Categories
વાચન સમૃદ્ધિ

સમય જતાં વૃત્તિ રોજની આદત બની જાય છે

કૈકેયીના કારણે રામને વનવાસ ભોગવવો પડ્યો, તેમ છતાં એ સદૈવ કૈકેયીનો ઉપકાર માનતા રહ્યા. ચંડકૌશિક નામના દૃષ્ટિવિષ સર્પે વિના કારણે ભગવાન મહાવીરને દંશ દીધો, છતાં મહાવીર એના પર વાત્સલ્ય વેરતા રહ્યા. ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે ચઢાવનાર પ્રત્યે એમની કરુણા વહેતી જ રહી. આવું કેમ બન્યું હશે ? કૈકેયી પ્રત્યે ગુસ્સો, ચંડકૌશિક પ્રત્યે ક્રોધ અને વધસ્તંભે ચઢાવનારા પ્રત્યે ધિક્કાર કેમ જાગ્યો નહીં ? કારણ એટલું જ કે એમના હૃદયમાં ગુસ્સો, ક્રોધ કે ઘૃણાની વૃત્તિ જ નહોતી. જે હૃદયમાં ન હોય, તે પ્રગટ કેવી રીતે થાય ? હકીકતમાં વૃત્તિ મનમાં વસતી હોય છે અને પછી એને યોગ્ય આધાર કે આલંબન મળતાં એ પ્રગટ થતી હોય છે. તમારા મનમાં ક્રોધવૃત્તિ પડેલી જ હોય અને પછી કોઈ અપશબ્દ બોલે કે અપમાન કરે, એટલે કે વૃત્તિના જ્વાળામુખીનો વિસ્ફોટ થાય છે. મનમાં મોહ સળવળતો જ હોય અને જેવી કોઈ આકર્ષક વસ્તુ કે વાસનાનું સ્થાન જુએ એટલે મોહ તત્ક્ષણ પ્રગટ થશે. આનો અર્થ એ છે કે તમે ક્રોધિત થતા નથી, પરંતુ તમારા મનમાં  રહેલી ક્રોધની વૃત્તિ જ ક્રોધનું કારણ શોધતી હોય છે અને સહેજ કારણ મળી જાય, એટલે એ ક્રોધ પ્રગટ થતો હોય છે. ધીરે ધીરે એ વૃત્તિ એટલી બધી પ્રબળ બને છે કે પછી તમારો ભીતરનો એ ક્રોધ પ્રગટવા માટે બહાર સતત કારણો શોધતો હોય છે અને સહેજ નાનું કારણ મળે એટલે એ તરત પ્રગટ થતો હોય છે. પહેલાં જે વૃત્તિ હતી, એ સમય જતાં આદત બની જાય છે અને પછી એને ક્રોધ કર્યા વિના ફાવતું નથી. એનો મોહ પહેલાં નાની નાની બાબતો ઉપર આધારિત હતો, તે હવે મોટી મોટી વસ્તુઓનો મોહ રાખે છે. નાની ચોરીથી થયેલી શરૂઆત મોટી ધાડમાં પરિણમે છે.

