Categories
વાચન સમૃદ્ધિ

બેરોજગાર બનાવનારનો આભાર

કંપનીમાં કામ કરતી અઠ્યાવીસ વર્ષની ટાઇપિસ્ટ સેરિના રુસો એક વાર ઑફિસમાં પાંચ મિનિટ મોડી પહોંચી. બન્યું એવું કે કંપનીના બૉસની એના પર નજર પડી અને એણે સેરિનાને ધમકાવતાં કહ્યું, ‘તને ખ્યાલ છે ને કે તું પાંચ મિનિટ મોડી પડી છે?’ સેરિનાએ દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, ‘હાજી, સૉરી, મને માફ કરજો.’ કયા સંજોગોને લીધે બૉસ ગુસ્સે થયા હશે એ જાણી શકાયું નહીં, પરંતુ એમણે એકાએક તુમાખીભર્યા અવાજે કહ્યું, ‘હવે, તને ક્યારેય સૉરી કહેવાનો વારો નહીં આવે. હું તને અત્યારે જ નોકરીમાંથી છૂટી કરું છું. ચાલી જા.’ સેરિનાને ઊંડો આઘાત લાગ્યો, કારણ એટલું જ કે આ અગાઉ એક સપ્તાહ પહેલાં જ એની નોકરી ગઈ હતી અને માંડ માંડ આ કંપનીમાં ટાઇપિસ્ટ તરીકે નોકરી મળી હતી અને હજી સપ્તાહ પૂરું થાય ત્યાં તો અહીંથી પણ રવાનગી મળી અને તે પણ સાવ મામૂલી કારણથી. એ દિવસે આ ટાઇપિસ્ટ યુવતીએ મનોમન નિર્ધાર કર્યો કે હવે બીજે ક્યાંય નોકરી શોધવી નથી અને આવું થવા દેવું નથી. એણે 1979માં 28મા વર્ષે પોતાની ટાઇપિંગ સ્કૂલ શરૂ કરી. અને પછી ધીરે ધીરે એનો વિકાસ કરવા લાગી. એમાંથી જૉબ એક્સેસ સ્કૂલ કરી, કૉર્પોરેટ ટ્રેનિંગ, ઇન્વેસ્ટમેન્ટ, રિક્રૂટમેન્ટ જેવાં જુદાં જુદાં ક્ષેત્રોમાં નવી નવી કંપનીઓ ખોલી. સૌથી વધુ તો એણે બેરોજગારોને નોકરી આપવા માટેનાં અનેક આયોજનો કર્યાં. આજે ઑસ્ટ્રેલિયા, બ્રિટન, ચીન, વિયેટનામ જેવા કેટલાય દેશોમાં બેરોજગાર લોકોને માટે સેરિના આશીર્વાદરૂપ બની છે અને દર વર્ષે કેટલાય બેરોજગારને નોકરી અપાવે છે. આજે તો એનું આર્થિક સામ્રાજ્ય એકસો મિલિયન ડૉલરનું છે અને આ માટે એ પેલા એ બૉસનો અત્યંત આભાર માને છે કે જેણે એને જૉબ આપી નહોતી અથવા તો જેણે એને મામૂલી કારણસર એને નોકરીમાંથી રુખસદ આપી હતી !

Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યાનો પુરુષાર્થ

વર્ષો પૂર્વે અમેરિકામાં ગુલામ તરીકે આવેલા એક આફ્રિકનનો પૌત્ર જ્હોન ઍચ. જ્હૉન્સન આરકાન્સાસ શહેરની નજીકના ગ્રામવિસ્તારમાં જન્મ્યો હતો. એ છ વર્ષનો હતો, ત્યારે એના પિતા લાકડાં વહેરવાના કારખાનામાં અકસ્માત થતાં મૃત્યુ પામ્યા અને માતા તથા સાવકા પિતાને હાથે જ્હૉન્સનનો ઉછેર થયો. એ સમયે આફ્રિકન-અમેરિકન પ્રત્યે અમેરિકામાં ગુલામો જેવું જ વર્તન કરવામાં આવતું હતું. દૂરના વિસ્તારમાં અલાયદી ખીચોખીચ વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલમાં એણે પ્રાથમિક શાળાનો અભ્યાસ શરૂ કર્યો. પ્રબળ વિદ્યાપ્રીતિને કારણે એણે સ્કૂલના વૅકેશનમાં કામ કરવાનું વિચાર્યું, પણ કુટુંબમાં કારમી ગરીબાઈ ફેડવામાં કોઈ સફળતા મળી નહીં. એની માતાને પણ ઘરકામ કરનારી નોકરબાઈની નોકરી મળી નહીં અને બે વર્ષ સુધી તો સરકાર દ્વારા અપાતી સહાય પર જીવન ગાળવું પડ્યું. ભણવાની ધગશ હોવાથી જ્હૉન્સન હાઈસ્કૂલમાં દાખલ થયો, પણ એનાં લઘરવઘર કપડાં અને એની ગામડિયા રીતભાતને કારણે સહુ કોઈ એને મહેણાં-ટોણાં મારતા અને સતત પજવતા હતા, આમ છતાં જ્હૉન્સને વિચાર કર્યો કે ગમે તે થાય, એ એના જીવનમાં ‘કશુંક બનવા’ ચાહે છે. નિશાળના અભ્યાસની સાથે એક ઑફિસમાં કામ કરવા લાગ્યો, જેમાં એનું એક કામ દર મહિને નીકળતા સામયિકમાં લેખો લખવાનું હતું. આમાંથી એને પોતાનું સામયિક કાઢવાનો આદર્શ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો. માતાની 500 ડૉલરની લોન દ્વારા એણે 1942માં ‘નિગ્રો ડાઇજેસ્ટ’ નામનું સામયિક શરૂ કર્યું અને એના ડાઇજેસ્ટમાં એ આફ્રિકન-અમેરિકન ઇતિહાસ, સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક સમસ્યાઓ વિશે લેખો પ્રગટ કરતો હતો. છ મહિનામાં તો સામયિકના વેચાણનો આંકડો પચાસ હજાર સુધી પહોંચ્યો અને એક સમયે એની એક લાખ પ્રત વેચાતી હતી. આ સામયિક આફ્રિકન-અમેરિકનોનો અવાજ બની રહ્યું. એ પછી જ્હૉન્સને અમેરિકાના ‘લાઇફ’ મૅગેઝિન જેવું ‘ઇબોની’ પ્રગટ કર્યું. ત્યારબાદ ‘ટાન’ અને ‘જેટ’ જેવાં કેટલાંય સામયિકો પ્રગટ કર્યાં અને પોતાના વિદ્યાપુરુષાર્થથી સફળતાનાં શિખરો સર કર્યાં.

