રાવણના મૃત્યુથી રામની આંખોમાં આંસુ !


રામાયણ અનેક રૂપે મળે છે. ભારતની પ્રચલિત રામાયણ અને બર્મા, શ્રીલંકા, જાવા કે સુમાત્રામાં મળતી રામાયણ ભિન્ન છે. આવી જ રીતે બૌદ્ધ રામાયણ અને જૈન રામાયણ પણ મળે છે. જૈન રામાયણમાં મળતો આ એક માર્મિક પ્રસંગ છે. યુદ્ધના મેદાન પર રાવણ અંતિમ શ્વાસ લેતો હતો. થોડી પળોનો એ મહેમાન હતો. આયુષ્યનો દીપક બુઝાવાની તૈયારીમાં હતો. લક્ષ્મણે શ્રીરામને આ સમાચાર આપ્યા. એ સમાચાર સાંભળતાં જ રામ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. આ જોઈને સહુ કોઈને આશ્ચર્ય થયું. રાવણનો સંહાર કરવા માટે તો રામે યુદ્ધ ખેલ્યું અને એ રાવણ મૃત્યુ સમીપ હોવાના સમાચારથી તો રામ આનંદિત થવા જોઈએ, એને બદલે વ્યથિત થઈ ગયા ! લક્ષ્મણે વડીલબંધુ રામને કહ્યું, ‘મોટા ભાઈ ! તમે શા માટે આટલું બધું રડો છો ? તમારે માટે તો આ ધ્યેયસિદ્ધિનો અવસર છે.’ શ્રીરામે કહ્યું, ‘લક્ષ્મણ ! રાવણે સીતાનું અપહરણ કરવાનું દુષ્કૃત્ય કર્યું તે સાચું, એટલે અંશે એણે અન્યાયનો આશરો લીધો તે પણ ખરું, પરંતુ આ દુષ્કૃત્ય વિસ્મૃત કરીને રાવણનો વિચાર કરી જુઓ !

લક્ષ્મણે પૂછ્યું, ‘કેવો લાગે છે રાવણ ?’

રામે કહ્યું, ‘રાવણ પાસે અગણિત ગુણોનો ભંડાર હતો. માત્ર એના અહંકારને કારણે એણે આવું કર્યું, પરંતુ જો એમાંથી એ બચી શક્યો હોત તો એના ગુણોએ એને મહાન બનાવ્યો હોત. આજે એના મૃત્યુ સમયે મને લાગે છે કે વિશ્વમાંથી એક તત્ત્વવેત્તા વિદાય પામી રહ્યો છે, એથી જ એના મૃત્યુની વાત મારી આંખમાં આંસુ લાવે છે.’ લક્ષ્મણ રામની ભાવના જોઈને પ્રસન્ન થયો. એ તરત રાવણ પાસે દોડી ગયો અને એને કહ્યું કે, ‘દશાનન, તમારા જીવનના અંતકાળના સમાચાર જાણીને મારા મોટા ભાઈ ખૂબ રડી પડ્યા અને તમારા સારા ગુણોનું ચિંતવન કરવા લાગ્યા.’ આ સાંભળી અંતિમ શ્વાસ લેતા રાવણે કહ્યું, ‘સુમિત્રાનંદન ! એટલે તો સહુ કોઈ એમને રામ કહે છે.’ રાવણનો આ ઉત્તર સાંભળીને લક્ષ્મણ સ્તબ્ધ બની ગયો. પોતાના દુશ્મનના સારા ગુણો ભાગ્યે જ કોઈને દેખાય છે. દુશ્મનને દાનવ ચીતરવો સહુને ગમે છે. શત્રુના દોષને ઘણા મોટા કરીને જુએ છે પછી એને વિશે અવગુણોનું કાળું ચિત્ર પોતાના મનમાં દોરે છે. આનાથીય એની વૈરભાવનાને સંતોષ થતો નથી, ત્યારે એ કાળા ચિત્ર પર લાગે કે ન લાગે, તોય વધુ કાળો રંગ લગાડે જાય છે. રામ અને રાવણ એકબીજાના વિરોધી હતા, પરંતુ સાથોસાથ પરસ્પરના ગુણોને ઓળખનારા હતા. આને પરિણામે જ રામ રાવણના ગુણો જોઈ શકે છે અને રાવણ રામની મહત્તા પારખી જાણે છે.