Categories
વાચન સમૃદ્ધિ

હિંમતે મર્દા

વિદ્યુત ચુમ્બકત્વની ઘટના સમજવામાં મહત્ત્વનું પ્રદાન કરનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડે(ઈ. સ. ૧૭૯૧-૧૮૬૭)નો જન્મ અત્યંત સાધારણ પરિવારમાં થયો હતો. પોતાના ભરણપોષણને માટે લંડન શહેરના રસ્તાઓ પર એ અખબારો વેચતો હતો. વળી વચ્ચે સમય મળે ત્યારે અભ્યાસ કરી લેતો. એને એક પ્રકાશનગૃહમાં મદદનીશની નોકરી મળી અને એ પુસ્તકોનું બાઇન્ડિંગ કરવા લાગ્યો. ખાટા લીંબુમાંથી લીંબુનું મધુર સરબત બનાવવાનો કીમિયો માઇકલ ફૅરડે પાસે હતો. એને બુકબાઇન્ડરને ત્યાં નોકરી કરવાની સાથોસાથ જુદા જુદા વિષયનાં પુસ્તકો વાંચવાની તક મળી. એનો પરિશ્રમ, પ્રતિભા, અને પ્રામાણિકતા જોઈને પ્રકાશનગૃહના માલિક પ્રભાવિત થયા અને એક દિવસ એમની ભલામણને કારણે માઇકલ ફૅરડેને ફિલૉસૉફીનો અભ્યાસ કરવાની તક મળી.  ધીરે ધીરે એની રુચિ વિજ્ઞાનમાં વિકસતી ગઈ. એણે વિખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવીનું પ્રવચન સાંભળ્યું. એમનાં ચાર પ્રવચનોનાં વિષયવસ્તુ પર આધારિત લેખ લખીને રૉયલ સોસાયટીને મોકલ્યો, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. આમ છતાં એ હિંમત હાર્યો નહીં. એણે એ ભાષણો પર નવેસરથી લખીને એ લેખ ખુદ સર હમ્ફ્રી ડેવીને જ મોકલ્યો. એક વાર એ સૂવાની તૈયારી કરતો હતો, ત્યારે હમ્ફ્રી ડેવી સ્વયં એને મળવા આવ્યા અને એકવીસ વર્ષના આ યુવાનને પોતાના મદદનીશ તરીકે રાખી લીધો. એ પછી તો માઇકલ ફૅરડેએ વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી. ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર પ્રથમ વિજ્ઞાની બન્યા. કોલહારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું અને એમણે કરેલું પ્રકાશના ધ્રુવીભવન-તલના ભ્રમણનું સંશોધન ‘ફૅરડે ઇફેક્ટ’ તરીકે આજેય પ્રસિદ્ધ છે. માઇકલ ફૅરડે ઘણું ઓછું ભણ્યો હતો, પણ વિશ્વના અત્યંત પ્રભાવક વિજ્ઞાનીઓમાંનો એક બન્યો. ઇલેક્ટ્રિક મોટર ટૅકનૉલૉજીમાં એનાં સંશોધનો પાયારૂપ બન્યાં અને એના અથાગ પુરુષાર્થને પરિણામે ટૅકનૉલૉજીમાં વિદ્યુતનો ઉપયોગ થવા લાગ્યો. આ રીતે ફૅરડે એક કુશળ પ્રયોગ-વીર હતો અને પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ ભાષામાં પ્રગટ કરી શકતો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

સુખ-દુ:ખના છેડા પર ઘૂમતું લોલક

આપણા સુખ અને આપણા દુ:ખની બાબતમાં આપણે કેટલા બધા પરતંત્ર અને મજબૂર છીએ ! સુખનો અનુભવ આપણે સ્વયં પામીએ છીએ અને છતાં એ સુખદાતા અન્ય કોઈ હોય છે, તે કેવું ? બાહ્ય કે ભૌતિક જગતમાં કોઈ લાભદાયી ઘટના બને, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય અથવા તો પ્રાપ્ત થયેલી વસ્તુમાં વૃદ્ધિ થાય એટલે આપણું અંત:કરણ સુખ અનુભવે છે. કોઈ સાનુકૂળ પ્રસંગ બને એટલે આપણે સુખ પામીએ છીએ. હાનિ અથવા નુકસાનની કોઈ ઘટના બને એટલે આપણે દુ:ખ પામીએ છીએ. આમ સુખ આપણું અને દુ:ખ પણ આપણું, પરંતુ એને આપનાર અન્ય કોઈ છે. એનો અનુભવ આપણા અંતરને થાય છે, પણ એનો સૂત્રધાર બીજો હોય છે. એ ઇચ્છે તો આપણું સુખ છીનવી લે છે અને એ ધારે તો આપણને દુ:ખી દુ:ખી કરી નાખે છે. માનવીના ભાગે તો માત્ર અનુભવવાનું જ આવે છે. આ સુખ અને દુ:ખ બીજા દ્વારા મળતું હોવાથી અનિશ્ચિત છે. કઈ ક્ષણે સુખ મળશે  અને કઈ ઘડીએ દુ:ખ મળશે, એનો ખ્યાલ નથી. પુરાણા ઘડિયાળના લોલકની માફક સુખ-દુ:ખના બે છેડા પર એ ઝૂલ્યા કરે છે. આ લોલકને અટકાવવાનો તમે વિચાર કર્યો ખરો ? જેણે આ બંનેથી પર થવાનો વિચાર કર્યો, એ સ્વતંત્ર બની ગયા અને એમની અન્ય પરની લાચારી કે મજબૂરી ટળી ગઈ. દુ:ખ અને સુખનો અનુભવ આપણું હૃદય કરે છે અને એ દુ:ખ કે સુખ અંતરમાંથી આવેલાં નથી. બાહ્ય પરિસ્થિતિ, વ્યક્તિઓ કે પ્રસંગોને કારણે હૃદય સુખનો ઉશ્કેરાટ કે દુ:ખનો અવસાદ અનુભવે છે. હકીકતમાં તો સુખ અને દુ:ખ એ ભીતરની વાત છે, બહારની સ્થિતિ નથી.