Categories
વાચન સમૃદ્ધિ

મૃત્યુ પછી પણ જીવતાં-ધબકતાં સત્કર્મો

આ જગત પરથી જીવનલીલા સંકેલી લીધા બાદ કશું શેષ રહે છે ખરું  કે પછી વ્યક્તિના દેહનાશની સાથોસાથ એણે પ્રાપ્ત કરેલાં યશ, સિદ્ધિ અને સમૃદ્ધિ સઘળું સમાપ્ત થઈ જાય છે ? વ્યક્તિનું અવસાન થયા પછી ધરતી પર એનું કશું બચે છે ખરું કે અગ્નિસંસ્કારની ભડભડતી આગમાં બધુંય ભસ્મીભૂત થઈ જાય છે ? નાશવંત જીવનમાં અવિનાશી હોય તો તે સત્કર્મ છે. કર્મ તો સહુ કોઈ કરે છે, કોઈ આજીવિકા માટે તો કોઈ અંગત સિદ્ધિ માટે, પરંતુ આવાં કર્મો કરનાર મૃત્યુ બાદ વિસ્મૃતિ પામે છે. કારણ કે માનવીનાં અંગત કામ તો વહેતા પ્રવાહમાં વહી જનારાં હોય છે. એ સામા પૂરે તરીને કોઈ સત્કર્મ કરનારો હોતો નથી. ગાડરિયા પ્રવાહે ચાલનાર વ્યક્તિના અસ્તિત્વની એના મૃત્યુ પછી કોઈ નોંધ પણ લેતું નથી અને એનો કોઈ અણસાર રહેતો નથી. દેહ સાથે સઘળું ભસ્મીભૂત થઈ જાય છે, જ્યારે સ્વાર્થ, સંકુચિતતા અને ભૌતિકતા જેવા અવરોધો પાર કરીને માનવી માટે કલ્યાણકારી સત્કર્મો કરનારને સહુ કોઈ યાદ કરે છે. સત્કર્મ કરવાની બે જ રીત છે, કાં તો તમે તમારી વાણી કે લેખિની દ્વારા સત્કર્મને પ્રગટ કરો અથવા તો તમે સ્વયં સત્કર્મ કરી બતાવો. આમ કાર્ય અને કલમ દ્વારા થયેલાં સત્કર્મો જ વ્યક્તિના મૃત્યુ પછી એના સ્મરણની સુવાસ આપતાં રહે છે. નાશવંત અને શાશ્વતનો ભેદ વહેલી તકે પારખી લેવો જોઈએ અને જેની નજર શાશ્વત સત્કર્મ પર છે તેની સામે નાશવંત બાબતો નાશ પામે છે. સત્કર્મ અ-મૃત છે. એ વ્યક્તિ જીવંત હોય કે દિવંગત હોય, પણ એના ભાવ સદાય વાતાવરણમાં સુવાસ પ્રેરતા હોય છે. પોતાના દેહની અને મનની શક્તિઓ સામાજિક કાર્યોમાં રેડીને કાર્ય કરનાર માનવીનાં દેહ કે મન ન હોય, તોપણ એનાં સત્કર્મ શાશ્વત રહે છે.

