કડવી ચીરનું સુખ !


મહમૂદ ગઝનવીને પોતાના એક ગુલામ પર અત્યંત વિશ્વાસ હતો. રાત્રે પોતાના ખંડમાં એ કોઈ બેગમને સૂવા દેતો નહોતો, પણ આ વિશ્વાસપાત્ર ગુલામને સુવાડતો હતો. એને ડર રહેતો કે કદાચ કોઈ બેગમ દુશ્મન સાથે ભળી ગઈ હોય અને એની હત્યા કરી નાખે અથવા તો કોઈ બેગમ દ્વેષથી એને ઝેર પિવડાવી દે તો શું થાય ? એક વાર એક જંગલમાં આ ગુલામ સાથે શિકાર ખેલવા ગયેલો મહમૂદ ગઝનવી રસ્તો ભૂલ્યો. ખૂબ ભૂખ લાગી. પાસેનું ખાવાનું ખૂટી ગયું. એવામાં એક બગીચો જોયો. એના એક વૃક્ષ પર એક પાકેલું ફળ જોયું. બાદશાહ અને ગુલામ બંને ખૂબ ભૂખ્યા હતા. મહમૂદ ગઝનવીએ એ ફળ તોડ્યું અને એનો પહેલો ટુકડો ગુલામને ખાવા આપ્યો. આમેય એ પોતાનું ભોજન લેતાં પહેલાં દરેક વાનગીમાંથી થોડું ગુલામને ખાવા આપતો અને પછી પોતે ભોજન લેતો. આથી ખોરાકમાં ઝેર ભેળવ્યું હોય તો પોતાને કશો વાંધો ન આવે. એમાં પણ આ ફળ કયા પ્રકારનું છે એની બેમાંથી કોઈને જાણ ન હતી. કોઈ ઝેરી ફળ હોય તો શું થાય ? મહમૂદ ગઝનવીએ ફળની પહેલી ચીરી કરીને ગુલામને આપી. ગુલામ એ ચીર ખાઈ ગયો અને બીજી માગી. પછી ત્રીજી, ચોથી અને પાંચમી ચીર ગુલામ માગતો જ ગયો અને મહમૂદ ગઝનવીએ એને આપી. હવે છેલ્લી ચીર રહી હતી. ગુલામે એ માગી. બાદશાહે પ્યારા ગુલામને કહ્યું, ‘આ એક બાકી રહેલી છેલ્લી ચીર તો મને ખાવા દે.’ ગુલામે કહ્યું, ‘ના માલિક. મને ખાવા દો. મને આપો. એમ કહીને બાદશાહના હાથમાંથી એ ચીર છીનવી લેવાની કોશિશ કરી.’ મહમૂદ ગઝનવી અકળાયો. બાદશાહ સામે આવી ગુસ્તાખી ! આ ગુલામને એની હેસિયત અને મારી ભૂખનો કશો ખ્યાલ નથી ! આથી ગુલામ હાથમાંથી ચીર ઝડપે એ પહેલાં પોતે જ એને મોંમાં મૂકીને ખાવા લાગ્યા. તરત જ મોંમાંથી એ ચીર ફેંકી દેતાં મહમૂદે કહ્યું, ‘અરે ! આ તો કડવી ઝેર જેવી ચીર છે અને તું આટલી બધી ચીર ખાઈ ગયો ? કહેવું તો હતું કે કડવું વખ ફળ છે. તું તો વધુ ને વધુ માગતો રહ્યો. જાણે કોઈ અમૃત ફળ ન હોય !’ ગુલામે કહ્યું, ‘બાદશાહ, જિંદગીમાં ઘણી મધુર ચીજો આપના હાથે આપી છે. એનાથી મારી જિંદગી રોશન થઈ છે. એકાદ કડવી ચીજ એ જ હાથ પાસેથી મળે તો તેમાં વાંધો શું ? તમારા હાથે મને કેટલું બધું સુખ આપ્યું છે ? હવે એની પાસેથી થોડુંક દુઃખ મળે તો તે પણ સદભાગ્ય ગણાય. જે કંઈ આપના હાથના સ્પર્શથી મળે, તે બધાથી હું ધન્યતા અનુભવું છું.’

