Categories
વાચન સમૃદ્ધિ

નવી આશા આપતી નિષ્ફળતા

‘સંજોગો માનવીને ઘડે છે’ એ સૂત્ર તમે જીવનભર સાંભળતા આવ્યા છો. અનુકૂળ સંયોગને વ્યક્તિ આશીર્વાદરૂપ માને છે અને પ્રતિકૂળ સંયોગોને શાપરૂપ કે અવરોધરૂપ ગણે છે. જીવનપટ પર નજર નાખતી વખતે એ શોધે છે કે કયા સંજોગો સારા મળ્યા અને કયા નરસા મળ્યા ! કયા આનંદદાયી હતા અને કયા દુ:ખદાયી ! હકીકત એ છે કે સંજોગો વ્યક્તિને ઘડતા નથી, બલકે સંજોગો પ્રત્યેનો અભિગમ વ્યક્તિને ઘડે છે. એક જ સંજોગ એક વ્યક્તિને દુ:ખમાં ગરકાવ કરનારો લાગે, તો એ જ બનાવ પરથી બીજી વ્યક્તિ કોઈ જીવનબોધ તારવે છે. એક જ ઘટના એક વ્યક્તિને અવરોધક લાગે છે, તો બીજી વ્યક્તિને એ પ્રેરક લાગે છે. આમ સંજોગો મહત્ત્વના નથી, પરંતુ સંજોગો પ્રત્યેનો આપણો અભિગમ મહત્ત્વનો છે. અબ્રાહમ લિંકનને ચૂંટણીમાં વારંવાર હાર મળી, છતાં એ પરાજયથી પગ વાળીને બેસી રહેવાને બદલે પ્રયત્ન કરતા રહ્યા. બીજી વ્યક્તિને આટલા પરાજયો ખમવા પડ્યા હોય તો જિંદગીભર ચૂંટણીમાં ઊભા રહેવાનું નામ સુધ્ધાં ન લે. આમ સંજોગો કરતાં એ પ્રત્યેનો અભિગમ, એમાંથી તારવેલો મર્મ અને એમાંથી મેળવેલો સંકેત મહત્ત્વના છે. સંજોગ પ્રત્યેનું વલણ જ સામાન્ય માનવી અને અસામાન્ય માનવીનો ભેદ છતો કરી દે છે. સામાન્ય માનવી નિષ્ફળતા મળતાં આગળ વધવાનું માંડી વાળે છે, જ્યારે અસામાન્ય કે લોકોત્તર વ્યક્તિ નિષ્ફળતા મળે તો તેમને સફળતા-પ્રાપ્તિનો એક મુકામ માનીને આગળ વધતી રહે છે. પોતાની નિષ્ફળતામાંથી એ અર્થ શોધતી હોય છે, કારણ તપાસતી હોય છે અને એ પાર કરીને આગળ મંજિલ તૈયાર કરતી હોય છે. નિષ્ફળતા એ બીજાને નિરાશા જગાવનારી લાગે કિંતુ કર્તવ્યશીલને નવી આશાનો સંચાર કરતી લાગે છે.