કુમારપાળ દેસાઈ

વિજ્ઞાનીની જેમ પડકારોનો સામનો કરીએ


જીવનની પ્રત્યેક પડકારરૂપ પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ તો હોય છે જ, પરંતુ પડકાર અને તેના ઉકેલ વચ્ચેનું અંતર ધૈર્ય, કુનેહ અને હિંમત માગતું હોય છે. કેટલીક વ્યક્તિઓ પડકાર સામે આંખ મીંચી દે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ પડકાર જોઈને એનાથી દૂર નાસી જાય છે. આવી વ્યક્તિઓને માટે પડકાર એ પૂર્ણવિરામ બની જાય છે. હકીકતમાં પ્રત્યેક પડકારની પહેલાં ઓળખ મેળવવાની જરૂર હોય છે. કેટલાંક કામ અને કર્તવ્ય જીવનમાં સિદ્ધ કરવાનાં અનિવાર્ય હોય છે. આ અનિવાર્યનું નિવારણ કરવું પણ જરૂરી છે. જો એ અનિવાર્યની ઉપેક્ષા કરીશું તો કાં તો નિષ્ફળતા મળશે અથવા તો એ પડકાર વધુ ને વધુ મોટો, ગંભીર અને પરેશાનીરૂપ બનતો જશે. જીવનમાં આવતા પડકારનો ઉકેલ જરૂરી હોય છે અને એમ કરવા જતાં ક્યારેક પોતાને મુશ્કેલી કે હાનિ થવાનો પણ ભય હોય છે. એના ઉકેલ માટે મથવું પડે છે. પીડા પણ ભોગવવી પડે છે, આમ છતાં જે કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય છે એ કરવું જ જોઈએ અને એમ કરવાનો પ્રયાસ કરનાર સમય જતાં એમાં સિદ્ધિ મેળવતો હોય છે.

કોઈ બાબતને અશક્ય માનીને માંડી વાળવી જોઈએ નહીં, પણ સતત એની પાછળની શક્યતાઓ ખોજવી જોઈએ અને એ શક્યતાઓનો સહારો લઈને તર્ક, લાગણી અને અનુભવ દ્વારા એને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ તો જીવનના અનિવાર્ય પડકારોનો ઉકેલ મળી જશે. જીવનના પડકારના ઉકેલ માટે  મથનારા માનવી પાસે વૈજ્ઞાનિક જેવી સતત ખોજ-સંશોધનની ધગશ હોવી જોઈએ. એક પ્રયોગમાં સફળતા ન મળે, તો એને બાજુએ રાખીને બીજો પ્રયોગ હાથ ધરે છે. જીવનના પડકારનો સામનો કરનારે પ્રયત્નો કરવામાં પાછા વાળીને જોવું જોઈએ નહીં.