માનવી જીવનમાં પોતાના સ્વજનો પાસેથી સદૈવ સુખની આશા રાખે છે, કિંતુ પૂર્ણ સુખ કદી કોઈને પ્રાપ્ત થયું છે ખરું ? સુખના સાગરમાં દુ:ખની સરિતાનો સંગમ સધાતો હોય છે. મધુર ફળોની સાથે ક્યારેક કડવી ચીર પણ ખાવી પડે છે.

કુમારપાળ દેસાઈ

ત્યાગનો રાગ ત્યજવો મુશ્કેલ છે !


માનવીમાં અહંકાર એટલી બધી સૂક્ષ્મતાથી પ્રવર્તતો હોય છે કે એને સ્વયં એનો ખ્યાલ હોતો નથી. કોઈ માણસને તમે કૉફી આપો એટલે કહેશે કે મને માફ કરજો, હું કૉફી ક્યારેય પીતો નથી, ચાનું પૂછો તો જવાબ પરખાવશે કે ચા તો જિંદગીમાં કદી ચાખી નથી. લીંબુના શરબતની વાત કરશો તો કહેશે કે એ મને ભાવતું નથી. કોઈ પીણાનું પૂછશો તો કહેશે કે એવાં પીણાંને હું હાથ પણ અડાડતો નથી, ત્યાં હોઠે અડાડવાનું તો ક્યાં ? તમે એને પૂછતા રહેશો અને એ સતત ઇન્કાર કરતો રહેશે, પરંતુ એ માણસ પોતે શું લેશે એ પહેલાં કહેશે નહીં, કારણ કે એણે પોતાની જાતનો મહિમા કરવા માટે ‘નથી લેતો’નું શરણું લીધું છે. એનો પ્રયાસ પોતાને સંયમી દર્શાવવાનો હોય છે, પરંતુ એનો એ સંયમ અહંકારમાં પરિવર્તિત થઈ ગયો છે. આવા ઇન્કાર દ્વારા એ પોતાના અહંકાર પર સંયમનું આવરણ ઓઢાડે છે. પોતાની જાતને અત્યંત ગુણવાન પુરવાર કરવા માટે એ સતત હવાતિયાં મારતો હોય છે. એનું જીવન અપારદર્શક રાખીને પોતાના અહંકારને આગળ ધરતો હોય છે. એ પોતાની આવશ્યકતા સીધેસીધી જણાવવાને બદલે સામી વ્યક્તિના પ્રશ્નની રાહ જુએ છે. ક્યારેક તો ભોજન પીરસાઈ રહ્યું હોય, ત્યારે ‘આ ખાતો નથી’ અને ‘આ લેતો નથી’નું રટણ શરૂ કરે છે. સીધેસીધી વાત કરે, તો અન્ય વ્યક્તિનો શ્રમ ઓછો થાય, પરંતુ  પોતાના અવળીમતિયુક્ત અહંકારને કારણે એ સીધી લીટીમાં ચાલી શકતો નથી. પોતાને અમુક વાનગીની બાધા છે એ કહેતો નથી પણ જ્યારે એ વાનગી એને પીરસવામાં આવે ત્યારે એના ઇન્કારની અહંકારભરી ગર્જના કરે છે. ઘણી વાર સાધક કે ત્યાગી આવા અહંકારમાં કેદ થઈ જાય છે અને પછી પોતાના ત્યાગને દર્શાવવાનો રાગ એને વળગી પડે છે.

કુમારપાળ દેસાઈ

ભગવાન બુદ્ધની ખેતી !


