Categories
વાચન સમૃદ્ધિ

સમયપાલનનું મહત્ત્વ

અમેરિકાના સ્વાતંત્ર્ય માટેની ક્રાંતિ દરમિયાન લશ્કરના સરસેનાધિપતિ, અમેરિકાના પ્રથમ પ્રમુખ અને અમેરિકાના રાષ્ટ્રપિતા એવા જ્યોર્જ વૉશિંગ્ટને એક વાર લંચ માટે કેટલાક મહેમાનોને નિમંત્રણ આપ્યું હતું. એ મહેમાનો સાથેનો ભોજનસમારંભ પૂરો થયા બાદ એમણે સેનાના કમાન્ડરો સાથે એક જરૂરી મિટિંગ ગોઠવી હતી. જ્યોર્જ વૉશિંગ્ટનના સમયપાલનની ચુસ્તતાનો એમના નોકર-ચાકરોને બરાબર પરિચય હોવાથી ભોજનનો સમય થતાં જ એમણે પ્રમુખને જાણ કરી કે ભોજનની સઘળી વ્યવસ્થા થઈ ગઈ છે, પણ હજુ સુધી મહેમાનો આવ્યા નથી. જ્યોર્જ વૉશિંગ્ટન ભોજનખંડમાં આવ્યા અને બોલ્યા, ‘બાકીની બધી પ્લેટ ઉઠાવી લો. હું એકલો જ ભોજન કરીશ.’ મહેમાનોની પ્રતીક્ષા કર્યા વિના એમણે ભોજન કરવાનું શરૂ કર્યું. લગભગ અડધું ભોજન પતાવી દીધું હતું, ત્યારે મહેમાનો આવ્યા અને ભોજનના ટેબલ પર એમની પ્લેટ મૂકવામાં આવી. એટલામાં જ્યોર્જ વૉશિંગ્ટન પોતાનું ભોજન પતાવીને ઊભા થયા અને મહેમાનોની વિદાય લઈને કમાન્ડરોની બેઠકમાં સામેલ થયા. બન્યું એવું કે આ બેઠકમાં એ આવ્યા ત્યારે જાણ થઈ કે અમેરિકાના એક ભાગમાં ભયંકર વિદ્રોહ થયો છે. એમણે તરત જ આ વિદ્રોહનો સામનો કરવા માટે આવશ્યક બાબતોના હુકમો આપ્યા. એનાં બધાં પાસાં પર વિચાર કર્યો અને કઈ રીતે આગળ વધવું એનું આયોજન કર્યું. આ બધું સમયસર થવાથી ઘણી માનવખુવારી ઘટી ગઈ અને સંપત્તિને પણ ઓછું નુકસાન થયું. થોડા સમય બાદ આ વાતની જાણ એ દિવસે ભોજન સમારંભમાં વિલંબથી આવેલા મહેમાનોને થઈ, ત્યારે એમને આત્મગ્લાનિનો અનુભવ થયો. એમને સમજાયું કે પ્રત્યેક કાર્ય સમયસર કરવાથી જાનમાલની કેટલી મોટી ખુવારીમાંથી બચી જવાય છે અને જીવનમાં વ્યવસ્થિત રહીને કાર્ય સિદ્ધ થાય છે. આ વિચાર સાથે તેઓ ફરી રાષ્ટ્રપતિ જ્યોર્જ વૉશિંગ્ટનના ઘેર આવ્યા અને એમણે એ દિવસે થયેલી ભૂલ બદલ ક્ષમાયાચના કરી, ત્યારે રાષ્ટ્રપતિએ કહ્યું, ‘આમાં ક્ષમાની કોઈ વાત જ નથી. જેને પોતાના જીવનની વ્યવસ્થા તેમજ પરિવાર, સમાજ અને દેશની ઉન્નતિનો ખ્યાલ રાખવો હોય, એણે સમયનું કડક પાલન કરવું જ જોઈએ.’