Categories
વાચન સમૃદ્ધિ

કરુણાના સંદેશવાહક

અપરાધીઓની વસ્તીથી ઊભરાતું હતું ઇંગ્લૅન્ડનું વોલવર્થ ઉપનગર. અહીંના મોટા ભાગના લોકો અત્યંત ગરીબ અને નિરક્ષર હતા. આને કારણે આ વિસ્તારની વસ્તીમાં ખૂબ ગુનાખોરી હતી. સ્વાભાવિક રીતે જ આની એમનાં સંતાનો પર વિપરીત અસર પડે. વળી નાનાં નાનાં છોકરાઓ પાસે પણ ખોટાં કામો કરાવતા હતા. આ સમયે કેમ્બ્રિજની પેમબ્રૂક કૉલેજનો વિદ્યાર્થી ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝ આ વિસ્તારમાં રહેવા આવ્યો. એના પિતા પાદરી હતા અને એ પણ ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ સાથે જોડાયેલો હતો. આ એન્ડ્રુઝે પહેલું કામ આસપાસની વસતીનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું એમને એમના દૈનિક જીવનની નાની પણ મહત્ત્વપૂર્ણ વાતો સોદાહરણ સમજાવતા હતા. બાળકોને એમની વાત ખૂબ પસંદ પડી ગઈ. એ પછી એન્ડ્રુઝે ધીરે ધીરે એમનામાં ઉત્તમ સંસ્કાર સીંચવાનો પ્રારંભ કર્યો. આ વસતીમાં વસતા ઘણા લોકોએ અનુભવ્યું કે એમનાં બાળકોનાં કામ અને આચરણમાં ઘણો સુધારો થયો છે. આ બાળકો યુવાન બન્યાં એટલે એમણે એન્ડ્રુઝના સદાચારનો સંદેશ આપતા લોકોને કહ્યું, ‘તમે પ્રત્યેક રવિવારે સભામાં આવો અને નિર્ધાર કરો કે સપ્તાહમાં એક દિવસ અપરાધ નહીં કરો.’ યુવાનોની વાતથી સહુને એટલી બધી ખુશી ઊપજી કે એમણે નક્કી કર્યું કે અઠવાડિયામાં ચાર દિવસમાં કોઈ અપરાધ નહીં કરે અને સારું જીવન જીવશે. સમય જતાં વોલવર્થ વિસ્તારની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ અને સભ્યસમાજનું એક અંગ બની ગયો. આ જ સી. એફ. એન્ડ્રુઝ હંમેશાં ન્યાયના પક્ષે રહ્યા અને તેથી જ બ્રિટિશ સામ્રાજ્ય સામેની ભારતની લડતને એમણે ટેકો આપ્યો. ભારતીય રાજકીય કૉંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યા અને ૧૯૧૩માં ચેન્નાઈમાં વણકરોની હડતાળનો યોગ્ય હલ લાવ્યા. આ ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝને એમના પ્રથમ અક્ષરને લઈને ગાંધીજી Christ’s Faithful Apostole કહેતા હતા. ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત આવવાનો આગ્રહ કરનાર પણ આ જ એન્ડ્રુઝ હતા અને ગરીબોના મિત્ર એવા એન્ડ્રુઝને સહુ ‘દીનબંધુ એન્ડ્રુઝ’ કહેવા લાગ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

સંકલ્પને કોઈ સીમા હોતી નથી

માનવીને સંકલ્પ જ સિદ્ધિ અપાવે છે, પરંતુ એ સંકલ્પને બદલે માન્યતાઓથી જીવન વ્યતીત કરવાનું વિશેષ પસંદ કરે છે. એની મોટા ભાગની માન્યતાઓનું પીઠબળ ગતાનુગતિકતા, ધાર્મિક ક્રિયાકાંડ કે સામાજિક વ્યવહાર હોય છે. એક સમયે અમુક વિશિષ્ટ સંજોગોમાં જાગેલી આવશ્યકતાને કારણે ધર્મ કે સમાજે પ્રચલિત કરેલી વિચારધારા કાળના પ્રવાહમાં જડ કે શુષ્ક માન્યતા બની જાય છે. આવી માન્યતાઓની પાછળ બધું જ હોય છે, પરંતુ અંત:કરણનું બળ હોતું નથી. એનું આચરણ કરવામાં આવે છે, ત્યારે એ આચરણનો અર્થ વિચારવામાં આવતો નથી. આવી માન્યતાઓ ક્યારેક જીવનને ઉપયોગી બને છે, પરંતુ સંકલ્પનું બળ ખૂટતું હોવાથી એમાં થનગનતો ઉત્સાહ, સતત સ્ફૂર્તિ અને પ્રબળ શક્તિનો અભાવ હોય છે. સંકલ્પ પાસે અવિરત ધગશ અને પ્રયત્નનો વિસ્ફોટ હોય છે. એને સિદ્ધિ કરવા નીકળેલી વ્યક્તિ પાસે ખુમારી અને ખુદ્દારી હોય છે. વળી એ સંકલ્પ સાથે કોઈ વિચાર કે ધ્યેય જોડાયેલું હોવાથી એ માન્યતા કરતાં વધુ સુદૃઢ હોય છે. માન્યતા આજે હોય અને કાલે આથમી પણ ગઈ હોય, આજે જેનું અનુસરણ કરતા હોઈએ તેની આવતી કાલે સદંતર ઉપેક્ષા પણ કરતા હોઈએ. આજે જે માન્યતાને અતિ મહત્ત્વની માનતા હોઈએ, તેને  આવતી કાલે સાવ નિરર્થક પણ માનીએ, જ્યારે સંકલ્પ પાસે એક નિશ્ચિત લક્ષ્ય હોવાથી વ્યક્તિ એની સિદ્ધિને માટે નિશાન પ્રતિ છૂટેલા તીરની માફક અવિરત ઉદ્યમવંત રહે છે. માન્યતા પોતે આંકેલી મર્યાદાઓના બંધનમાં જીવવાનો મરણિયો પ્રયાસ કરે છે, જ્યારે સંકલ્પને કોઈ સીમારેખા હોતી નથી. ચીલાચાલુ માર્ગે ચાલતી માન્યતા કશું આપતી કે નવું સર્જતી નથી, જ્યારે સંકલ્પ એ મહાન કાર્યો અને અપૂર્વ સિદ્ધિઓનો જન્મદાતા બને છે.