Categories
વાચન સમૃદ્ધિ

ઈર્ષા પરાજિત થઈ

સમગ્ર યુરોપમાં પ્રસિદ્ધ એવા માઇકલૅન્જેલોની ખ્યાતિ સાંભળીને એક ચિત્રકાર સતત બેચેન રહેતો હતો. ઍન્જેલોની લોકપ્રિયતા જેમ જેમ વધતી જતી, તેમ તેમ આ ચિત્રકારનો એના પ્રત્યેનો દ્વેષ વૃદ્ધિ પામતો. એ વિચારતો કે લોકો સમજ્યા વિના માઇકલૅન્જેલોની ચિત્રકલાનાં વખાણ કરે છે. જો એ સાચા કલાપારખુ હોય, તો એમને માઇકલૅન્જેલોનાં ચિત્રોમાં ઘણી ગંભીર ક્ષતિઓ જોવા મળે.

એક દિવસ આ ચિત્રકારે વિચાર્યું કે એક એવું ચિત્ર બનાવું કે જેથી લોકો માઇકલૅન્જેલોને ભૂલી જાય અને સમગ્ર યુરોપમાં કલાકાર તરીકે મારી નામના થાય. એણે સુંદર યુવતીનું ચિત્ર બનાવવાનું શરુ કર્યું અને માઇકલૅન્જેલોને માત કરવાની ધૂન સાથે કામ કરવા લાગ્યો. ચિત્ર પૂર્ણ થયું. ચિત્રકારે એ જોયું, પણ એને એમ લાગ્યું કે આમાં કંઈક ખામી છે ! યુવતીના સૌંદર્યના અનુભવમાં કશુંક ખૂટે કે ખટકે છે. ઘણો વિચાર કર્યો, પરંતુ પોતાના ચિત્રની ક્ષતિ એ જાતે ખોળી શક્યો નહીં.

એવામાં એક કલાપ્રેમી આ બાજુથી પસાર થતો હતો. એ આ ચિત્રકાર પાસે આવ્યો. આ ચિત્રકારે માઇકલૅન્જેલોને અગાઉ ક્યારેય જોયો નહોતો, તેથી એણે વિચાર્યું કે આ કલાપ્રેમીની સલાહ લઉં, કદાચ  પોતાની ભૂલની ભાળ મળે. એણે એ કલાપ્રેમીને વાત કરી, ત્યારે એણે હાથમાં પીંછી લીધી અને યુવતીની બંને આંખોમાં કાળું ટપકું કર્યું. આંખની કીકી લાગતાં જ ચિત્ર સજીવ થઈ ગયું. એટલે પેલા ચિત્રકારે ઍન્જેલોને કહ્યું, ‘તમારો ખૂબ આભાર. તમે સોનામાં સુગંધ ભેળવી આપી. તમે છો કોણ ?’

એણે કહ્યું, ‘મારું નામ માઇકલૅન્જેલો છે.’

આ સાંભળી ચિત્રકાર હેરાન-પરેશાન થઈ ગયો. એ બોલ્યો, ‘ભાઈ, મને ક્ષમા કરો. તમારી કીર્તિ અને કલા પ્રત્યેની ઈર્ષ્યાથી તમને પરાજિત કરવા માટે હું આ ચિત્ર દોરતો હતો, પરંતુ આજે તમારી કલાદૃષ્ટિ અને સૌજન્ય જોઈને ખરેખર શરિંમદો બન્યો છું.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કુતૂહલ એ દરિયાનાં મોજાં જેવું હોય છે !

