આત્મીયતાનો સ્પર્શ


સ્વામી રામતીર્થ અમેરિકાના પ્રવાસે ગયા હતા. એ જમાનામાં વિમાની મુસાફરીની સગવડ નહીં હોવાથી સ્વામીજી આગબોટ મારફતે અમેરિકા ગયા. આગબોટ જેમ જેમ અમેરિકાની નજીક આવતી ગઈ તેમ તેમ લોકો ઊતરવા માટે તૈયારી કરવા લાગ્યા. કોઈ સામાન ગોઠવે, કોઈ સામાન લઈ બારણાં આગળ જાય, તો કોઈ દોડાદોડ કરીને બધો સામાન ગોઠવે. સ્વામી રામતીર્થ તો સાવ શાંતિથી બેસી રહ્યા. નિર્લેપ ભાવે સહુની દોડાદોડ જોતા હતા. એમાંય આગબોટ જ્યારે બંદર પર આવી, ત્યારે તો લોકોની અધીરાઈનો પાર ન રહ્યો. સહુ એમનાં સગાં-વહાલાંને મળવા માટે અધીર હતા. કોઈ સૌથી પહેલાં ઊતરવા માગતા હતા, તો કોઈ પોતાને લેવા આવેલા સંબંધીઓને મળવા માટે આતુર હતા.

આમ ચારેબાજુ દોડાદોડ ચાલી રહી હતી, પણ આ સમયે સ્વામીજી તો તદ્દન શાંત હતા. કોઈ ઉતાવળ કે અધીરાઈ નહીં, જાણે ભારે નિરાંત હોય તેમ તેઓ બેઠા હતા. આગબોટમાં મુસાફરી કરી રહેલી એક અમેરિકન મહિલા અતિ આશ્ચર્યથી સ્વામી રામતીર્થને જોતી હતી. એક તો એમનો પહેરવેશ વિચિત્ર અને એમાંય એમનું આવું વિલક્ષણ વર્તન જોઈને તો એના આશ્ચર્યની સીમા ન રહી. અમેરિકન મહિલા પોતાની જિજ્ઞાસા રોકી શકી નહીં. એ સ્વામી રામતીર્થ પાસે દોડી આવી અને બોલી, ‘કેવા અજાયબ માનવી છો આપ ? તમને કોઈ ઉતાવળ નથી કે કોઈ અધીરાઈ નથી. આપ ક્યાંથી આવો છો ? આપનો પરિચય આપશો ?’

સ્વામી રામતીર્થે કહ્યું, ‘હું હિંદુસ્તાનથી આવું છું. સાધુનું જીવન ગાળું છું. હિંદુસ્તાનનો ફકીર છું.’

અમેરિકન મહિલાએ પૂછ્યું, ‘પણ આપ અહીં આવો છો, ત્યારે આપનું કોઈ પરિચિત તો હશે ને ? ઓળખાણ વગર અજાણ્યા મુલકમાં કોઈ આવે ખરું ?’

સ્વામીજીએ કહ્યું, ‘હા, હું ઓળખું છું.’

‘કોણ છે એ આપની પરિચિત વ્યક્તિ ? મને જરા એની ઓળખાણ આપશો ?’ અમેરિકન મહિલાએ પૂછ્યું.

સ્વામી રામતીર્થે કહ્યું, ‘બીજું કોણ ? તમે જ.’

અને સ્વામી રામતીર્થના સ્વભાવમાં એટલી આત્મીયતા ઊભરાતી હતી કે અમેરિકન મહિલાને પણ એની અસર થઈ. અમેરિકન મહિલા સાથે વર્ષો જૂનો સંબંધ હોય એવી લાગણી થઈ. અમેરિકન મહિલા સ્વામીજીને પોતાની સાથે લઈ ગઈ અને આદર-સન્માનપૂર્વક રાખ્યા.

સ્વામી રામતીર્થના હૃદયમાં વહેતો પવિત્ર ભાવ અજાણી વ્યક્તિના હૃદયમાં પણ સ્પંદનો જગાવે છે. એની સાથે જાણે વર્ષો જૂનો સંબંધ હોય, એવો નાતો રચી આપે છે. સંતના હૃદયમાં સમષ્ટિના પરિવર્તનની પ્રબળ શક્તિ રહેલી છે. હૃદયની નિર્મળ લાગણી આશ્ચર્યકારી ચમત્કાર સર્જે છે. શુદ્ધ હૃદયની શક્તિ અશક્ય લાગતી બાબતને શક્ય કરી શકે છે.