Categories
વાચન સમૃદ્ધિ

સહિષ્ણુતા અને સ્વપ્નસિદ્ધિ

આજના યુગમાં માનવીની સહિષ્ણુતા સાવ ઘટી ગઈ છે અને એની અધીરાઈ સતત વધતી જાય છે. એની સમક્ષ કોઈ પ્રશ્ન આવે કે એ ક્ષણનાય વિલંબ વિના તત્કાળ એનો પ્રતિભાવ આપતો હોય છે. સહેજે અણગમતી પરિસ્થિતિ ઊભી થાય, તો એની સામે એના ગુસ્સાના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. આવી અધીરાઈને કારણે વ્યક્તિ પોતાની જિંદગીના સવાલો વિશે સ્વસ્થપણે વિચારી શકતી નથી. પોતાના જીવનમાં જાણે કોઈ ઝડપી દોડની સ્પર્ધામાં ઊતર્યો હોય એ રીતે તત્કાળ ઉત્તર આપતો રહે છે. એ સાચું છે કે પ્રત્યેક વ્યક્તિ પાસે એક સ્વપ્ન હોય છે અને એ સ્વપ્નને સિદ્ધ કરવા માટે એ અથાગ પ્રયત્ન કરતો હોય છે, પરંતુ આવો પ્રયત્ન કરનારે સતત રાત-દિવસ ધૈર્ય ધારણ કરીને પ્રયોગશાળામાં પ્રયોગ કરનાર થોમસ આલ્વા એડિસન જેવા વિજ્ઞાનીઓનો વિચાર કરવો જોઈએ, જેઓ નિષ્ફળ પ્રયોગોની હારમાળા વચ્ચેય ક્યાંય અકળાયા નથી કે અટક્યા નથી.  વ્યક્તિનું સ્વાસ્થ્ય સુદૃઢ હોય તો એ સતત કામ કરી શકે છે, પરંતુ કોઈક દિવસ અણધારી બીમારી આવી જાય, સંસારની પરિસ્થિતિમાં એકાએક પલટો આવે અથવા તો સ્વપ્નસિદ્ધિ માટેની મહેનતમાં થોડી વાર અટકી જવું પડે તેમ હોય, તો એવા સમયે શાંતિથી થોભી જવાની સહિષ્ણુતા વ્યક્તિમાં હોવી જોઈએ. ક્યારેક વ્યક્તિ ઉત્સાહથી કેટલાંય કામો કરી શકતી હોય છે અને ક્યારેક એ કશુંક ન કરી શકતાં હતોત્સાહ બની જતી હોય છે. વ્યક્તિ પાસે ધૈર્ય હોય તો આવી હતોત્સાહની વિપરીત પરિસ્થિતિને પાર કરી શકે છે. જો એનામાં સહિષ્ણુતાનો અભાવ હશે, તો એ ક્યાં તો પરિસ્થિતિ સામે ગુસ્સો ઠાલવીને બેચેન કે ઉદાસ બની જાય છે અથવા તો એની અસહિષ્ણુતા જ એના કાર્યમાં અવરોધરૂપ બને છે. કોઈ પણ કાર્યમાં મુશ્કેલીઓ તો આવવાની જ, પણ એને પાર પાડવા માટે ધૈર્યની જરૂર છે. ધીરજથી વિચારનાર પોતાની ભૂલ સમજી શકે છે. ચોપાસની પરિસ્થિતિનો શાંતિથી તાગ મેળવી શકે છે અને એથી જ એ અણગમતા સંજોગો કે નિષ્ફળતાને અળગી કરીને આત્મવિશ્વાસથી આગળ ડગ ભરે છે અને વિચારે છે કે એનું આ એક પગલું ભવિષ્યમાં એને સફળતાની મંજિલે પહોંચાડશે.