Categories
વાચન સમૃદ્ધિ

આંસુ સારતા નથી

અમેરિકાની વ્યવસાયી બૉક્સિંગમાં ૧૯૧૯થી ૧૯૨૬ સુધી વર્લ્ડ હેવીવેઇટ ચૅમ્પિયનશિપનો ખિતાબ ધારણ કરનારો વિલિયમ હેરિસન ડેમ્પસે (૧૮૯૫થી ૧૯૮૩) એની આક્રમક છટા અને પંચ લગાવવાની  અસાધારણ શક્તિને કારણે બૉક્સિંગના ઇતિહાસમાં એક અત્યંત લોકપ્રિય બૉક્સર તરીકે જાણીતો બન્યો. લોકો એની બૉક્સિંગ જોવા માટે મોટી સંખ્યામાં એકઠા થતા હતા અને એને કારણે પ્રેક્ષકોની સંખ્યાના નવા વિક્રમો સધાતા હતા. પહેલી વાર એની બૉક્સિંગની મૅચમાં મિલિયન ડૉલરની આવક થઈ હતી. એક પછી એક વિજય ધરાવતા ‘જેક’ ડેમ્પસેને ૧૯૨૬ના સપ્ટેમ્બરમાં જેન ટુની નામના ફિલાડેલ્ફિયાના બૉક્સરે પરાજય આપ્યો. બૉક્સિંગ પહેલાં સહુ કોઈને ટુની જીતશે એવો કોઈ અંદાજ નહોતો, પરંતુ બૉક્સિંગના દસ રાઉન્ડમાં ટુનીએ પૉઇંટથી ડેમ્પસેને હરાવ્યો. એક લાખ વીસ હજાર અને પાંચસો સત્તાવન પ્રેક્ષકોની હાજરીમાં આ ઘટના બની. ડેમ્પસેએ નિવૃત્તિ લેવાને બદલે ફરી પાછા આવવા પ્રયાસ કર્યો, પરંતુ એ ફરી વાર પરાજય પામ્યો. પણ પરાજય પામ્યા પછી એ શાંત બેસી રહ્યો નહીં, ભૂતકાળને બાજુએ હડસેલી એણે બ્રૉડવે પર ‘જેક’ ડેમ્પસે રેસ્ટોરન્ટ શરૂ કરી. એ પોતે મુક્કાબાજીની સ્પર્ધાઓ યોજવા લાગ્યો. વિજેતાઓને ઇનામો આપવા લાગ્યો અને એ રીતે એણે એક નવી જિંદગીનો પ્રારંભ કર્યો. ભૂતકાળને ભૂલીને એ આનંદભેર જીવવા લાગ્યો. એણે કહ્યું, ‘મારા ચૅમ્પિયનશિપના અઢળક કમાણી કરી આપનારા દિવસો કરતાં છેલ્લાં દસ વર્ષમાં મેં મારો સમય વધુ સારી રીતે પસાર કર્યો છે.’ સમજદાર માનવી ઢળેલા દૂધ પર ક્યારેય આંસુ સારતા નથી. જિંદગીમાં થયેલા નુકસાનને કઈ રીતે આનંદપૂર્વક ભરપાઈ કરી શકાય તેનું જેક ડેમ્પસે ઉદાહરણ છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પોતાના અનુભવો પાસેથી કશી

