Categories
વાચન સમૃદ્ધિ

વિનાશથી વાકેફ, સર્જનથી અજ્ઞાત

મનુષ્યે કેવો આત્મઘાત કર્યો છે ! એણે પોતે જ પોતાનું સત્યાનાશ વાળીને લાચાર, પરાવલંબી અને ભયગ્રસ્ત જીવન પસંદ કર્યું છે. મૂલ્યવાન જીવનનો દિશાહીન ઉપયોગ કરીને પોતાના આત્માને નિર્બળ કરી નાખ્યો છે અને જીવનની મસ્તીનો શિરચ્છેદ કર્યો છે. હાથમાં હીરો મળે એ રીતે સુંદર જીવન મળ્યું, પરંતુ એને કોલસા રૂપે વાપરીને જીવન-નિર્માણની કલ્પના રોળી નાખી છે. આજના મનુષ્યને જે ઘાતક છે, તેનો પૂર્ણ પરિચય છે અને જે સર્જક છે તે વિશે સંપૂર્ણપણે અજ્ઞાત છે. એને હિંસાની જુદી જુદી તાલીમની તથા વિનાશક શસ્ત્રોની રજેરજ માહિતી છે, પરંતુ એ ખ્યાલ નથી આવતો કે અહિંસાની પણ તાલીમ લેવી જોઈએ. જ્યાં તાલીમનો વિચાર ન હોય, ત્યાં અહિંસા માટેની સજ્જતા ક્યાંથી જાગે ? એ ક્રોધ કરે છે અને એમાંથી નીકળતી ઊર્જાનો એને ખ્યાલ છે, પરંતુ એને પ્રેમની ઊર્જાનો લેશમાત્ર અનુભવ નથી. વિજ્ઞાનનો વિકાસ સાધીને અનેક નવાં નવાં સાધનો બનાવ્યાં છે, પરંતુ આ ભૌતિક સાધનોની વચ્ચે એ ચેતનાની ખેતી કરવાનું ભૂલી ગયો છે. જીવનમાં ભૌતિક ચીજવસ્તુઓનો એટલો બધો મહિમા કર્યો કે અપરિગ્રહી જીવનની કલ્પના પણ એના ચિત્તમાં આવતી નથી. વિજ્ઞાનનો વિકાસ, ટૅકનૉલૉજીની હરણફાળ અને વસ્તુઓનું જંગી ઉત્પાદન એણે કર્યું, પરંતુ એની સામે આત્મવિકાસ તરફ દુર્લક્ષ્ય સેવ્યું, અનંતમાં હરણફાળ ભરવા માટે આધ્યાત્મિક છલાંગ લગાવવાનો વિચાર ભૂલી ગયો અને વસ્તુઓના જંગી ઉત્પાદનની સાથોસાથ જીવનના આંતરિક આનંદને વીસરી ગયો. હવે તમે જ કહો, માણસે બિચારા માણસની કેવી બૂરી હાલત કરી છે !

