Categories
વાચન સમૃદ્ધિ

દાનની કિંમત સમર્પણ પર અંકાય છે !

ચોતરફ દુષ્કાળ પ્રવર્તતો હતો. અન્નના અભાવે માનવીઓ ટપોટપ મૃત્યુ પામતા હતા. એનાથીય વિશેષ બૂરી દશા પશુઓની હતી. ચોમેર ભૂખ્યાં બાળકોનાં આક્રંદ સંભળાતાં હતાં. સ્ત્રીઓની આંખોમાં ભૂખ અને લાચારીનાં આંસુ હતાં. એ સમયે સમગ્ર દેશમાં અદ્વૈતવિચારનો પ્રસાર કરનાર આદિ શંકરાચાર્યે આવી પરિસ્થિતિનું નિરાકરણ કરવાનો સંકલ્પ કર્યો. મહાન અને ગહન જ્ઞાન ધરાવતા આ આચાર્યે માનવતા કાજે અહાલેક જગાવી. આદિ શંકરાચાર્યે રાજાઓને ટહેલ નાખી અને રાજાઓએ એમના અન્નભંડારોનું અન્ન આપવા માંડ્યું. શ્રેષ્ઠીઓ એમની ધનસંપત્તિ એમનાં ચરણોમાં અર્પણ કરવા લાગ્યા. ખેડૂતો પોતાની પાસેનું અનાજ આપવા લાગ્યા. ચોમેરથી દુષ્કાળગ્રસ્ત લોકોને માટે મદદ આવતી હતી. દાનની ધારા વહેવા લાગી. ક્યાંક માનવતા તો ક્યાંક જીવદયાની મહેક પ્રસરવા લાગી. એક ગરીબ ખેડૂતને પણ દાન આપવાની ઇચ્છા જાગી, પણ એની પાસેથી દુષ્કાળે બધું હરી લીધું હતું. એના ખેતરમાં ધાન ઊગ્યું નહોતું. વખાના માર્યા ઢોરઢાંખર પણ વેચી દીધાં હતાં. બસ, માત્ર એક દાતરડું બચ્યું હતું.

ખેડૂત એ દાતરડું લઈને બજારમાં ગયો અને એમાંથી એને બે દ્રમ્મ મળ્યા. આ બે દ્રમ્મની તે શી કિંમત ? જ્યાં રાજાઓ અને શ્રેષ્ઠીઓ સુવર્ણમુદ્રાઓનો ધોધ વહેવડાવતા હોય, ત્યાં આ એક નાનકડા બિંદુની તે શી વિસાત ? પણ ખેડૂતથી રહી શકાયું નહીં. એ એના ફાટ્યા-તૂટ્યા કેડિયાના ખિસ્સામાં બે દ્રમ્મ નાંખીને આદિ શંકરાચાર્ય પાસે પહોંચ્યો. સભામાં દાનની મોટી મોટી જાહેરાતો થઈ રહી હતી. કોઈ હજાર સુવર્ણમુદ્રાનું દાન કરતા હતા તો કોઈ દશ હજાર સુવર્ણમુદ્રા દાનમાં આપતા હતા. આવે સમયે આ ખેડૂતને એટલો સંકોચ થયો કે એના આ બે દ્રમ્મની તે શી કિંમત ?

એ આદિ શંકરાચાર્ય પાસે ગયો અને ખિસ્સામાંથી બે દ્રમ્મ બહાર તો કાઢ્યા, પરંતુ આપતાં શરમ આવતી હતી. આદિ શંકરાચાર્યે આ જોયું. એમણે ભાવથી ખેડૂતને નજીક બોલાવ્યો અને કહ્યું, ‘આવ ભાઈ, તું શું લાવ્યો છે ? કહે તો ખરો !’ ગરીબ ખેડૂતે પોતાની કથની કહી અને પછી બે દ્રમ્મ આદિ શંકરાચાર્યને ચરણે ધર્યા. આ સમયે સભામાં રાજવીઓ, શ્રેષ્ઠીઓ અને અનુયાયીઓ ઉપસ્થિત હતા. એમની સમક્ષ આદિ શંકરાચાર્યે કહ્યું, ‘આ ખેડૂતના બે દ્રમ્મ એ સૌથી મહાન દાન છે, કારણ કે અન્ય સહુએ પોતાના ધન કે ધાન્યનો અમુક ભાગ જ દાનમાં આપ્યો છે, જ્યારે આ ખેડૂતે સર્વસ્વ અર્પણ કર્યું છે.’ આમ દાન ભાવના સાથે જોડાયેલું છે, વસ્તુ સાથે નહીં. એ કિંમત સાથે નહીં, પણ મૂલ્યો સાથે સંબંધ ધરાવે છે. દાન આપનાર કેટલું સમર્પણ કરે છે, તેના પર તેની કિંમત અંકાય છે. ખેડૂતે માત્ર બે દ્રમ્મનું દાન આપ્યું, પરંતુ એનું મહત્ત્વ હજારો સુવર્ણમુદ્રાઓથી પણ વિશેષ હતું.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કરુણા જન્મતી નથી, મૃત્યુ

