Categories
વાચન સમૃદ્ધિ

સર્જકની ખુદવફાઈ

ખલિલ જિબ્રાને (1883થી 1931) એમનાં ચિંતનાત્મક લખાણોથી, ઉત્તમ કોટિના વિચારસૌંદર્યથી અને શબ્દથી વર્ણવી શકાય નહીં તેવા ભાવોને ચિત્રકલાના માધ્યમથી પ્રગટ કરવાની એમની શક્તિના લીધે સર્વત્ર ખ્યાતિ પ્રાપ્ત કરી. અંગ્રેજી અને અરબી બંને ભાષામાં લખાયેલાં એમનાં પુસ્તકો વિશ્વસાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પામ્યાં. ખલિલ જિબ્રાન સરળ કિંતુ ભાવનાપ્રધાન જીવન જીવ્યા. આ કવિ-ચિત્રકારને જગતના વ્યવહારની બાબતમાં ઝાઝી સૂઝ પડતી નહીં. એક વાર બે સ્ત્રીઓએ જમીનની બાબતમાં ખલિલ જિબ્રાનની સાથે મોટી છેતરપિંડી કરી. કવિનું દિલ ગુસ્સાથી ધૂંધવાઈ ગયું અને મનોમન નક્કી કર્યું કે આ બંનેને અદાલતના પાંજરામાં ઊભા રાખીને જ જંપીશ. ન્યાયમૂર્તિ એમને સખત સજા કરે તો જ મારા ઘવાયેલા હૃદયને શાતા વળશે. આ બે સ્ત્રીઓએ પ્રપંચપૂર્ણ વ્યવહાર કરીને જિબ્રાનને આર્થિક રીતે સાવ મુફલિસ બનાવી દીધો હતો. આમાંની એક સ્ત્રી જિબ્રાનની પાસે એનું પુસ્તક ‘ધ પ્રોફેટ’ લઈને આવી અને સવાલ કર્યો, ‘‘તમે અમને અદાલતમાં સજા અપાવવા માંગો છો તે કેટલે અંશે યોગ્ય ગણાય ? ‘પ્રોફેટ’ પુસ્તકમાં તમે આલેખેલા ઉત્કૃષ્ટ વિચારો અને વ્યાપક ભાવનાઓનું શું ? જીવનનું આવું ઉત્કૃષ્ટ ચિંતન તમે લખ્યું છે તે તમને લાગુ પડે કે નહીં ?’’ ખલિલ જિબ્રાને કહ્યું, ‘‘વાત વિચારવા જેવી છે. હું તમને અદાલતમાં ઊભા કરીને મારા પુસ્તક સાથે બેવફાઈ તો કરતો નથી ને ? જીવનની ક્ષણિક ભ્રમણા સમાન સંપત્તિને ખાતર હું મારા જ શબ્દોની મારે હાથે હત્યા નહીં કરું ?’’ ખલિલ જિબ્રાનને ‘પ્રોફેટ’ની પ્રસ્તાવના યાદ આવી. એમાં એમણે લખ્યું હતું, ‘‘હું જ્યારે ‘પ્રોફેટ’ લખી રહ્યો હતો, ત્યારે એ પુસ્તક મને લખી રહ્યું હતું.’’ શું આ શબ્દો માત્ર આડંબરયુક્ત હતા ? ખલિલ જિબ્રાને પોતાના શબ્દગૌરવને ખાતર અદાલતનાં બારણાં ખખડાવવાને બદલે હાનિ સહન કરવાનું નક્કી કર્યું તેમ જ બંને સ્ત્રીઓએ કરેલા અન્યાયને ભૂલીને એમને ક્ષમા આપી.