Categories
વાચન સમૃદ્ધિ

જાદુઈ દવા

અમેરિકામાં મનોચિકિત્સક તરીકે આલ્ફ્રેડ ઍડલરની ઘણી મોટી ખ્યાતિ હતી. એમ કહેવાતું કે એમની પાસે જનારો મનોરોગી થોડા જ દિવસમાં રોગમુક્ત થઈને સ્વસ્થ બની જતો. કોઈ દર્દી આવીને ડૉક્ટરને કહેતો કે એના મનને ચારે બાજુથી હતાશા ઘેરી વળી છે, તો કોઈ કહેતો કે એ કદી બહાર ન નીકળી શકે એવા ડિપ્રેશનમાં ડૂબી ગયો છે. કોઈ દર્દીની એવી ફરિયાદ હોય કે મારી જિંદગી એટલી બધી બેચેન અને બહાવરી બની ગઈ છે કે મારા મનને ક્યાંય ચેન પડતું નથી, શું કરવું તે સૂઝતું નથી તેથી હાથપગ વાળીને ઘરમાં સૂનમૂન બેસી રહું છું. પ્રણયભંગ થનાર કે ધારેલી સિદ્ધિ નહીં મેળવનાર પણ એમની પાસે આવતા અને એ જ રીતે આત્મહત્યા કરવાનો વિચાર કરનારા પણ આવતા. આલ્ફ્રેડ ઍડલરની ખૂબી એ હતી કે તેઓ આ પ્રકારના દર્દીઓને એક જ વાત કરતા, ‘તમે જો મારું માનો, તો માત્ર ચૌદ દિવસમાં તદ્દન રોગમુક્ત બની જશો.’ દર્દીઓ ડૉક્ટરના ઉત્સાહને જોતા અને કહેતા, ‘એવી તે કઈ જાદુઈ દવા તમારી પાસે છે કે અમારો આ વર્ષો જૂનો રોગ ચૌદ દિવસમાં દૂર થઈ જશે.’ આલ્ફ્રેડ ઍડલર કહે, ‘દવા સાવ સાદી છે. બસ, તમે રોજ સવારે ઊઠો ત્યારે એક જ વિચાર કરો કે આજે મારે ઓછામાં ઓછા એક માણસને આનંદિત કરવો છે. એક એવું સત્કર્મ કરો કે જેનાથી અન્યના ચહેરા પર ખુશી આવે.’ ડૉક્ટર આલ્ફ્રેડ એડલરે પોતાના પુસ્તકમાં એવાં અનેક દૃષ્ટાંતો આપ્યાં છે કે જેમાં આ ઉપચારથી અનેક લોકોના જીવનમાંથી હતાશા, નિરાશા કે આત્મહત્યાના વિચારે વિદાય લીધી હોય. જીવન જીવવાનો નવો ઉત્સાહ જાગ્યો હોય.

Categories
વાચન સમૃદ્ધિ

પરમ કર્તવ્યને ક્યારેય યાદ કરે છે ખરો ?

આજે સમાજમાં માણસ બીજાના પર જવાબદારીનો ટોપલો ઓઢાડવા માટે અતિ આતુર છે. ‘આ તમારું કામ છે’ ત્યાંથી માંડીને ‘આ તમારી જવાબદારી છે’ ત્યાં સુધીનાં સૂચનો, શિખામણો અને સલાહો આપતો હોય છે. એને બીજાને એમની જવાબદારી શિખવાડવામાં જેટલો રસ છે, એટલો રસ પોતાની જવાબદારી શી છે એ વિશે વિચારવામાં નથી. એ મોટા  ભાગે પોતાની મર્યાદાઓ માટે કુટુંબ, સમાજ કે રાષ્ટ્રને દોષ આપતો હોય છે. આનું કારણ શું ? આનું કારણ એટલું જ કે માણસને પોતાની જવાબદારી શી છે, એ વિશે વિચાર કરતી વખતે ઘણી મુશ્કેલી ઊભી થાય છે. એને ખ્યાલ જ નથી કે એની જવાબદારી કઈ છે ? એ કોને વફાદાર છે ? એને પરિણામે જેના તરફ એની સૌથી મોટી જવાબદારી છે, એની સૌથી વધુ ઉપેક્ષા કરે છે. વ્યક્તિની સૌથી મોટી જવાબદારી એના આત્મા પ્રત્યે છે, પણ માનવી ભાગ્યે જ પોતાના આત્માનો વિચાર કરતો હોય છે. એ બીજાની દુર્ગતિ વિશે જેટલું બોલતો હોય છે, એમાંનું કશુંય પોતાની સારી ગતિ વિશે વિચારતો નથી, આથી એની ખરી જવાબદારી પોતાના આત્મા પ્રત્યે છે અને એ આત્મા જ એના સુખ અને દુ:ખનું કારણ છે. એ પોતાના સુખ માટે ભૌતિક વસ્તુઓને મહત્ત્વ આપે છે અને પોતાના દુ:ખ માટે બીજાને દોષ આપે છે. જો એ સમજે કે આત્માને યોગ્ય માર્ગે ગતિ આપવાની પોતાની જવાબદારીમાંથી એ ચૂક્યો છે, તો જ એને સચ્ચાઈનો ખ્યાલ આવે. આ આત્મા મળ્યો છે, એને ઉચ્ચ માર્ગે લઈ જવો, પછી તેને તમે મુક્તિ કહો કે મોક્ષ, તે વ્યક્તિનું પરમ કર્તવ્ય છે. વક્રતા તો એ છે કે એ જીવનમાં પરિવારની, કુટુંબની કે રાષ્ટ્રની જવાબદારીનો વિચાર કરે છે પણ ક્યારેય એ પોતાના પરમ કર્તવ્યનો વિચાર કરતો નથી.