જ. ૨૪ જાન્યુઆરી, ૧૮૮૨ અ. ૨૯ નવેમ્બર, ૧૯૫૨

ગુજરાતના ઇતિહાસકાર, વૈદકશાસ્ત્રમાં રસ ધરાવનાર અને ઐતિહાસિક સંશોધક દુર્ગાશંકરનો જન્મ પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં અમરેલી, ગુજરાતમાં થયો હતો. પિતાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સાહિત્યના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કરી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રમાણભૂત ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તેઓએ મુંબઈમાં ઝંડુ ફાર્મસીમાં જીવનભર નોકરી કરી હતી. વૈદકશાસ્ત્રના તેમના તલસ્પર્શી અધ્યયનના ફળસ્વરૂપે તેઓએ ‘બાળકોના વૈદ્ય’ (૧૯૧૭), ‘માધવનિદાન’ (૧૯૧૮) અને ‘ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર’ (૧૯૧૯) પુસ્તકો લખ્યાં હતાં. દસ્તાવેજો અને ગ્રંથોના આધારે ‘વૈષ્ણવ ધર્મ અને ગુજરાત પર તેની અસર’ વિષય પર ‘ફાર્બસ સભા’ની સ્પર્ધા માટે નિબંધ લખ્યો હતો જે પુસ્તક રૂપે ૧૯૧૮માં પ્રગટ થયો. આ ગ્રંથમાં તેઓએ ધર્મના ઉદભવ, વિકાસ, વિસ્તાર અને વિશિષ્ટતાઓ અને તેની મર્યાદાઓનો ઉલ્લેખ કર્યો. આ પુસ્તક લખવાથી દુર્ગાપ્રસાદને ઇતિહાસકાર તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ. ‘ગુજરાતનાં ધાર્મિક સ્થળો’ (૧૯૨૮), ‘ગુજરાતનાં મુખ્ય યાત્રાધામોનો ઉદભવ-વિકાસ’, ‘પ્રબંધચિંતામણિ’ ગ્રંથનું વિસ્તૃત નોંધ સાથે સંપાદન, ‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ જેવાં અભ્યાસપૂર્ણ અને સંશોધનાત્મક પુસ્તકો તેઓએ લખ્યાં છે. તેઓએ પુરાવા અને દસ્તાવેજોને આધારે ઇતિહાસ-લેખન કર્યું છે અને ઇતિહાસલેખનમાં શુદ્ધતાનો આગ્રહ રાખ્યો હતો.
અંજના ભગવતી


