Categories
વાચન સમૃદ્ધિ

વર્તમાન એ ભવિષ્યની ખરીદી કરે છે

માનવીને મળેલા અમૂલ્ય જીવનને સાર્થક કરવા માટે એમ કહેવામાં આવે છે કે એણે પળનો પણ પ્રમાદ કરવો જોઈએ નહીં. આ પળનો પ્રમાદ કઈ રીતે થતો હશે ? એનો વિચાર મનમાં સ્વાભાવિક રીતે ઉદભવે. હકીકતમાં જીવન એ પળનું બનેલું છે. વ્યક્તિના જીવનની માત્ર એક પળ પણ વેડફાઈ જાય તોપણ એના જીવન પર એનો પ્રભાવ પડતો હોય છે. આ પળને ઉજાળવા માટે વ્યક્તિએ પ્રત્યેક પળને જીવતાં શીખવું જોઈએ. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના ભૂતકાળની ક્ષણને લઈને વર્તમાનની ક્ષણને ઓળખતી હોય છે, પણ એની એ વર્તમાનની ક્ષણ સાથે ભૂતકાળનાં ભય, શંકા અને દ્વિધા જોડાય, તો એની વર્તમાનની ક્ષણ પણ વિફળ બને છે. જીવનની ક્ષણોને જૂની-પુરાણી વિચારસરણીથી જોવા જનાર પોતાની આજની ઘડીને રળિયામણી કરવાને બદલે વ્યર્થ બનાવી દે છે. આ રીતે વ્યક્તિએ વર્તમાનની ક્ષણને વર્તમાનમાં જ જીવવાની કોશિશ કરવી જોઈએ. ભૂતકાળની ક્ષણથી વર્તમાનને જોનાર દ્વિધા અનુભવે છે, તો વર્તમાનની ક્ષણે ભવિષ્યનો વિચાર કરનાર ભયને જુએ છે. ભૂતકાળમાં સરી ગયેલી ક્ષણની ચિંતા છોડો અને આવતી કાલની ક્ષણની ચિંતા હટાવી દો. ગઈકાલની ક્ષણ પ્રમાદ લાવશે અને આવતી કાલની અનિશ્ચિતતા. ખરી જરૂર તો પ્રત્યેક ક્ષણને વર્તમાનમાં જીવવાની છે. વર્તમાન આપણા ભવિષ્યને આકાર આપે છે અને વીતી ગયેલા ભૂતકાળને સુધારે છે. આથી ‘આજ’ એ હકીકત છે. ‘ગઈકાલ’ એ વીતી ગયેલું સ્વપ્ન છે અને આવતી કાલ એ આવનારી પરિસ્થિતિની કલ્પના છે. વીતેલાનો શોક નહીં, આવનારની ફિકર નહીં; વર્તમાન પાસે છે આજનું કર્મ, નક્કર હકીકત અને યથાર્થ દર્શન.

