Categories
વાચન સમૃદ્ધિ

ગુમાવેલા વાત્સલ્યનું સ્મરણ

ન્યાયાધીશે ચુકાદો આપતાં યુવાનને દસ વર્ષની સખત કેદની સજા કરી. આ ચુકાદો આપતી વખતે ન્યાયાધીશના ચહેરા પર વેદનાની રેખાઓ અંકિત થયેલી હતી, કારણ કે તેઓ આ યુવાનને એના બાલ્યકાળથી જાણતા હતા. એના પિતા સમગ્ર દેશમાં સર્વોચ્ચ કાયદા-નિષ્ણાત હતા અને તેથી આ ન્યાયાધીશ એમનો સંપર્ક અને આદર રાખતા હતા. ન્યાયાધીશે યુવાનને પૂછ્યું, ‘તને તારા પિતા યાદ આવે છે ખરા ?’ યુવાને કહ્યું, ‘નામદાર, મને એ બરાબર યાદ છે.’ ન્યાયાધીશે પૂછ્યું, ‘હવે, એક બાજુ તું સજા ભોગવવા જઈ રહ્યો છે. બીજી બાજુ તારા પિતા એક વિખ્યાત કાયદાવિદ હતા. તે બંને બાબતનું તને સ્મરણ થતું હશે. આ ક્ષણે તને તારા પિતા વિશે શો વિચાર આવે છે?’ અદાલતના ખંડમાં શાંતિ છવાઈ ગઈ. ન્યાયાધીશને યુવાન પાસેથી અણધાર્યો ઉત્તર મળ્યો. એણે કહ્યું, ‘‘મને એનું તીવ્ર સ્મરણ થાય છે કે જ્યારે જ્યારે હું મારા પિતા પાસે સલાહ માટે દોડી જતો ત્યારે એમણે તેઓ કાયદાનું જે પુસ્તક લખતા હોય, તેમાંથી માથું ઊંચું કરીને કહેતા, ‘ચાલ, ભાગી જા છોકરા, હું હમણાં કામમાં વ્યસ્ત છું.’ માનનીય ન્યાયમૂર્તિશ્રી, આપને મારા પિતાશ્રી એક મહાન કાયદાશાસ્ત્રી તરીકે યાદ છે, જ્યારે હું એમને મેં ગુમાવેલા વાત્સલ્યને માટે સ્મરું છું. જેટલી વાર એમની પાસે ગયો, તેટલી વાર જાકારો પામ્યો છું. ક્યારેક હડધૂત થયો છું.’’ ન્યાયાધીશ વિચારમાં પડ્યા અને બોલી ઊઠ્યા, ‘ઓહ ! બાળકોને બીજી બધી બાબત કરતાં આપણો સમય વધુ જોઈએ છે અને એ માત્ર ગુણવત્તામાં જ નહીં, પણ ભરપૂર પ્રમાણમાં.’

Categories
વાચન સમૃદ્ધિ

પોપટને પાંજરું જ વહાલું લાગશે

વ્યક્તિને સૌથી મોટો ભય છે કારાગૃહ રચી આપનારા ગુરુઓથી. આ ગુરુ તમને એક સુવિધાયુક્ત કેદખાનું રચી આપશે, જેની આસપાસ એમની વાણી, એમના ગ્રંથો અને એમની વિચારધારાની દીવાલો ચણશે. એમનો હેતુ તો તમને એ જ સૂર્યપ્રકાશ બનાવવાનો છે, જેને તેઓ સૂર્યપ્રકાશ માને છે. એ જ રાતનો અનુભવ કરાવવો છે, જેમાં એમને અંધકાર ભાસે છે. આ કારાગૃહમાં સળિયા નથી કે જેથી તમે બહારનું જગત જોઈ શકો. આ કારાગૃહમાં ચોતરફ એમણે રચેલી રૂઢિચુસ્તતાની દીવાલો છે, જેમાં રક્ષક બનીને તેઓ એની આસપાસ ઘૂમી રહ્યા છે. આમાંથી મુક્ત થવાનો વિચાર કરવો તે મહાપાપ કહેવાય તેમ ઠસાવી દેવામાં આવશે. થોડું મૌલિક વિચારશો, તો તમને પ્રગતિશીલ કહીને હળવી ઉપેક્ષા આપશે કે નાસ્તિક કહીને તમારા પર પ્રહાર કરશે. એમ છતાં મુક્તિ માગશો તો રૂઢિ, પરંપરા અને નરકનો મહા ભય બતાવશે. પાંજરામાં વસતો પોપટ એનાથી એટલો ટેવાઈ જાય છે કે એ પાછો પાંજરામાં જ આવી જાય, તેમ કેદખાનાના વાસીઓને આ કારાગૃહ કોઠે પડી જશે. મુક્ત ગગનમાં ઊડીને ભોજનની શોધ કરવાને બદલે આ કારાગૃહના ગુલામ પોપટને કારાગૃહનું તૈયાર ભોજન ભાવી જશે. અન્ય શસ્ત્રો તરફ તમને સૂગ પેદા કરશે અને અન્ય જ્ઞાન પ્રત્યે તમારી આંખે પાટા બાંધશે. સમય જતાં આ કારાગૃહમાં જ સુરક્ષા લાગશે, તેથી બહારની મુક્તિ વિચારની દુનિયાને બદલે આ ગુલામી જ સુખરૂપ લાગવા માંડશે. આવા કોઈ જાતના, રૂઢિના, સંપ્રદાયના, ગુરુના કે અમુક ખ્યાલના કારાગૃહમાં આપ કેદ નથી ને ? તે સ્વયંને જ પૂછવું પડે !

