Categories
વાચન સમૃદ્ધિ

લાભદાયી ખરી?

મહાન તત્ત્વજ્ઞાની અને વિચારક સૉક્રેટિસ પોતાનો ઘણોખરો સમય ઍથેન્સ મહાનગરની શેરીઓમાં કે બજારોમાં વાતચીત કરીને વિતાવતો હતો. આ જ એની વિચારશિબિર કે કાર્યશાળા હતી. એક દિવસ એક યુવાને આવીને પૂછ્યું, ‘અરે સૉક્રેટિસ, મેં તમારા મિત્ર વિશે એક ગંભીર, ગુપ્ત વાત સાંભળી છે. તમે જાણો છો ખરા ? હું તમને કહું ?’ સૉક્રેટિસે એને અટકાવતાં કહ્યું, ‘તારી વાત જરૂર સાંભળીશ, પણ એ વાત કહેતાં પહેલાં તારે મારા ત્રણ પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. જો તારા ઉત્તરો યોગ્ય હશે, તો જરૂર તારી પાસેથી એ વાત સાંભળીશ.’ યુવાનને આશ્ચર્ય થયું. પોતે એક છાની વાત કહેવા આવ્યો અને વળી આ પ્રશ્નોત્તરી ક્યાંથી આવી ? યુવાને કહ્યું, ‘ભલે. પહેલાં તમે મને તમારા ત્રણ પ્રશ્નો કરો, પછી વાત કહું.’ ‘જો, તેં નજરોનજર એ જોયેલું છે કે પછી કોઈની પાસેથી સાંભળેલું છે. મારે એની સત્યતા જાણવી પડે.’ યુવાને કહ્યું, ‘મેં તમારા મિત્ર વિશેની વાત કોઈની પાસેથી સાંભળેલી છે.’ ‘ખેર, હવે બીજી બાબત એ છે કે એમાં મારા મિત્રની પ્રશંસા છે કે નિંદા છે ?’ યુવાનની જીભ જરા થોથવાવા લાગી. એણે કહ્યું, ‘વાત તો…જરાક… બરાબર નથી.’ સૉક્રેટિસે કહ્યું, ‘અને મારી છેલ્લી કસોટી એ છે કે તમે જે વાત કહેવાના છો, તે મને ઉપયોગી થાય તેવી છે ખરી ? મારે માટે એનો કોઈ અર્થ કે લાભ છે ખરો ?’

યુવાને કહ્યું ‘ના રે ના, આવી વાતમાં લાભ તે શું હોય ?’ સૉક્રેટિસે પતાવ્યું, ‘તમે જે વાત કહેવા આવ્યા છો તે સત્ય નથી, સારી નથી, લાભદાયી નથી, તો પછી એમાં તમારો અને મારો સમય શા માટે બરબાદ કરવો ?’ આટલું બોલી સૉક્રેટિસ ઍથેન્સની શેરીમાં આગળ વધ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

અંત:પ્રેરણાનો મૌન ને મૌલિક અવાજ

બુદ્ધિના આધારે અને તર્કના સહારે બધી બાબતોનું પૃથક્કરણ કરીને જીવનના મહત્ત્વના નિર્ણયો કરનાર એક મહત્ત્વની વાત ચૂકી જાય છે. વ્યક્તિના ચિત્તમાં એવી કેટલીય વિગતો અને માહિતી પડેલી હોય છે કે જેને એ પૃથક્કરણના ચીપિયાથી પકડી શકતી નથી. આથી કોઈ પણ નિર્ણય ગમે તેટલો તાર્કિક લાગે, તોપણ વ્યક્તિએ થોડો સમય થોભીને એ અંગે વિચાર કરવો જોઈએ અને એ તપાસ કરવી જોઈએ કે આ નિર્ણય મારા ચિત્તની એકાગ્રતાને આધારે લેવાયેલો નિર્ણય છે કે નહીં ? આવો નિર્ણય કાગળ પર નોંધીને એ વિશે થોડો સમય એના પર ધ્યાન કેન્દ્રિત કરીને વિચારવું જોઈએ. એ પછી ભીતરમાંથી કોઈ અવાજ આવે તો તે એકાગ્ર ચિત્તે સાંભળવો જોઈએ. આ આખીય પ્રક્રિયાનું કારણ એટલું જ કે તર્કના માપદંડથી જ નિર્ણય લેવા જતાં અંત:પ્રેરણા ચૂકી જવાય છે. આવી અંત:પ્રેરણા વ્યક્તિને એક નવી દિશા આપે છે. વિશ્વની મહાન વૈજ્ઞાનિક શોધો અને મહત્ત્વના ઐતિહાસિક નિર્ણયો હકીકતે આવી અંત:પ્રેરણાને આધારે જ થયા છે. આને તમે પ્રેરણા કહો, સ્ફુરણા કહો, અંત:પ્રેરણા કહો કે આત્માનો અવાજ કહો; પરંતુ આ બધી બાબતમાં તમારામાં રહેલી એક પ્રબળ શક્તિની ઓળખ આપે છે અને જો એ અંત:પ્રેરણાની શક્તિનો યોગ્ય કેળવણીથી વિકાસ કરવામાં આવે, તો વ્યક્તિ અશક્ય લાગતી બાબતને શક્ય કરી શકે છે. મૌલિક વિચારશક્તિ દ્વારા એ અંત:પ્રેરણા પામે છે. આવી અંત:પ્રેરણા સંતને આપત્તિમાંથી બહાર નીકળવાનો નવો માર્ગ ચીંધે છે, વિજ્ઞાનીના ચિત્તમાં નવા સંશોધનનું બીજ રોપે છે, ઉદ્યોગપતિ હોય તો એને નવા પ્રકારના ઉદ્યોગસાહસનો વિચાર આપે છે. આવી અંત:પ્રેરણા એ વ્યક્તિને મૌલિક દર્શનથી પ્રગતિના નવા આયામો શોધી આપે છે.

