Categories
વાચન સમૃદ્ધિ

જમીન પર તો ચાલતાં શીખો

એક વાર અંધારી રાત્રે વિખ્યાત ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મી ઘૂમવા નીકળ્યા. એ જમાનામાં આકાશના તારાઓની ઓળખ મેળવનારા ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મી જેવો બીજો કોઈ ખગોળશાસ્ત્રી નહોતો. ચોતરફ એમની વિદ્યાની પ્રશંસા થતી હતી અને તારાઓની ગતિ જોઈને વ્યક્તિના ભવિષ્યના જીવનની ગતિ બતાવવાની એમની કાબેલિયત પર સહુ કોઈ આફરીન પોકારી ગયા હતા. રાત્રે ફરવા નીકળેલા આ સમર્થ ખગોળશાસ્ત્રી ખ્યાલ ન રહેતાં ઊંડા ખાડામાં પડી ગયા. મદદ કરવા માટે એ જોર જોરથી બૂમો પાડતા હતા. થોડો સમય તો કોઈ આવ્યું નહીં, પણ એવામાં એક વૃદ્ધ સ્ત્રી એ રસ્તેથી નીકળી અને એણે જોયું તો ખાડામાંથી કોઈ મદદ માટે બૂમો પાડતું હતું. એ ગરીબ, નિરક્ષર મહિલાએ ઘણી મહેનત કરીને એમને બહાર કાઢ્યો. ખગોળશાસ્ત્રી અલ ખ્વારિજ્મીએ આ વૃદ્ધાનો આભાર માન્યો. વૃદ્ધા તો હસીને આગળ ચાલી. કીર્તિવંત ખગોળશાસ્ત્રીથી રહેવાયું નહીં એટલે એમણે એ વૃદ્ધાને અટકાવીને પૂછ્યું, ‘તમે મને ઓળખ્યો ખરો ? હું આ જમાનાનો મશહૂર ખગોળશાસ્ત્રી અને જ્યોતિષશાસ્ત્રી છું. આકાશના તારાને જોઈને માણસની જિંદગીની ગતિ ભાખી શકું છું. તમે મને ખાડામાંથી બહાર કાઢ્યો ને મદદ કરી, તે માટે તમારું ભવિષ્ય જોઈને મારા પરના અહેસાનનો બદલો ચૂકવવો છે.’ પેલી વૃદ્ધાએ હસીને કહ્યું, ‘અરે ! જેને જમીન પરના ખાડાની જાણકારી ન હોય, એને વળી માનવીના ભવિષ્યની જાણકારી હોય ખરી ? પહેલાં તમે જે જમીન પર ચાલો છો, એને બરાબર જાણો, પછી તારાઓની ગતિનું માપ કાઢવા બેસજો.’ વૃદ્ધાનાં આ વચનોએ ખગોળશાસ્ત્રીના હૃદય પર પ્રભાવ પાડ્યો. એમને સમજાયું કે જે જમીન પર ચાલો છો, તે જમીનનો વાસ્તવિક ખ્યાલ ન હોય, તો આકાશને જાણીને શું કરશો? આ ખગોળશાસ્ત્રી આકાશના બદલે પાતાળના-ભૂગર્ભના ભેદ ઉકેલવા લાગ્યો અને ભૂસ્તરશાસ્ત્રી બન્યો. વૃદ્ધાના એક વાક્યે આકાશમાં નજર માંડીને બેઠેલા ખગોળશાસ્ત્રીના જીવનની દિશા બદલી નાખી.

