Categories
વાચન સમૃદ્ધિ

ચમકતી ખુશમિજાજી

અનેક વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે સમાજના પ્રશ્નો ઉકેલતા સમાજના અગ્રણીને કોઈએ પૂછ્યું, ‘તમે જાતજાતના લોકો સાથે ચર્ચા-વિચારણા કરો છો, તુંડે તુંડે મતિ: ભિન્ન-ને કારણે કેટલાયની સાથે કલાકો સુધી માથાકૂટ કરો છો. આટલું બધું થાય છે છતાં તમે કેમ હંમેશાં ખુશમિજાજ દેખાવ છો ?’ અગ્રણીએ કહ્યું, ‘તમારી વાત સાચી છે. લુચ્ચા, નાદાન, બેવકૂફ, કુટિલ અને દાવપેચ લડાવનારા ઘણા લોકો અહીં આવે છે. ઘણી વાર એમની ધૃષ્ટતા કે ક્રૂરતાને નમ્રતાનો અંચળો ઓઢાડે છે, પરંતુ એ બધાને જોતો રહું છું. માનવ-સ્વભાવને જાણતો હોવાથી એમની વાતોથી હું ઉશ્કેરાતો નથી, બલ્કે એમને માણું છું. એમની તરકીબો જોઈને મનોમન હસું છું. આવી વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવતા સામાજિક અન્યાયોથી હૃદયમાં અત્યંત દુ:ખી પણ થાઉં છું.’ એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો, ‘એ તો બરાબર, પણ આટલી વ્યથા અને પરેશાની વચ્ચે ચહેરા પર આવું હાસ્ય રાખવું, સદાય ખુશમિજાજ રહેવું, માનવમનની કુટિલતાઓ જોવા છતાં મનને ક્રોધિત થવા દેવું નહીં. આ અશક્ય કઈ રીતે શક્ય બનાવો છો ? એની પાછળનું રહસ્ય શું?’ અગ્રણીએ કહ્યું, ‘પ્રાત:કાળે જાગ્રત થાઉં ત્યારે મનમાં એક વિચાર કરું છું કે આજે મારો દિવસ કઈ રીતે પસાર કરવો છે ? ઘોર નિરાશાથી કે ચમકતી ખુશમિજાજીથી ? પછી હું નક્કી કરું છું કે આ બંને વિકલ્પોમાંથી બુદ્ધિમાન માણસે ખુશમિજાજી જ પસંદ કરવી જોઈએ, એટલે હું દિવસભર ખુશમિજાજ રહેવાનું નક્કી કરું છું. અને બસ, પછી તો એ ખુશમિજાજી મારી આસપાસના વાતાવરણમાં ભરી દઉં છું. મારી વિકલ્પની પસંદગી સતત યાદ રાખું છું. એમ કરીને હું નિરાશાને નજીક આવવા દેતો નથી. આ છે મારી આનંદમસ્તીનું રહસ્ય.’