Categories
વાચન સમૃદ્ધિ

કક્કો ખરો કરનાર બારાક્ષરી ગુમાવે છે

પોતાનો કક્કો ખરો કરાવનારી વ્યક્તિ કોઈ સભામાં જાય, ત્યારે બીજાના વિચારો તરફ આદર આપવાને બદલે માત્ર પોતાના વિચારો જ ઝીંકે રાખે છે. પોતાની વાત કરતાં કરતાં એ ઉશ્કેરાઈ જાય છે. ગુસ્સે થઈ જાય છે. ક્યારેક આંખમાં બનાવટી આંસુ લાવે છે, પરંતુ ગમે તેમ કરીને પણ એ પોતાનું ધાર્યું સિદ્ધ કરે છે. આવી ધાર્યું સિદ્ધ કરવાની એની ટેવ એના ઘરમાં પણ અખંડિત હોય છે. ઘરની બાબતોમાં પણ એ પોતાની વાત કોઈ પણ રીતે બીજાઓ પર ઠસાવવા માગે છે. આને માટે જરૂર પડે એ ધાકધમકીનો ઉપયોગ કરે અથવા તો પોતાના ક્રોધની મદદ લે છે, પરંતુ ઑફિસમાં હુકમ ચલાવવાની એની ટેવ ઘરમાં પણ બરકરાર રાખે છે. મનોમન એ ફુલાય છે કે એની કેટલી બધી ધાક છે અને એનો ગર્વ વિકસે છે, કારણ કે બધે જ એનું ધાર્યું થાય છે. સમય જતાં પરિસ્થિતિ પલટાય, તોપણ એ એનું વલણ છોડતો નથી અને પરિણામે ખૂબ દુ:ખી થાય છે. એ વાત ભૂલી ગયો હોય છે કે કોઈ પણ પ્રશ્નને અનેક બાજુઓ હોય છે અને કોઈ પણ સમસ્યાના ઘણા ઉકેલ હોય છે. એ માત્ર પોતાની ‘શૈલી’ પ્રમાણે ઉકેલ વિચારતો હોય છે, પરંતુ એમ કરવા જતાં એ ઉકેલને યોગ્ય એવી બીજી શૈલીઓની ઉપેક્ષા કરે છે. વ્યવસાયમાં ધૂંવાંપૂંવાં રહેતી વ્યક્તિ ઘરમાં પણ એ જ રીતે વર્તતી હોય છે. એની છવાઈ જવાની કે ધાક બેસાડવાની ટેવ બધે સરખી પ્રવર્તતી હોય છે. પ્રભાવ પાડવાનો પ્રયત્ન ઘણી વાર માનવીની પામર વૃત્તિમાંથી પ્રગટતો હોય છે. પોતાની હાજરીની કોઈ પણ ભોગે નોંધ લેવાય તે માટે વિવાદો જગાવીને ક્ષુદ્ર વર્તન કરતો હોય છે. આમ કરવા જતાં એના જીવનની સાહજિકતા ગુમાવતો જાય છે અને પછી એ પોતે જ પોતાના પ્રભાવક પાંજરામાં પુરાઈ જાય છે.