Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસાની લાલસા એ આત્મહત્યા છે !

માણસને વળગેલી સૌથી મોટી ગુલામી તે બીજાના મુખે સ્વપ્રશંસા સાંભળવાની એની તીવ્ર ઇચ્છા છે. એ પોતાની સિદ્ધિનો આનંદ ગુમાવી બેઠો છે અને અન્ય વ્યક્તિ એ સિદ્ધિની પ્રશંસા કરે એની રાહ જોઈને ટાંપીને બેઠો છે. પરિણામે સ્વ-જીવનની આનંદ-મસ્તી ગુમાવી દીધી છે. એનું લક્ષ્ય આત્માનંદને બદલે અન્ય દ્વારા થતી પ્રશંસા છે. બીજા લોકો પોતાની પ્રશંસા કરે તે માટે માણસ કેટલો બધો ઉત્સુક રહે છે. એ પોતાની સિદ્ધિનાં ગુણગાન ગાયા કરે છે અને એમ કરીને બીજા પાસેથી બિરદાવલીની અપેક્ષાઓ રાખ્યા કરે છે. પોતાની પ્રાપ્તિની વાત કરે છે અને બીજા પાસેથી પોતાના પુરુષાર્થ માટે શાબાશી મેળવવાની કામના રાખે છે. એ પોતાના વિશે જે કંઈ કહે છે તે બીજાની પ્રશંસાની ભીખ માગવા માટે બોલે છે. વ્યક્તિનું લક્ષ્ય પોતાને બદલે બીજા પર ઠર્યું હોવાથી એ બીજાની નજરે પોતે સુખી, સમૃદ્ધ અને સત્તાવાન દેખાય, તેમને માટે રાત-દિવસ પ્રયત્ન કરે છે. બીજાને એની પ્રચંડ શક્તિનો પરિચય થાય કે પછી બીજાને એની અઢળક સમૃદ્ધિનો ખ્યાલ આવે, તે એનું મુખ્ય લક્ષ્ય બને છે. આથી એની દૃષ્ટિ પરાવલંબી બની જાય છે અને સમય જતાં એનું આખુંય જીવન બીજાને કેવો લાગીશ, દેખાઈશ અને અન્ય પર પોતાનો કેવો રુઆબ પડશે તેમાં સમેટાઈ જાય છે. આમ કરવા જતાં એ પોતીકી રીતે જીવતો નથી. ક્ષણે ક્ષણે એ અન્યને નજર સમક્ષ રાખીને જીવે છે. પ્રશંસા સાથે અહંકાર જોડાઈ જાય છે, સત્તા કે સંપત્તિનો અહંકાર આવી પ્રશંસા માટે સદૈવ આકુળવ્યાકુળ થતો હોય છે. સમય જતાં વૈભવની વાત વીસરાઈ જાય છે. સત્તાના પ્રભાવની ફિકર રહેતી નથી, માત્ર પ્રશંસા એ એકમાત્ર ધ્યેય બની રહે છે.

