Categories
વાચન સમૃદ્ધિ

હું કોણ છું ?

ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ લેખક, ઇતિહાસકાર અને ચિંતક ટૉમસ કાર્લાઇલ એંસી વર્ષના થયા. ઓગણીસમી સદીના યુગસમસ્તના આત્માને આંદોલિત કરનાર કાર્લાઇલને એકાએક અહેસાસ થયો કે એમનું આખું શરીર સાવ પલટાઈ ગયું છે. આ શું થયું ? ચહેરો નિસ્તેજ, આંખો ઊંડી ઊતરી ગયેલી અને ગાલ પર પાર વિનાની કરચલીઓ ! સ્નાનગૃહમાંથી બહાર નીકળીને એ પોતાના શરીરને લૂછવા લાગ્યા, તો એમ જણાયું કે જે શરીરને એ વર્ષોથી જાણતા હતા, એ શરીરને બદલે કોઈ બીજું જ શરીર પોતે લૂછી રહ્યા છે. કાર્લાઇલ વિચારમાં પડ્યા કે જે કાયા સાથે વર્ષોથી માયા બંધાણી હતી, એ મનમોહક કાયા ક્યાં ગઈ ! જે શરીર માટે પોતે ગર્વ ધારણ કરતા હતા, એ શરીર એકાએક ક્યાં અલોપ થઈ ગયું? જે દેહની સુંદરતા જાળવવા માટે એમણે કેટલોય સમય ગાળ્યો હતો, તે દેહ ક્યાંય દેખાતો ન હતો. કાર્લાઇલ પરેશાન થઈ ગયા. યુવાની વીતી ગઈ. દેહને પણ ઘડપણ આવ્યું અને હવે તો એથીય વધુ, દેહ સાવ જર્જરિત બની ગયો. કાર્લાઇલ બેચેન બન્યા. આ તે કેવું ! જે દેહને પોતે અભિન્ન માનતા હતા, તે દેહ બદલાઈ ગયો અને પોતે તો હતા એવા ને એવા જ રહ્યા ! કાર્લાઇલના વિસ્મયનો પાર ન રહ્યો. પોતે છે પણ પેલું શરીર ક્યાં ? ધીરે ધીરે ગહન ચિંતનમાં ડૂબતા કાર્લાઇલના મનમાં એકાએક ચમકારો થયો. એમણે પોતાની જાતને પૂછ્યું : ‘અરે ! ત્યારે હું કોણ છું ?’

Categories
વાચન સમૃદ્ધિ

સંવેદનામાં સંભળાય છે સર્જક-આત્માનો અવાજ

સાહિત્યકાર પાસે સંવેદનાની મૂડી હોય છે. એ પોતાની સંવેદનાને શબ્દનો આકાર આપતો હોય છે, એણે સંવેદનાને ઉચિત રીતે જાળવવી પડે છે. પરંતુ જો યોગ્ય માવજત કરે નહીં, તો એની સંવેદના કે એનું સત્ય વ્યાપક નહીં બને, પણ અન્યને વાગનારું બનશે. પ્રત્યેક માનવી પાસે સંવેદનાની મૂડી હોય છે, પરંતુ સાહિત્યકાર પાસે એને શબ્દરૂપ આપવાની શક્તિ હોય છે. પણ એ પોતાની સંવેદનાને અંગત સ્વાર્થ સાથે જોડી દેશે તો એ સંવેદના અહંકારવૃત્તિ બની જશે. આથી જ સાહિત્યકારે સમાજ વચ્ચે જીવવાની જરૂર એ માટે છે કે એ અન્યનાં સુખ-દુ:ખ, ઉલ્લાસ અને વિષાદ જેવા ભાવોને પામી શકે અને એ રીતે પોતાની સંવેદનાનો વિસ્તાર સાધી શકે. સંવેદનાની પણ જબરી ચાલબાજી હોય છે. કેટલાક સર્જક આવી સંવેદનાની થોડી મૂડી સાથે આવે છે અને પછી એ ખર્ચાઈ જતાં બેબાકળા બની જાય છે. એની એકાદી કૃતિ વખણાય છે, પછી સંવેદનાનો ખાલીપો અનુભવતા પોતાની સંવેદનાને જુદા જુદા વેશ પહેરાવીને પ્રગટ કરવા કોશિશ કરે છે અથવા તો એને ચબરાકિયાં અજમાવવાં પડે છે. સાચી સંવેદના વિનાના સર્જકો તુક્કાઓની રચના કરતા હોય છે અને એ તુક્કાઓમાં એમની કૃત્રિમતા દેખાયા વિના રહેતી નથી. આજનો સર્જક એની સંવેદનાનો વિસ્તાર સાધશે નહીં, તો એનું સાહિત્ય વધુ ને વધુ સંકુચિત બની જશે. એને સંવેદનાના નવા નવા પ્રદેશો શોધવાના છે. બે દાયકા પહેલાંની સમસ્યાઓ કાળગ્રસ્ત બની ગઈ હોય છે અને તેથી જ નવી નવી સંવેદનાઓ સાથે સર્જકે પનારો પાડવો જોઈએ. આ સંવેદના એ સર્જક-આત્માનો અવાજ છે.

