુ હતું. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી ૧૯૨૫માં ઇતિહાસ વિષય સાથે બી.એ.ની અને ૧૯૫૫માં એમ.એ.ની ડિગ્રી મેળવી. ૧૯૬૫માં અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી આર્થિક અને વ્યાપાર-વાણિજ્યના ઇતિહાસમાં ફરીથી એમ.એ.ની ડિગ્રી મેળવી. ગુજરાત યુનિવર્સિટીમાથી ઇતિહાસ વિષયમાં પીએચ.ડી. થયા. તેમના સંશોધનનો વિષય હતો – રણછોડલાલ છોટાલાલ ઍન્ડ અહમદાબાદ કૉટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી. આ સંશોધનકાર્ય તેમણે ત્રિપાઠી દ્વિજેન્દ્રનાથના માર્ગદર્શન નીચે કર્યું હતું. શ્રી મકરંદ મહેતાના માર્ગદર્શન નીચે ૧૩ વિદ્યાર્થીઓએ પીએચ.ડી. કર્યું હતું. તેમણે અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ(અમદાવાદ), શ્રીરામ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ બિઝનેસ હિસ્ટરી (દિલ્હી), એમ. એસ. યુનિવર્સિટી (વડોદરા) તથા ગુજરાત યુનિવર્સિટીમાં સંશોધક તથા અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. તેમના નોંધપાત્ર ગ્રંથોમાં ‘ઇન્ડિયન મરચન્ટ્સ ઍન્ડ એન્ટર પ્રોન્યોર ઇન હિસ્ટૉરિકલ પર્સ્પેક્ટિવ’, ‘હિસ્ટરી ઑફ  ઇન્ટરનેશનલ ટ્રેડ ઍન્ડ કસ્ટમ્સ ઇન ગુજરાત’, ‘હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજ-પરિવર્તન અને ગુજરાતના દલિતો’, ‘ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત’ને ગણાવી શકાય. વેપાર-વાણિજ્ય, ડાયોસ્પોરા, કચડાયેલા વર્ગો, સંસ્થાઓનો ઇતિહાસ એ તેમનું વિશિષ્ટ સંશોધન છે. આદિવાસીઓના લોકગીતો વિશે પણ તેમણે સંશોધન કર્યું છે. અવસાનના થોડા સમય પહેલાં તેમણે લખેલ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ખૂબ જ રસપ્રદ ગ્રંથ છે. અમદાવાદની અસ્મિતા ઘડવામાં ફાળો આપનાર પોળોની નામાંકિત વ્યક્તિઓ, સંસ્થાઓનો પરિચય કરાવ્યો છે. વિશેષ તો પોળ સંસ્કૃતિનો સુંદર  ચિતાર તેમાં આલેખવામાં આવ્યો છે. ઇતિહાસકાર તરીકેના તેમના ઘડતરમાં શાળાના શિક્ષક એસ. બી. ભટ્ટ, માર્ક્સવાદી ઇતિહાસકાર સતીશચન્દ્ર મિશ્ર તથા બિઝનેસ હિસ્ટૉરિઅન દ્વિજેન્દ્રનાથ ત્રિપાઠીનો ઘણો પ્રભાવ પડ્યો હતો. તેમની દૃષ્ટિએ ઇતિહાસ સાલવારી  તથા બનાવો ગોખવાનો વિષય નથી. સાચા અર્થમાં તો ઇતિહાસ માનવઅનુભવોની એવી દુર્લભ પ્રયોગશાળા છે, જેમાં માનવીની સિદ્ધિઓ તથા તેની ત્રુટિઓનું આલેખન થવું જોઈએ.