Categories
વાચન સમૃદ્ધિ

કમાવાની આદત

ગ્રીસ દેશના ઍથેન્સ નગરમાં કિલેંથિસ નામનો બાળક નિશાળમાં અભ્યાસ કરતો હતો. આ અત્યંત ગરીબ બાળકના શરીર પરનાં કપડાં સાવ ફાટેલાં હતાં. એને દિવસના બે ટંક ભોજન પણ મળતું નહોતું. આવું હોવા છતાં દર મહિને એ નિયમિત રૂપે નિશાળની ફી ભરતો હતો. અભ્યાસમાં એટલો તેજસ્વી હતો કે બીજા વિદ્યાર્થીઓ એની ઈર્ષા કરતા હતા. કેટલાક સુખી વિદ્યાર્થીઓને તો થયું કે અત્યંત ગરીબ કિલેંથિસ પાસે પહેરવાનાં પૂરતાં કપડાં નથી, તેમ છતાં નિશાળની ફી કઈ રીતે નિયમિત રૂપે ભરે છે ? નક્કી, એ ક્યાંક ચોરી કરીને પૈસા લાવતો હશે. એની ઈર્ષા કરતા કેટલાક ધનિક વિદ્યાર્થીઓએ એના પર ચોરીનું આળ લગાડીને એને પકડાવી દીધો. અદાલતમાં એનો કેસ ચાલ્યો. ન્યાયાધીશે કિલેંથિસને પૂછ્યું, ત્યારે એણે નિર્ભય થઈને કહ્યું, ‘‘હું ચોરી કરતો નથી અને મારી વાતની પુષ્ટિ રૂપે બે સાક્ષીઓને હાજર કરવા ઇચ્છું છું.’’ ન્યાયાધીશે સાક્ષીઓને બોલાવવાની મંજૂરી આપી, ત્યારે એણે પહેલાં સાક્ષીના રૂપમાં એક માળીને બોલાવ્યો. માળીએ કહ્યું કે, આ છોકરો રોજ વહેલી સવારે મારા બગીચામાં આવીને કૂવામાંથી પાણી ખેંચી આપે છે અને બગીચાને પાણી પાય છે, એના બદલામાં હું એને થોડા પૈસા આપું છું. બીજા સાક્ષીના રૂપમાં એક વૃદ્ધ નારી આવી. એણે કહ્યું કે એના ઘરમાં કોઈ નથી એટલે આ બાળક આવીને રોજ મારી ઘંટીમાં અનાજ દળી આપે છે અને થોડા ઘણા પૈસા આપે છે. ન્યાયાધીશ આ ગરીબ, મહેનતુ બાળકની સચ્ચાઈની કમાણીની વાત સાંભળીને પ્રસન્ન થયા અને કહ્યું કે જો કિલેંથિસ ઇચ્છે તો હવે પછીના એના અભ્યાસનો તમામ ખર્ચ ભોગવવા તેઓ તૈયાર છે. વિદ્યાર્થી કિલેંથિસે ન્યાયાધીશની આ વાતનો સાદર અસ્વીકાર કરતાં કહ્યું કે હવે એને મહેનત કરીને કમાવાની આદત પડી ગઈ છે.

Categories
વાચન સમૃદ્ધિ

સઘળી દોલતની કિંમત

ઈરાનના બાદશાહ હારૂન અલ રશીદને પોતાના વિરાટ સામ્રાજ્યનો અને અઢળક ધન-સંપત્તિનો અતિ અહંકાર હતો. આ અહંકારે એને ગર્વિષ્ઠ અને તોછડો બનાવી દીધો હતો. નોકર-ચાકર તો ઠીક, પરંતુ રાજના દીવાનો સાથે પણ એનો વ્યવહાર સૌજન્યહીન હતો. આવા ઘમંડી બાદૃશાહને મળવા માટે અબુ શકીક નામના મહાન મુસ્લિમ સંત આવ્યા. આ અબુ શકીકે બાદશાહને પૂછ્યું, ‘‘બાદશાહ, તમારી ધનદોલતનું કુલ મૂલ્ય કેટલું છે ?’’ સૂફી સંતના પ્રશ્ને બાદશાહને વિચારમાં ડુબાડી દીધો. બાદશાહનો ગર્વ બોલી ઊઠ્યો, ‘‘અરે ! એટલી બેશુમાર દોલત મારી પાસે છે કે જેની મને ખુદને ખબર નથી. એનો અંદાજ હું કઈ રીતે આપું ! તમારી કલ્પના બહારની આ વાત છે.’’ સૂફી સંતે કહ્યું, ‘‘બાદશાહ, ધારો કે તમે સહરાના રણમાં ભૂલા પડ્યા છો, તમને ખૂબ તરસ લાગી છે. પણ તમારી પાસે પીવાના પાણીનું એક ટીપું નથી. તમને એવો અનુભવ થાય છે કે હમણાં તમે વિના પાણીએ તરફડીને મૃત્યુ પામશો ! ધારો કે એ સમયે તમારી સમક્ષ કોઈ તમને પાણીનો ગ્લાસ ધરે તો તમે એને શું આપશો ?’’ બાદશાહ હારૂન અલ રશીદે કહ્યું, ‘‘અરે ! આવે વખતે તો હું એને અર્ધું રાજ્ય આપી દઉં.’’ સૂફી સંતે બીજો પ્રશ્ન કર્યો, ‘‘બાદશાહ, ધારો કે તમે ખૂબ બીમાર પડ્યા હો, બચવાની કોઈ આશા ન હોય, દુનિયાના કાબેલ હકીમોએ કરેલા ઉપચાર નિષ્ફળ નીવડ્યા હોય અને એ જ સમયે તમને કોઈ દવાની પડીકી આપે અને સાજા થઈ જાવ, તો તમે એને શું આપો ?’’ બાદશાહ બોલી ઊઠ્યા, ‘‘અરે ! આવા જાન બચાવનારને તો અર્ધું રાજ્ય આપી દઉં.’’ સૂફી સંત અબુ શકીકે કહ્યું, ‘‘બાદશાહ, તમારા સામ્રાજ્યની તમામ દોલતની કિંમત પાણીના એક ગ્લાસ અને દવાની એક પડીકી જેટલી જ છે. જો તમારા ધન-દોલતની આટલી જ કિંમત હોય, તો એનું આટલું બધું અભિમાન શાને?’’