Categories
વાચન સમૃદ્ધિ

રાજા રામમોહનરાય

જ. ૨૨ મે, ૧૭૭૨ અ. ૨૭ સપ્ટેમ્બર, ૧૮૩૩

ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા પ્રયાસ કરનાર રાજા રામમોહનરાય સમાજસુધારક હતા. રામમોહનરાયનો જન્મ બંગાળ પ્રાંતના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. તેમના પિતા રમાકાંત વૈષ્ણવ કુટુંબના તથા માતા તારિણીદેવી શૈવ કુટુંબનાં હતાં. રામમોહનરાયનું બાળપણનું શિક્ષણ તેમના ગામની નિશાળમાં થયું હતું. જ્યાં તેઓએ બંગાળી, સંસ્કૃત, ફારસી ભાષાનું જ્ઞાન મેળવ્યું હતું. ત્યારબાદ તેઓ વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરવા માટે બનારસ ગયા. ભાષાઓનો અભ્યાસ કર્યા બાદ તેમના પર એકેશ્વરવાદના વિચારનો પ્રભાવ પડ્યો અને તેમણે પોતાનો પહેલો ગ્રંથ આ વિષય પર લખ્યો. રામમોહને સમાજસુધારણા માટે ‘ઈસ્ટ ઇન્ડિયા કંપની’ની નોકરી છોડી દીધી. તેમના સમાજસુધારણાના કાર્યથી ખુશ થઈને મુઘલ બાદશાહે સાલ ૧૮૩૧માં તેમને ‘રાજા’નો ઇલકાબ આપ્યો અને પોતાના વકીલ તરીકે ઇંગ્લૅન્ડ મોકલ્યા. તેમણે બ્રહ્મોસમાજ નામે એક સંસ્થા સ્થાપી. આ સંસ્થાએ બંગાળમાં સમાજ અને ધર્મસુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. બ્રહ્મોસમાજ તરફથી એક ‘સંવાદ કૌમુદી’ નામનું સાપ્તાહિક પ્રગટ કરતા હતા. તેઓએ બાળલગ્નો, બહુપત્નીપ્રથા દૂર કરવા પ્રયત્નો કર્યા. તેમના ઘરમાં જ તેમનાં ભાભીને બળજબરીથી સતી બનાવ્યાં તે ઘટના તેઓએ બાળપણમાં જોયેલી, જેની ઘેરી અસર તેમના મન પર થયેલી. આથી ‘સતીપ્રથા’ની વિરુદ્ધ તેમણે મોટી ઝુંબેશ ચલાવી. તેમણે બતાવ્યું કે ધર્મશાસ્ત્રમાં ક્યાંય તેનો ઉલ્લેખ નથી. રાજા રામમોહનરાય ભારતના આદ્યસુધારક ગણાય છે. નવા યુગના તેઓ અગ્રદૂત અને જ્યોતિર્ધર પણ કહેવાય છે. આજે પણ બ્રહ્મસમાજ સમાજસુધારણા માટે કાર્યરત છે. એમના પ્રયાસો થકી બાળલગ્ન, સતીપ્રથા અને બહુપત્નીપ્રથા વગેરે નાબૂદ થયાં છે. ભારત સરકારે ૧૯૬૪ની સાલમાં તેમના માનમાં ટિકિટ બહાર પાડી છે.

Categories
વાચન સમૃદ્ધિ

મંજુબહેન મહેતા

જ. ૨૧ મે, ૧૯૪૫ અ. ૨૦ ઑગસ્ટ, ૨૦૨૪

પ્રસિદ્ધ સિતારવાદક મંજુબહેનનો જન્મ જયપુરના જાણીતા ભટ્ટ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રી મનમોહન ભટ્ટ અને માતા ચંદ્રકલા ભટ્ટ – બંનેને સંગીતનો ઘણો શોખ હતો. માતા-પિતાએ મંજુને સંગીત શીખવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં અને સંગીત શીખવા અલ્વર મોકલ્યાં હતાં. તેમના મોટા ભાઈ શશીમોહનજી પંડિત રવિશંકરના શિષ્ય હતા અને તેમની પાસેથી સિતારવાદન શીખતા હતા. મંજુબહેન આઠ વર્ષની વયથી છાનામાના મોટા ભાઈની ગેરહાજરીમાં સિતાર વગાડી લેતાં. મંજુબહેનની આટલી લગની જોઈને શશીમોહનજી તેમના પ્રથમ ગુરુ બન્યા અને તેમને સિતાર શિખવાડવા લાગ્યા. બાળકલાકાર મંજુબહેને ૧૧ વર્ષની વયે સિતારવાદનના કાર્યક્રમો આપવા માંડ્યા. રેડિયો પર પણ કાર્યક્રમ આપતાં. સંગીતમાં વધુ અભ્યાસ માટે સ્કૉલરશિપ મળતાં ૧૫ વર્ષની વયે જોધપુર જઈ સંગીતની સાધના શરૂ કરી. ૧૯૬૮માં ૨૩ વર્ષની વયે તબલાવાદક નંદન મહેતા સાથે લગ્ન થયાં અને તેઓ અમદાવાદ આવ્યાં. અહીં ૩૫ સભ્યોના સંયુક્ત કુટુંબમાં સમાઈ ગયાં. નંદન મહેતાના પિતાએ તેમને અન્યને સિતાર તથા કંઠ્ય સંગીત શીખવવા માટે પ્રોત્સાહિત કર્યાં. મંજુબહેને ૧૯૬૯થી ‘દર્પણ’માં સિતાર શીખવવાનું શરૂ કર્યું. ૧૯૮૦માં તેમણે પોતાની સંસ્થા ‘સપ્તક’ની સ્થાપના કરી, જેમાં કંઠ્યસંગીત તથા વાદ્યસંગીતનું શિક્ષણ અપાય છે. છેલ્લાં ત્રીસ વર્ષથી દર જાન્યુઆરી મહિનામાં ‘સપ્તક’ દ્વારા ૧૪ દિવસના મહોત્સવનું આયોજન થાય છે. તેમાં રાષ્ટ્રીય ખ્યાતનામ શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ કલાકારો ભાગ લે છે. ભારતભરમાં તથા વિદેશમાં આ કાર્યક્રમની પ્રશંસા થાય છે. મંજુબહેનને ગુજરાત સરકાર દ્વારા પંડિત ઓમકારનાથ ઍવૉર્ડ, મુંબઈમાં પંડિત જસરાજ ઘરાના ઍવૉર્ડ, સંગીત કલારત્ન માર્તંડ સન્માન, મારવાડ સંગીતરત્ન ઍવૉર્ડ, સંગીત કલા ગૌરવ પુરસ્કાર, નારીશક્તિ ઍવૉર્ડ મળેલ છે. તદુપરાંત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ તરફથી કલાક્ષેત્રે અપાતો પદ્મભૂષણ ડૉ. ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ વર્ષ ૨૦૧૬માં મળેલો.

