Categories
વાચન સમૃદ્ધિ

ગુસ્સાનું માધ્યમ

અમેરિકાના મિઝુરીમાં જન્મેલા સૅમ્યુઅલ લેંગહોર્ન ક્લૅમન્સ સાહિત્યજગતમાં માર્ક ટ્વેનને નામે વિખ્યાત બન્યા. માર્ક ટ્વેને અમેરિકાના વસાહતીઓમાં ચાલી આવતી ટોળ-ટપ્પાની પ્રક્રિયા પકડી અને એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલીનું ઉમેરણ કરીને વિશિષ્ટ પ્રકારનો વિનોદ સર્જ્યો. ‘ધ ઇન્સન્ટ્સ અબ્રોડ’, ‘રફિંગ ઇટ’ જેવી કૃતિઓમાં એમનો આ વિનોદ જોવા મળે છે. આ વિખ્યાત હાસ્યલેખક અને નિપુણ વક્તાને ભાગ્યે જ ગુસ્સો આવતો, પરંતુ જ્યારે ગુસ્સો આવે તો એ તત્કાળ પત્ર લખવા બેસી જતા અને એમાં એ વ્યક્તિ પરનો પોતાનો સઘળો ગુસ્સો ઠાલવી દેતા. કોઈ વ્યક્તિએ એમની ટીકા કરી તો તરત જ માર્ક ટ્વેને એને સણસણતો જવાબ લખ્યો કે ‘ખબરદાર, તમે કરેલી વાત અહીં જ દબાવી દો. જો એમ નહીં કરો તો હું તમને જોઈ લઈશ. આવી જ રીતે એક વાર એક સામયિકમાં એમના લેખમાં જોડણીની અશુદ્ધિઓ રહી ગઈ. માર્ક ટ્વેન અકળાઈ ઊઠ્યા. એમણે સામયિકના તંત્રીને પત્ર લખ્યો કે, લેખ છાપતાં પૂર્વે એમણે એ જોવું જોઈએ અને ચકાસવું જોઈએ કે પ્રૂફરીડરે એ લેખની જોડણી કે વિરામચિહનો બરાબર કર્યાં છે કે નહીં અને પછી માર્ક ટ્વેને એ ગુસ્સો પ્રૂફરીડર પર ઉતારતાં તંત્રીને લખ્યું, ‘હવે પછી મારી લખેલી કૉપી પ્રમાણે તમારે મૅટર ગોઠવવું અને પ્રૂફરીડરનાં સૂચનો એના સડી ગયેલા મગજના પોલાણ સુધી જ રહે, તેનો બરાબર ખ્યાલ રાખવો.’ માર્ક ટ્વેન માટે પત્રલેખન એ ગુસ્સો ઠાલવવાનું માધ્યમ હતું. એ રીતે તેઓ પોતાના મનમાંથી ગુસ્સાની વરાળ દૂર કરતા હતા. આવા પત્રોથી કોઈ સંબંધોમાં તિરાડ પડે કે કોઈને માઠું લાગે એવું બનતું નહીં. આનું કારણ એ હતું કે આવા પત્રો પોસ્ટ થાય તે પહેલાં જ માર્ક ટ્વેનનાં પત્ની છાનાંમાનાં એ પત્રો કાઢી લેતાં, જેથી જેના પર એમણે કચકચાવીને ગુસ્સો કાઢ્યો હોય તેમના સુધી એ પત્રો પહોંચતા જ નહીં.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