પામતી નથી

માનવી પ્રકૃતિએ ગુણવાન હોવા છતાં અવગુણોની ખાણ કેમ બની ગયો ? એના હૃદયમાં કરુણા સતત પ્રવાહિત હોવા છતાં એ શા માટે ક્રૂર અને ઘાતકી બની ગયો ? હકીકતમાં કરુણા એ એનો સ્વભાવ હોવાથી એને એનું સર્જન કરવું પડતું નથી કે એનું વિસર્જન કરવું પડતું નથી. એ કરુણા કોઈ કારણથી જાગતી નથી કે એ કરુણા કોઈ નિમિત્તથી વિસરાઈ જતી નથી. આમ છતાં માનવ કરુણામય જીવનને બદલી સ્વાર્થી જીવન કેમ જીવે છે ? અંગત લાભને ખાતર અન્યને હાનિ કરતાં કેમ અચકાતો નથી ? પોતાનું સાધ્ય સિદ્ધ કરવા માટે એ કોઈ પણ દાનવી કે અમાનવીય સાધન અજમાવતાં કેમ અચકાતો-ખચકાતો નથી ? આ બધી ક્ષણોએ એના હૃદયમાં કરુણા તો વહેતી જ હોય છે. માત્ર એના પર અવરોધ કે આવરણ આવી ગયું હોય છે. આકાશમાં સૂર્ય તો સદા ચમકતો હોય છે. એની આગળ વાદળોનું આચ્છાદન થાય તો સૂર્ય થોડા સમય માટે ઢંકાઈ જાય છે, પણ એનો અર્થ એ નથી કે સૂર્ય સંપૂર્ણપણે અસ્ત કે નષ્ટ થયેલો છે. કરુણા અને ક્રૂરતા વચ્ચે ભેદ એ છે કે કરુણા જન્મતી નથી અને મૃત્યુ પામતી નથી. ક્રૂરતા જન્મે છે અને મૃત્યુ પામે છે. ક્રૂરતા ક્યારેક પ્રગટ થાય છે અને કરુણા પર આવરણ નાખી દે છે, પરંતુ એ ક્રૂરતા દૂર થશે એટલે તરત જ કરુણા આપોઆપ અનુભવાશે. ક્રૂરતાને પ્રગટવા માટે કારણ જોઈએ. કોઈ આધાર કે સાધન જોઈએ, કરુણાને પ્રગટાવવાની હોતી નથી, એ તો માનવહૃદયમાં અવિરતપણે વહેતી હોય છે.

શોક અંગત હોય છે, કરુણા સાર્વત્રિક છે. શોકમાં દુ:ખ છે, કરુણામાં સ્નેહ છે. સ્વજનના મૃત્યુથી શોક થાય છે, કોઈ પરાયાની પીડા જોઈને કરુણા જાગે છે. શોકને ‘સ્વ’ની સીમા વળગેલી છે, કરુણા પાસે ‘સર્વ’ પ્રત્યે અસીમ સંવેદના હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અંતરદ્વારમાં સહુને આવકારજો

સ્વામી વિવેકાનંદે દેશમાં અને વિદેશમાં આધ્યાત્મિક ચેતનાની જાગૃતિનું કાર્ય કર્યું. ભારતીય પ્રજાને એનાં ધર્મ અને સંસ્કૃતિ માટે ગૌરવ લેતી કરી. અંગ્રેજોએ ભારતને માત્ર રાજાઓ, મદારીઓ અને કોબ્રાના દેશ તરીકે ઓળખ્યો હતો એ પશ્ચિમી જગતને ભારતીય પ્રચંડ આધ્યાત્મિક શક્તિનો પરિચય આપ્યો. સ્વામી વિવેકાનંદ પાસે સમાજના તમામ સ્તરના લોકો આવતા. પોતાની શંકા અને જિજ્ઞાસા પ્રગટ કરતા અને સ્વામીજી એનું સમાધાન શોધી આપતા.