Categories
વાચન સમૃદ્ધિ

શ્રી ચંદ્રશેખર સરસ્વતી

જ. ૨૦ મે, ૧૮૯૪ અ. ૮ જાન્યુઆરી, ૧૯૯૪

કાંચી મહાસ્વામી તરીકે ઓળખાતા શ્રી ચંદ્રશેખર સરસ્વતી ૨૦મી સદીના મહાન હિંદુ આધ્યાત્મિક નેતા અને વિચારક હતા. તેઓ કાંચી કામકોટી પીઠના ૬૮મા જગદગુરુ શંકરાચાર્ય હતા. તેઓ વિદ્વાન, તપસ્વી અને સમગ્ર ભારત માટે આધ્યાત્મિક દિશાના પ્રકાશપુંજ હતા. તમિળનાડુના વિલ્લુપુરમમાં સ્વામીનાથ શાસ્ત્રી અને મહાલક્ષ્મી અમ્મળના ઘરે તેમનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ સ્વામીનાથન હતું. બાળપણથી જ તેઓ તેજસ્વી, શાંત સ્વભાવના અને ધાર્મિક અભિગમ ધરાવતા હતા. ૧૯૦૫માં તિંદિવનમમાં સ્વામીનાથનનું ઉપનયન કરવામાં આવ્યું હતું. જ્યાં તેમના ઉછેર દરમિયાન જ તેઓ વેદોમાં પારંગત બની પૂજા કરવા લાગ્યા હતા. ૧૯૦૬માં કામકોટી પીઠના ૬૬મા આચાર્ય શ્રી ચંદ્રશેખર સરસ્વતી છઠ્ઠા, ચાતુર્માસ વ્રતના પાલન માટે તિંદિવનમ્ નજીકના પેરુમુક્કલમ્ ગામમાં રહ્યા હતા જ્યાં તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી અને પદ સંભાળ્યાના માત્ર એક અઠવાડિયા બાદ તેમનું અવસાન થયું. ત્યારબાદ સ્વામીનાથનના પિતરાઈ ભાઈને ૬૭મા આચાર્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યા, પરંતુ તેમનું અવસાન થતાં માત્ર ૧૩ વર્ષની ઉંમરે તેમને ૧૩ ફેબ્રુઆરી, ૧૯૦૭ના રોજ કાંચી કામકોટી પીઠના ૬૮મા શંકરાચાર્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા. ભારતના અનેક પ્રદેશોમાં પદયાત્રા કરીને તેમણે વેદ, ઉપનિષદ, ધર્મશાસ્ત્ર અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો હતો. તેમને તમિળ ભાષા પ્રત્યે પણ ખૂબ જ પ્રેમ હતો, તેથી અનેક તમિળ વિદ્વાનો સાથે ઘણાં પ્રવચનો પણ કર્યાં હતાં. તેમણે ભક્તોને મંદિર પરિસરની અંદર પ્રવેશવાની મંજૂરી આપીને આમૂલ સામાજિક ફેરફારો કર્યા હતા. ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ જ્યારે ભારત સ્વતંત્ર થયું, ત્યારે તેમણે રાષ્ટ્રધ્વજ અને તેમાં દેખાતા અશોક ચક્રના મહત્ત્વ પર ભાષણ પણ આપ્યું હતું. તેઓ જીવનભર નિર્વિકાર રહી, શાંતિ, સાધના અને સંયમમય જીવન જીવ્યા હતા. સંસ્કૃત અને વેદ શાસ્ત્રોમાં પારંગત હોવાથી તેમણે વેદોનું મહત્ત્વ પુન:સ્થાપિત કરવાનું કાર્ય કરી હજારો લોકોને આધ્યાત્મિક માર્ગે વળવાની પ્રેરણા આપી હતી. ૯૯ વર્ષની ઉંમરે તેમનું મહાપરિનિર્વાણ થયું. કાંચી મહાસ્વામી માત્ર એક સંત નહિ, પરંતુ એક યુગદ્રષ્ટા હતા. તેમના શિષ્ય શ્રી જયેન્દ્ર સરસ્વતી અને પછી શ્રી વિજયેન્દ્ર સરસ્વતી તેમની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.