Categories
વાચન સમૃદ્ધિ

દિલનો અવાજ

અમેરિકાના એલાબામા રાજ્યના મોબીલે શહેરમાં જન્મેલા (૨૦૧૧) ટિમ કૂકના પિતા ડોનાલ્ડ બંદર પર કામ કરતા હતા અને માતા ગેરાલ્ડીન ફાર્મસીમાં નોકરી કરતાં હતાં. ઍપલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ટિમ કૂક વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીના સી.ઈ.ઓ. હોવા છતાં જીવનના નિર્ણયો લેવામાં સદૈવ પોતાના દિલના અવાજને મહત્ત્વ આપે છે. ઓબર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને ૧૯૮૨માં તેઓ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં ગ્રૅજ્યુએટ થયા. સ્વાભાવિક રીતે જ સહુએ એમને એન્જિનિયરિંગના ક્ષેત્રે જઈને કારકિર્દી બનાવવાનું કહ્યું, પણ ટિમ કૂકને એન્જિનિયર બનવાને બદલે બિઝનેસમૅન થવાની તીવ્ર ઇચ્છા હતી. આથી એમણે એમ.બી.એ. થવાનો નિર્ણય લીધો અને ૧૯૮૮માં ડ્યૂક યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને એ એમ.બી.એ. થયા. એ પછી બાર વર્ષ એમણે વિખ્યાત આઈ.બી.એમ. કંપનીમાં કામ કર્યું, પણ એમના દિલને લાગ્યું કે ઘણું થયું, હવે કોઈ નવી કંપનીમાં જવું જોઈએ. આથી કૉમ્પેક કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો મેળવ્યો અને હજી આ કંપનીમાં છ મહિના વિતાવ્યા હતા ત્યાં જ એક વિશિષ્ટ ઘટના બની. ઍપલ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ સાથે મળવાનું બન્યું. બંને વચ્ચે પાંચેક મિનિટ વાતચીત થઈ, પણ ટિમ કૂકને સ્ટીવ જોબ્સની સાથે કામ કરવું એટલું બધું પસંદ પડ્યું કે આ પાંચેક મિનિટની વાતચીતમાં એમના દિલમાંથી અવાજ આવ્યો અને એમણે ઍપલ કંપનીમાં કામ કરવાનું સ્વીકાર્યું. આજે ટિમ કૂક કહે છે કે આ દિલના અવાજને અનુસરીને કોમ્પેક કંપનીમાંથી ઍપલ કંપનીમાં આવ્યો, તે મેં મારા જીવનમાં લીધેલો શ્રેષ્ઠ નિર્ણય છે. આને કારણે મને સર્જનાત્મક જિનિયસ સાથે કામ કરવાની તક મળી અને અમેરિકાની આ મહાન કંપનીને આગળ વધારનારી એક્ઝિક્યુટિવ ટીમમાં સ્થાન મળ્યું.

Categories
વાચન સમૃદ્ધિ

ભય ભૂતકાળ કરતાં ભવિષ્યમાં વધુ જીવે છે

એ હકીકત છે કે ભય વિનાની કોઈ વ્યક્તિ તમને આ જગતમાં જડશે નહીં. નિર્ભયતાનો દાવો કરનારી વ્યક્તિ ઘણી વાર બડાશ હાંકીને એના ભયને છુપાવતી હોય છે. ગમે તેવો મહાન ખેલાડી પણ મેદાન પર જતી વખતે રમત પૂર્વે ભયથી એકાદ કંપારી અનુભવે છે. કોઈ કુશળ અદાકારને પૂછશો તો તે પણ કહેશે કે નાટકના તખ્તા પર પ્રવેશતાં પૂર્વે થોડી ક્ષણ ‘શું થશે ?’નો ભય એને સતાવતો હોય છે. અતિ તેજસ્વી વિદ્યાર્થીના મનમાં પણ પરીક્ષા પૂર્વે નિષ્ફળતાનો ભય લટાર લગાવી જતો હોય છે. એ સાચું કે કેટલાક ભયને હસી કાઢે છે અથવા તો એને વિશેષ મહત્ત્વ આપતા નથી. આવી વ્યક્તિ પણ ભીતરમાં ભય અનુભવતી હોય છે. કોઈને વસ્તુનો ભય લાગે છે, તો કોઈને વ્યક્તિનો ભય લાગે છે. કોઈને ગરીબીને કારણે ભવિષ્ય કેવું દુ:ખદ જશે એનો કાલ્પનિક ડર લાગતો હોય છે તો કોઈને પોતાની અમીરાઈ છીનવાઈ જશે તો શું  થશે એવો ભાવિનો ભય સતાવતો હોય છે. ભયને ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ વધુ પસંદ છે. આમ ભય એ એક સર્વવ્યાપક લાગણી છે, આથી નિર્ભયતાની બડાશ હાંકવાને બદલે પોતાના ભીતરના ભયને સ્વીકારીને ચાલવું જોઈએ અને માનવું જોઈએ કે પ્રત્યેક ભયગ્રસ્ત પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે, એમ મારી ભયની ભાવનાનો પણ ઉકેલ શોધીને તેમને નિર્મૂળ કરીશ. નિર્ભયતા એ માનવમુક્તિનો પહેલો પાઠ છે. નીડરતા એ ડર કે ભય સામેનું બ્રહ્માસ્ત્ર છે અને અભય એ આધ્યાત્મિકતાનું ઉચ્ચ શિખર છે. વિચારની સ્પષ્ટતા, આચરણની દૃઢતા અને પરોપકારની ભાવના ધરાવનારને ભય કદી સ્પર્શી શકતો નથી.