કુમારપાળ દેસાઈ

કિનારાનું લંગર અને


મધદરિયાનું જહાજ જુદાં હોય છે ———-

બંદર પર લાંગરેલું જહાજ કેટલું બધું સલામત હોય છે ! એને ન કોઈ મોજાં અફળાતાં હોય છે કે ન દરિયામાં ઉપરતળે થતું હોય છે. કોઈ ઝંઝાવાતો એને ડોલાવતા નથી, તો દિશાની શોધમાં એને આમતેમ ભરદરિયે ભટકવું પડતું નથી. એ નિરાંતે દરિયાકિનારે લંગર નાખીને ઊભું હોય છે, પણ આ જહાજનું સર્જન આ માટે થયું છે ? એના નિર્માણનો હેતુ આ જ છે ? ના. એનું કામ તો દરિયાની વચ્ચે મોજાંઓની થપાટો ખાતાં ખાતાં અને કેટલીય આફતો ઝીલતાં પોતાનો માર્ગ શોધવાનું છે. એમાં જ એના સર્જનની સાર્થકતા સમાયેલી છે.

વ્યક્તિ જ્યારે સલામત જીવન જીવવાનો વિચાર કરે છે, ત્યારે બંદરમાં ઊભેલા જહાજનું સ્મરણ થાય છે, પરંતુ વ્યક્તિ જ્યારે જીવન-સાર્થક્યનો વિચાર કરે ત્યારે ઝંઝાવાતમાં આમતેમ ફંગોળાતું જહાજ દેખાય છે. નવી દિશામાં આગળ વધવાનું એનામાં સંકલ્પબળ દેખાય છે. સંકલ્પબળ વિનાનો માનવી ન તો નવી દૃષ્ટિ ધરાવે છે કે ન તો નવી દિશા. એ તો ક્યાંય સલામતી શોધીને પગ વાળીને બેસી ગયો હોય છે. મહાન સાહસવીરો પાસે એક ધ્યેય હતું. એ ધ્યેય સિદ્ધ કરવા માટેનો સંકલ્પ હતો અને તેથી જ આ સાહસવીરો જગતને નવા નવા દેશોની ભેટ આપી ગયા છે. એની દૃષ્ટિ ખાબોચિયાંના ખૂણાઓને માપતી નથી, પરંતુ અફાટ સાગરને બાથમાં લેવાની કોશિશ કરે છે અને એ જ વ્યક્તિ જીવનમાં પોતાની દૃષ્ટિને-ધ્યેયને સિદ્ધ કરી શકે છે.

સાગરમાં ઊછળતાં મોજાં એમને ડરાવી શકતાં નથી. તોફાની દરિયાની કલ્પના એમને ડગાવી શકતી નથી. સફર ખેડતાં જળસમાધિ લેનારાં જહાજો કે જવાંમર્દોની દાસ્તાનો એમને થંભાવી શકતી નથી. એમની નજર દરિયા પર નહીં, કિંતુ દરિયાપારના દેશો પર હોય છે.

કુમારપાળ દેસાઈ

અર્જુનમાં યોગ છે !


મહાભારતના ભીષણ યુદ્ધમાં આચાર્ય દ્રોણે રચેલા ચક્રવ્યૂહને ભેદવા માટે અર્જુનનો પુત્ર અને શ્રીકૃષ્ણનો ભાણેજ અભિમન્યુ વીરગતિ પામ્યો. કૌરવ પક્ષના છ મહારથીઓ સામે અપ્રતિમ પરાક્રમ દાખવી યુવાન અભિમન્યુ રણમેદાનમાં વીરની જેમ મૃત્યુ પામ્યો. બાણાવળી અર્જુનને આ સમાચાર મળ્યા, ત્યારે એણે પ્રતિજ્ઞા કરી કે આવતી કાલના સૂર્યાસ્ત પહેલાં હું જયદ્રથનો વધ કરીશ. અર્જુનના પ્રલયકારી શબ્દો પછી તત્કાળ ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો પાંચજન્ય શંખ ફૂંક્યો.