Categories
વાચન સમૃદ્ધિ

અંતરનો તરવરાટ

એક હોટલની ઉત્કૃષ્ટ વ્યવસ્થા જોઈને માનવજીવનના સાફલ્ય વિશે ગ્રંથલેખન કરતા ડૉ. નોર્મન વિન્સેન્ટ પિલ અતિ પ્રસન્ન થઈ ગયા. યુરોપની કેટલીય હોટલોમાં એ રહી ચૂક્યા હતા, પણ એમણે ક્યાંય પ્રવાસી માટે આટલી ચીવટ કે એની જરૂરિયાતોની ચિંતા જોયાં નહોતાં. આ માટે અભિનંદન આપવા તેઓ આલીશાન હોટલના કરોડપતિ માલિક આલ્ફ્રેડ ક્રેબ પાસે પહોંચ્યા અને કહ્યું, ‘તમે તમારી અઢળક સંપત્તિનો સાચે જ ઉત્તમ ઉપયોગ કર્યો છે.’ આલ્ફ્રેડ ક્રેબે કહ્યું, ‘સાહેબ, હું બાળપણમાં એટલો બધો ગરીબ હતો કે અંધારિયા ભંડકિયામાં અમે જીવન ગુજારતા હતા. મારી નોકરીનો પ્રારંભ હોટલમાં કપ-રકાબી અને એઠાં વાસણો સાફ કરવાથી કર્યો. સોંપાયેલું કામ ચીવટથી કરવું એ મારો નિશ્ચય. પરિણામે માત્ર એક મહિનામાં મારા માલિકે મને ‘પ્રમોશન’ આપ્યું. વાસણો સાફ કરવાને બદલે એ વાસણો બરાબર સ્વચ્છ થયાં છે કે નહીં, એની દેખરેખની કામગીરી સોંપી. કામ સોએ સો ટકા સંતોષકારક ન થાય, તો હું બેચેન બની જતો અને તેથી જ આળસુ અને પ્રમાદી લોકો મારી પાસે ટકી શકતા નહોતા. આમ પ્રગતિ કરતાં કરતાં હોટલના મૅનેજરના પદ સુધી પહોંચ્યો અને પછી થોડીઘણી મૂડી ભેગી થઈ એટલે આ સાહસ કર્યું.’ ‘ઓહ ! તમે તો ઘણું મોટું સાહસ કર્યું. થોડી મૂડીએ આવી આલીશાન હોટલ બંધાવવી, એ તો ઘણું મોટું સાહસ કહેવાય !’ ‘સાચી વાત ! પણ મેં મારા જેવા વ્યવસ્થિત, ચીવટવાળા અને મહેનતુ માણસોને તૈયાર કરવા માંડ્યા અને ઈશ્વરકૃપા, આપ જેવાની શુભેચ્છા અને મહેનતુ માણસોના સાથને કારણે હું એક પછી એક હોટલ મેળવતો ગયો અને આ વ્યવસાયમાં આગળ વધતો ગયો. આ બધાનું કારણ એક જ કે હું હંમેશાં મારી હોટલોમાં ગ્રાહકોને વધુ ને વધુ સુવિધા આપતી સગવડો મળી રહે તે માટે મૌલિક યોજનાઓ કરું છું અને સૌથી મોટી વાત તો એ કે નાનું હોય કે મોટું કામ હોય, પણ તરવરાટથી કરવામાં માનું છું. સાચું કહું તો મારા અંતરના આ તરવરાટે જ મને ઘણાં તોફાનો સામે પાર ઉતાર્યો છે અને એને કારણે જ આ સ્થિતિએ પહોંચ્યો છું.’