Categories
વાચન સમૃદ્ધિ

લોકોની માગ

નોકરીની શોધમાં ન્યૂયૉર્ક આવેલા નાના છોકરા થોમસ લિપ્ટને ઘણી મહેનત કરી, પણ નોકરી મેળવવામાં સફળતા હાથ લાગી નહીં. આવે સમયે એ છોકરાને એ વાતનું સ્મરણ થયું કે જહાજમાં બેસીને એ જ્યારે ન્યૂયૉર્ક તરફ આવતો હતો, ત્યારે પ્રવાસીઓમાં સતત એક ચર્ચા ચાલતી હતી કે અજાણ્યા ન્યૂયૉર્કમાં આપણે ક્યાં જઈશું, કઈ હોટલમાં ઊતરીશું ? એ હોટલ સસ્તી હશે કે મોંઘી, સલામત હશે કે જોખમી ? નોકરી મેળવવામાં નિષ્ફળતા મળતાં થોમસ લિપ્ટને એક નવો વિચાર કર્યો. એ હોટલના માલિક પાસે ગયો અને એમને કહ્યું, ‘હું તમને મહિને પચાસ પ્રવાસીઓ લાવી આપીશ. એના બદલામાં તમારે મને ભોજન અને નિવાસની સગવડ આપવાની.’ આ છોકરાની વાત પર પહેલાં તો મૅનેજરને વિશ્વાસ બેઠો નહીં, પણ પછી કહ્યું કે, ‘પચાસ તો ઠીક છે, પણ ચાલીસ પ્રવાસીઓ લાવીશ તોય તને એક મહિના સુધી ભોજન અને નિવાસની સગવડ આપીશ.’ પેલો છોકરો સામાન મૂકીને તરત ન્યૂયૉર્કના બંદર તરફ રવાના થયો. એ બંદર પર એક જહાજ આવ્યું હતું. એમાંથી ઊતરતા પ્રવાસીઓ પાસે જઈને આ છોકરાએ પોતાની હોટલમાં કેવી કેવી સગવડો છે એની વાત કરી. એનું ભાડું કેટલું ઓછું છે તે સમજાવ્યું અને એમાં મળતી વિશેષ સગવડોનું વર્ણન કર્યું. આમ પહેલા દિવસે જ આ છોકરો એકસાથે ચાલીસ કરતાંય વધુ પ્રવાસીઓને લઈને પોતાની હોટલ પર આવ્યો. એની આ કામયાબીથી મૅનેજર ખુશ થઈ ગયો અને હોટલમાં નોકરીએ રાખી લીધો. ધીરે ધીરે આ છોકરાએ પોતીકો ધંધો વિકસાવ્યો અને પોતાની અટકની બ્રાન્ડ સાથે ચાની કંપની શરૂ કરીને ‘લિપ્ટન ચા’ને દુનિયાભરમાં જાણીતી કરી.

Categories
વાચન સમૃદ્ધિ

આપણા મનની ગ્રંથિથી વ્યક્તિને બાંધીએ નહીં

કોઈ વ્યક્તિને મળીએ ત્યારે આપણે એને એક નિશ્ચિત છાપ સાથે મળતા હોઈએ છીએ. આ માણસ કુટિલ અને કાવતરાબાજ છે અથવા તો આ વ્યક્તિ તરંગી અને ધૂની છે એવી એક ચોક્કસ છાપ સાથે બીજાને મળતા હોઈએ છીએ. આને દુનિયાદારીનું લેશમાત્ર ભાન નથી કે પછી આ માણસ જેવો ઘમંડી બીજો કોઈ નથી, એમ એને જોતાં જ આપણું ચિત્ત ગાંઠ વાળીને બેસી જાય છે. પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વ વિશે આપણે આવી મનની ગાંઠ ધરાવીએ છીએ, પરંતુ આમ કરવા જતાં એ વ્યક્તિના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં ચૂકી જઈએ છીએ. આપણા મનમાં એને વિશેની છાપ પ્રમાણે એની વાત સંભાળીએ છીએ અને એ વાતનું પૃથક્કરણ કરીને અંતે આપણી છાપ અનુસાર એને ઘાટ આપીને સ્વીકારીએ છીએ. એ ગમે તે કહેશે, પરંતુ આપણે એને વિશેના આપણા નિશ્ચિત ઢાંચાથી જ સાંભળીશું. પરિણામે આપણે એની વાતને પૂરેપૂરી સમજી શકતા નથી. એના વ્યક્તિત્વને પામી શકતા નથી અને આપણી ‘લેબલ’વાળી અધૂરી સમજથી એને યોગ્ય રીતે નાણી શકતા નથી. ઘણી વાર આપણે એમ માનીએ છીએ કે અમે આવી વ્યક્તિઓ વિશે કોઈ નિશ્ચિત છાપ ધરાવતા નથી, પણ હકીકતમાં આવી છાપ આપણા મનમાં હોય છે અને એ સતત આપણા વ્યવહારમાં આડે આવતી હોય છે. વ્યક્તિને યોગ્ય સંદર્ભમાં જાણવા માટે કશાય પૂર્વગ્રહ વિનાના શ્રોતા બનવું જરૂરી છે. વ્યક્તિને સમજવા પ્રયાસ કરીએ તો જ એના વ્યક્તિત્વને પામી શકીએ. વ્યક્તિને પહેલાં એની આંખે જોઈએ પછી આપણી આંખે જોવાનો પ્રયાસ કરીએ. પૂર્વગ્રહ કે પૂર્વધારણાઓનાં ચશ્માં પહેરીને વ્યક્તિને જોવા જઈએ તો ઘણી મોટી થાપ ખાઈ જઈએ તેવો સંભવ છે.