Categories
વાચન સમૃદ્ધિ

હંમેશાં તારાને જુઓ

બિગબૅંગ (મહાવિસ્ફોટ) જેવા બ્રહ્માંડનાં વિવિધ પાસાંઓનો અભ્યાસી અને સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની સ્ટિફન હૉકિંગના બાપદાદાનો વ્યવસાય તો ખેતીનો હતો. આર્થિક હાલત પણ સારી નહોતી. વળી નાના કદ અને સંકોચશીલ સ્વભાવને કારણે હૉકિંગે નિશાળ બદલી નાખી. મોર્ટર ન્યૂરોન ડિસિઝ (MND) અથવા ઍમિયો ટ્રૉફિક લેટર સ્કલેરોસિસ (ALS) રોગના જીવલેણ હુમલાને કારણે લગભગ બધાં અંગો લકવાગ્રસ્ત થવા છતાં હિંમત હાર્યા નહીં. એમની વિદ્યોપાસના અને સંશોધનવૃત્તિ અવિરત ચાલતી રહી. ન્યુમોનિયામાં પટકાયા બાદ શ્વાસોચ્છવાસની ભારે તકલીફ થતાં ગળાની શસ્ત્રક્રિયા કરતાં સ્વરપેટીને નુકસાન થયું અને વાચા પણ ચાલી ગઈ, પણ મજબૂત મનોબળ દ્વારા એમણે એમનાં સંશોધનો ચાલુ રાખ્યાં. બ્રહ્માંડના અંતિમ રહસ્યની સતત ખોજ કરતા રહ્યા, એથીય વિશેષ એક તાત્વિક વિચારક તરીકે જગતના ભાવિની ચિંતા કરતા રહ્યા અને એકવીસમા વર્ષે ભયાનક બીમારી થવા છતાં આજે સમગ્ર વિશ્વમાં મહાન વિજ્ઞાની તરીકે પ્રસિદ્ધ થયા. છેલ્લા બે દાયકાથી વ્હીલચૅરમાં જીવતા અને અનેક શારીરિક મર્યાદાઓ ધરાવતા સ્ટિફન હૉકિંગ પોતાની વિકલાંગતા માટે એ સંજોગો, શરીર કે નિયતિને દોષ આપતા નથી. એ કહે છે કે બધી જ ચીજો નિશ્ચિત જ હોય, તો આપણે કશું બદલી શકીએ નહીં. નસીબમાં માનનાર માનવી પણ રસ્તો ક્રૉસ કરતી વખતે આવતાં-જતાં વાહનોને જુએ છે. જીવનને પૂરેપૂરું જીવવાની કોશિશ કરતાં સ્ટિફન હૉકિંગ પોતાનાં સંતાનો રોબર્ટ, લ્યુસી અને ટિમ્મીને કહે છે કે, ‘હંમેશાં તારાને જુઓ, પગને નહીં. હું આખી દુનિયા ઘૂમી વળ્યો છું, એન્ટાકર્ટિકથી લઈને છેક ઝીરો ગ્રૅવિટી સુધી. કામથી ભાગો નહીં, કારણ કે કામ જ જીવનને અર્થ અને ઉદ્દેશ આપે છે. જિંદગીમાં જો પ્રેમ મળતો હોય તો તેનો આદર કરો, કારણ કે આ પૃથ્વી પર જ એ સંભવ છે.’