કેળવણી પામતો નથી ======================

વ્યર્થ, નિરર્થક અને નિષ્ફળ જીવનની એક પારાશીશી એ છે કે એ વ્યક્તિના જીવનમાં ક્યારેય નિરાંત ન હોય. નિરાંતની ક્ષણો વિનાનું જીવન વ્યર્થ એ માટે પુરવાર થાય છે કે વ્યક્તિને એના જીવનોપયોગી અનુભવોનું ઉપયોગી તારણ કાઢવાનો પણ સમય મળતો નથી. એ એક અનુભવમાંથી બીજા અનુભવમાં ગબડતી રહે છે, પરંતુ પ્રથમ અનુભવનો પદાર્થપાઠ એ શીખી શકતી નથી. પરિણામે જીવનની પાઠશાળાના સૌથી મોટા શિક્ષક એવા અનુભવ પાસેથી એને ભાવિ જીવનની કોઈ દીવાદાંડી મળતી નથી, આથી એક દોષિત સંબંધમાંથી કોઈ બોધપાઠ લેવાને બદલે બીજો દોષિત સંબંધ બાંધી બેસે છે. જીવનની એક ભૂલ કે પછડાટમાંથી કશું પામવાને બદલે એ બીજી પછડાટ માટે ધસી જાય છે. એક અણગમતો વ્યવસાય છોડીને એનાથીય નઠારો બીજો વ્યવસાય પસંદ કરે છે. આવી વ્યક્તિના જીવનમાં માત્ર અનુભવોની હારમાળા હોય છે. એણે ખાધેલી ઠોકરો અને પછડાટોનો દીર્ઘ ઇતિહાસ હોય છે. હકીકતમાં જીવનનો પ્રત્યેક અનુભવ એ વ્યક્તિને માટે કશીક નવી સમજ, આગવો વિચાર, મૌલિક અભિગમ કે વિશિષ્ટ દર્શન લઈને આવતો હોય છે. સફળ માણસોને નિષ્ફળતાનો અનુભવ થતો હોય છે, પરંતુ તેઓ એમની નિષ્ફળતાના અનુભવોમાંથી સબક લેતા હોય છે. એમને માટે પ્રત્યેક નિષ્ફળતા એ સફળતા માટેનું સોપાન ત્યારે જ બને છે કે જ્યારે તેઓ એ અંગે ગહન વિચાર કરે છે. એ અનુભવને બધી રીતે ચકાસે છે. એમાં જોવા મળેલી પોતાની મર્યાદાઓ વિશે વિચારે છે અને આ બધાં તારણો કાઢીને એ અનુભવમાંથી અર્થ તારવે છે અને ત્યારબાદ નવું પ્રયાણ આરંભે છે. પોતાના અનુભવના મૂલ્યને વેડફી નાખનાર જીવન વેડફી નાખે છે. અનુભવ પર મનન-ચિંતન કરનાર ભાવિ જીવનનું પાથેય પામે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અડગ કાર્યનિષ્ઠા

નોબેલ પારિતોષિક વિજેતા, સાપેક્ષતા(રિલેટિવિટી)ના સિદ્ધાંતના સ્થાપક એવા ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇન (૧૮૭૯-૧૯૫૫) પોતાના સાથી મદદનીશ સાથે એક સંશોધનપત્ર તૈયાર કરી રહ્યા હતા. એક પછી એક કાગળો લખતા ગયા અને અંતે સંશોધનલેખ પૂરો થયો ત્યારે એમણે એ કાગળોને એક સાથે રાખવા માટે મોટી યૂ-પિનની જરૂર પડી. પુસ્તકો અને કાગળોના ઢગ વચ્ચે આ મહાન વિજ્ઞાનીએ મોટી યૂ-પિનની શોધ ચલાવી, પણ મળતી નહોતી. આખરે રૂમમાં બધું ફેંદી વળતાં એકમાત્ર યૂ-પિન મળી અને તે પણ સાવ વળી ગયેલી ! આઇન્સ્ટાઇને એ પિનને સીધી કરવાનું વિચાર્યું. એને બરાબર ટીપવા માટે કોઈ સાધન શોધતા હતા, ત્યાં તો યૂ-પિનનું આખું બૉક્સ મળી આવ્યું. મદદનીશે વિચાર્યું કે આખું બૉક્સ મળતાં આઇન્સ્ટાઇનને નિરાંત થઈ હશે, પરંતુ આઇન્સ્ટાઇને તો એ યૂ-પિન સીધી કરવાનું કામ ચાલુ રાખ્યું. એમનો મદદનીશ આ જોઈને બોલી ઊઠ્યો. ‘અરે, હવે નવી યૂ-પિનનું આખું બૉક્સ મળી ગયું છે, પછી આ વાંકી વળી ગયેલી પિનને સીધી કરવાની શી જરૂર ? એની પાછળ શાને સમય વેડફો છો?’ આઇન્સ્ટાઇને કહ્યું, ‘જુઓ, એક વાર હું જે કામ કરવાનું નક્કી કરું છું, એમાંથી ચલિત થવાનું ક્યારેય પસંદ કરતો નથી.’ અને આઇન્સ્ટાઇને વાંકી વળેલી પિન બરાબર કરીને એને કાગળોમાં બરાબર ભરાવી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના અધ્યાપક આઇન્સ્ટાઇનને એમની યુનિવર્સિટીના એક અધ્યાપકે એમના જીવનમંત્ર વિશે પૂછ્યું, ત્યારે આઇન્સ્ટાઇને આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

કુમારપાળ દેસાઈ