Categories
વાચન સમૃદ્ધિ

કટાક્ષથી ઉત્તર

નાટ્યલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચારક જ્યોર્જ બર્નાર્ડ શૉ(ઈ. સ. ૧૮૫૬થી ઈ. સ. ૧૯૫૦)ને ૧૯૨૫માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે રોકડ રકમનો અસ્વીકાર કર્યો હતો. એમને મુક્ત ચિંતક, મહિલાઅધિકારોના પુરસ્કર્તા અને સમાજની આર્થિક સમાનતાના હિમાયતી તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ એમના હાજરજવાબીપણા માટે પ્રસિદ્ધ હતા. તેઓ કોઈ પણ વ્યક્તિના કટાક્ષનો એવો પ્રત્યુત્તર આપતા કે સામેની વ્યક્તિ તદ્દન નિરુત્તર બની જતી.  એક વાર તેઓ એક હાસ્યલેખકને મળવા ગયા. એ હાસ્યલેખકે એમનો ઉષ્માપૂર્ણ અતિથિસત્કાર કર્યો. ઘણા લાંબા સમય સુધી બંનેએ અલકમલકની વાતો કરી અને અંતે બર્નાર્ડ શૉએ એ હાસ્યલેખક સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. બર્નાર્ડ શૉએ કહ્યું, ‘આપણા બંનેના હાસ્યમાં ઘણી પ્રભાવક લાક્ષણિકતાઓ છે. જો આપણે બંને સાથે મળીને એક પુસ્તક લખીએ, તો એમાં હાસ્યની બેવડી મજા આવે.’ જ્યોર્જ બર્નાર્ડ શૉનો આ પ્રસ્તાવ બીજા હાસ્યલેખકને સ્વીકાર્ય નહોતો, આથી એણે એનો ઇન્કાર કરવા વિચાર્યું, પરંતુ એમ થયું કે સીધેસીધો આ પ્રસ્તાવ ઠુકરાવીશ, તો યોગ્ય નહીં ગણાય. વળી પોતે હાસ્યકાર છે એ સિદ્ધ કરવા માટે જવાબ તો કટાક્ષપૂર્ણ જ આપવો જોઈએ. એણે કહ્યું, ‘મિ. શૉ, તમારા પ્રસ્તાવ વિશે વિચારતાં મને એમ લાગે છે કે શું ક્યારેય ઘોડા અને ગધેડાને એકસાથે જોડી શકાય ખરા ?’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ તત્કાળ ઉત્તર આપ્યો, ‘મિત્ર, તમને મારો પ્રસ્તાવ પસંદ પડ્યો નહીં, તેનો કંઈ વાંધો નહીં, પરંતુ મને કશાય કારણ વગર માણસમાંથી ઘોડો કેમ બનાવી રહ્યા છો ?’

બર્નાર્ડ શૉનો ઉત્તર સાંભળી વ્યંગ્યકાર છોભીલો પડી ગયો.

Categories
વાચન સમૃદ્ધિ

કર્તાભાવ સતત કૂદકા લગાવે છે !

દ્રષ્ટાને બદલે કર્તા બનવાના અતિ ઉત્સાહને કારણે માનવીએ એના સાહજિક જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરી નાખ્યું છે. માણસને કર્તા બનવાની વારંવાર એવી હોંશ જાગતી હોય છે કે એ કોઈ પણ સારા કાર્યમાં કોઈ પણ રીતે પોતાના કર્તૃત્વની છાપ ઘુસાડવા પ્રયત્ન કરે છે. ‘મેં આ કામ કર્યું’, ‘મેં આ સિદ્ધિ મેળવી’, ‘મારે કારણે એમનું જીવન સુધર્યું’, ‘મેં એમને સુખ આપ્યું’ – આ રીતે પોતાના કર્તૃત્વને આગળ ધરવાની બૂરી આદત ઘણા માણસોમાં હોય છે. સારી વાતમાં કર્તા થવાની આતુરતાને કારણે એ જરૂર પડે તો અન્ય વ્યક્તિની વાતને અધવચ્ચેથી અટકાવીને પણ પોતાના કર્તૃત્વની બાંગ પોકારે છે. કર્તાભાવ એ ચાલતો નથી, ગતિ કરતો નથી, પરંતુ હંમેશાં કૂદકો લગાવતો હોય છે. મનમાં કૂદકો મારતો એ કર્તાભાવ સતત ઊછળ્યા કરતો હોય છે.  ઊછળતી વખતે એના મનમાં અહમ્ હોય છે અને એના ઉછાળમાં પોતાની આવડત દેખાય એવો એનો હેતુ હોય છે. ચેપી રોગની માફક એ લાગુ પડે પછી એવો વ્યાપ થઈ જાય છે કે એને અંદેશો પણ આવતો નથી કે પોતાના આવા કર્તાભાવના કૂદકાને બધા હાંસીપાત્ર ગણે છે. સમય જતાં આનું પરિણામ એ આવે છે કે આવી વ્યક્તિ યેનકેપ્રકારેણ પોતાની શક્તિ આગળ ધરવાની વૃત્તિને કારણે બીજાની ક્ષમતાને જોઈ શકતી નથી. પરિસ્થિતિને પામવાને બદલે પોતાના અહમના પ્રાગટ્ય પર એનો ભાર હોય છે. કર્તાભાવની પ્રબળતાને કારણે એનો દ્રષ્ટાભાવ આથમી જાય છે. એના વ્યક્તિગત જીવનમાં દુ:ખ આવે કે સુખ, વિષાદ જાગે કે ઉલ્લાસ  – એ બધાને કર્તાની દૃષ્ટિએ જુએ છે, દ્રષ્ટાની દૃષ્ટિએ નહીં. વ્યક્તિ પોતાના જીવનને દ્રષ્ટા બનીને દૂરથી જુએ તો જ એ પરિસ્થિતિનાં મૂળ કારણો સુધી પહોંચી શકે છે અને આગળ વધીને આત્મચિંતન અને આત્મવિશ્લેષણ કરી શકે છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચોવીસ કલાક પછી