Categories
વાચન સમૃદ્ધિ

ઝીણાભાઈ દરજી

જ. ૨૪ મે, ૧૯૧૯ અ. ૧ સપ્ટેમ્બર, ૨૦૦૪

દક્ષિણ ગુજરાતના પીઢ ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર. ઝીણાભાઈનું જીવન સાદું અને ખડતલ હતું. તેઓએ દારૂબંધી, ખાદીપ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, દલિતસેવા, ગ્રામોદ્ધાર, ગરીબીનાબૂદી વગેરે ક્ષેત્રોમાં નક્કર કામ કર્યું છે. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વ્યારામાં લીધું. વાંચવાનો શોખ હોવાથી તેઓ પુસ્તકાલયમાંથી પ્રેરણાદાયી પુસ્તકો લાવીને વાંચતા. હાઈસ્કૂલનું શિક્ષણ સૂરતમાં લીધું અને પુસ્તકાલય મંત્રી બન્યા તે દરમિયાન ગાંધીસાહિત્ય વાંચ્યું. ગાંધીવિચારોની અસર એમના જીવન પર થઈ. તેઓ કાંતતાં શીખ્યા અને ખાદી પહેરવાનું શરૂ કર્યું. મૅટ્રિક થયા બાદ તેઓએ વ્યારામાં ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં કામ કર્યું. નશાબંધી, અસ્પૃશ્યતાનિવારણ, ખાદીફેરી અને ગ્રામસફાઈના કાર્યક્રમોમાં ભાગ લીધો. ૧૯૩૮થી ૧૯૪૨ સુધી ઝીણાભાઈએ વ્યારાની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરી. ૧૯૪૨ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લીધો અને બે માસ જેલવાસ ભોગવ્યો. સ્વરાજ પછી સૂરત જિલ્લામાં અનેક સંસ્થાઓ સ્થાપી અને વિકસાવી. તેઓ નગરપાલિકાના પ્રમુખ બન્યા અને સફાઈ-કામદારોની સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો. ૧૯૬૩માં ગુજરાતમાં પંચાયતરાજની શરૂઆત કરી અને તેના પ્રમુખ થયા. પછાત વિસ્તારોનો વિકાસ કર્યો. ગુજરાત ખેતવિકાસ ડેવલપમેન્ટ બૅન્ક લિ.ના અધ્યક્ષ બન્યા. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી સૂરત જિલ્લા પંચાયતના પ્રમુખ રહ્યા તથા ૧૯૮૭થી ૧૯૮૯ નૅશનલ કમિશન ફોર રૂરલ લેબરના પ્રમુખ તરીકે કામ કર્યું. તેઓએ વેડછીની ગાંધી વિદ્યાપીઠ અને ગુજરાત ખેતવિકાસ પરિષદમાં પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૫માં તેઓ કૉંગ્રેસના ગુજરાત પ્રદેશના પ્રમુખ બન્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

ગાયત્રીદેવી

જ. ૨૩ મે, ૧૯૧૯ અ. ૨૯ જુલાઈ, ૨૦૦૯

જયપુરના મહારાજા સવાઈ માનિંસહ(બીજા)નાં પત્ની, જયપુરનાં રાજમાતા ગાયત્રીદેવીનો જન્મ કૂચબિહારમાં મહારાજા જિતેન્દ્ર નારાયણ તથા વડોદરાનાં રાજકુંવરી ઇન્દિરા રાજેના કુટુંબમાં થયો હતો. કૂચબિહારની ગાદી તેમનાં માતા ઇન્દિરા વિધવા થતાં તેઓએ સંભાળી. ગાયત્રીદેવી સાથે પાંચ સંતાનોનો ઉછેર અત્યંત વૈભવી વાતાવરણમાં થયો હતો. ગાયત્રીદેવી લંડનની ગ્લેનડોવર સ્કૂલમાં ભણ્યાં હતાં. ત્યારબાદ શાંતિનિકેતન તથા સ્વિટ્ઝર્લૅન્ડ અને લંડનમાં ભણતર લીધું હતું. જ્યારે ૧૨ વર્ષનાં હતાં ત્યારે ગાયત્રીદેવી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા યુવાન જયપુરના મહારાજા સવાઈ માનસિંહ(બીજા)ને મળ્યાં હતાં. તેઓ અવારનવાર કૂચબિહારની મુલાકાતે આવતા હતા, તેઓ પોલોના ઉત્તમ ખેલાડી હતા. ઈ. સ. ૧૯૪૦માં ગાયત્રીદેવી સાથે તેમનાં લગ્ન થયાં. બંને જીવનભર એક આદર્શ દંપતી બની રહ્યાં, દરેક કાર્યમાં બંને એકબીજાને સહકાર આપતાં હતાં. તેઓને ૧૯૪૯માં જગત નામે એક પુત્ર જન્મ્યો હતો. ગાયત્રીદેવી અતિ સુંદર, પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં હતાં. વિશ્વની શ્રેષ્ઠ, સુંદર મહિલાઓમાં તેમની ગણના થતી હતી. જયપુરની પ્રજાના કલ્યાણ માટે તેઓએ રાજ્ય વહીવટમાં ભાગ લીધો. જયપુરમાં સૌપ્રથમ કન્યાશાળા સ્થાપી, સ્ત્રીઓને કેળવણી આપવી શરૂ કરી. ભારત સ્વતંત્ર થયા બાદ તેઓએ રાજકારણમાં ઝંપલાવ્યું, જયપુરમાં વિશાળ બહુમતીથી ચૂંટાઈ આવ્યાં. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં કટોકટીના સમયમાં તેઓએ જેલવાસ વેઠ્યો. તેઓએ પોતાની આત્મકથા ‘અ પ્રિન્સેસ રિમેમ્બર્સ’ લખી છે.