Categories
વાચન સમૃદ્ધિ

સુખ-દુ:ખના છેડા પર ઘૂમતું લોલક

આપણા સુખ અને આપણા દુ:ખની બાબતમાં આપણે કેટલા બધા પરતંત્ર અને મજબૂર છીએ ! સુખનો અનુભવ આપણે સ્વયં પામીએ છીએ અને છતાં એ સુખદાતા અન્ય કોઈ હોય છે, તે કેવું ? બાહ્ય કે ભૌતિક જગતમાં કોઈ લાભદાયી ઘટના બને, ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થાય અથવા તો પ્રાપ્ત થયેલી વસ્તુમાં વૃદ્ધિ થાય એટલે આપણું અંત:કરણ સુખ અનુભવે છે. કોઈ સાનુકૂળ પ્રસંગ બને એટલે આપણે સુખ પામીએ છીએ. હાનિ અથવા નુકસાનની કોઈ ઘટના બને એટલે આપણે દુ:ખ પામીએ છીએ. આમ સુખ આપણું અને દુ:ખ પણ આપણું, પરંતુ એને આપનાર અન્ય કોઈ છે. એનો અનુભવ આપણા અંતરને થાય છે, પણ એનો સૂત્રધાર બીજો હોય છે. એ ઇચ્છે તો આપણું સુખ છીનવી લે છે અને એ ધારે તો આપણને દુ:ખી દુ:ખી કરી નાખે છે. માનવીના ભાગે તો માત્ર અનુભવવાનું જ આવે છે. આ સુખ અને દુ:ખ બીજા દ્વારા મળતું હોવાથી અનિશ્ચિત છે. કઈ ક્ષણે સુખ મળશે  અને કઈ ઘડીએ દુ:ખ મળશે, એનો ખ્યાલ નથી. પુરાણા ઘડિયાળના લોલકની માફક સુખ-દુ:ખના બે છેડા પર એ ઝૂલ્યા કરે છે. આ લોલકને અટકાવવાનો તમે વિચાર કર્યો ખરો ? જેણે આ બંનેથી પર થવાનો વિચાર કર્યો, એ સ્વતંત્ર બની ગયા અને એમની અન્ય પરની લાચારી કે મજબૂરી ટળી ગઈ. દુ:ખ અને સુખનો અનુભવ આપણું હૃદય કરે છે અને એ દુ:ખ કે સુખ અંતરમાંથી આવેલાં નથી. બાહ્ય પરિસ્થિતિ, વ્યક્તિઓ કે પ્રસંગોને કારણે હૃદય સુખનો ઉશ્કેરાટ કે દુ:ખનો અવસાદ અનુભવે છે. હકીકતમાં તો સુખ અને દુ:ખ એ ભીતરની વાત છે, બહારની સ્થિતિ નથી.

