Categories
વાચન સમૃદ્ધિ

સરળ બનવું, તે સૌથી અઘરું છે

સત્ય બે-પરવા હોય છે. એ કોઈથી પ્રભાવિત થતું નથી કે કોઈનું શરણું સ્વીકારતું નથી. એને કોઈ અપેક્ષા હોતી નથી કે મનમાં કોઈ મહત્ત્વાકાંક્ષા સંઘરી રાખતું નથી. જેમ મહત્ત્વાકાંક્ષા આવે તેમ માનવીને બીજા આધારો અને અન્ય સહારા લેવા પડે છે. એને પરિણામે ક્યાંક પ્રપંચ તો ક્યાંક પ્રલોભન એને સત્યના માર્ગેથી ચલિત કરે છે. એ અહંકાર કે આડંબરથી જીવવા લાગે છે અને ધીરે ધીરે પોતાના હૃદયમાં અસત્યનો સંગ્રહ કરવા લાગે છે. અસત્યનું એક ટીપું ક્રમશ: સરોવર કે સાગરનું રૂપ ધારણ કરે છે. સત્યનો અનુભવ પામવો હોય તો આકાશ જુઓ. એ કોઈના આધારે ઊભું નથી અને કોઈની મહેરબાનીનું મોહતાજ નથી. સત્યપ્રાપ્તિનું પહેલું સોપાન સરળતા છે. જીવનમાં વ્યક્તિએ સતત એ ખોજ કરવી જોઈએ કે એના જીવનમાં કેટલી સરળતા છે ? સત્યનો નિવાસ સરળ અંત:કરણ છે. સંતો અને વિભૂતિઓનાં જીવનમાં અંત:કરણની સરળતા દૃષ્ટિગોચર થાય છે. વર્તમાન સમયે પોતાના જીવનમાં સરળતાની વૃદ્ધિ થાય છે કે સરળતા ક્ષીણ થતી જાય છે ? જો સરળતાની વૃદ્ધિ થતી હોય તો માનવું કે જીવનયાત્રા યોગ્ય દિશામાં ગતિમાન છે. જો સરળતા ક્ષીણ થતી હોય તો જાણવું કે અસત્યને આવકાર આપવા આપણે આતુર બની ગયા છીએ અને એ અસત્ય આવતાં દુ:ખ, દ્વેષ, ક્લેશ અને સંતાપ એની પાછળ વાજતે-ગાજતે આવી રહ્યાં છે. માનવી ચહેરા પર મુખવટો રાખીને જીવે છે અને ભીતરની સચ્ચાઈને ભૂલીને શકુનિની જેમ પ્રપંચની ચોપાટ ખેલે છે. પોતાના પાસા પોબાર પડે તે માટે એ મહાભારતને મોજથી આવકારીને મીઠું માને છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