Categories
વાચન સમૃદ્ધિ

ચર્ચાનો ચોતરો

સાયમન ઍન્ડ શુસ્ટર નામની પ્રકાશન સંસ્થાના અધ્યક્ષ અને એ પછી અમેરિકાની પૉકેટ બુક્સ કંપનીના પ્રેસિડેન્ટ બનેલા લીઓન શિમકિનની કાર્યપદ્ધતિ એવી હતી કે રોજ સવારે પોતાના કર્મચારીઓને એકઠા કરીને એમની સાથે ઘણી લાંબી ચર્ચા કરતા. દરેક કર્મચારી પોતાની સમસ્યાની લંબાણભરી વાત કરતા અને એ પછી એ વાતમાં બીજી વાતો નીકળતી. એક વ્યક્તિ એક સૂચન આપે, તો બીજી વ્યક્તિ બીજું સૂચન આપે. જ્યારે ત્રીજી વ્યક્તિ એ બંનેને ખોટા ઠેરવવા પ્રયત્ન કરે અને ચોથી વ્યક્તિ સાવ જુદી જ વાત કરે. પરિણામે મૂળ પ્રશ્નો અને સમસ્યાઓ બાજુ પર રહી જતાં અને કલાકો સુધી ચર્ચા ચાલવા છતાં કશું નક્કર કામ થતું નહોતું.  લીઓન શિમકિન આવી લાંબી ચાલેલી એક મિટિંગ પૂરી કરે, ત્યાં એમને બીજે કૉન્ફરન્સમાં જવાનો સમય થઈ જતો. ચર્ચા અધૂરી રહેતી અને આખો દિવસ આમ મિટિંગોમાં વ્યતીત થઈ જતો. પંદરેક વર્ષ સુધી આવી પરિસ્થિતિ રહ્યા પછી એક દિવસ શિમકિને વિચાર્યું કે એમની જિંદગીનો મોટા ભાગનો સમય તો ચર્ચા-વિચારણા અને સભામાં જ પૂરો થઈ જાય છે. આને બદલે કોઈ બીજો ઉપાય કરવો જોઈએ. એમણે પોતાની જૂની રીત બંધ કરી. બધા કર્મચારીઓને બોલાવીને એક સાથે ચર્ચા કરવાને બદલે એમણે કાર્યકરોને કહ્યું કે, હવે તમે આવો ત્યારે સ્પષ્ટ રૂપે લખીને આવજો કે તમારી સમસ્યા કેમ ઉદ્ભવી છે ? એના ઉકેલની કઈ શક્યતાઓ છે ? અને એનો તમે કયો ઉકેલ આપવા માંગો છો ? આ પદ્ધતિને પરિણામે લીઓન શિમકિનની જિંદગી બદલાઈ ગઈ. પહેલાં લોકો એક ને એક વાતો વારંવાર કરતા, સભામાં અંગત મંતવ્યોને આમતેમ ઉછાળતા. એને બદલે એમની પાસેથી જ વિશ્લેષણ મળતાં લીઓન શિમકિનનો ઝાઝો સમય ચર્ચામાં બરબાદ થતો અટકી ગયો અને સમસ્યા જાણીને એના ઉકેલનો રસ્તો શોધવા પર ધ્યાન આપવા લાગ્યા. અભિગમ બદલાતાં લીઓન શિમકિનની જિંદગી બદલાઈ ગઈ.

Categories
વાચન સમૃદ્ધિ

અદનો સિપાઈ

ભીષણ રણસંગ્રામમાં સેનાપતિ સિડનીએ અપ્રતિમ વીરતા દાખવી. આ મૂર યુદ્ધમાં શત્રુઓ સામે ખેલવા જતાં સિડની ઘાયલ થયો અને દુશ્મન સૈનિકો એને ઘેરી વળ્યા. સેનાપતિ સિડનીની સેનાના એક સિપાઈએ આ દૃશ્ય જોયું. એણે વિચાર્યું કે કોઈ પણ ભોગે સેનાપતિને દુશ્મનોના ઘેરામાંથી ઉગારવા જોઈએ. આથી સિપાઈ વીરતાપૂર્વક દુશ્મનોનો ઘેરો પાર કરીને સેનાપતિ પાસે પહોંચી ગયો. ઘાયલ સેનાપતિને ઘોડા પર લઈને યુદ્ધના મેદાનની બહાર નીકળી ગયો. દુશ્મનોએ ઘણા પ્રહાર કર્યા, પરંતુ સિપાઈની વીરતા આગળ તેઓ ફાવ્યા નહીં. સિપાઈ સેનાપતિને છાવણીમાં લઈ ગયો, ત્યારે સેનાપતિએ સિપાઈને પૂછ્યું, ‘તારું નામ શું છે ?’ સિપાઈએ નામ કહેવાની આનાકાની કરી. આથી સેનાપતિએ ફરી નામ પૂછ્યું, ત્યારે સાહસિક સૈનિકે કહ્યું, ‘આપ મારું નામ જાણીને શું કરશો? હું તો સેનાનો એક અદનો સિપાઈ છું.’ સેનાપતિ સિડનીએ કહ્યું, ‘મારે તને શાબાશી આપવી છે. બધા સૈનિકોની હાજરીમાં તારી વીરતાની પ્રશંસા કરવી છે. તારા પર મોટા ઇનામની નવાજેશ કરવી છે.’ આ સાંભળીને સિપાઈએ કહ્યું, ‘મને માફ કરજો, મેં કાંઈ કીર્તિ કે કલદારની ઇચ્છાથી આ કામ કર્યું નથી. મેં તો માત્ર મારું કર્તવ્ય બજાવ્યું છે.’ આટલું કહીને સિપાઈ નમ્રતાથી છાવણીની બહાર નીકળી ગયો. એના ચહેરા પર કર્તવ્યનો આનંદ છલકાતો હતો. એની પ્રાપ્તિ જ એનું અંતિમ ધ્યેય હતું. ફરજ એટલે ફરજ. એમાં વળી બીજું શું હોય ? સેનાપતિએ ઘણી શોધ કરી, પરંતુ એ સિપાઈનાં નામ-ઠામ મળ્યાં નહીં. સેનાપતિ સિડની સિપાઈની આવી કર્તવ્યનિષ્ઠા પર વારી ગયા.