કુમારપાળ દેસાઈ

મરવાની કળા


ગ્રીસનો વિશ્વવિખ્યાત તત્વચિંતક અને વિચારક પ્લેટો અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. ગ્રીસની નગરસંસ્કૃતિમાં પ્લેટોનું વિશિષ્ટ સ્થાન હતું. એણે લખેલો ‘રિપબ્લિક’ ગ્રંથ રાજકીય વિચારધારાનો વિશિષ્ટ અને વિરલ ગ્રંથ ગણાતો હતો. પ્લેટોના ગુરુ હતા મહાન દાર્શનિક સૉક્રેટિસ અને પ્લેટોનો શિષ્ય હતો જ્ઞાની અને ફિલસૂફ એરિસ્ટોટલ. અંતિમ સમયે પ્લેટોની આસપાસ એના શિષ્યો, મિત્રો અને નામાંકિત નગરજનો બેઠા હતા. આ સમયે કોઈએ પ્લેટોને કહ્યું, ‘જીવનભર અમે તમને પ્રશ્નો પૂછ્યા અને તમે એના ઉત્તરમાં અમને ઊંડું જ્ઞાન આપ્યું છે. આજે પણ આપની અનુમતિ હોય તો અમે એક અંતિમ પ્રશ્ન આપને પૂછી લઈએ. પ્લેટોએ માથું હલાવીને અનુમતિ આપી. પેલી વ્યક્તિએ કહ્યું, ‘તમે જીવનભર અમને ઘણું શીખવ્યું, ઘણું સમજાવ્યું, કેટલાય નવા વિચારો આપ્યા. કેટલાકને અમે સમજ્યા, કેટલાક અમે સમજી શક્યા નહીં તો એ અંગે તમને પૂછ્યું. તમે એ જટિલ સિદ્ધાંતો પણ સમજાવ્યા. હવે અમારી એક ઇચ્છા છે કે તમારી સમગ્ર વિચારસૃષ્ટિનો સાર અમને એક વાક્યમાં સમજાવી દો, જેથી ભવિષ્યમાં તમારી કોઈ વિચારધારા સમજાય નહીં, તો આ સૂત્રાત્મક ચાવી દ્વારા એનો મર્મ પામી શકીએ.’

પ્લેટો વિચારમાં પડી ગયા. થોડા સમય પછી કહ્યું, ‘‘મેં જીવનભર તમને એક જ વાત શીખવી છે અને તે ‘ધી આર્ટ ટૂ ડાઈ’ એટલે કે મરવાની કળા.’’ આટલું બોલી પ્લેટોએ આંખ મીંચી દીધી.

*

પ્લેટોની વાતનો મર્મ જ એ છે કે જીવન એ સાર્થક રીતે મરવાની કલા છે. મૃત્યુના નાટકનો પડદો પડે તે પહેલાં ખેલ ખેલી લેવાની કલા છે. મરવા માટે પણ માનવી પાસે એક કળા હોવી જોઈએ. જીવવાની કળા શોધનાર માનવીએ મરવાની કળાની ઉપેક્ષા કરી છે. માણસે મૃત્યુને જીવનને અંતે મૂક્યું અને એની પારાવાર ઉપેક્ષા કરી. જીવનમાં મૃત્યુ તરફ મુખ રાખવાને બદલે એ એના તરફ પીઠ રાખીને બેઠો અને પરિણામે એને મૃત્યુની કોઈ ઓળખ થઈ નહીં. ડરામણી આપત્તિ કે જીવલેણ બીમારીના સમયે એને થોડી ક્ષણો માટે મૃત્યુનો ભય લાગ્યો, પરંતુ આપત્તિ અળગી થતાં અને બીમારી દૂર થતાં એ મૃત્યુને ભૂલી ગયો. જીવવા માટે જેમ શૈલી હોય છે, એમ મૃત્યુ માટે પણ શૈલી હોય છે. જીવનને સારી રીતે જીવવા માટે જેમ મૈત્રી, ઉદારતા, હકારાત્મક વલણ અને સૌજન્ય જરૂરી છે, તેમ મૃત્યુને માણવા માટે વૈરાગ્ય, નિસ્પૃહતા અને આધ્યાત્મિકતાની આવશ્યકતા છે.

જિંદગી ઊજળી રીતે જીવનાર મૃત્યુને માણી શકે છે. જિંદગી જાગ્રત રીતે જીવનાર મૃત્યુને જાગ્રતપણે સ્વીકારી શકે છે. જિંદગી અજાગ્રત રીતે ગાળનાર જીવનમાં વારંવાર મરતો રહે છે અને મૃત્યુથી ડરતો રહે છે. આથી જ કેટલાકને માટે મૃત્યુ એ મારક છે અને કેટલાકને માટે મૃત્યુ એ મહોત્સવ છે.

કુમારપાળ દેસાઈ