Categories
વાચન સમૃદ્ધિ

બેવડી જવાબદારી

સંખ્યાબંધ યાદગાર કાવ્યોના સર્જક એવા અમેરિકાના પ્રસિદ્ધ કવિ હેન્રી ડબલ્યુ. લૉંગફેલો(ઈ.સ. 1807થી ઈ.સ. 1882)ના જીવન પર અકાળે એક પ્રબળ આઘાત થયો. તોતિંગ વૃક્ષ એકાએક મોટા અવાજ સાથે ધરતી પર ઢળી પડે, તેવી એમના જીવનમાં આઘાતજનક ઘટના બની. મીણને ઓગાળતી એમની પત્નીનાં કપડાંને અચાનક આગ લાગી ગઈ અને એ ચીસાચીસ કરી ઊઠ્યાં. હેન્રી ડબલ્યુ. લૉંગફેલો પોતાની પ્રિય પત્નીને બચાવવા માટે દોડતા ગયા, પરંતુ એ ખૂબ દાઝી ગઈ હતી. ખૂબ દાઝી જવાને કારણે તેમની પત્ની મૃત્યુ પામી. આ ઘટનાએ આ મહાન કવિના હૃદયને વલોવી નાખ્યું. એમને સતત ચીસો પાડતી અને આગથી ઘેરાયેલી પત્નીનું દૃશ્ય નજર સમક્ષ દેખાતું હતું અને એ લગભગ પાગલ જેવી અવસ્થામાં જીવવા લાગ્યા. ભાંગી પડેલા આ કવિએ પોતાના અત્યંત દુ:ખી અને વ્યથિત એવા ત્રણ પુત્રો પર નજર કરી અને મનોમન વિચાર્યું કે હવે આ પુત્રોને માતાની ખોટ પડી છે, માટે પિતા અને માતા બંને તરીકેની ફરજ બજાવવી એ મારું પરમ કર્તવ્ય ગણાય. પત્નીના અણધાર્યા અકાળ અવસાનના શોકમાંથી ધીરે ધીરે બહાર આવીને એ પોતાના પુત્રો સાથે રમવા લાગ્યા. એમને સરસ મજાની વાર્તાઓ કહેવા લાગ્યા, એમની સાથે કવિતા ગાવા લાગ્યા, ગીત ગાઈ સુવાડવા લાગ્યા, વહાલથી ખવડાવવા લાગ્યા અને વખત મળ્યે એમને બહાર ફરવા લઈ જવા લાગ્યા. બાળકો સાથેના આ પ્રેમની વાત એમણે એમના ‘ધ ચિલ્ડ્રન્સ અવર’ કાવ્યમાં હૃદયસ્પર્શી રીતે આલેખી છે. એ પછી એમણે મહાકવિ દાંતેનાં પુસ્તકોનો અનુવાદ કર્યો. ધીરે ધીરે હેન્રી ડબલ્યુ. લૉંગફેલો કામમાં ડૂબવા લાગ્યા, તેમ તેમ એમના દર્દની વેદના હળવી થવા લાગી અને સમય જતાં એ મનની શાંતિ અને સ્વસ્થતા સંપાદિત કરી શક્યા. પોતાનાં સંતાનોને સરસ રીતે ઉછેરી શક્યા.

Categories
વાચન સમૃદ્ધિ

મહેનતનો જાદુ

ગરીબીમાં જન્મનારને માટે બાલ્યાવસ્થાથી જ જીવન પડકારરૂપ હોય છે. અમેરિકાના અલ સ્મિથને ગરીબી વારસામાં મળી હતી અને એને એવી આર્થિક ભીંસમાં જીવવું પડ્યું કે એ માધ્યમિક શાળાનો અભ્યાસ પણ કરી શક્યા નહીં. અલ સ્મિથ મક્કમ રીતે માનતા હતા કે જિંદગીમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, તોપણ એમાંથી માર્ગ નીકળી શકે છે. પરિણામે મુશ્કેલીઓ મૂંગે મોંએ સહન કરવાને બદલે એમાંથી રસ્તો શોધવાનો પ્રયત્ન કરતા અને જીવનમાં પ્રગતિ સાધતા હતા. આ અલ સ્મિથે લોકસેવાનું કામ શરૂ કર્યું અને ધીરે ધીરે ડેમૉક્રૅટિક પક્ષની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવા માંડ્યા. એમણે ન્યૂયૉર્ક રાજ્યના સરકારી તંત્ર વિશે ઊંડો અભ્યાસ કર્યો. આને માટે એ સોળ સોળ કલાક કામ કરતા હતા. સમય જતાં અલ સ્મિથ ન્યૂયૉર્ક રાજ્યની સરકાર વિશે સૌથી વધુ માહિતી અને સૂઝ ધરાવનાર નિષ્ણાત વ્યક્તિ તરીકે પ્રસિદ્ધ થયા. એમની આ કુશળતાને કારણે અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે રાજ્યના લોકોએ એમને ચૂંટી કાઢ્યા અને પછી તો અત્યંત મહેનતુ અલ સ્મિથ સતત ચાર વખત ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે આરૂઢ થયા. એ અગાઉ કોઈ પણ વ્યક્તિએ ચાર ચાર વખત ગવર્નર પદ મેળવવાની સિદ્ધિ હાંસલ કરી નહોતી. એ પછી 1928માં ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે પણ એમની પસંદગી થઈ. અલ સ્મિથની કાર્યકુશળતાને કારણે અમેરિકાની હાર્વર્ડ અને કોલંબિયા જેવી વિખ્યાત છ યુનિવર્સિટીઓએ એમને માનદ ડિગ્રી એનાયત કરી. આર્થિક સંજોગોને કારણે માધ્યમિક શાળાનું બારણું પણ ન જોનાર વ્યક્તિ સોળ સોળ કલાકની મહેનતને પરિણામે પ્રજાનો લાડકવાયો નેતા અને વિખ્યાત યુનિવર્સિટીનો માનદ પદવીધારક બની રહ્યો.

