Categories
વાચન સમૃદ્ધિ

એવરેસ્ટ, તને હરાવીશ

વિખ્યાત પર્વતારોહક સર ઍડમન્ડ હિલેરી(૧૯૧૯થી ૨૦૦૮)એ યુરોપના આલ્પ્સ પર્વતનાં અનેક શિખરો પર આરોહણો કર્યા પછી હિમાલયનાં અગિયાર જેટલાં શિખરો સર કર્યાં. એ પછી એમણે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર દૃષ્ટિ ઠેરવી. ૧૯૨૦થી ૧૯૫૨ વચ્ચે એવરેસ્ટ વિજય માટે સાત આરોહણો થયાં હતાં; પરંતુ બધાં જ નિષ્ફળ ગયાં હતાં. ૧૯૨૪માં તો વિખ્યાત પર્વતારોહક જ્યોર્જ લહ્ મેલોરીએ એવરેસ્ટ આરોહણમાં પોતાનો પ્રાણ ગુમાવ્યો હતો. ૧૯૫૧ અને ૧૯૫૨માં હિલેરીએ એવરેસ્ટનો સર્વે કર્યો અને પોતાના નિષ્ફળ અભિયાન પછી થોડાં અઠવાડિયાં બાદ ઍડમન્ડ હિલેરીને ઇંગ્લૅન્ડની એક સંસ્થાએ વક્તવ્ય માટે બોલાવ્યા. મંચ પરથી ચાલીને એ સ્ટેજ પર બેઠા, ત્યારે એમણે પાછળ રહેલું માઉન્ટ એવરેસ્ટનું ચિત્ર જોયું. એ જોઈને વિખ્યાત પર્વતારોહક અને માનવતાવાદી હિલેરી બોલી ઊઠ્યા, ‘માઉન્ટ એવરેસ્ટ ! તમે મને પહેલી વખત પરાજિત કર્યો છે, પણ હવે પછી હું તમને પરાજિત કરીશ. કારણ કે તમે જેટલા વિકસવાના હતા એટલા વિકસી ગયા છો, જ્યારે હું હજી વિકસી રહ્યો છું.’ આ ઘટનાના બરાબર એક વર્ષ બાદ ૧૯૫૩ની ૨૯મી મેએ સવારે ૧૧.૩૦ વાગ્યે હિલેરી અને તેનિંસગે દરિયાની સપાટીથી ૨૯૦૨૮ ફૂટ ઊંચા આ શિખર પર વિજય હાંસલ કર્યો અને અનેક સાહસભર્યાં આરોહણો અને પ્રવાસો કરનાર હિલેરીએ પોતાનો સંકલ્પ સિદ્ધ કર્યો. ૧૯૯૨માં ન્યૂઝીલૅન્ડની પાંચ ડૉલરની ચલણી નોટ પર આ સાહસવીરની છબી અંકિત કરવામાં આવી. આવું બહુમાન મેળવનાર તે પહેલો ન્યૂઝીલૅન્ડવાસી છે. ‘હિમાલયન ટૂર્સ’ દ્વારા શેરપાઓની સુખાકારીનો પ્રયત્ન કરનાર હિલેરીને નેપાળ સરકારે માનદ નાગરિકત્વ આપ્યું હતું.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જીવનમાં ખેલાડીને બદલે અમ્પાયર બનવું

