Categories
વાચન સમૃદ્ધિ

કરુણાના સંદેશવાહક

અપરાધીઓની વસ્તીથી ઊભરાતું હતું ઇંગ્લૅન્ડનું વોલવર્થ ઉપનગર. અહીંના મોટા ભાગના લોકો અત્યંત ગરીબ અને નિરક્ષર હતા. આને કારણે આ વિસ્તારની વસ્તીમાં ખૂબ ગુનાખોરી હતી. સ્વાભાવિક રીતે જ આની એમનાં સંતાનો પર વિપરીત અસર પડે. વળી નાનાં નાનાં છોકરાઓ પાસે પણ ખોટાં કામો કરાવતા હતા. આ સમયે કેમ્બ્રિજની પેમબ્રૂક કૉલેજનો વિદ્યાર્થી ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝ આ વિસ્તારમાં રહેવા આવ્યો. એના પિતા પાદરી હતા અને એ પણ ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ સાથે જોડાયેલો હતો. આ એન્ડ્રુઝે પહેલું કામ આસપાસની વસતીનાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું એમને એમના દૈનિક જીવનની નાની પણ મહત્ત્વપૂર્ણ વાતો સોદાહરણ સમજાવતા હતા. બાળકોને એમની વાત ખૂબ પસંદ પડી ગઈ. એ પછી એન્ડ્રુઝે ધીરે ધીરે એમનામાં ઉત્તમ સંસ્કાર સીંચવાનો પ્રારંભ કર્યો. આ વસતીમાં વસતા ઘણા લોકોએ અનુભવ્યું કે એમનાં બાળકોનાં કામ અને આચરણમાં ઘણો સુધારો થયો છે. આ બાળકો યુવાન બન્યાં એટલે એમણે એન્ડ્રુઝના સદાચારનો સંદેશ આપતા લોકોને કહ્યું, ‘તમે પ્રત્યેક રવિવારે સભામાં આવો અને નિર્ધાર કરો કે સપ્તાહમાં એક દિવસ અપરાધ નહીં કરો.’ યુવાનોની વાતથી સહુને એટલી બધી ખુશી ઊપજી કે એમણે નક્કી કર્યું કે અઠવાડિયામાં ચાર દિવસમાં કોઈ અપરાધ નહીં કરે અને સારું જીવન જીવશે. સમય જતાં વોલવર્થ વિસ્તારની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ અને સભ્યસમાજનું એક અંગ બની ગયો. આ જ સી. એફ. એન્ડ્રુઝ હંમેશાં ન્યાયના પક્ષે રહ્યા અને તેથી જ બ્રિટિશ સામ્રાજ્ય સામેની ભારતની લડતને એમણે ટેકો આપ્યો. ભારતીય રાજકીય કૉંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યા અને ૧૯૧૩માં ચેન્નાઈમાં વણકરોની હડતાળનો યોગ્ય હલ લાવ્યા. આ ચાર્લ્સ ફેરર એન્ડ્રુઝને એમના પ્રથમ અક્ષરને લઈને ગાંધીજી Christ’s Faithful Apostole કહેતા હતા. ગાંધીજીને દક્ષિણ આફ્રિકાથી ભારત આવવાનો આગ્રહ કરનાર પણ આ જ એન્ડ્રુઝ હતા અને ગરીબોના મિત્ર એવા એન્ડ્રુઝને સહુ ‘દીનબંધુ એન્ડ્રુઝ’ કહેવા લાગ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