Categories
વાચન સમૃદ્ધિ

મારો અભિપ્રાય

બ્રિટનના અગ્રણી મુત્સદ્દી, રૂઢિચુસ્ત પક્ષના નેતા, લેખક અને કુશળ વક્તા સર વિન્સેન્ટ ચર્ચિલે (જ. ઈ. 1874થી અ. ઈ. 1965) બીજા વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં બ્રિટનનું વડાપ્રધાનપદ ગ્રહણ કર્યું. ઈ. સ. 1940થી 1945 સુધી વડાપ્રધાનપદે રહીને એમણે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટન અને મિત્રરાજ્યોને વિજય અપાવવામાં સિંહફાળો આપ્યો. વિશ્વયુદ્ધની કટોકટીના સમયે દેશને વિજય માટે એમણે આપેલો સંકેત ‘V’ (‘V’ For Victory) ઇંગ્લૅન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાન અને ખમીરનું પ્રતીક બની ગયો હતો. તેઓ વડાપ્રધાન હતા, તે સમયે બ્રિટનની પાર્લમેન્ટમાં કોઈ અગત્યના વિષય પર ચર્ચા ચાલી રહી હતી અને વિન્સેન્ટ ચર્ચિલની વિચારધારાની સામે વિરોધ પક્ષના અગ્રણી વક્તવ્ય આપતા હતા. એમનું પ્રવચન અત્યંત લાંબું, અવ્યવસ્થિત અને કશી નક્કર હકીકતો વિનાનું હોવાથી વિન્સેન્ટ ચર્ચિલ કંટાળી ગયા. વળી, પ્રવચન આપતાં ઘણો સમય વીતી ગયો હોવા છતાં એ વિરોધ પક્ષના અગ્રણી અટકતા નહોતા. આથી વિન્સેન્ટ ચર્ચિલ પોતાના સ્થાને બેસીને ઝોકાં ખાવા લાગ્યા અને ધીરે ધીરે પાર્લમેન્ટની પાટલી પર માથું નાખીને નિદ્રાધીન બની ગયા. વિરોધ પક્ષના અગ્રણી તો આવી તકની રાહ જોઈને જ બેઠા હતા. એમણે એકાએક વક્તવ્ય આપવાનું થોભાવીને વિન્સેન્ટ ચર્ચિલ તરફ આંખો માંડી. આથી પાર્લમેન્ટના તમામ સભ્યો વિન્સેન્ટ ચર્ચિલ તરફ જોવા લાગ્યા અને એમને ખ્યાલ આવ્યો કે ચર્ચિલ પાર્લમેન્ટની કાર્યવાહી દરમિયાન ઊંઘી રહ્યા છે. વિરોધી નેતાએ આ પરિસ્થિતિનો પૂરો લાભ લેતાં કહ્યું, ‘વડાપ્રધાન મિ. ચર્ચિલ, તમે ઊંઘો છો તો પછી તમે મારા વિરોધી મુદ્દાઓનો જવાબ કઈ રીતે આપશો ? મારા પ્રવચનના મુદ્દાઓ વિશે તમારે અભિપ્રાય આપવાનો છે, એનો તમને ખ્યાલ છે ને ?’ આ સાંભળીને પાર્લમેન્ટના સભ્યો ખડખડાટ હસવા લાગ્યા, ત્યારે વિન્સેન્ટ ચર્ચિલે આંખો બંધ રાખીને કહ્યું, ‘તમારા પ્રવચન વિશે મારો અભિપ્રાય ? આ ઊંઘ એ જ અભિપ્રાય.’ ચર્ચિલનો આ ઉત્તર સાંભળીને આખું સભાગૃહ તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠ્યું.