Categories
વાચન સમૃદ્ધિ

અધીરાઈ એ આજના યુગનો અભિશાપ છે.

જમાનો ‘ઇન્સ્ટન્ટ’નો આવ્યો છે ! નિરાંતે જમવાનું છોડીને વ્યક્તિ ફાસ્ટ ફૂડ પાછળ દોડે છે. આજે વેપાર શરૂ કરે છે અને આવતીકાલે અબજોપતિ થવાનું ખ્વાબ સેવે છે. આજે કર્મ કરે છે અને આવતીકાલે ફળ-પ્રાપ્તિની રાહ જુએ છે. માણસના જીવનમાંથી નવરાશ નામશેષ થઈ ગઈ છે અને નિરાંતને દેશવટો મળ્યો છે. આને કારણે વ્યક્તિ પરિણામ પર નજર માંડીને બેઠી છે. પ્રેરણા, પ્રક્રિયા કે પુરુષાર્થની બહુ પંચાત કરવામાં માનતો નથી. આજે ગોટલી વાવે છે અને આવતીકાલે આંબાની આશા રાખે છે. એની પાસે ધીરજ ધારણા કરવાની શક્તિ નથી. અધીરાઈ એ એનો મુદ્રાલેખ છે. સવારે એ પોતાના ઉદ્યાનમાં નાનકડો છોડ વાવે છે અને સાંજે એના પર ખીલેલાં પુષ્પો જોવા નજર ઠેરવે છે. એની પાસે એ ધૈર્ય નથી કે છોડ ધરતી સાથે બરાબર ચોંટે, ખાતર-પાણી પામે, બરાબર ઊગે અને પછી એના પર મિષ્ટ ફળો આવે. એના વિચારની આ અધીરાઈ વ્યવહારમાં પ્રતિબિંબિત થાય છે અને વ્યવહારની અધીરાઈ તોછડાઈ કે ઉપેક્ષામાં પરિણમે છે. શૉર્ટકટ એ એના જીવનનો માર્ગ બની જાય છે અને તેથી એના જીવનમાં તત્કાળનો મહિમા થઈ ગયો છે. રેસ્ટોરન્ટમાં જાય અને તત્કાળ વાનગી મળે, વ્યવસાય માટે જાય અને તત્કાળ પ્રમોશન મળે, ‘તત્કાળ’ને કારણે એ એની વિચારશક્તિ ગુમાવી બેઠો છે અને કામને ઉતાવળે કરવા જતાં અવળું પરિણામ આવે છે. પોતાના અંગત જીવનમાં પ્રશ્નો કે સામાજિક સમસ્યાઓ ઉકેલવા માટે એની પાસે સહેજે રાહ જોવાની વૃત્તિ કે  ખામોશી નથી, કારણ કે પ્રતીક્ષાને એ નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લેખે છે અને એને કારણે આયુષ્યની લાંબી દોડ દોડનારને જીવનસાર્થક્ય કે જીવનસાફલ્ય મળે, તેવું કશું પ્રાપ્ત થતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

સોળ વર્ષનું સરવૈયું

અબ્રાહમ લિંકને સ્પ્રિંગફિલ્ડમાં પચીસ વર્ષ સુધી વકીલાત કરી. પાંચ વર્ષ સુધી મેજર સ્ટુઅર્ટ સાથે, ત્રણ વર્ષ સુધી લોગન સાથે વકીલાતમાં ભાગીદારી કરી. એ પછી ૧૮૪૩માં વિલિયમ હર્નડન સાથે વકીલાતમાં ભાગીદારી રાખી. વકીલ તરીકે નામના પ્રાપ્ત કરવાની સાથે રાજકીય ક્ષેત્રે પણ પ્રગતિ કરી અને એમણે અમેરિકાનું પ્રમુખપદ પ્રાપ્ત કર્યું. વકીલાતને અને સ્પ્રિંગફિલ્ડને છોડવાની પૂર્વરાત્રિએ અબ્રાહમ લિંકન વિદાય લેવા માટે ઑફિસમાં ગયા. એમનો વર્ષો જૂનો ભાગીદાર વિલિયમ હર્નડન એમની સાથે હતો. અબ્રાહમ લિંકને પોતાનું બાકીનું કામ પૂર્ણ કર્યું. હિસાબ પતાવ્યો અને પછી ઑફિસની સૌથી પુરાણી ખુરશી પર બેસીને હર્નડન સાથે વાતે વળગ્યા.

વિદાય પ્રસંગે બંનેનાં હૃદય ગળગળાં થઈ ગયાં. બંને થોડી વાર મૌન રહ્યા, પછી લિંકને કહ્યું, ‘આપણે સાથે કામ કર્યાંને કેટલાં વર્ષો થઈ ગયાં ?’

