Categories
વાચન સમૃદ્ધિ

સ્મશાનભૂમિ એ વ્યાજની આંધળી દોડનો અંત છે !

મૂડીને ભૂલીને રાતદિવસ વ્યાજની ગણતરી કરનારી વ્યક્તિને વ્યાજની રકમમાં થોડોક પણ ઘટાડો થાય, તો અતિ અજંપો જાગે છે. ‘કેટલું વ્યાજ છૂટશે ?’ એની ગણતરીથી એ માનવી સતત ઘેરાયેલો રહે છે અને સમય જતાં એ મૂડીને બદલે વ્યાજનો મહિમા કરવા લાગે છે. આ જગતમાં પણ એવું જોવા મળે છે કે ઘણી વ્યક્તિઓ જીવનની મૂડીનો વિચાર ભૂલીને વ્યાજની ફિકરમાં રચ્યાપચ્યા રહે છે. જીવનની પ્રવૃત્તિ, જીવનનો આનંદ અને જીવનનું ધ્યેય એ એની મૂડી હોય છે, પરંતુ સમય જતાં એ મૂડીને વીસરીને ધનની લાલસા, કીર્તિની કામના, સત્તાનો ઉધમાત જેવા વ્યાજમાં જીવવા લાગે છે. પછી બને છે એવું કે લોકેષણા, વિત્તેષણા અને પુત્રેષણાના વ્યાજમાં સાર્થક જીવન જીવવાની એની એષણા ભુલાતી જાય છે. કીર્તિની પાછળ દોડતો માણસ એના ઢગલેઢગલા મેળવવા પ્રયાસ કરે છે, તો ધનની પ્રાપ્તિની પાછળ દોડતો માણસ વધુ ધનિક, અતિ ધનિક અને સૌથી વધુ ધનિક થવાની કોશિશ કરે છે. આવા વ્યાજની લાલચમાં જિંદગીની મૂડી ગુમાવનારા તમને ઘણા મળશે.

જીવન છે ત્યાં સુધી ધન, કીર્તિ અને સત્તા છે. જો જીવનની મૂડી નહીં હોય, તો એ કશાયનો કોઈ અર્થ નથી. પણ કોણ જાણે કેમ આ જમાનાને મૂડીમાં રસ નથી. વ્યાજની પાછળ એ ગાંડોતૂર બનીને દોડે છે! જીવનની ઉપેક્ષા કરીને વર્ષો ગાળતો જાય છે. એના માથે વ્યાજની ચિંતા છે, પણ મૂડીનું કોઈ ચિંતન નથી. આ દોડનો અંત સ્મશાનમાં આવે છે. જો પહેલેથી એણે દોડતાં પૂર્વવિરામ એવા સ્મશાનનો વિચાર કર્યો હોત, તો એ પદ, કીર્તિ કે વૈભવની આંધળી દોડમાંથી ઊગરી શક્યો હોત.

Categories
વાચન સમૃદ્ધિ

વાઘ કરતાં ખતરનાક

ચીનના મહાન ચિંતક અને ધર્મસ્થાપક કૉન્ફ્યૂશિયસે (ઈ. સ. પૂર્વે ૫૫૧થી ઈ. સ. પૂર્વે ૪૭૯) બાવીસમા વર્ષે પોતાના ઘરમાં પાઠશાળા સ્થાપી અને શિષ્યોને પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ અને વિવિધ કલાઓનો અભ્યાસ કરાવવા લાગ્યા.

સત્યના ઉપાસક એવા કૉન્ફ્યૂશિયસ મિતભાષી અને મન, વચન અને કર્મમાં એકતા ધરાવતા હતા, એથીય વિશેષ ઈશ્વર કે પરલોક જેવી પરોક્ષ વસ્તુઓની પાછળ પડવાને બદલે આ લોકને સુધારીએ તેમ કહેતા. આ ભૂમિ પર સદાચાર દ્વારા નંદનવન વસાવીએ એ એમનું સૂત્ર હતું.

કૉન્ફ્યૂશિયસ એક વાર પોતાના શિષ્યો સાથે જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે એમને કાને કોઈ આક્રંદ કરતી સ્ત્રીનો અવાજ પડ્યો. કૉન્ફ્યૂશિયસે એક શિષ્યને તપાસ કરવા માટે એ સ્ત્રીની પાસે મોકલ્યા ત્યારે તે સ્ત્રીએ કહ્યું,

‘આ જંગલમાં વાઘે આતંક મચાવી દીધો છે. થોડા દિવસ પહેલાં મારા સસરાને વાઘે ફાડી ખાધા અને એ પછી મારા પતિને પણ વાઘે ફાડી ખાધા.’