એક દિવસ સ્વામી વિવેકાનંદ પાસે એક અકળાયેલો યુવાન આવ્યો. એણે કહ્યું, ‘સ્વામીજી, હું આશ્રમોમાં ગયો, પલાંઠી લગાવીને સાધના કરવા બેઠો. દિવસોના દિવસો સુધી સાધના કરી, પણ મારા હૃદયને સહેજે શાંતિ મળી નહીં.’

કોઈ પ્રભાવક સંતની વાત સાંભળું એટલે મારી શ્રદ્ધાનાં સુમન લઈને એ સંતની પાસે દોડી જતો. એમની પાસે ચિત્તશાંતિની યાચના કરતો. તેઓનો ઉપદેશ સાંભળતો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. પાર વિનાનું તીર્થાટન કર્યું, પરંતુ જીવનમાં અશાંતિ એટલી જ રહી.

સ્વામી વિવેકાનંદે પૂછ્યું, ‘આ સિવાય બીજા કોઈ પ્રયત્નો કર્યા ખરા ?’

યુવાને કહ્યું, ‘હા, મારી કોટડી બંધ કરીને હું બેસી ગયો. મારા ઘરમાં કોઈ ન પ્રવેશે. આ બધું કરવા છતાં ક્યાંય શાંતિ મળી નહીં.’

વિવેકાનંદે કહ્યું, ‘તમારી કોટડીના દરવાજા બંધ ન રાખશો. એને પૂરેપૂરા ખુલ્લા રાખજો. એમાં કોઈ અભાવગ્રસ્ત આવે તો એને આવકાર આપજો. દરવાજાની બહાર નીકળીને આસપાસ વસતા દુ:ખી, રોગી અને ભૂખ્યા લોકોની ભાળ મેળવજો અને યથાશક્તિ એમની સેવા કરજો. જે નિરક્ષર અને અજ્ઞાની હોય તેમને હેતથી ભણાવજો. આ કરશો તો તમને જરૂર શાંતિ મળશે.’ માનવીની અધ્યાત્મયાત્રા માટે પહેલી જરૂર જીવનસાધનાની છે. અન્ય વ્યક્તિઓને સહાયભૂત થવામાં જ જીવનનો મર્મ હાથ લાગશે. માનવસેવા, જીવનસાધના અને નેક દિલના આત્મસમર્પણ પર આધ્યાત્મિક ઇમારત રચાવી જોઈએ. અધ્યાત્મમાં પ્રવેશનારાએ પહેલાં માનવસેવાની સમજ મેળવવાની છે. માત્ર મોક્ષની મોટી મોટી વાતો કરવાથી કશું નહીં વળે. મોક્ષ મેળવવા માટે પહેલાં માનવકલ્યાણનો વિચાર કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે મોક્ષની વાત કરનાર જીવનથી વિમુખ હોય છે. ક્યારેક તો એને બીજાના જીવન તરફ ભારોભાર તિરસ્કાર હોય છે અથવા તો એ બીજાને ભૌતિકવાદી ઠેરવીને પોતે આધ્યાત્મિક હોવાનો આડંબરયુક્ત પ્રયાસ કરે છે. આને પરિણામે એ વ્યક્તિ સેવાના આનંદથી પણ અળગી રહે છે. સામાન્ય માનવીની ઉપેક્ષા કરીને વ્યક્તિ કદી અસાધારણ બની શકે નહીં. સામાન્ય માનવીની ચિંતા, સેવા અને કલ્યાણનો વિચાર કરનાર વ્યક્તિઓ  અસાધારણ બની શકે છે.

કુમારપાળ દેસાઈ