‘આશરે સોળ વર્ષથી વધુ.’

‘અને છતાં કોઈ દિવસ આપણે એકબીજા સાથે ઊંચા સાદે બોલ્યા નથી.’

હર્નડને કહ્યું, ‘કદાપિ નહીં.’ અને પછી બંને મિત્રોએ વીતેલાં વર્ષોના અનુભવોનું આનંદપૂર્વક સ્મરણ કર્યું. લિંકન પોતાને ઉપયોગી પુસ્તકો લઈને હર્નડન સાથે નીચે ઊતરતા હતા, ત્યારે ઑફિસની બહાર લટકાવેલા જૂના પાટિયા પર નજર કરીને લિંકને કહ્યું, ‘દોસ્ત, આપણા નામનું આ પાટિયું ક્યારેય કાઢી નાખતો નહીં. હું દેશનો પ્રમુખ થયો, તેથી આપણી ઑફિસમાં કોઈ ફેર પડતો નથી. જો મારે ફરી અહીં પાછા આવવાનું બનશે, તો આપણે જિંદગીમાં જાણે કશું બન્યું નથી તેમ, ફરી પાછું આપણું વકીલાતનું કામકાજ સાથે ચાલુ કરી દઈશું.’

દાદરો ઊતરતાં પહેલાં લિંકને પોતાની ઑફિસ પર છેલ્લી નજર કરી. એક ઊંડો નિશ્વાસ નાખ્યો. પરસ્પરની વિદાય લીધી અને વિદાય વેળાએ બંને મિત્રોની આંખોમાં આંસુ ઊભરાઈ રહ્યાં !

Categories
વાચન સમૃદ્ધિ

સ્મશાનભૂમિ એ વ્યાજની આંધળી દોડનો અંત છે !

મૂડીને ભૂલીને રાતદિવસ વ્યાજની ગણતરી કરનારી વ્યક્તિને વ્યાજની રકમમાં થોડોક પણ ઘટાડો થાય, તો અતિ અજંપો જાગે છે. ‘કેટલું વ્યાજ છૂટશે ?’ એની ગણતરીથી એ માનવી સતત ઘેરાયેલો રહે છે અને સમય જતાં એ મૂડીને બદલે વ્યાજનો મહિમા કરવા લાગે છે. આ જગતમાં પણ એવું જોવા મળે છે કે ઘણી વ્યક્તિઓ જીવનની મૂડીનો વિચાર ભૂલીને વ્યાજની ફિકરમાં રચ્યાપચ્યા રહે છે. જીવનની પ્રવૃત્તિ, જીવનનો આનંદ અને જીવનનું ધ્યેય એ એની મૂડી હોય છે, પરંતુ સમય જતાં એ મૂડીને વીસરીને ધનની લાલસા, કીર્તિની કામના, સત્તાનો ઉધમાત જેવા વ્યાજમાં જીવવા લાગે છે. પછી બને છે એવું કે લોકેષણા, વિત્તેષણા અને પુત્રેષણાના વ્યાજમાં સાર્થક જીવન જીવવાની એની એષણા ભુલાતી જાય છે. કીર્તિની પાછળ દોડતો માણસ એના ઢગલેઢગલા મેળવવા પ્રયાસ કરે છે, તો ધનની પ્રાપ્તિની પાછળ દોડતો માણસ વધુ ધનિક, અતિ ધનિક અને સૌથી વધુ ધનિક થવાની કોશિશ કરે છે. આવા વ્યાજની લાલચમાં જિંદગીની મૂડી ગુમાવનારા તમને ઘણા મળશે.

જીવન છે ત્યાં સુધી ધન, કીર્તિ અને સત્તા છે. જો જીવનની મૂડી નહીં હોય, તો એ કશાયનો કોઈ અર્થ નથી. પણ કોણ જાણે કેમ આ જમાનાને મૂડીમાં રસ નથી. વ્યાજની પાછળ એ ગાંડોતૂર બનીને દોડે છે! જીવનની ઉપેક્ષા કરીને વર્ષો ગાળતો જાય છે. એના માથે વ્યાજની ચિંતા છે, પણ મૂડીનું કોઈ ચિંતન નથી. આ દોડનો અંત સ્મશાનમાં આવે છે. જો પહેલેથી એણે દોડતાં પૂર્વવિરામ એવા સ્મશાનનો વિચાર કર્યો હોત, તો એ પદ, કીર્તિ કે વૈભવની આંધળી દોડમાંથી ઊગરી શક્યો હોત.