Categories
વાચન સમૃદ્ધિ

સ્ટ્રેસનો ઇલાજ

પ્રસિદ્ધ મનોવિજ્ઞાનિક ડૉ. વિલિયમ એલ. સેડલરના ક્લિનિકમાં એક દર્દી આવ્યો. એ સમયે ડૉક્ટર બીજા એક ડૉક્ટર સાથે ચર્ચા કરતા હતા. આ દર્દી એક મોટી કંપનીનો ઑફિસર હતો. એ ખૂબ સ્ટ્રેસમાં રહેતો હતો. કામના બોજથી ખૂબ થાકી ગયેલો અને એના ભારથી મનથી સાવ નંખાઈ ગયેલો હતો. એ ઑફિસર વિચારતો હતો કે હવે આવી રીતે વધુ લાંબો સમય જીવી શકાય તેમ નથી, મૃત્યુ એ જ જીવનના બોજથી મુક્તિનો ઉપાય છે. આથી એ ડૉક્ટર સેડલરની પાસે સલાહ લેવા આવ્યો હતો. કંપનીના ઑફિસરે જોયું કે ડૉ. સેડલર એકેએક કામ ખૂબ ઝડપથી પતાવતા હતા. કોઈનો ફોન આવે તો ફોન પર જ એને ઉત્તર આપી દેતા હતા. કોઈનો પત્ર આવે, તો પોતાની સેક્રેટરી પાસે એનો તત્કાળ પ્રત્યુત્તર લખાવતા હતા. સેડલર પાસે દર્દી આવ્યો, ત્યારે એને કહ્યું, ‘સાહેબ, તમારી કામ કરવાની પદ્ધતિએ જ મને મારી ભૂલનો અહેસાસ કરાવી દીધો. હું કામને વિલંબમાં નાખવામાં માહેર હોવાથી એના બોજથી વધુ ને વધુ ટેન્શનમાં રહેતો હતો. જરા, મને આપના ટેબલનું ખાનું ખોલીને બતાવશો.’ દર્દી તરીકે આવેલા કંપનીના ઑફિસરને ડૉ. સેડલરે જ્યારે પોતાના ટેબલનું ખાનું બતાવ્યું, ત્યારે એમાં કોઈ કાગળો નહોતા. કંપનીના ઑફિસરે પૂછ્યું, ‘ડૉક્ટર ! જે કામ પેન્ડિંગ હોય તેના કાગળો ક્યાં રાખો છો ?’ સેડલરે કહ્યું, ‘હું બધાં જ કામ પતાવી દઉં છું. ટપાલ આવે તો તરત પ્રત્યુત્તર લખાવી દઉં છું, આથી કોઈ કામ બાકી રાખતો નથી.’ કંપનીના ઑફિસરને સમજાયું કે કાગળો સંઘરી રાખવા, તત્કાળ જવાબ આપવાને બદલે પ્રમાદ સેવવો, અધૂરાં કામોનો નિર્ણય આવતીકાલ પર મુલતવી રાખવો – આ બધી બાબતોને કારણે એને માનસિક તણાવ થતો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

જળ મેળવવાની દોડ, રણની રેતની પ્રાપ્તિ

જે અત્યંત ચંચળ અને પરિવર્તનશીલ છે, એને માનવી જીવનમાં સુદૃઢ અને સ્થિર કરવાનો સતત મરણિયો પ્રયાસ કરે છે. એને જે કંઈ ક્ષણિક અને અલ્પકાલીન પ્રાપ્ત થયું છે, તે ક્ષણિકને શાશ્વત અને અલ્પકાલીનને ચિરંજીવ બનાવવા ચાહે છે. એ પહેલાં કશુંક મેળવે છે અને પછી એ મેળવેલું સદાકાળ ટકે એવી અપેક્ષા રાખે છે. કોઈ યશસ્વી કાર્ય કરે અને એનાથી એને કીર્તિ પ્રાપ્ત થાય, તો એ પોતાની કીર્તિને અહર્નિશ અકબંધ રાખવા ચાહે છે. એ જાણતો નથી કે આજે એને કીર્તિ પ્રાપ્ત થઈ છે અને આવતી કાલે અપકીર્તિ પણ પ્રાપ્ત થાય. એને કોઈની ચાહના કે સ્નેહ પ્રાપ્ત થાય છે અને પછી એ વિચારે છે કે જીવનભર એ જ સ્નેહ કે પ્રેમ એને મળતો રહે. એને યૌવન પ્રાપ્ત થાય ત્યારે એવી આકાંક્ષા સેવે છે કે આ યૌવન સદાકાળ ટકી રહે. એના પર ધીરે ધીરે પડતા વૃદ્ધત્વના પડછાયા એને સહેજે પસંદ પડતા નથી. આથી એ પહેલાં પોતાના વૃદ્ધત્વને સ્વીકારવા તૈયાર હોતો નથી અને પછી ઘણી મથામણ બાદ એના એકાદ અંશને સ્વીકારવા તૈયાર થાય છે. જે પરિવર્તનશીલ છે એને સ્થાયી માનવાની વ્યર્થ ધારણાઓ કરતા માનવીને એને કારણે જીવનમાં કેટલીય હતાશા, દોડાદોડ, આતુરતા અને નિરાશા સહન કરવાં પડે છે. જળની શોધમાં દોડતાં મૃગજળ જેવી આ માયા છે. તીવ્ર વેગે પોતાના ભૌતિક સ્વપ્નના મૃગજળ પાસે પહોંચતાં એને ખ્યાલ આવે છે કે અહીં તો ક્યાંય જળ નથી, માત્ર રણની  ધગધગતી રેતી છે અને સહેજ નજર ઊંચી કરે છે ત્યારે વળી દૂર એક મૃગજળ દેખાય છે અને પુન: એની દોડનો પ્રારંભ થાય છે.