મગધ રાજ્યના નાનકડા ગામમાં વસતા બ્રાહ્મણ ભારદ્વાજે એક ભોજન-સમારંભ યોજ્યો હતો. એના ખેતરમાં આકરી મહેનત કરીને ધાન્ય ઉગાડનારા ખેડૂતોને એ મિજબાની આપતો હતો. આ સમયે ભગવાન બુદ્ધ અહીંથી પસાર થતા હતા. એમણે આ દૃશ્ય જોયું એટલે તેઓ ખેતરના છેડે ભિક્ષાપાત્ર લઈને ઊભા રહ્યા. બ્રાહ્મણ ભારદ્વાજની આ ભિક્ષુક પર નજર પડી. એ ભગવાન બુદ્ધને જાણતો નહોતો. એણે તો વિચાર્યું કે ક્યાં રાત-દિવસ પરસેવો પાડીને કામ કરતા આ ખેડૂતો અને ક્યાં આ તૈયાર ભોજન આરોગતા ભિક્ષુઓ ! ન એમને કશું વાવવાનું છે કે ન કશું લણવાનું છે ? એમને તો માત્ર તૈયાર ભોજન ઉડાડવાનું છે. બ્રાહ્મણ ભારદ્વાજે ભિક્ષાપાત્ર લઈને ઊભેલા ભગવાન બુદ્ધને કહ્યું, ‘અમે તો મહેનતનું રળી ખાનારા છીએ. ધોમધખતા તાપમાં ખેતર ખેડું છું. મુશળધાર વરસાદ વચ્ચે વાવણી કરું છું અને કડકડતી ઠંડીમાં લણણી કરું છું. રાત-દિવસ ખેતીનું ધ્યાન રાખું છું અને એમાંથી ઊગેલા અનાજથી મારો નિર્વાહ ચલાવું છું. તમે આવી કોઈ મહેનત કરતા નથી અને માત્ર ભિક્ષા માગતા ભટકી રહ્યા છો.’

ભગવાન બુદ્ધે હસીને કહ્યું, ‘ભાઈ, હું પણ ખેતી કરું છું. માત્ર તારાથી થોડા જુદા પ્રકારની.’ આ સાંભળીને બ્રાહ્મણ ભારદ્વાજ ખડખડાટ હસી પડ્યો, ‘તમે અને ખેતી ? તમે તો ખેડવાને બદલે વિહાર કરો છો. વાવણી કરવાને બદલે યાચના કરો છો અને લણણી કરવાને બદલે અમારી સમક્ષ ભિક્ષાપાત્ર ધરો છો. તમે તે વળી ક્યાંના ખેડૂત ? નથી તમારી પાસે હળ કે નથી કોઈ ઓજાર. છે માત્ર ભિક્ષાપાત્ર. તમારી ખેતી તે વળી કયા પ્રકારની ?’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘પ્રજ્ઞા એ મારું હળ છે. પાપભીરુતા એ હળનો વચલો દાંડો છે. મનરૂપી દોરાથી તે હળ બાંધેલું છે. સ્મૃતિ એ મારા હળનું ફળુ છે. અને એ જ મારી ચાબુક છે. મારો ઉત્સાહ એ મારા બળદ છે. શ્રદ્ધા એ બીજ છે. તેના પર સદાચરણરૂપી વર્ષા થાય છે. મારી ખેડની દિશા એ નિર્વાણ છે. મારી ખેતી એ સર્વ દુ:ખથી મુક્ત કરીને અમૃત ફળ આપનારી છે.’ બ્રાહ્મણ ભારદ્વાજ સંતોની ખેતીને સમજ્યો. એ તરત જ મોટી થાળીમાં દૂધની ખીર લઈને આવ્યો અને કહ્યું, ‘હે ભગવન્ ! આપ આ ખીરનો સ્વીકાર કરો. હું તો જમીનની ખેતી કરું છું. આપ તો માનવમનમાં પુણ્યની ખેતી કરો છો.’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘હે ભારદ્વાજ ! મને ભિક્ષા આપવામાં તને સંશય જાગ્યો, માટે આજે તારી આ ભિક્ષા નહીં સ્વીકારી શકું. તું અન્ય કોઈ સંતને એનાથી સંતૃપ્ત કરજે.’

આજે સમાજમાં સાધુસંતોની ટીકા કરવાની એક ફૅશન ચાલી છે. ક્યાંક થોડોક સડો હોય તો આખા સાધુ સમાજને સડેલો બનાવવાની રીત ચાલી છે. આ દેશની સંસ્કૃતિને ટકાવી રાખનારું બળ સાધુ-સંતો હતા અને છે. માટે ખોટા સાધુને ખુલ્લા પાડીને સાચા સાધુનો સત્સંગ કરવો જોઈએ. ભગવાન બુદ્ધે બ્રાહ્મણ ભારદ્વાજને અંતિમ વાક્ય એ કહ્યું કે, ‘સાધુ-સંત એ પુણ્યનાં ખેતરો છે.’

કુમારપાળ દેસાઈ