સૂફી ફકીર જુનૈદને એના ગુરુએ એક શિખામણ ગાંઠે બંધાવી. ગુરુએ એને કહ્યું કે ‘કોઈ વ્યક્તિ કશું બોલે, ત્યારે તત્કાળ પ્રતિક્રિયા આપવાનો પ્રયત્ન કરતો નહીં. કોઈ ગુસ્સે થઈને ગમે તેટલા અપશબ્દો કહે, તોપણ તરત એની સામે જવાબ આપવા જઈશ, તો તું તારો વિવેક અને મર્યાદા બંને ખોઈ બેસીશ. આથી ત્વરિત ઉત્તર આપવાને બદલે થોડા સમય પછી ઉત્તર આપજે, કારણ કે ઉત્તર આપવાને માટે આપણા મનને સારાસારનો વિચાર કરવાની પૂરતી તક આપવી જોઈએ.’ એમાં પણ ફકીર જુનૈદને કહ્યું કે, ‘કોઈ તારા પર અત્યંત કોપાયમાન થાય, ખૂબ ગુસ્સે થાય, એનાં ભવાં ચડી જાય, એની આંખો લાલઘૂમ થઈ જાય અને હાથની મુઠ્ઠીઓ વાળીને એ બોલે, ત્યારે પણ તું એના અપશબ્દો, આરોપો કે આક્ષેપોનો તરત ઉત્તર આપવાને બદલે ચોવીસ કલાક બાદ ઉત્તર આપજે.’ પોતાના ગુરુની સલાહ સ્વીકારીને જુનૈદે સાધના કરવા માંડી. એક વાર એના વિરોધીઓએ આવીને એના પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો. કેટલાય અણછાજતા આક્ષેપો કર્યા. એનો આશય એટલો હતો કે જુનૈદ ગુસ્સે થાય અને ઉશ્કેરાઈને ફકીરને ન છાજે એવું દુર્વર્તન કરે. આવે સમયે જુનૈદ મૌન રહેતા. ગુરુએ આપેલી શિખામણનું સ્મરણ કરતા અને ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલા પેલા માણસને કહેતા, ‘ભાઈ, હું તારી સઘળી વાતનો આવતીકાલે જવાબ આપીશ.’ બીજે દિવસે એ વ્યક્તિ ઉત્તર માટે ઉપસ્થિત થતી, ત્યારે જુનૈદ એને એટલું જ કહેતા કે ‘હવે મારે કંઈ કહેવાનું રહેતું નથી.’ આ જોઈને અપશબ્દો બોલનારી વ્યક્તિ એમને પૂછતી કે, ‘ગઈકાલે મેં તમારા પર ક્રોધ કરીને અપશબ્દોનો મારો વરસાવ્યો, છતાં તમે એના પ્રતિઉત્તર તરીકે કશું ન બોલ્યા. માત્ર મૌન રાખ્યું. તમને હું સમજી શકતો નથી.’ જુનૈદે કહ્યું, ‘મારા ગુરુએ મને સૂચવ્યું છે કે એવી વ્યક્તિ તારા પર ગુસ્સે થાય, તો ચોવીસ કલાક પછી ઉત્તર આપજે. એ દરમિયાન તારા ગુસ્સાના કારણમાં સચ્ચાઈ હોય તો તેને સ્વીકારું છું અને તેં ખોટા ઇરાદાથી ગુસ્સો કર્યો હોય, તો ચોવીસ કલાકમાં ગુસ્સો ઓગળી જતાં ક્ષમા આપું છું.’