મોટા ભાગની વ્યક્તિઓ માત્ર કુતૂહલથી જીવતી હોય છે. એમના ચિત્તમાં સતત એક પછી એક કુતૂહલ ઊગતાં હોય છે. એમને કુતૂહલ જાગે કે અમુક રાજકીય ઘટના પાછળ કયું પરિબળ કામ કરે છે અને એનો ઉત્તર મળતાં એમની રાજકીય જિજ્ઞાસાનું શમન થઈ જશે. કોઈના મનમાં વિચાર જાગે કે વ્યક્તિના જીવનમાં કયા ગુણો હોય તો એ આત્મસાક્ષાત્કાર કરી શકે છે. એ ગુણોની માહિતી પ્રાપ્ત કરશે અને ત્યાં જ એનું કુતૂહલ સમાપ્ત થઈ જશે. એનો હેતુ પોતાનું કુતૂહલ સંતોષવાનો છે, પરમપ્રાપ્તિનો નહીં. આવી રીતે કોઈના મનમાં સવાલ જાગે કે પરમાત્મા ક્યાં છે ? અને એ કોઈ જ્ઞાની કે સંતને આનો ઉત્તર પૂછશે અને પ્રત્યુત્તર મળતાં એને મનમાં બરાબર ગોઠવીને એનું કુતૂહલ શાંત થઈ જશે. આ રીતે કુતૂહલ માત્ર મનનો એક તરંગ છે. મનમાં જાગેલો એક સવાલ હોય છે, જે ઉત્તર મળતાં સંતોષ પામે છે. આવું કુતૂહલથી ભરેલું મન સપાટી પર વિહાર કરતું હોય છે. એ ક્યારેય વિષયની ભીતરમાં જઈ શકતું નથી. આવાં કુતૂહલો એ જ ઘણાં માણસોની વિચારધારાનો મુખ્ય પ્રવાહ હોય છે. એમના મનમાં એક પછી એક કુતૂહલ જાગતાં રહે છે અને એ રીતે કુતૂહલ વારે વારે પ્રગટ કરીને જીવતા રહે છે. માહિતીના આ યુગમાં માણસ મનમાં કુતૂહલનો ખડકલો લઈને જીવે છે. એના ચિત્તમાં પારાવાર પ્રશ્નો પડ્યા છે, પ્રશ્નોના ઉત્તરોની ખોજ છે, પણ ત્યાં જ એના કુતૂહલનું પૂર્ણવિરામ છે. કુતૂહલ પાસે વિચારનો ઝબકારો છે, ઝબકારાની માફક એ ક્ષણમાં વિલીન થઈ જાય છે પછી કુતૂહલનો કોઈ અર્થ રહેતો નથી. કુતૂહલ વ્યર્થ છે કે સાર્થક છે એનો વિચાર જરૂરી છે, નહીં તો આખી જિંદગી કુતૂહલોની પરંપરામાં વેડફાઈ જશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સાંધીને પણ પહેરીશું

સ્થિત-વિદ્યુત(સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી)નો સિદ્ધાંત આપનાર પ્રસિદ્ધ વિજ્ઞાની, પ્રકાશક, સંશોધક અને અમેરિકાની સ્વતંત્રતાનું જાહેરનામું તથા અમેરિકાનું બંધારણ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર બેન્જામિન ફ્રેન્કલિન બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. પોતાનાં જુદાં જુદાં વ્યાપારી સાહસોમાંથી પૂંજી મેળવીને તેમણે વિદ્યુત અંગે પ્રયોગો કર્યા. કેટલીક શોધો કર્યા બાદ બેન્જામિન ફ્રેન્કલિને મુત્સદ્દી તરીકે કામગીરી બજાવી. તેમણે ઈ. સ. ૧૭૫૦થી ૧૭૭૦ સુધી લંડનમાં વસવાટ કર્યો, પરંતુ ત્યાં તેઓ અમેરિકી વસાહતોનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા. આ સમયે અમેરિકા આઝાદીની લડત લડી રહ્યું હતું અને બેન્જામિન ફ્રેન્કલિન લંડનમાં રહ્યે રહ્યે એ ક્રાંતિના સક્રિય સમર્થક બની રહ્યા. બ્રિટને ‘સ્ટૅમ્પ ઍક્ટ’ નામનો કાયદો લાગુ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે અમેરિકામાં આનો પ્રબળ વિરોધ થયો. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે આ અંગે એક સમિતિ નીમી અને એ સમિતિમાં અમેરિકાના પ્રતિનિધિ તરીકે બેન્જામિન ફ્રેન્કલિન હતા. એમને પૂછવામાં આવ્યું કે ‘અમેરિકનો પહેલાં કઈ બાબતમાં ગૌરવ અનુભવતા હતા?’ બેન્જામિન ફ્રેન્કલિન ઇંગ્લૅન્ડના એના પ્રભુત્વ હેઠળના દેશોમાં કપડાંની ઇજારાશાહી લાદવાના પ્રયત્નથી વાકેફ હતા, તેથી એમણે કહ્યું, ‘પહેલાં અમેરિકનો ઇંગ્લૅન્ડનાં ફૅશનેબલ કપડાં પહેરવામાં ગૌરવ માનતા હતા.’  એમને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ‘અમેરિકનો હાલ શેમાં ગૌરવ માને છે ?’ બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું, ‘હવે અમે અમેરિકનો અમારા જ દેશનાં કપડાં પહેરવામાં ગૌરવ માનીએ છીએ. અને કદાચ જો નવાં ન મળે, તો સાંધીને પણ પહેરવાનું અમને ગમે છે.’

કુમારપાળ દેસાઈ