પાંડવસેનામાં યુદ્ધનો નવીન, પ્રબળ ઉત્સાહ જાગ્યો. પાંડવસેનાના આનંદવિભોર અવાજો સાંભળી જયદ્રથને આશ્ચર્ય થયું. શોકની પરાકાષ્ઠાએ આવો આનંદ કેમ ? વેદનાની ટોચ ઉપર ઉલ્લાસ હોય ખરો? હકીકતમાં તો પાંડવો શોકની પરિસ્થિતિ જોઈને શોકમાં ડૂબી જનારા નહોતા, પરંતુ શોક સર્જનારી પરિસ્થિતિ સામે પડકાર ફેંકનારા હતા. માટે જ તેઓ પાંડવો હતા !

ભયભીત થઈને વિહવળ બનેલો જયદ્રથ દુર્યોધન પાસે દોડી આવ્યો. દુર્યોધને એને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો, જયદ્રથની આંખમાંથી આવતીકાલનો મૃત્યુભય ખસતો નહોતો.

દુર્યોધન અને જયદ્રથ હિંમત અને આશ્વાસન પામવા માટે ગુરુ દ્રોણ પાસે ગયા. એમની પાસેથી ઉછીની હિંમત લઈને હૃદયના ભયને ઠારવો હતો. દુર્યોધને ગુરુ દ્રોણને માર્મિક પ્રશ્ન પૂછ્યો,

‘હું અને અર્જુન બંને આપના શિષ્યો છીએ. આપે અમને સમાન વિદ્યા આપી છે. જે શસ્ત્રવિદ્યામાં એને પારંગત બનાવ્યો, એમાં જ તમે મનેય પારંગત બનાવ્યો છે. છતાં મારાથી ચઢિયાતો ?’

ગુરુ દ્રોણે દુર્યોધનને કહ્યું, ‘જુઓ, આચાર્ય કોઈ એકના હોતા નથી. સહુના એ આચાર્ય હોય છે. તમે બંને મારા શિષ્યો છો તે હું સ્વીકારું છું; પરંતુ અર્જુનને તારા કરતાં ચઢિયાતો ગણવામાં બે કારણ છે.’

દુર્યોધને પૂછ્યું, ‘કયું છે પહેલું કારણ ?’

ગુરુ દ્રોણે કહ્યું, ‘અર્જુનમાં યોગ છે. વિરલ અધ્યાત્મ-જિજ્ઞાસા છે. એવો યોગ કે જિજ્ઞાસા તારામાં નથી.’

દુર્યોધને પૂછ્યું, ‘બીજું શું કારણ છે ?’

ગુરુ દ્રોણે કહ્યું, ‘તારી અને અર્જુનની જીવનશૈલી ભિન્ન છે. બંનેનો જીવન વિશેનો અભિગમ ભિન્ન છે. અર્જુને દુ:ખનો અનુભવ કર્યો છે, તેથી એની જીવનદૃષ્ટિ સર્વગ્રાહી છે. તું માત્ર સુખમાં જ ઊછર્યો છે માટે તારી જીવનદૃષ્ટિ પરિપક્વ થઈ નથી.’

ગુરુ દ્રોણની આ તુલનામાં એ સ્પષ્ટ જોવા મળે છે કે અર્જુનનું ઘડતર એની અધ્યાત્મ-જિજ્ઞાસાએ કર્યું છે. જ્યારે દુર્યોધનનું જીવનઘડતર માત્ર ભૌતિક લાલસાઓથી થયેલું છે.

અર્જુનમાં યોગ છે. શ્રીકૃષ્ણનો ઉપદેશ ઝીલવાની એની પાત્રતા છે, જ્યારે દુર્યોધન સુખમાં ઊછરેલો હોવાથી એણે નમ્રતા અને સૌહાર્દ ગુમાવી દીધાં છે. દુર્યોધનનો અહંકાર જ મહાભારતના યુદ્ધનું કારણ બન્યો અને પોતાના કુળના સર્વનાશનું નિમિત્ત બન્યો.

કુમારપાળ દેસાઈ