Categories
વાચન સમૃદ્ધિ

નિરભિમાની હોય, તે જ લોકનેતા

વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા અને સોવિયેત સંઘના પ્રથમ સમાજવાદી શાસક લેનિનના ઉદ્દામ ક્રાંતિકારી વિચારો સોવિયેત સંઘની પ્રજામાં નવો ઉત્સાહ જગાવતા હતા. લેનિને 1917ના ઑક્ટોબરમાં વિશ્વના ઇતિહાસમાં મહત્ત્વની એવી ‘બૉલ્શેવિક ક્રાંતિ’નું સર્જન કર્યું અને તેની સફળતાના પગલે લેનિનના નેતૃત્વ હેઠળ રશિયામાં નવી સરકાર રચાઈ. કુશળ રાજકારણી, વિચક્ષણ વ્યૂહરચનાકાર અને માર્ક્સવાદના સૈદ્ધાંતિક માળખાને પરિસ્થિતિના સંદર્ભમાં નવો ઓપ આપનાર, શ્રમજીવીઓનો રાહબર લેનિન વ્યવહારકુશળ લોકનેતા તરીકે રશિયન પ્રજાની અપાર ચાહનાને પામ્યા. લેનિનના નેતૃત્વની વાત સાંભળીને રશિયાના વિખ્યાત લેખક મેક્સિમ ગોર્કી એક વાર લેનિનની જાહેરસભામાં ગયા. મનમાં એવું વિચાર્યું હતું કે સમગ્ર રાષ્ટ્રમાં નવી ચેતના જગાવનાર અને સમાજવાદી ક્રાંતિ સર્જનાર આ નેતાનું ભાષણ એક વાર તો સાંભળી આવું. મેક્સિમ ગોર્કી સભાસ્થાને ગયા, ત્યારે જનમેદનીથી એ ખીચોખીચ હતું. એમના પ્યારા નેતા લેનિનના આગમનની રાહ જોઈને સહુ ઊભા હતા. કેટલીય આંખો લેનિનનાં દર્શન કરવા માટે આતુર હતી. ઉત્સાહથી ધબકતા આ વાતાવરણમાં લેનિન કઈ રીતે પ્રવેશશે ? મેક્સિમ ગોર્કીએ તો વિચાર્યું કે નક્કી, લેનિનનું દોરદમામ સાથે આગમન થશે અથવા તો આગળ છડીદારો હશે અને સાથીઓ જયઘોષ પોકારતા હશે, પરંતુ એમણે જોયું તો દૂર એક ખૂણામાં લેનિન કેટલાક કામદારો સાથે વાતચીતમાં ડૂબેલા હતા. સભાનો સમય થયો એટલે લેનિનનું નામ બોલાયું અને લેનિન પોતાની આસપાસના કામદારો પાસેથી સીધા સ્ટેજ પર ગયા. લેનિનની લોકો સાથેની આત્મીયતાનો મેક્સિમ ગોર્કી પર ઊંડો પ્રભાવ પડ્યો. પ્રચંડ લોકજુવાળ પોતાની સાથે હોય એવો લોકપ્રિય નેતા કેટલો બધો નિરભિમાની ! એ દિવસથી ગોર્કીનો લેનિન માટેનો આદર દ્વિગુણિત થઈ ગયો.

Categories
વાચન સમૃદ્ધિ

લક્ષ્યની પ્રાપ્તિ

ઉત્તર-મધ્ય ઈરાનમાં થયેલા પર્શિયાના સૂફી સંત બાયજીદ બિસ્તામી ઈશ્વર વિશેના સ્પષ્ટ અને નિર્ભીક વિચારો માટે જાણીતા હતા. કોઈ ગ્રંથ સ્વરૂપે એમના કોઈ વિચારો પ્રાપ્ત થતા નથી, પરંતુ સૂફી પરંપરામાં એક મહત્ત્વના સૂફી સંત તરીકે તેઓ સ્થાન ધરાવે છે. એમના નિવાસસ્થાને જે કોઈ ઇસ્લામ ધર્મ વિશે ચર્ચા કરવા આવે, એમને આવકારતા; એટલું જ નહીં, પણ અલ્લાહની ભક્તિ માટે એમણે તમામ ભૌતિક સંપત્તિ અને સુખોનો ત્યાગ કર્યો હતો. આવા મહાન સૂફી સંત બાયજીદ બિસ્તામી એક વાર પોતાના રૂહાની ગુરુ પાસે બેઠા હતા. ગુરુના ઉપદેશનું એ એકાગ્રચિત્તે શ્રવણ કરતા હતા અને એવામાં ગુરુએ બાયજીદને કહ્યું, ‘જરા બારીમાં પડેલું એક પુસ્તક લઈ આવ.’ આ સાંભળી બાયજીદે કહ્યું, ‘કઈ બારી ? ક્યાં છે બારી ?’ ઉત્તર સાંભળીને આશ્ચર્યચકિત બનેલા ગુરુએ કહ્યું, ‘અરે બાયજીદ, તું તો વર્ષોથી અહીં આવે છે. અહીં બેસીને મારી વાતનું શ્રવણ કરે છે અને છતાં તને ખબર નથી કે બારી ક્યાં છે?’ સંત બાયજીદે કહ્યું, ‘ના ગુરુદેવ, મને ખબર નથી.’ ગુરુએ કહ્યું, ‘તો શું તું આંખો મીંચીને મારી પાસે બેસે છે ? આ ખંડમાં બેઠો હોય અને તને બારી ન દેખાય તે કેવું કહેવાય ?’ બાયજીદે કહ્યું, ‘ગુરુજી, હું સાચું કહું છું. હું શા માટે બારીને જોવાનો પ્રયત્ન કરું.’ ‘કેમ ?’ ‘હું આ ખંડમાં આવું, ત્યારથી માત્ર ને માત્ર તમારી સાથે જ હોઉં છું. ફક્ત તમને જ જોતો હોઉં છું, તમારા સિવાય બીજી કોઈ ચીજ મારી નજરે પડતી નથી, તો પછી બારીની મને ક્યાંથી ખબર હોય !’ ગુરુ હસ્યા અને બાયજીદને કહ્યું, ‘હવે તું ઘેર પાછો ફરી શકે છે. તારો અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. તેં લક્ષ્યની પ્રાપ્તિ કરી લીધી છે.’