Categories
વાચન સમૃદ્ધિ

કપરી પરિસ્થિતિમાં

એ સમયે અમેરિકામાં આવકવેરો નહોતો અને એ જમાનામાં અમેરિકન કંપનીઓમાં વાર્ષિક દસ લાખ ડૉલરની કમાણી કરતી વ્યક્તિઓ બહુ ઓછી હતી. આવે સમયે એન્ડ્રુ કાર્નેગીએ પોતાની નવી કંપનીમાં ત્રીસ વર્ષના યુવાનની નિમણૂક કરી. યુનાઇટેડ સ્ટીલ કંપની નામની એમની આ કંપનીનો પ્રારંભ ઈ. સ. 1921માં કર્યો અને એણે ચાર્લ્સ શ્વાબને વર્ષે દસ હજાર ડૉલરના પગારે રાખી લીધા. ચાર્લ્સ શ્વાબ પાસે એક આગવી આવડત હતી. એ પોતે સ્ટીલ ઉત્પાદનના આ વ્યવસાયના ઊંડા જાણકાર નહોતા. વ્યવસાય માટેની અદ્ભુત કુનેહ ધરાવનાર કોઈ મેધાવી વ્યક્તિ પણ નહોતા. હકીકતમાં તો એમના હાથ નીચે કામ કરતા કેટલાય લોકો ચાર્લ્સ શ્વાબ કરતાં સ્ટીલ ઉત્પાદન અંગે વધુ જાણકારી ધરાવતા હતા, પરંતુ ચાર્લ્સ શ્વાબની ખૂબી એવી હતી કે એ પોતાના સાથી કર્મચારીઓને બરાબર ઓળખીને એમને એમના કામમાં પ્રોત્સાહિત કરતા હતા. વળી એ કર્મચારીઓને એમના કાર્ય માટે અભિનંદન આપતા હતા. એની આ આવડત જ ચાર્લ્સ શ્વાબની એક મહત્ત્વની શક્તિ બની રહી. એમાં પણ એની સ્ટીલ મિલમાં કામ કરતા એક આધેડ વયના જર્મન કામદારને પોતાના સાથી કામદારો સાથે ઝઘડો થયો. સામસામી દલીલબાજી થઈ. એમાંથી ઉગ્ર સ્વરૂપ પકડ્યું અને બધાએ ભેગા થઈને પેલા જર્મન કર્મચારીને ઊંચકીને નદીમાં ફેંકી દીધો. પેલો જર્મન કર્મચારી પાછો ઑફિસમાં આવ્યો, ત્યારે એનાં કપડાં કાદવ-કીચડવાળાં હતાં. ચાર્લ્સ શ્વાબે એને પૂછ્યું કે, ‘તારા સાથી કર્મચારીઓએ તને ઊંચકીને નદીમાં ફેંકી દીધો, ત્યારે તેં એમને કેટલા ગુસ્સાભર્યા અપશબ્દો કહ્યા હતા ?’ એના ઉત્તરમાં આધેડ વયના જર્મન કર્મચારીએ કહ્યું, ‘સાહેબ, એ સમયે હું માત્ર હસતો હતો’ અને ચાર્લ્સ શ્વાબે એ પ્રૌઢ જર્મન પાસેથી ‘કપરી પરિસ્થિતિમાં પણ સદા હસતા રહેવું’ એ સૂત્રને જીવનમંત્ર તરીકે અપનાવી લીધું.

Categories
વાચન સમૃદ્ધિ

ફરી ભૂલ નહીં કરે

વિશાળ આકાશમાં વિમાની ખેલ-કરતબ બતાવવા માટે ટેસ્ટ પાઇલટ બૉમ હુવરની અમેરિકામાં ચોતરફ ખ્યાતિ ફેલાયેલી. એક વાર સાનડિયાગોમાં શો કરીને તેઓ વિમાન ચલાવીને પોતાના ઘેર લૉસ એન્જલસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક 300 ફૂટની ઊંચાઈએ એમનું પ્લેન બંધ થઈ ગયું. મશીનો કામ કરતાં અટકી ગયાં. બૉમ હુવર કુશળ પાઇલટ હોવાથી પ્લેનને મહામહેનતે જમીન પર ઉતારવા સફળ રહ્યા, પરંતુ આમ કરવા જતાં વિમાનને ઘણું મોટું નુકસાન થયું. આવી રીતે ઇમરજન્સી લૅન્ડિંગ કર્યા પછી પાઇલટ બૉમ હુવરે પોતાના અનુભવને આધારે તત્કાળ વિમાનનું બળતણ તપાસવાનું કામ કર્યું. એણે ધાર્યું હતું તેવું જ બન્યું. વિમાનમાં ગેસોલિનના બદલે જૅટનું બળતણ ભર્યું હતું. હવાઈ મથકેથી તેઓ તરત જ વિમાનને સર્વિસ કરનારા મિકૅનિક પાસે પહોંચી ગયા. જ્યારે મિકૅનિકને આ ઘટનાની જાણ થઈ ત્યારે તો એ ધ્રૂજવા લાગ્યો. એને થયું કે એનાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, કારણ એટલું જ કે આ અકસ્માતમાં ભલે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ અત્યંત મોંઘી કિંમતનું પ્લેન તૂટી ગયું. હવે શું થશે ? મિકૅનિક ધારતો હતો કે બૉમ હુવર એની ઝાટકણી કાઢશે, તત્કાળ સસ્પેન્ડ કરી દેશે. સહુની હાજરીમાં આકરો ઠપકો આપશે અને શું નું શું થઈ જશે ! પરંતુ બન્યું એવું કે પાઇલટ બૉમ હુવરે આવીને ન તો મિકૅનિક પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો કે ન તો એને આકરો ઠપકો આપ્યો. બલ્કે એના ગળા પર પ્રેમથી હાથ વીંટાળીને કહ્યું, ‘હવે મને ખાતરી થઈ ચૂકી છે કે તું ક્યારેય આવી ગંભીર ભૂલ નહીં કરે. ખેર, આવતીકાલે મારું પ્લેન એફ-11ની સર્વિસ કરવા માટે સવારે આવી જજે.’