Categories
વાચન સમૃદ્ધિ

મરેલા કૂતરાને લાત

રોબર્ટ હટકિન્સ નામના યુવકે પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી. અમેરિકાની પ્રસિદ્ધ યેલ યુનિવર્સિટીમાંથી એ સ્નાતક થઈને બહાર નીકળ્યો, પરંતુ આ ગરીબ છોકરાને કોણ નોકરીએ રાખે ? આથી એણે હોટલમાં વેઇટરની નોકરી સ્વીકારી. એ પછી ભંગાર ભેગો કરનારા કબાડી તરીકે કામ કર્યું. ક્યાંક ટ્યૂટર તરીકે ભણાવવા લાગ્યો તો પછી સાબુના સેલ્સમૅન તરીકે પણ એ ઠેર ઠેર ફરવા લાગ્યો. પરંતુ પોતાના પ્રયત્નોમાં કોઈ કચાશ રાખી નહીં અને એનું ચમત્કારિક પરિણામ એ આવ્યું કે માત્ર આઠ જ વર્ષમાં આ તેજસ્વી વિદ્યાર્થી ઘણું ઊંચું પદ પામ્યો. અમેરિકાની ચોથા ક્રમની જાણીતી યુનિવર્સિટી શિકાગો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ તરીકે માત્ર ત્રીસ વર્ષની ઉંમરે નિયુક્ત થયો. અખબારોએ એની આ સિદ્ધિને ‘યુવા-ચમત્કાર’ ગણાવી. એને વિશે પ્રશંસાના લેખો પ્રસિદ્ધ થયા, પણ સાથોસાથ એને વિશે ટીકાઓ પણ થવા લાગી. કોઈએ એની વયને જોઈને કહ્યું કે, ‘એ તો સાવ બાળક જેવો છે. એને ક્યાંથી શિક્ષણની ગતાગમ પડે.’ કોઈએ એના શિક્ષણવિષયક ખ્યાલોનું વિશ્લેષણ કરીને એ સાવ વાહિયાત હોવાનું જાહેર કર્યું. ટીકાની દોડમાં અમેરિકાનાં મોટાં અખબારો પણ જોડાયાં અને એમણે આ યુવાનની ઠેકડી ઉડાડી. આ સમયે રોબર્ટ હટકિન્સના પિતાને એમના એક નજીકના મિત્રએ કહ્યું, ‘જુઓ, તમારા દીકરાની કેવી દશા થઈ છે ! નાની ઉંમરમાં આટલી મોટી સિદ્ધિ મેળવી એ સાચું. પરંતુ એને વિશે અખબારોમાં કેટલી બધી ટીકાઓ, આક્ષેપો થાય અને અભિપ્રાયો પ્રગટ થાય છે. એનાથી ખૂબ દુ:ખ થાય છે અને હૃદય બેચેન બની જાય છે.’ રોબર્ટ હટકિન્સના પિતાએ કહ્યું, ‘સાવ સાચી વાત છે તમારી. એના પર બેફામપણે ટીકા-ટિપ્પણીનો વરસાદ વરસે છે, પણ એક વાત યાદ રાખવી જોઈએ કે આ દુનિયામાં કોઈ માણસ મરેલા કૂતરાને લાત મારતો નથી.’