Categories
વાચન સમૃદ્ધિ

ઈશ્વર દોષી નથી તમે અંધ છો

જીવનને વ્યર્થ કે નિરર્થક માનનારી વ્યક્તિઓએ જીવનને ભૌતિક ચીજવસ્તુઓના કાંટે જોખ્યું છે. જીવનથી હતાશ થનારી વ્યક્તિએ ફક્ત પ્રાપ્તિને જ જીવનનો માપદંડ માન્યો હોય છે. આવું જીવન  આપવા માટે હતાશ માનવી પ્રતિદિન અને પ્રતિક્ષણ પરમાત્માને દોષિત ગણે છે, પણ આ માનવી જેવો બીજો કોઈ મોટો ગુનેગાર નથી. આ માનવી ઈશ્વરે સાહજિક રીતે આપેલી મૂલ્યવાન કુદરતી ભેટને જોતો નથી. એને પરમાત્માએ કરેલા ઉપકારની કશી જાણ નથી. પરમાત્માએ એને આંખો આપી છે, પરંતુ એ લીલીછમ હરિયાળીથી પોતાની આંખો અને મનને ભરી દેતો નથી. પરમાત્માએ એની આસપાસ પ્રકૃતિનો ભંડાર ઊભો કર્યો છે, પણ પૈસાની પાછળ દોડતો માનવી પ્રકૃતિના આનંદને સાવ ભૂલી ગયો છે. જો પરમાત્માએ લીલીછમ પ્રકૃતિ કે વૃક્ષોની ઘેઘૂર ઘટા જોવાની કિંમત રાખી હોત તો ? તો આ માનવી જરૂર એ જોવાની મોંઘી ટિકિટ લઈને પણ ‘ઍન્જૉય’ કરવા આવતો હોત. પક્ષીનો મધુર કલરવ સાંભળવા એણે કલદાર માંગ્યા હોય તો માનવીએ હોંશે હોંશે ચૂકવ્યા હોત. ઈશ્વરે માનવીને વિનામૂલ્યે આટલું બધું આપીને એની જિંદગીને બહુમૂલ્ય બનાવી છે. પંખીઓનું ગીત, ધવલ ચાંદની, હસતાં ફૂલ કે ઘેઘૂર વૃક્ષોને જોશે તો પરમાત્માના અખંડ વિસ્તારનો સાક્ષાત્ અનુભવ થશે. વિરલ આહલાદની તમને અનુભૂતિ થશે. મંદ મંદ સમીરનો અનુભવ અંતરમાં શાંતિનો સ્પર્શ જગાવશે. હસતી-ખીલેલી કૂંપળો જીવનના આનંદની તાજગી દર્શાવશે. ધીરે ધીરે આમતેમ ડોલતાં વૃક્ષો કોઈ યોગીની મસ્તીનો અનુભવ કરાવશે. ગગનમાં ઊડતાં ઊડતાં મનમોજે કલરવ કરતાં પંખીઓમાં ભક્તિની ભાવધારાનો અનુભવ થશે અને આસપાસ પથરાયેલી હરિયાળી કુદરત આત્માની લીલીછમ જાજમનો ખ્યાલ આપશે.

Categories
વાચન સમૃદ્ધિ

ગુમાવેલા વાત્સલ્યનું સ્મરણ

ન્યાયાધીશે ચુકાદો આપતાં યુવાનને દસ વર્ષની સખત કેદની સજા કરી. આ ચુકાદો આપતી વખતે ન્યાયાધીશના ચહેરા પર વેદનાની રેખાઓ અંકિત થયેલી હતી, કારણ કે તેઓ આ યુવાનને એના બાલ્યકાળથી જાણતા હતા. એના પિતા સમગ્ર દેશમાં સર્વોચ્ચ કાયદા-નિષ્ણાત હતા અને તેથી આ ન્યાયાધીશ એમનો સંપર્ક અને આદર રાખતા હતા. ન્યાયાધીશે યુવાનને પૂછ્યું, ‘તને તારા પિતા યાદ આવે છે ખરા ?’ યુવાને કહ્યું, ‘નામદાર, મને એ બરાબર યાદ છે.’ ન્યાયાધીશે પૂછ્યું, ‘હવે, એક બાજુ તું સજા ભોગવવા જઈ રહ્યો છે. બીજી બાજુ તારા પિતા એક વિખ્યાત કાયદાવિદ હતા. તે બંને બાબતનું તને સ્મરણ થતું હશે. આ ક્ષણે તને તારા પિતા વિશે શો વિચાર આવે છે?’ અદાલતના ખંડમાં શાંતિ છવાઈ ગઈ. ન્યાયાધીશને યુવાન પાસેથી અણધાર્યો ઉત્તર મળ્યો. એણે કહ્યું, ‘‘મને એનું તીવ્ર સ્મરણ થાય છે કે જ્યારે જ્યારે હું મારા પિતા પાસે સલાહ માટે દોડી જતો ત્યારે એમણે તેઓ કાયદાનું જે પુસ્તક લખતા હોય, તેમાંથી માથું ઊંચું કરીને કહેતા, ‘ચાલ, ભાગી જા છોકરા, હું હમણાં કામમાં વ્યસ્ત છું.’ માનનીય ન્યાયમૂર્તિશ્રી, આપને મારા પિતાશ્રી એક મહાન કાયદાશાસ્ત્રી તરીકે યાદ છે, જ્યારે હું એમને મેં ગુમાવેલા વાત્સલ્યને માટે સ્મરું છું. જેટલી વાર એમની પાસે ગયો, તેટલી વાર જાકારો પામ્યો છું. ક્યારેક હડધૂત થયો છું.’’ ન્યાયાધીશ વિચારમાં પડ્યા અને બોલી ઊઠ્યા, ‘ઓહ ! બાળકોને બીજી બધી બાબત કરતાં આપણો સમય વધુ જોઈએ છે અને એ માત્ર ગુણવત્તામાં જ નહીં, પણ ભરપૂર પ્રમાણમાં.’