જીવન એક ખેલ છે અને પ્રત્યેક વ્યક્તિ એનો ખેલાડી છે. એ વ્યક્તિ ખેલાડી રૂપે સવાર, બપોર અને સાંજ ખેલે જ જાય છે. રાત્રે પણ એ સ્વપ્નના મેદાનમાં રમતો જ હોય છે. રાત-દિવસ આ ખેલ ચાલતો રહે છે. એમાં જીત થાય તો ખેલાડી કૂદી ઊઠે છે, ઝૂમી ઊઠે છે, નાચવા લાગે છે. હાર થાય તો  લમણે હાથ મૂકી હતાશ થઈને બેસી જાય છે. ચોવીસ કલાક માનવી ખેલાડીના સ્વાંગમાં ઘૂમ્યા કરે છે. પ્રાપ્તિ માટે દોડ લગાવે છે. આ મેળવી લઉં કે તે મેળવી લઉં એમ વિચાર કરતો દોડ્યે જ જાય છે. એની સતત દોડ એવી બની જાય છે કે એ પોતે ઊભો રહી શકે છે, તે વાતને જ ભૂલી જાય છે. ભીતરની દુનિયા પર તો એની નજરેય ફરતી નથી. આવી દોડ લગાડનારો માનવી સતત બીજાને જોતો હોય છે, પોતાને નહીં. પોતાની જાતની એ ફિકર કરતો નથી. બીજાને હરાવવા માટે એ સતત કોશિશ કરે છે.  હરીફ પોતાને આંટી જાય નહીં, તે માટે એના પર સતત નજર રાખે છે. એના ડગલાથી પોતે એક-બે ડગલાં નહીં, પણ અનેક ડગલાં આગળ હોય એવા ભાવ સાથે ઊંચા શ્વાસે લાંબી ફાળ ભરતો હોય છે. પોતાના વિજયને બદલે જીવનના મેદાનમાં પ્રતિસ્પર્ધીના પરાજયને માટે દિવસે મહેનત અને રાત્રે ઉજાગરા કરતો હોય છે. આવી વ્યક્તિએ બીજાને જોતી હોય તે રીતે પોતાની જાતને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. ખેલાડીના બદલે એણે અમ્પાયર થવું જોઈએ અને પોતે જ પોતાના ખેલનો નિર્ણય આપવો જોઈએ. એ ખેલાડીમાંથી દર્શક કે નિર્ણાયક થશે એટલે સ્વયં એના જીવનમાં પરિવર્તન આવશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કર્તવ્યની બલિવેદી પર

પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મ જીવાણુશાસ્ત્રી લૂઈ પાશ્ચર (ઈ. સ. ૧૮૨૨-૧૮૯૫) પાસે વિજ્ઞાનની અદભુત આંતરસૂઝ અને પ્રાયોગિક નિપુણતા હતી. એમણે જે ક્ષેત્રમાં કાર્ય કર્યું, તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને સવિશેષ તો માનવજાતના કલ્યાણ માટે અને ઉદ્યોગો માટે આ સંશોધનો કર્યાં. ખાદ્ય-પદાર્થોને જંતુમુક્ત બનાવવાની (પાશ્ચરીકરણ) રીત અને રોગ સામેથી પ્રતિકારક રસી(વૅક્સિન)ની શોધ જેવી મહત્ત્વની શોધો કરી. દૂધ અને ખાદ્યસામગ્રીની સાચવણી માટેની એમણે કરેલી પાશ્ચરીકરણની રીત ઘણી પ્રચલિત બની. એમણે પ્રાણીના રોગો પર પણ સંશોધન કર્યું. એ સમયે રેશમઉદ્યોગ એ ફ્રાંસનો એક મોટો ઉદ્યોગ હતો. ૧૮૬૨માં રેશમના તાંતણા ઉત્પન્ન કરતા કીડા કોઈ રોગને કારણે મરી જવા લાગ્યા અને દેશનો મહત્ત્વનો ઉદ્યોગ ભયમાં મુકાઈ ગયો. આ સમયે પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી અને લૂઈ પાશ્ચર પર પ્રભાવ પાડનાર જ્યાં બાપ્તિસ્તે ડૂમાએ પાશ્ચરને આ રોગનો અભ્યાસ કરવાની વિનંતી કરી. આને માટે લૂઈ પાશ્ચર પૅરિસ છોડી અલાઇસ ગયા અને તેમણે રોગકારક બે જીવાણુઓ શોધી રેશમના કીડાને રોગમુક્ત કર્યા. આ સંશોધન દરમિયાન લૂઈ પાશ્ચરનાં ત્રણ સંતાનો બીમાર થતાં મૃત્યુ પામ્યાં ત્યારે એમને સાંત્વના આપવા આવેલા એક સ્વજને એમને કહ્યું, ‘શાબાશ, તમે ખરા હિંમતબાજ છો. ત્રણ ત્રણ બાળકોનાં દુ:ખદ અને આઘાતજનક અવસાન થયાં છતાં તમે હિંમત હાર્યા વગર કામ કર્યે જાઓ છો.’ લૂઈ પાશ્ચરે સહજતાથી કહ્યું, ‘હિંમતની તો મને ખબર નથી, પરંતુ આ મારી ફરજ છે અને હું એ મારી ફરજમાં સહેજે ચૂક થાય, તેમ ઇચ્છતો નથી.’

કુમારપાળ દેસાઈ