Categories
વાચન સમૃદ્ધિ

નિષ્ફળતાના કેન્દ્રમાં પોતે જ હોય છે !

પોતાની નિષ્ફળતાને બીજાના દોષની ખીંટી પર ટાંગવાનો ચેપી રોગ લાગુ પડે, તો તે વ્યક્તિના બીમાર વ્યક્તિત્વને ધીરે ધીરે કોરી ખાય છે. ગૃહિણી પોતાના ઘરસંસારનાં દુ:ખો માટે પોતાને નહીં, પરંતુ એના પતિને જ ગુનેગાર અને જવાબદાર માને છે. કંપનીનો બૉસ કંપનીની ખોટનું કારણ પોતાની અણઆવડતને નહીં, પરંતુ કર્મચારીઓની અયોગ્યતાને માને છે. કોઈ નોકર પોતાની સઘળી મુશ્કેલીનું કારણ પોતાના માલિકને માને છે. આમ વ્યક્તિ પોતાની નિષ્ફળતાનું બીજા પર દોષારોપણ કરતી હોય છે. જીવનમાં નિષ્ફળ ગયેલો પુરુષ એના કારણ રૂપે પત્નીનો વિચિત્ર સ્વભાવ, પુત્રનું ઉદ્ધત વર્તન, પડોશીઓ દ્વારા થતી પંચાત કે પછી નબળા સંયોગોને માનતો હોય છે. આ રીતે દોષારોપણ એ એક એવો ચેપી રોગ છે, જે એક વાર વ્યક્તિના મનને વળગ્યો એટલે એમાંથી મુક્ત થઈ શકતો નથી. એના ચિત્તનું આ જ રીતે ‘પ્રોગ્રામિંગ’ થઈ જાય છે. એ પોતાની સમસ્યાના કારણ માટે પોતાની જાતને જોવાને બદલે અન્યને જુએ છે. સમસ્યાનો વિચાર કરવાને બદલે એ કારણભૂત માને છે તેવી બીજી વ્યક્તિનો વિચાર કરે છે અને આમ કરીને એ પોતાની જવાબદારીમાંથી મુક્તિ મેળવી લે છે. પોતાની સમસ્યા કે પોતાની નિષ્ફળતાને માટે એ સ્વયં જવાબદાર હોવા છતાં દોષનો ટોપલો બીજાને માથે નાખી દેવા અતિ આતુર હોય છે. જીવનની સચ્ચાઈ જાણવા માટે પોતાની નિષ્ફળતાના કેન્દ્રમાં પોતાની જાતને મૂકીને જોવું જોઈએ. પોતાની વૃત્તિ, મર્યાદા, સ્વભાવ અને શક્તિ-સામર્થ્યને લક્ષમાં રાખીને સમગ્રતયા વિચાર કરવો જરૂરી બને છે. જો એ અન્ય પર દોષારોપણ કરવા લાગશે, તો સ્વદોષની ઉપેક્ષા કરતો રહેશે. એની પોતાની જાતની સાચી ઓળખ વિના સફળતા હાથ લાગે કઈ રીતે ?

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

આનો શો ઉપયોગ ?

અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડેએ વિદ્યુત ચુંબકત્વની ઘટના સમજાવવા માટે અનેક પ્રયોગો કર્યા અને એ રીતે વિજ્ઞાનના વિકાસમાં  મહત્ત્વનું પ્રદાન કર્યું. એમણે જીવનનો પ્રારંભ તો બુકસેલર અને બુકબાઇન્ડર તરીકે કર્યો હતો, પરંતુ એકવીસ વર્ષની વયે એમને હૅમ્ફ્રી ડેવીના મદદનીશ તરીકે કાર્ય કરવાની તક મળી. ૧૮૨૧માં ફૅરડેએ વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી અને તેનું એક પ્રારંભિક મૉડલ બનાવ્યું. બે વર્ષ પછી ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર તેઓ પ્રથમ વિજ્ઞાની હતા. ૧૮૨૫માં એમણે કોલદારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું. એ પછી એમણે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેના આંતરસંબંધો વિશે સંશોધન કર્યું. એક વાર ફૅરડે લોહચુંબકને તારના ગૂંચળા વચ્ચેથી પસાર કરીને ક્ષણિક વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે તેનો પ્રયોગ દર્શાવતા હતા. સહુએ ખૂબ જિજ્ઞાસાથી આ પ્રયોગ જોયો, પરંતુ એ જોઈને એક સ્ત્રીએ આ વિજ્ઞાનીને સવાલ કર્યો. ‘એ લોહચુંબક ક્ષણાર્ધ માટે વિદ્યુત-પ્રવાહ ઉત્પન્ન કરે છે તેનો શો ઉપયોગ ?’ માઇકલ ફૅરેડેએ હસતાં હસતાં ઉત્તર વાળ્યો, ‘એમ તો તરત જન્મેલા બાળકનો કશો ઉપયોગ ખરો ? એ શું કરી શકે ? તમને કઈ મદદ કરે ?’ પોતાના આ ઉત્તર દ્વારા ફૅરડેએ એ મહિલાને સૂચવી દીધું કે હજી તો એમની શોધ તદ્દન પ્રારંભિક તબક્કામાં છે, પણ તેઓ એ દર્શાવવા માગે છે કે એના ઉપયોગની ઘણી મોટી શક્યતાઓ ભાવિના ગર્ભમાં છુપાયેલી છે. આપણે જાણીએ છીએ કે સમય જતાં માઇકલ ફૅરડેએ સૌપ્રથમ ડાયનેમો બનાવ્યો અને આજે પણ એમની સંશોધનની કેટલીક ઘટનાઓ અને તારણોને ‘ફૅરડે ઇફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

આદતની પાછળ ઘેટાંની માફક ચાલે છે

ઘેટાના જેવા સ્વભાવવાળો માણસ તમે જોયો છે ? એક ઘેટું બીજા ઘેટાની પાછળ ચાલ્યું જતું હોય, ત્યારે ન તો આંખ ઊંચી કરે છે કે ના તો માથું ઊંચું કરે છે ! આને આપણે ગાડરિયો પ્રવાહ કહીએ છીએ અને કેટલાક માણસ પણ પેલા ઘેટાની માફક આજુબાજુનું કશુંય જોયા વિના નીચી ઢળેલી આંખ અને નતમસ્તક સાથે પોતાની આદત પાછળ ચાલતા હોય છે. કોઈને પાન-સોપારીની આદત હોય તો કોઈને દારૂ કે કેફી વ્યસનની આદત હોય, પરંતુ એ આદત એને ઘેટાસમાન બનાવી દે છે, જે કશોય વિચાર કર્યા વિના મૂંગે મોંએ એની પાછળ પાછળ ચાલ્યા કરે છે. બાળપણની આદત બુઢાપામાં પણ જતી નથી. આવી આદત ધીરે ધીરે વ્યક્તિ પર વર્ચસ્વ જમાવી દે છે અને પછી એ આદત એના જીવનનો નિત્યક્રમ બની જાય છે. સ્થિતિ કે પરિસ્થિતિ ગમે તેટલી બદલાય, પણ આદતનું સ્વરૂપ બદલાતું નથી. માણસ સાવ ગરીબ થઈ ગયો હોય, તોપણ એ આદત છોડી શકતો નથી. એ આદતમાં ખુવાર થવાનું પસંદ કરે છે, પણ એમાંથી મુક્ત થવાનો વિચાર કરતો નથી, કારણ કે આવી આદત માણસની વિચારશક્તિ પર કુઠારાઘાત કરે છે અને પછી માનવી કોઈ યંત્રની પેઠે પોતાની આદતો સંતોષતો જાય છે. એને ખબર હોય છે કે એ આર્થિક રીતે પાયમાલ થઈ જશે અથવા તો કૅન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડશે, તોપણ એ આ આદત છોડી શકતો નથી. પરિણામે એ એની ભૂતકાળની આદતમાંથી વર્તમાનમાં બહાર  આવી શકતો નથી. પ્રબળ સંકલ્પ એ જ અનિષ્ટકારક આદતોની મુક્તિનો પહેલો ઉપાય છે. આદત સારાસાર બુદ્ધિનો નાશ કરે છે, ત્યારે શુભ-સંકલ્પ સારાસારનો વિવેક કરીને કાર્ય કરે છે.

કુમારપાળ દેસાઈ