શિષ્યે ગુરુ કૉન્ફ્યૂશિયસને આ વાત કરી, ત્યારે કૉન્ફ્યૂશિયસે એ સ્ત્રીને કહ્યું, ‘આટલા બધા ભય અને દુ:ખમાં જીવો છો શા માટે ? એના કરતાં બીજી જગાએ રહેવા કેમ જતાં રહેતાં નથી ?’

આ સાંભળીને સ્ત્રીએ કહ્યું, ‘આપની વાત સાચી છે, પરંતુ અહીંનો રાજા અત્યંત દયાળુ છે, સહેજે જુલમી નથી, રાજના કર્મચારીઓ પ્રામાણિક છે, સહેજે લાંચિયા નથી. અહીંના વેપારીઓ બમણા ભાવે કશું વેચતા નથી, આથી વાઘનો ભય હોવા છતાં મને અહીં રહેવું ગમે છે.

કૉન્ફ્યૂશિયસે પોતાના શિષ્યો તરફ ફરીને કહ્યું, ‘કેવી સમજવા જેવી વાત છે. માણસો જુલ્મી રાજા અને ભ્રષ્ટાચારી અમલદારોને વાઘ કરતાંય ખતરનાક ગણે છે.’

Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસાની લાલસા એ આત્મહત્યા છે !

માણસને વળગેલી સૌથી મોટી ગુલામી તે બીજાના મુખે સ્વપ્રશંસા સાંભળવાની એની તીવ્ર ઇચ્છા છે. એ પોતાની સિદ્ધિનો આનંદ ગુમાવી બેઠો છે અને અન્ય વ્યક્તિ એ સિદ્ધિની પ્રશંસા કરે એની રાહ જોઈને ટાંપીને બેઠો છે. પરિણામે સ્વ-જીવનની આનંદ-મસ્તી ગુમાવી દીધી છે. એનું લક્ષ્ય આત્માનંદને બદલે અન્ય દ્વારા થતી પ્રશંસા છે. બીજા લોકો પોતાની પ્રશંસા કરે તે માટે માણસ કેટલો બધો ઉત્સુક રહે છે. એ પોતાની સિદ્ધિનાં ગુણગાન ગાયા કરે છે અને એમ કરીને બીજા પાસેથી બિરદાવલીની અપેક્ષાઓ રાખ્યા કરે છે. પોતાની પ્રાપ્તિની વાત કરે છે અને બીજા પાસેથી પોતાના પુરુષાર્થ માટે શાબાશી મેળવવાની કામના રાખે છે. એ પોતાના વિશે જે કંઈ કહે છે તે બીજાની પ્રશંસાની ભીખ માગવા માટે બોલે છે. વ્યક્તિનું લક્ષ્ય પોતાને બદલે બીજા પર ઠર્યું હોવાથી એ બીજાની નજરે પોતે સુખી, સમૃદ્ધ અને સત્તાવાન દેખાય, તેમને માટે રાત-દિવસ પ્રયત્ન કરે છે. બીજાને એની પ્રચંડ શક્તિનો પરિચય થાય કે પછી બીજાને એની અઢળક સમૃદ્ધિનો ખ્યાલ આવે, તે એનું મુખ્ય લક્ષ્ય બને છે. આથી એની દૃષ્ટિ પરાવલંબી બની જાય છે અને સમય જતાં એનું આખુંય જીવન બીજાને કેવો લાગીશ, દેખાઈશ અને અન્ય પર પોતાનો કેવો રુઆબ પડશે તેમાં સમેટાઈ જાય છે. આમ કરવા જતાં એ પોતીકી રીતે જીવતો નથી. ક્ષણે ક્ષણે એ અન્યને નજર સમક્ષ રાખીને જીવે છે. પ્રશંસા સાથે અહંકાર જોડાઈ જાય છે, સત્તા કે સંપત્તિનો અહંકાર આવી પ્રશંસા માટે સદૈવ આકુળવ્યાકુળ થતો હોય છે. સમય જતાં વૈભવની વાત વીસરાઈ જાય છે. સત્તાના પ્રભાવની ફિકર રહેતી નથી, માત્ર પ્રશંસા એ એકમાત્ર ધ્યેય બની રહે છે.