તુલના કરવી એટલે દુ:ખને નિમંત્રણ આપવું

વ્યક્તિના જીવનમાં આવતી પ્રત્યેક સમસ્યા વ્યથાનું સરનામું લઈને આવતી હોય છે. આવે સમયે એ ક્યારેક વર્તમાન સમસ્યાને ભૂલવા માટે પાછલા પગે દોડીને ભૂતકાળમાં આશરો લેતી હોય છે. ભૂતકાળનાં એ સુખોનું સ્મરણ એની વર્તમાનની વેદના વધુ ઘેરી બનાવે છે. એને એનું ગામડું, બાળપણનું નિર્દોષ વાતાવરણ, ગોઠિયાઓ સાથેની ધીંગામસ્તી અને મુગ્ધાવસ્થાનો આનંદ યાદ આવે છે અને એની તુલનામાં વર્તમાન જીવન અતિ વ્યથાજનક લાગે છે. તુલના એ ખતરનાક ખેલ છે. એ ક્યારેય સંપૂર્ણ હોતી નથી અને તેથી અપૂર્ણ સરવાળાઓ કરીને વ્યક્તિ તુલના કરતી હોય છે. જીવનના બે સમયગાળાની, બે પરિસ્થિતિની કે બે વ્યક્તિની સરખામણી ક્યારેય પૂર્ણ રૂપે સાચી હોતી નથી, આમ છતાં ભૂતકાળમાં વસનાર આવી તુલનાઓથી જીવતો હોય છે અને ધીરે ધીરે આ ભૂતકાળ એના વર્તમાન જીવન પર ઉદાસીનું આવરણ ઓઢાડી દે છે. વર્તમાન સમસ્યાઓને માટે માત્ર અનુભવો ઉપયોગમાં આવે છે, ભૂતકાળ નહીં. વ્યક્તિ જેમ ભવિષ્યનાં દિવાસ્વપ્નો જોતી હોય છે, એ જ રીતે એ ભૂતકાળનાં વિસરાયેલાં સ્વપ્નોને ફરી ફરી ઘૂંટવાનો શોખ ધરાવે છે. મન આસપાસની ભૂતકાળની દીવાલ હતાશા, નિરાશા અને નિષ્પ્રાણ વાતાવરણ સર્જે છે. ધીરે ધીરે વ્યક્તિ વર્તમાનને અને સમસ્યાને ભૂલીને ભૂતકાળની આશ્રિત બની જાય છે. ભૂતકાળનું સ્મરણ એને વર્તમાનનું વિસ્મરણ કરાવે છે અને એના ભવિષ્યનો છેદ ઉડાડે છે. વીતેલા યુગની વાતોના નિ:સાસાથી એ જીવે છે અને એની એ બેચેની એના આજના યુગને ખારો બનાવે છે. ભલે એ ભૂતકાળ આપણો હોય, પરંતુ એ વીતી ગયેલી વાત છે. આજે આપણે કંઈ એ ભૂતકાળ નથી. ભૂતકાળની વિદાયમાં જ ભવિષ્યનું આગમન છુપાયેલું છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અનોખી સજા

અમેરિકાના ૩૪મા પ્રમુખ ડ્વાઇડ ડેવિડ આઇઝનહોવર (ઈ. સ. ૧૮૯૦થી ૧૯૬૯) મૂળે એક યશસ્વી સૈનિક હતા. પ્રથમ-દ્વિતીય વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે બહાદુરી અને દૂરંદેશી દાખવી હતી. સમય જતાં અમેરિકામાં અત્યંત લોકપ્રિય એવા આઇઝનહોવર સર્વોચ્ચ સેનાપતિ અને પંચતારક જનરલ બન્યા. ૧૯૫૨માં તેમણે કોરિયાના યુદ્ધમાં યુદ્ધમોકૂફી કરાવી અને ૧૯૫૭માં એમના સૂચનથી આંતરરાષ્ટ્રીય અણુપંચની રચના કરવામાં આવી. એ પછી સામ્યવાદ સામે મોરચો ઊભો કરવા માટે જુદા જુદા દેશો સાથે લશ્કરી કરારો કર્યા. આઇઝનહોવર કડક શિસ્તના હિમાયતી હતા. બીજા વિશ્વયુદ્ધ સમયે એમણે અમેરિકાનાં લશ્કરી દળોનું નેતૃત્વ સંભાળ્યું અને સૈન્યને સંગઠિત રહીને દુશ્મનોનો સામનો કરવા સતત સલાહ આપી. અમેરિકાની સેનામાં બે લશ્કરી અધિકારીઓ એવા હતા કે જેઓ એકબીજા સાથે સતત લડતા-ઝઘડતા રહેતા. પરસ્પરને માટે એમની આંખોમાં ઝેર હતું અને તેથી સાવ સામાન્ય બાબતમાં પણ ઉશ્કેરાઈને એકબીજા સામે અપશબ્દો બોલવા લાગતા અને ક્યારેક મારામારી કરવા સુધી પહોંચી જતા. સેનાપતિ આઇઝનહોવરે આ બંને સૈનિકોને સમજાવવા પ્રયત્ન કર્યો. સેનાની શિસ્તની વાત કરી. સેનામાં વિખવાદ હોય તો વિફળતા મળે એ સિદ્ધાંત સમજાવ્યો. આ સઘળું કહ્યું, છતાં બધું પથ્થર પર પાણી ! પેલા બે સૈનિકોએ ફરી તોફાન કર્યું એટલે સેનાપતિ આઇઝનહોવરે એમને સજા ફરમાવી. એક અધિકારીને કાચની દીવાલ ધરાવતી સરકારી બરાકને બહારથી સાફ કરવાની સજા કરી, તો બીજાને અંદરની બાજુથી એ કાચ સાફ કરવાની સજા કરી. કાચ ચોખ્ખા કરવા માટે બંનેને સાથે રહીને એટલી બધી મહેનત કરવી પડી કે સમય જતાં એમનાં મન ચોખ્ખાં થઈ ગયાં.

કુમારપાળ દેસાઈ