યોગ્ય વળતર

અમેરિકાના પ્રમુખ થયા પૂર્વે અબ્રાહમ લિંકન (ઈ. સ. ૧૮૦૯થી ૧૮૬૫) એક સફળ અને નામાંકિત વકીલ હતા. એ સમયે વકીલાતનો વ્યવસાય પ્રમાણિક ગણાતો નહીં. એમાં કાવાદાવા અને છેતરિંપડી ચાલતાં હતાં. સામા પક્ષના સાક્ષીઓને ફોડવા માટે લાંચરુશવત પણ અપાતી હતી. ખોટા કેસને બુદ્ધિચાતુર્યથી કે આક્રમક દલીલબાજીથી સાચા સાબિત કરવાની પેંતરાબાજી પણ થતી, ત્યારે અબ્રાહમ લિંકન કદી પ્રલોભનને વશ થયા નહીં. હીન પ્રણાલીથી અળગા રહ્યા. આ વ્યવસાયને એમના માનવતાવાદી હૃદયસ્પર્શથી એક ગૌરવ અપાવ્યું. પોતાના અસીલની સ્થિતિ પ્રમાણે એની પાસેથી એ વકીલાતની ફી લેતા. કેટલાક કેસમાં તો એ ફી જતી પણ કરતા, પરંતુ જો કોઈ એમના કામની કિંમત ઓછી આંકે અને હાથે કરીને કે ઉપેક્ષાભાવથી મળવી જોઈએ એના કરતાં ઓછી ફી આપવાનો પ્રયત્ન કરે, તો એને બરાબર પદાર્થપાઠ પણ શીખવતા. એક રેલવે કંપનીએ અબ્રાહમ લિંકનને સરક્યૂટ કોર્ટમાં પોતાના વતી કેસ લડવાની કામગીરી સોંપી. અબ્રાહમ લિંકનની સામે ઘણા સમર્થ અને નામાંકિત વકીલો હતા. આ કેસમાં લિંકનની હાર થઈ, પરંતુ એમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી અને જીત મેળવી. તેને પરિણામે કંપનીને લાખો ડૉલરનો ફાયદો થયો. અબ્રાહમ લિંકને રેલવે કંપનીને બે હજાર ડૉલરની ફીનું બિલ મોકલ્યું, ત્યારે રેલવેના મૅનેજરે કહ્યું, ‘આટલી બધી ફી હોય ? આટલી ફી આવા સામાન્ય વકીલને ન અપાય.’ એમ કહીને લિંકનને એની ફી પેટે બસો ડૉલરનો ચેક મોકલી આપ્યો. લિંકને જોયું કે આ મૅનેજરને એમના કામની કશી કદર નથી. કંપનીને લાખો ડૉલરનો ફાયદો કરી આપ્યો, છતાં માત્ર બસો ડૉલરનો ચેક મોકલ્યો છે. આજે મારી આવી અવગણના કરે છે. આવતીકાલે બીજાની પણ કરશે. આથી લિંકને રેલવે કંપની પર પાંચ હજાર ડૉલરનો દાવો માંડ્યો. લિંકન એ કેસમાં જીત્યા. બે હજારને બદલે એમને પાંચ હજાર ડૉલર મળ્યા.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રકૃતિનો ખોળો ખોઈ બેઠા

સવારથી રાત સુધી માનવી સતત દેહની દરકાર રાખતો હોય છે. શરીરની નાની નાની જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે અને એના સૌંદર્ય કે શક્તિની વૃદ્ધિ માટે અનેક ઉપાયો કરે છે. જિંદગીનો કેટલો બધો સમય એ આ શરીર માટે ગાળે છે ! એને એના શરીરનું બંધાણ થઈ ગયું હોય છે અને તેથી વાળ વેરવિખેર થાય કે કપડાં ટૂંકાં કે ચમકદાર ન હોય તો એ બેચેની અનુભવે છે. શરીરનાં સુખ અને પીડા સાથે એનું આખું  સંવેદનતંત્ર જોડાઈ ગયું હોય છે અને તેથી માનવી દેહથી એક ક્ષણ પણ અળગો રહી શકતો નથી. એ જેમ શરીરને સ્વસ્થ રાખવાનું વિચારે છે, એ રીતે એણે મનની માવજત કરવી જોઈએ. તન અને મનનો જીવનભરનો સંબંધ છે. શરીરને આરામ આપે છે એમ એણે મનને આરામ આપવો જોઈએ. અતિશય કામ, અતિ વ્યસ્તતા અને માનસિક તનાવ વચ્ચે પણ એણે મનના સ્વાસ્થ્ય માટે  થોડીક મિનિટો કાઢવી જોઈએ. કામના ઢગલા વચ્ચે દટાયેલો હોય તોપણ એની વચ્ચે થોડો સમય શાંતિથી બેસીને, આંખો બંધ કરી, પોતે જોયેલાં કોઈ પ્રકૃતિદર્શનને માણે તો એના મનમાં નવી તાજગી આવશે. જીવનમાં જોયેલાં ગમતાં પ્રકૃતિદૃશ્યો વચ્ચેથી તે મનને પસાર કરશે તો એનું મન સદા સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ રહેશે. એવાં દૃશ્યો એને આનંદ આપશે અને સતત એક પ્રકારના વિચાર-ઢાંચામાંથી મુક્ત કરશે. પહેલાં માનવીએ પ્રકૃતિનો ખોળો ગુમાવ્યો, પછી પ્રકૃતિનું દર્શન ગુમાવ્યું અને આજે આખી પ્રકૃતિ જ ખોઈ બેઠો છે. પ્રકૃતિમાં રહેલી પરમની ભવ્યતા, જીવનનો ઉલ્લાસ અને અંતર્મુખતાનો આનંદ પામવો હોય તો એણે પ્રકૃતિ પાસે જવું જ પડશે.

કુમારપાળ દેસાઈ