Categories
વાચન સમૃદ્ધિ

આપત્તિનો આશીર્વાદ

અમેરિકાનો ઉદ્યોગસાહસિક, શોધક અને ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનર સ્ટીવ જોબ્સ(જ. ૧૯૫૫, અ. ૨૦૧૧)ને જન્મથી જ દત્તક લેવામાં આવ્યો હતો. માત્ર થોડો સમય રીડ કૉલેજમાં અભ્યાસ કર્યો. ૧૯૭૪માં આંતરિક શાંતિ મેળવવા અને ઝેનનો અભ્યાસ કરવા ભારત આવ્યો. એ પછી ઍપલ કંપનીનો સહસ્થાપક બન્યો. એ પછી પણ સ્ટીવ જોબ્સના જીવનમાં એનું આખું અસ્તિત્વ હચમચી ઊઠે તેવી ઘટનાઓ બની. વીસ વર્ષની ઉંમરે સ્ટીવ વોઝનેટની સાથે પોતાના ઘરના ભંડકિયામાં એણે ઍપલ કમ્પ્યૂટર બનાવ્યું અને માત્ર દસ વર્ષમાં તો ભંડકિયામાંથી શરૂ થયેલો આ પ્રયત્ન ઍપલ કંપનીમાં પરિવર્તિત થયો. બે અબજ ડૉલર અને ચાર હજાર કર્મચારીઓ ધરાવતી ઍપલ કંપનીમાં મેકિન્ટોસ કમ્પ્યૂટર બનાવ્યું, પણ ત્રીસ વર્ષની વયે મતભેદો થતાં સ્ટીવ જોબ્સને પોતે સ્થાપેલી કંપનીમાંથી પાણીચું મળ્યું. દુનિયા આખીએ એક તમાશાની માફક આ ઘટના જોઈ, પણ સ્ટીવ જોબ્સે વિચાર્યું કે ભલે મારી અવગણના થઈ હોય છતાં કાર્યો પ્રત્યેનો મારો પ્રેમ તો એટલો જ સાબૂત છે. એણે નવેસરથી શરૂઆત કરી. ફરી નવી સર્જનાત્મક સિદ્ધિઓ પ્રાપ્ત થતી ગઈ. પછીનાં પાંચ વર્ષ એણે પોતાની કંપની ‘નેક્સ્ટ’ સ્થાપવામાં પસાર કર્યાં. એ પછી બીજી કંપની ‘પિક્સલ’ સ્થાપી અને એ કંપનીએ ‘ટૉય સ્ટોરીઝ’ નામની પહેલી કમ્પ્યૂટર ઍનિમેટેડ ફિલ્મ બનાવી. આ પ્રયાસોએ સ્ટીવ જોબ્સને દુનિયાભરમાં ખ્યાતિ અપાવી. સ્ટીવ જોબ્સનો ઍનિમેશન સ્ટુડિયો અભૂતપૂર્વ સફળતાને પામ્યો. ઘટનાઓ એવી બનતી ગઈ કે ઍપલ કંપનીએ ફરી સ્ટીવ જોબ્સને બોલાવ્યો. સ્ટીવ જોબ્સે નેક્સ્ટમાં જે ટૅકનૉલૉજી વિકસાવી હતી, તે ફરી ઍપલના પુનરુત્થાનનું કારણ બની. યુવાનીના એ સમયગાળામાં સ્ટીવ જોબ્સ એ શીખ્યો કે જિંદગીમાં ગમે તેવી આપત્તિ આવે, તોપણ હિંમત હારવી નહીં. અને માનવા લાગ્યો કે ઍપલમાંથી મળેલી રુખસદ આશીર્વાદરૂપ બની, કારણ કે જો ઍપલમાંથી એની હકાલપટ્ટી થઈ ન હોત તો આવા ટૅકનૉલૉજીના નવા વિશાળ ક્ષેત્રની ખોજ કરવાની એની સર્જનશીલતાને તક સાંપડી ન હોત.

Categories
વાચન સમૃદ્ધિ

બાવળ વાવીશું તો આંબા નહીં ઊગે

તમે સંતાનો પ્રત્યે આજે જ જાગો ! એને મમ્મી પાસેથી જીવનના પાઠ મળે તેવું આયોજન કરો, આજે માતાને બદલે મીડિયા બાળકનું માનસઘડતર કરવા લાગ્યું છે, તેથી આવતી કાલે એવું પણ બને કે આ બાળકના સંસ્કાર-ઘડતરનું કામ ‘કલર’ ચૅનલે કર્યું છે કે ‘પોગો’ ચૅનલે કર્યું છે તેની ચર્ચા ચાલે. આજે મમ્મી બાહ્ય જીવન અને સામાજિક પ્રસંગોમાં ડૂબેલી રહેશે અને પપ્પા પાસે સમયનો અભાવ રહેશે, તો પરિસ્થિતિ એવી આવશે કે તમારાં સંતાનને તમારી સાથે હૃદયનું કોઈ સંધાન કે લાગણીનું કોઈ અનુસંધાન રહેશે નહિ અને પછી ભવિષ્યમાં શું થશે ? ભવિષ્યમાં તમારી વૃદ્ધાવસ્થા સાથે આવનારી તમારી બીમારીઓની એ ઉપેક્ષા કરશે, તમારી વારંવારની ફરિયાદો પ્રત્યે બહેરા કાન રાખશે. જો વધુ વાત કરશો તો અધવચ્ચે અટકાવી દેશે અને તેમ છતાં જો તમે અટકશો નહિ, તો તમારો તિરસ્કાર કરશે. આવા સમયે ઘરનાં સંતાનોના તમે અણગમતા બની જશો. એ તમારે માટે વૃદ્ધાશ્રમની ખોજ કરશે, કારણ કે તમારી સાથે એને ફાવતું – બનતું નથી અને તમે એના સંસારમાં અણગમતા બની ગયા છે. આમ આજની પેઢીના ઘડતરમાં રસ લીધો નહિ, તો આવતી કાલ તેઓ તમને સસ્તા દરના વૃદ્ધાશ્રમમાં મોકલી આપશે. ‘જેવી કરણી તેવી ભરણી’ એવી સમાજલક્ષી કહેવતો જીવનલક્ષી પણ છે. જીવનમાં પોતાનાં સંતાનોને જેટલો પ્રેમ આપ્યો હશે એટલું જ વળતર મળતું હોય છે. ‘શ્રીમદ્ ભગવદગીતા’માં જેવું કર્મ કર્યું હોય તેવું ફળ મળવાની વાત છે. વાત વ્યાપક કે વૈશ્વિક દર્શનમાં જેટલી સાચી છે, એટલી જ અંગત કે પારિવારિક જીવનમાં છે.