સંકલ્પને કોઈ સીમા હોતી નથી

માનવીને સંકલ્પ જ સિદ્ધિ અપાવે છે, પરંતુ એ સંકલ્પને બદલે માન્યતાઓથી જીવન વ્યતીત કરવાનું વિશેષ પસંદ કરે છે. એની મોટા ભાગની માન્યતાઓનું પીઠબળ ગતાનુગતિકતા, ધાર્મિક ક્રિયાકાંડ કે સામાજિક વ્યવહાર હોય છે. એક સમયે અમુક વિશિષ્ટ સંજોગોમાં જાગેલી આવશ્યકતાને કારણે ધર્મ કે સમાજે પ્રચલિત કરેલી વિચારધારા કાળના પ્રવાહમાં જડ કે શુષ્ક માન્યતા બની જાય છે. આવી માન્યતાઓની પાછળ બધું જ હોય છે, પરંતુ અંત:કરણનું બળ હોતું નથી. એનું આચરણ કરવામાં આવે છે, ત્યારે એ આચરણનો અર્થ વિચારવામાં આવતો નથી. આવી માન્યતાઓ ક્યારેક જીવનને ઉપયોગી બને છે, પરંતુ સંકલ્પનું બળ ખૂટતું હોવાથી એમાં થનગનતો ઉત્સાહ, સતત સ્ફૂર્તિ અને પ્રબળ શક્તિનો અભાવ હોય છે. સંકલ્પ પાસે અવિરત ધગશ અને પ્રયત્નનો વિસ્ફોટ હોય છે. એને સિદ્ધિ કરવા નીકળેલી વ્યક્તિ પાસે ખુમારી અને ખુદ્દારી હોય છે. વળી એ સંકલ્પ સાથે કોઈ વિચાર કે ધ્યેય જોડાયેલું હોવાથી એ માન્યતા કરતાં વધુ સુદૃઢ હોય છે. માન્યતા આજે હોય અને કાલે આથમી પણ ગઈ હોય, આજે જેનું અનુસરણ કરતા હોઈએ તેની આવતી કાલે સદંતર ઉપેક્ષા પણ કરતા હોઈએ. આજે જે માન્યતાને અતિ મહત્ત્વની માનતા હોઈએ, તેને  આવતી કાલે સાવ નિરર્થક પણ માનીએ, જ્યારે સંકલ્પ પાસે એક નિશ્ચિત લક્ષ્ય હોવાથી વ્યક્તિ એની સિદ્ધિને માટે નિશાન પ્રતિ છૂટેલા તીરની માફક અવિરત ઉદ્યમવંત રહે છે. માન્યતા પોતે આંકેલી મર્યાદાઓના બંધનમાં જીવવાનો મરણિયો પ્રયાસ કરે છે, જ્યારે સંકલ્પને કોઈ સીમારેખા હોતી નથી. ચીલાચાલુ માર્ગે ચાલતી માન્યતા કશું આપતી કે નવું સર્જતી નથી, જ્યારે સંકલ્પ એ મહાન કાર્યો અને અપૂર્વ સિદ્ધિઓનો જન્મદાતા બને છે.

Categories
વાચન સમૃદ્ધિ

શહીદનો પિતા

સ્પેનમાં આંતરવિગ્રહનો ચરુ ઊકળતો હતો. સ્પેનની સરકાર અને સામ્યવાદી પક્ષ વચ્ચે ભીષણ આંતરવિગ્રહ ચાલતો હતો. સ્પેનની સેનાનું નેતૃત્વ કર્નલ માર્સ્કરાડો કરતા હતા. કર્નલ પાસે લશ્કરી વ્યૂહરચનાની આગવી કુનેહ હતી. એમની કાબેલિયતને પરિણામે સામ્યવાદીઓને ઠેરઠેરથી ઘોર પરાજય સહન કરવા પડ્યા. દુશ્મનોએ સ્પેનના લશ્કરના કર્નલ માર્સ્કરાડોના પુત્ર ઇમેન્યુઅલનું અપહરણ કર્યું. સ્પેનની રાજધાની મૅડ્રિડમાં અભ્યાસ કરતા ઇમેન્યુઅલનું અપહરણ કર્યા બાદ સામ્યવાદી દળોએ કર્નલને ચીમકી આપતાં કહ્યું, ‘તારો પુત્ર ઇમેન્યુઅલ અમારા કબજામાં છે. જો એને જીવતો રાખવા ચાહતો હોય, તો રાજધાની મૅડ્રિડમાંથી તમારી સેના હટાવી લો. અમારે શરણે આવો, મૅડ્રિડ અમારે હવાલે કરી દો.’ રાષ્ટ્રભક્ત કર્નલ માર્સ્કરાડોએ વિરોધીઓને આનો ઉત્તર આપતાં લખ્યું, ‘મને દેશની પહેલી ચિંતા છે, દીકરાની નહીં. રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યમાંથી હું સહેજે ચલિત નહીં થાઉં. અપહૃત ઇમેન્યુઅલને તમે ઇચ્છો તે સજા કરી શકો છો.’ સામ્યવાદી દળો તો આ ઉત્તર સાંભળીને અકળાઈ ઊઠ્યાં. એમને થયું કે કર્નલની સાથે એમનો લાચાર પુત્ર વાત કરશે, એટલે એની સાન ઠેકાણે આવશે. ઇમેન્યુઅલને વાત કરવા માટે ફોન આપવામાં આવ્યો, ત્યારે એણે એના પિતાને કહ્યું, ‘પિતાજી, દુશ્મનોએ છળકપટથી મારું અપહરણ કર્યું છે અને હવે મને સતત મારી નાખવાની ધમકી આપે છે.’ માર્સ્કરાડોએ એના પુત્રને રાષ્ટ્રપ્રેમીને છાજે તેવા શબ્દોમાં કહ્યું, ‘દીકરા, રાષ્ટ્ર પ્રત્યેના મારા કર્તવ્યને તું જાણે છે. તારી ફરજનો પણ તને પૂરો ખ્યાલ છે અને તેથી જ એક શહીદના પિતા તરીકે ઓળખાવું મારે મન મહાન ગૌરવભરી બાબત બની રહેશે.’ આ સંવાદ સાંભળતાં સામ્યવાદી પક્ષના નેતાઓએ ઇમેન્યુઅલના કપાળમાં ગોળી મારીને એની હત્યા કરી. રાષ્ટ્ર પ્રત્યેના કર્તવ્યમાં પિતા-પુત્ર એકેયે પાછી પાની કરી નહીં.